આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં…

એક જાણીતા ગુજરાતી પરિવારના દીકરાના લગ્ન થયાને હજી એક વર્ષ થયું, પતિ-પત્ની વચ્ચે
ખટરાગ થયો અને હવે વાત છૂટાછેડા સુધી આવી ગઈ. દીકરીનાં માતા-પિતા છોકરા ઉપર જાતભાતના
આક્ષેપો અને આરોપો કર્યાં, પરંતુ છોકરાના પિતાએ ખૂબ શાંતિથી કહ્યું, ‘વાંક બંનેનો હશે, પણ અમારા
દીકરાનો વધારે છે કારણ કે, એણે ગુસ્સામાં કોઈની દીકરી પર હાથ ઉપાડ્યો છે.’ એટલું જ નહીં, છોકરાના
પિતાએ બે હાથ જોડીને પુત્રવધૂની અને પુત્રવધૂના પરિવારની માફી માગી. બધો સામાન પાછો આપ્યો
એટલું જ નહીં, મિટિંગ પૂરી થઈ ત્યારે પુત્રવધૂના માથે હાથ મૂકીને કહ્યું, ‘તને દીકરી માની છે અને તું
દીકરી જ છે. તને જ્યારે ઈચ્છા થાય ત્યારે તું મળવા આવી શકે છે. ક્યારેય પણ જરૂર હોય તો હું ઊભો
જ છું.’

લગ્નની શરૂઆતના વર્ષો પતિ અને પત્ની બંને માટે અઘરાં જ હોય છે. ખાસ કરીને, હવે જ્યારે
લગ્નો મોટી ઉંમરે થવા લાગ્યા છે ત્યારે 28-29 વર્ષ સુધી સ્વતંત્ર રહેલા, પોતાની મરજીથી જીવેલા અને
આર્થિક રીતે સ્વતંત્ર એક પુરુષ અને એક સ્ત્રી જોડાય ત્યારે બંનેએ પોતપોતાના પક્ષે નાનામોટા સમાધાન
કરવાં પડે છે. આ સમાધાનને ‘સહન કરવું’ કે ‘શોષણ’, ‘ડોમિનેશન’ જેવા લેબલ ચોંટાડવાને બદલે જો
સમાધાન જ રહેવા દઈને સમજણપૂર્વક સંબંધને ગોઠવવામાં બંને જણાં પ્રયાસ કરે તો કદાચ છૂટાછેડાના
વધતા આંકડા ઉપર થોડું ઘણું નિયંત્રણ લાવી શકાય.

ભણેલી, કમાતી દીકરીનાં માતા-પિતા આજના સમયમાં એને એવી સલાહ આપે છે જે એના
લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવા સિવાયનું બીજું કંઈ જ કરતી નથી. દીકરીનાં માતા-પિતાએ એને
દબાવાની, કચડાવાની કે ડોમેસ્ટિક વાયોલેન્સ, અપમાન સહન કરવાની સલાહ ન જ આપવી જોઈએ,
પરંતુ સાથે સાથે નાની નાની વાતને ‘સ્વમાન’નો પ્રશ્ન બનાવી એમાંથી મુદ્દા શોધીને ઝઘડા કરવાથી
સંબંધ નબળો પડશે એ વાત પણ દીકરીને સમજાવવાની જવાબદારી માતા-પિતાની જ છે. ખાસ કરીને,
દીકરીની માતા કોઈક કારણસર બહુ આક્રમક અને બિનજરૂરી રીતે દીકરીનાં જીવનમાં દખલ કરતી થઈ
ગઈ છે. એક જ સંતાનનો પરિવાર હોય ત્યારે દીકરીનાં પરણી ગયા પછી ગૃહિણી તરીકે જીવતી માને
ખાસ કોઈ કામ હોતું નથી. દીકરી સાથે દિવસમાં ત્રણવાર વાત કરીને સતત એના ઘરમાં શું ચાલે છે એ
વિશે જાણવું, સાચી-ખોટી સલાહ આપવી અને કદાચ કોઈ ન બનવા જેવો પ્રસંગ બને, પતિ-પત્ની વચ્ચે
ઝઘડા થાય ત્યારે ‘સાંભળી ના લઈશ’ કે ‘આપણે પણ સંભળાવી દેવાનું’ જેવી સલાહો આપીને માતા
દીકરીનાં સંસારને પલિતો ચાંપવાનું કામ કરે છે.

કેટલાય પરિવારોમાં લગ્ન કરીને આવેલી પુત્રવધૂ પોતાના ઘરની રજેરજ વિગતોની મા સાથે ને
ક્યારેક પિતા સાથે પણ ચર્ચા કરે ત્યારે માતા-પિતાએ સમજવું જોઈએ કે એ ફક્ત દીકરીને વર્ઝન (એની
જ કેફિયત) સાંભળે છે, જે સ્વાભાવિક રીતે એની દૃષ્ટિએ અને એના તરફી જ હોય. બીજી એક મહત્વની
વાત એ છે કે, પરિવારના વડીલ અથવા મોભીએ પરણીને આવેલી પુત્રવધૂને પોતાના પરિવારના કેટલાક
નિયમો, પરંપરા કે જરૂરિયાતો સમજાવવાનું અને સમય આવે એનું પાલન કરાવવાનું કામ કરવું પડે છે.
આપણે બધા બહુ મોર્ડન થઈ ગયા છીએ, એટલે આવેલી પુત્રવધૂને ‘દીકરી’ જ માનીને એને સ્નેહ કરીએ,
પૂરી સ્વતંત્રતા મળે એની કાળજી રાખીએ ત્યાં સુધી બધું જ બરાબર અને યોગ્ય છે, પરંતુ જ્યારે એ
પોતાની જાતને આ ઘરની દીકરી માનવાને બદલે ‘વહુ’ જ માનતી હોય ત્યારે આ સ્વતંત્રતાનો દુરુપયોગ
થાય એ વિશે પણ ઘરના વડીલે સજાગ રહેવું જરૂરી છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે, બેવકૂફના બકવાશ કરતા જ્ઞાનીનું મૌન વધુ ભયજનક છે… આ વાત
પરિવારમાં પણ બહુ સાચી છે. જ્યારે જ્યારે યુવાન પુત્રવધૂની કોઈ ભૂલ થાય કે એનું કોઈ વર્તન
સાસરીના પરિવારને યોગ્ય ન હોય ત્યારે એનું સન્માન જાળવીને સ્નેહપૂર્વક એને એ વાત કહેવી જરૂરી
છે.

યુવાન પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય, દલીલ થાય, મનદુઃખ થાય કે વાત વધી જાય ત્યારે ‘આપણે
કેવી રીતે બોલીએ?’ એમ વિચારીને કે ‘એમની જિંદગી છે, એ લોકો જ સોલ્વ કરશે’ એવું માનવાને બદલે
પોતાના અનુભવ અને સમજણથી એમના સંબંધોને દ્રઢ બનાવવા માટે જે કરવું પડે તે કરવું જ જોઈએ.
એને ઈન્ટરફિયરન્સ નહીં, બલ્કે શિખામણ અને સમજણ કહેવાય. મોટાભાગના પરિવારોમાં આજે
વડીલો પોતાની ભૂમિકા નિભાવતા નથી, જેને કારણે યુવા દંપતિઓ વચ્ચેની સમસ્યાઓ વધતી જાય છે,
એવી જ રીતે જે પરિવારોમાં દીકરીનાં લગ્ન થઈ ગયા પછી પણ માતા-પિતા એને પોતાના પરિવારમાં
એડજેસ્ટ થવાનો સમય કે સમજણ આપતા નથી. એમની દીકરીઓનાં છૂટાછેડા થાય છે…

છૂટાછેડા એ કોઈ શરમજનક કે અપમાનજનક શબ્દ નથી, પરંતુ યોગ્ય કારણ વગર ફક્ત નાના
નાના મનદુઃખોને કારણે જ્યારે એક યુગલ છૂટું પડે છે ત્યારે એની અસર માત્ર પરિવાર ઉપર નહીં, બલ્કે
આખી સમાજ વ્યવસ્થા પર થાય છે. ખાસ કરીને, જ્યારે આવા યુગલને બાળક હોય ત્યારે એ બાળકની
કસ્ટડીથી શરૂ કરીને એની માનસિકતા અને એના વિકાસ ઉપર પણ આવાં માતા-પિતાના વર્તાવ અને
એમના છૂટાછેડાની અસર થાય છે. આવું બાળક સામાજિક રીતે નોર્મલ જીવન જીવી શકતું નથી, આ
વાત અનેક સર્વેમાં સાબિત થઈ ચૂકી છે.

જે ગુજરાતી પરિવારમાં છૂટાછેડા થયા એ પરિવારે તો છોકરીને કોઈ આક્ષેપ કર્યાં વગર સ્નેહ
અને સન્માનપૂર્વક વિદાય આપી, પરંતુ મોટાભાગના પરિવારોમાં ચારિત્ર્યથી શરૂ કરીને નપુંસકતા
સુધીના આક્ષેપો અને એકબીજા પરત્વે વેર રાખીને સમાજમાં બદનામી કરવા સુધીની પરિસ્થિતિ ઊભી
થાય છે.

આજે, સમાજ જ્યાં પહોંચ્યો છે ત્યાં સ્વતંત્રતાના નામે ઈગો, સ્વમાનના નામે અહંકાર અને
સમોવડા હોવાના નામે પરસ્પરનું અપમાન કરવાની જે રીત ચાલી છે એમાં લગ્ન સંસ્થા તૂટી રહી છે.
ઈન્સ્ટિટ્યૂશન તરીકે લગ્ન ન ટકે તો બહુ મોટી સમસ્યા નહીં થાય એવું એકવાર સ્વીકારી લઈએ તો પણ,
જે લોકો છૂટા પડે છે એમને પોતાની વૃધ્ધાવસ્થા વિશે કે એમના સંતાનના ભવિષ્ય વિશે વિચારીને જરા
જેટલો પણ ભય નહીં લાગતો હોય?

લગ્નનો વિચાર જ એકમેકની સાથે વૃધ્ધ થવાનો છે જેથી સંતાનો પોતાની દિશામાં જતા રહે
અને માતા-પિતા જીવિત ન હોય ત્યારે યુગલ પરસ્પરના આધારે જીવી શકે. એમની પાસે સહજીવનની
સ્મૃતિ હોય જે એમના સ્નેહને ટકાવી રાખે… આ બધું હવે ‘આઉટ ડેટેડ’ છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *