આદમી કો ચાહિયે વક્ત સે ડર કર રહે, કૌન જાને કિસ ઘડી વક્ત કા બદલે મિજાજ

સાહિર લુધિયાનવીની કવિતા, જે 1965માં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વક્ત’માં સંગીતકાર રવિએ રાગ
ભૈરવીમાં સ્વરબદ્ધ કરી, મોહંમદ રફી પાસે ગવડાવી હતી… આ ગીત અથવા કવિતા આજે પણ સાંભળીએ તો લાગે કે
જાણે હમણા જ, થોડી મિનિટો પહેલાં લખાઈ છે. સાહિર સાહેબની કવિતામાં કદાચ આ ખૂબી છે, એમની કવિતાઓ
સમય સાથે કદમ મિલાવીને ચાલે છે. એમના શબ્દો શાશ્વત છે. આજથી પાંચ દાયકા કરતા વધારે સમય પહેલાં લખાયેલી
કવિતા જૂની નથી લાગતી… બલ્કે વધુ આજની અને આધુનિક લાગે છે.

આપણે બધા આમ તો સમયને કાંડે બાંધીને ફરીએ છીએ. જે લોકો ઘડિયાળ નથી પહેરતા એમના હાથમાં પકડેલા
નાનકડા સેલફોનના ડિવાઈસમાં સમય જાણે કે એમનો કેદી હોય એમ વર્તે છે. છેલ્લા કેટલાય સમયથી આપણે વારંવાર
એકબીજાને કહેતા રહ્યા, ‘ટાઈમ જ નથી…’ આ વાત જાણે ટાઈમ અથવા સમય, કે પછી કાળ સાંભળી ગયો હોય એમ
એણે, ‘તથાસ્તુ’ કહી દીધું. આપણી પાસે અચાનક જ જાણે સમય ખૂટવા માંડ્યો. ધાર્યું નહોતું, વિચાર્યું નહોતું કે કલ્પનામાંય
નહોતું એવા મિત્રો, સ્નેહી, સ્વજનો આપણને છોડીને ચાલી ગયા. એમનું જવું એ પણ આપણને ખૂટેલો સમય જ છે ને !
એમની સાથે સમય નહીં વિતાવી શક્યાનો અફસોસ આપણને જીવનભર રહેશે ને ! સમય એક જ એવી ચીજ છે જે સતત
આગળની તરફ વહે છે ને ગુમાવ્યા પછી પાછી મળતી નથી. “વખ્ત કી હર શહ ગુલામ, વખ્ત કા હર શહ પે રાજ.” કાળ-
સમય જ આપણા સૌથી સર્વોપરી છે ને છતાં જાણે-અજાણે આપણે બધા સમયનું અપમાન કરીએ છીએ. દિવસના ચોવીસ
કલાકમાંથી કદાચ આઠ કલાકની ઊંઘ અને ત્રણેક કલાક આપણા રોજિંદા નિત્યક્રમ માટે ફાળવીએ એ પછી વધતા 13
કલાકનો આપણે શું ઉપયોગ કરીએ છીએ ? એમાંથી કેટલો સમય સાચે જ ‘ઈન્વેસ્ટ’ કરીએ છીએ? ફેસબુક, ટ્વિટર,
ઈન્સ્ટાગ્રામ અને ઓટીટી આપણા કેટલા કલાક ખાય છે એનો હિસાબ લગાવીએ તો સમજાય કે આપણે વર્ષના હજારો
કલાક એક એવી પ્રવૃત્તિ પાછળ વેડફી દઈએ છીએ જેમાંથી કશું જ મળવાનું નથી. મનોરંજન કદાચ આપણી જરૂરિયાત
હોય તો પણ એ કેટલા કલાક અથવા કેટલી મિનિટની જરૂરિયાત છે એનો નિર્ણય આપણા સિવાય કોણ કરી શકે ?

છેલ્લા થોડા સમયથી, કોરોનાના ભયથી કે ઘરમાં પૂરાઈ રહેવાની અકળામણને કારણે, આર્થિક નુકસાનને કારણે કે
પછી ચારેતરફ વધતા જતા હતાશાના વાતાવરણને કારણે, જીવનની અનિશ્ચિતતા અને સ્નેહી સ્વજનોના મૃત્યુના સતત
મળતા સમાચારના આઘાતને કારણે… આપણે બધા એક ન સમજાય તેવા આક્રોશમાં ડૂબી ગયા છીએ. જરાક ક્યાંક
સળગતું દેખાય તો પાણીને બદલે ઘી-તેલ કે ઘાસલેટ લઈને દોડી જઈએ છીએ. ગુસ્સો, તિરસ્કાર અને કડવાશ આપણા
જીવનમાં એટલી હદે ઊંડી ઉતરી ગઈ છે કે હવે આપણે એનાથી એટલા બધા ભરાઈ ગયા છીએ, કે ભીતર જગ્યા નથી રહી
માટે એને સોશિયલ મીડિયા પર, સંબંધોમાં, ઘરમાં કે ચારેતરફ એની ઉલ્ટી કરતા થઈ ગયા છીએ. જરાક વિચારીએ તો
સમજાય કે, આજે આ સમયમાં જો સૌથી વધુ જરૂરિયાત કોઈ એક વાતની હોય તો એ માનસિક સ્વસ્થતાની છે, સમતાની
અથવા શાંતિની છે…

સમય એક એવું ખેતર છે જે અતિશય ફળદ્રુપ છે. એમાં જે વાવીએ એ અચૂક ઊગે છે, અનેકગણું થઈને ઊગે છે.
કડવાશનું એક બીજ કડવાશના આખા છોડને ઉછેરે છે, તિરસ્કારનો એક નાનકડો અંશ તિરસ્કારના વૃક્ષને આપણા મનની
જમીનમાં ઊભું કરી દે છે. સમય અથવા વક્તને કાળ, કાલ કહે છે. આ કાલ શબ્દને ‘ગઈ’ અને ‘આવતી’… બંને સાથે
જોડી શકાય છે. આપણે જ્યારે ગઈકાલ કહીએ છીએ ત્યારે એ વિતી ગઈ છે, પસાર થઈ ગઈ છે. હવે એમાં કશું બદલી
શકાય એમ નથી, એ સત્ય આપણે બધાએ સમજી લેવું પડે, પરંતુ જ્યારે આવતી અથવા આવી રહેલી કાલ, કે આવી રહેલા
કાળની વાત કરીએ ત્યારે એમાં અપાર શક્યતાઓ પડેલી છે. સારી અને ખરાબ બંને.

આજનો અર્થ છે, હમણા, અત્યારે, આ પળ… ગઈ, ને આજ સાથે સંબંધ નથી પણ આવતી અથવા આવી
રહેલીને ચોક્કસ આજ સાથે સંબંધ છે. જે આજમાં સમજણના, ક્ષમાના, સ્વીકારના બી વાવે છે એને આવતીકાલે શાંતિ
કે સ્નેહના ફળ મળશે એ નક્કી છે. સમય કોઈનો મોહતાજ નથી, એ કોઈની શેહ ભરતો નથી, કોઈની જીહજુરી કે
ચાપલુસી કરતો નથી. વિશ્વમાં જો કશું તદ્દન ન્યુટ્રલ અથવા બેલેન્સ હોય તો એ સમય છે, વક્ત ! માણસે બીજા કશાયથી
નહીં, તો સમયથી ડરવું જોઈએ, કારણ કે સમયે પોતાની મુઠ્ઠીમાં સમગ્ર જગતને બાંધી રાખ્યું છે.

કોરોના તો કદાચ થોડા દિવસોમાં, થોડા મહિનાઓમાં પૂરો થઈ જશે. આર્થિક સંકડામણમાંથી પણ ફરી એકવાર
બેઠા થઈ શકીશું, પરંતુ આ ખરાબ સમયમાં સાચવેલા અને ગુમાવેલા બંને પ્રકારના સંબંધોના પરિણામ આપણે
ભોગવવાના છે. કોરોના કાયમી નથી, એની સાથે જોડાયેલી સમસ્યાઓ પણ કાયમી નથી, પણ લાગણીઓ કાયમી છે.
પ્રેમ, સ્નેહ અને સંબંધો આપણે છીએ ત્યાં સુધી તો છે જ.

વડીલો કહેતા, કે ‘વખતને વરતીને ચાલવું જોઈએ.’ એનો અર્થ જ એ છે કે, માણસે સમયને ઓળખીને, સમયથી
ડરીને ચાલવું જોઈએ કારણ કે, સમયનો મિજાજ પલટાય એ પછી કોઈ પ્રયાસ, કોઈ પ્રાર્થના કે કોઈ પરિસ્થિતિ આપણને
બચાવી શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *