આપણા સૌમાં અસૂર છે… છે જ !

વલસાડ જિલ્લા નજીક દમણના બામણપૂજા વિસ્તારમાં એક સગીર છોકરા ઉપર ચોરીનો આરોપ
મૂકીને એને એક ટોળાંએ અમાનવીય રીતે માર્યો. એટલું ઓછું હોય એમ એનો વીડિયો વાયરલ કરવામાં
આવ્યો… એ પહેલાં 10 ડિસેમ્બરે બિહારમાં એક 50 વર્ષના માણસને આ જ રીતે મારી નાખવામાં
આવ્યો, 20 જૂને ત્રિપુરામાં ત્રણ જણાં, મે 29એ છત્તીસગઢમાં બે જણાં… આવા કેટલા કિસ્સા
આપણને રોજે રોજ વાંચવા કે જાણવા મળે છે. પોલીસની પ્રતિક્ષા કર્યા વગર ટોળું પોતે જ ન્યાય કરીને
પોતાની જાતે જ શકમંદને સજા આપે છે. આ સજા અમાનુષી અને ભયાનક હોય છે. સોશિયલ મીડિયાને
કારણે હવે આવી સજાના વીડિયો વાયરલ થાય છે… ટોળાંના અમાનવીય વર્તનને પબ્લિક પ્લેટફોર્મ પર
મૂકવામાં આવે છે. દુઃખની વાત એ છે કે, આવા પબ્લિક પ્લેટફોર્મ પર મૂકાયેલા અમાનુષી વીડિયોને
લાખોમાં વ્યૂ અને શેરિંગ મળે છે. આજે જ્યાં અત્યાચાર કે મૃત્યુને પણ તમાશો બનાવીને વેચવામાં આવે
છે. આયેશાનો વીડિયો હોય કે રેસિપીની યુટ્યુબ ચેનલ, રિશી કપૂરના છેલ્લા કલાકોનો વીડિયો કે પબ્લિક
ડેમોન્સ્ટ્રેશન ઓફ અફેક્શન… બધું જ હવે બજારમાં છે. સોશિયલ મીડિયાના વધતા વ્યાપ સાથે હવે
જિંદગીનો દરેક પ્રસંગ તમાશો બનતો જાય છે.

સુરતમાં કોચિંગ ક્લાસમાંથી કૂદતા લોકોનો વીડિયો કે હિમાચલ પ્રદેશમાં પૂરમાં તણાતા લોકોના
વીડિયો… આપણે હવે દરેક વાતને લોકો સુધી પહોંચાડવાના કોઈક વિચિત્ર માનસિક રોગનો શિકાર થતા
જઈએ છીએ. મરતા વ્યક્તિને બચાવવાને બદલે એનો વીડિયો બનાવીને આપણને કેટલા વ્યૂ મળશે એની
ગણતરીમાં આપણે માણસાઈ ભૂલતા જઈએ છીએ. હવે દરેકને પ્રસિધ્ધ થવું છે, એ માટે જે કરવું પડે તે
કરવા મોટાભાગના લોકો તૈયાર છે. પોતાની કે બીજાની જિંદગીને તમાશો બનાવી દઈને આપણે વ્યૂના
નંબર વધારવા છે, બસ !

એક તરફથી આપણે પ્રાઈવસીની વાત કરીએ છીએ. પડોશી અમસ્તો સવાલ પૂછી લે તો એની
મજાક બનાવીએ છીએ. ટીનએજ કે યુવાન સંતાનની જિંદગીમાં માતા-પિતાએ દખલ ન કરવી જોઈએ
એવી કોઈક અર્થ વગરની પશ્ચિમી માનસિકતાનો આપણે પ્રચાર કરીએ છીએ, ને બીજી તરફ જેમને
ઓળખતા નથી, કોઈ લેવાદેવા નથી એવા લોકો આપણે વિશે બધું જ જાણે એનો આપણને વાંધો નથી.

બીજો મુદ્દો એ છે કે, જ્યારે જ્યારે આવા શકમંદ પકડાય છે ત્યારે ટોળાની માનસિકતા અમાનુષી
બની જાય છે. અજાણતાં જ આખી દુનિયા ગુસ્સામાં છે, ફ્રસ્ટ્રેટેડ અને ભીતરથી વધુને વધુ કડવી બનતી
જાય છે. આપણે સુખ અને સગવડના સાધનો વધારતા જઈએ છીએ, પરંતુ બીજી તરફ સૌથી વધારે
વેચાતી દવાઓ એન્ટી ડિપ્રેશન્ટ છે. આપણે મોટિવેશનલ અને ધાર્મિક ચેનલો વધારતા જઈએ છીએ,
પણ બીજી તરફ માણસમાંથી બેઝિક માણસાઈ એટલી તો ઘટી ગઈ છે કે, સામાન્ય દયા, સંવેદના કે સાદી
સહિષ્ણુતા પણ જોવા મળતી નથી.

ટોળામાંથી એક માણસ પોતાનું ઝનૂન ઉતારવાનું શરૂ કરે છે, બાકીના લોકોને આ ઝનૂન જોઈને
પોતાની અંદર રહેલી હતાશા કે ક્રોધ ઉતારી નાખવાનું સાધન જડે છે. બોસ, પત્ની, પતિ, માતા-પિતા
જેવા અનેક લોકો ઉપર ચડેલો ગુસ્સો સાવ અજાણી વ્યક્તિ પર ઉતારી નાખવાનું કદાચ સરળ પડતું
હશે… એનો સુષુપ્ત ગુસ્સો (કદાચ એને સમજાતો નથી કે ખબર પણ નથી) છે કે, પોતે જે મેળવવા માગે
છે તે એને મળતું નથી. સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ કે વૈભવી જીવન જીવતા લોકોના વીડિયો જ્યારે એની પાસે
આવે છે ત્યારે એને પોતાની ઓછપનો અહેસાસ વધુ ડંખે છે. એવી જ રીતે જ્યારે બીજા પીડાતા, દુઃખી
કે માર ખાતા લોકોના વીડિયો માણસ જુએ છે ત્યારે એને લાગે છે કે, ‘બરોબર છે… આવું જ થવું
જોઈએ.’

રસ્તા ઉપર ગાડી અથડાય કે પડોશીના ઘરમાંથી કચરો આપણા આંગણામાં પડે, કોઈએ ઉધાર
લીધેલા પૈસા પાછા ન મળે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ આપણો પ્રેમ ન સ્વીકારે અથવા બેવફાઈ
કરે… આવી અનેક બાબતોની સજા હવે મૃત્યુથી ઓછી નથી ! હોમી સાઈટ-માણસનું ખૂન તો જાણે રમત
વાત બનતી જાય છે. આવું શા માટે થયું છે, થઈ રહ્યું છે એ સમજવા જેવું છે. રોજેરોજ આપણી ઉપર
માહિતીનો મારો કરવામાં આવે છે. જરૂર હોય કે નહીં, આપણે બધા આ માહિતી તરફ નજર તો
નાખીએ જ છીએ. આ માહિતી આપણા મગજમાં એક ક્લસ્ટર (ગૂંચવણ) ઊભું કરે છે. આપણે નક્કી
નથી કરી શકતા કે આ માહિતી જે આપણને મોકલવામાં આવી છે એનો આપણે કેવો અને કેટલો ઉપયોગ
કરવો જોઈએ. એક મગજ સંઘરી શકે એનાથી વધુ માહિતી જ્યારે ભેગી થઈ જાય છે ત્યારે એ માહિતીને
કોઈપણ રીતે ક્યાંક ધકેલી દેવાનું આપણને અનુકૂળ પડે છે, ફોરવર્ડની પાછળ આવી જ કોઈક માનસિકતા
રહેલી છે.

સારા કે ખરાબ પ્રસંગે આપણે હાજર હોઈએ ત્યારે એ પ્રસંગ વિશે આપણે સામાન્ય રીતે
સાક્ષીભાવ કેળવી શકતા નથી, તમાશબીન બની જઈએ છીએ. જે તમાશો આપણે જોઈ રહ્યા છીએ,
એ બીજા પણ જુએ… એવી અજાણતાં જ આપણને ઈચ્છા હોય છે. જે લોકો અત્યારે અહીંયા હાજર
નથી એમને પણ આ ઘટના પહોંચાડવાની આપણી ગોસિપવૃતિ આપણને આવા વીડિયો શૂટ કરવા અને
એને પછી વાયરલ કરવા તરફ ધકેલે છે. દુનિયાની દરેક ઘટનાને અમર કરી દેવાની માનવીય ઝંખના પણ
આમાં સામેલ છે. દુઃખની વાત એ છે કે, આપણા હૃદયમાં હવે સામે દેખાતા પ્રસંગ વિશે કોઈ સુખ કે
દુઃખ, પીડા કે સંવેદના નથી… દરેક પ્રસંગને આપણે માત્ર તમાશા તરીકે જોતા થઈ ગયા છીએ. જ્યાં
સુધી એ સીધે સીધું આપણું પોતાનું દુઃખ ન હોય ત્યાં સુધી આપણને કોઈનું દુઃખ સ્પર્શતું નથી કારણ કે,
લગભગ દરેક માણસ હતાશ છે, નિરાશ છે. અધૂરપ, અભાવ, હરિફાઈ, સરખામણી અને ઈર્ષાએ એને
એટલો બધો ગ્રસી લીધો છે કે હવે જો પોતાની નજર સામે કોઈ દુઃખી છે, પીડાય છે કે મરી રહ્યું છે તો
એ માણસની જગ્યાએ ‘પોતે’ નથી એ વાતનો સંતોષ એને આવા વીડિયો કરીને વાયરલ કરવા મજબૂર કરે
છે.

‘ટોળાંને અક્કલ નથી હોતી’ એ વાત આવા વીડિયોથી સ્પષ્ટ થાય છે. વીડિયો ઉતારી રહેલો
માણસ બચાવવાનો પ્રયાસ કરવા જાય તો ટોળું એને પણ ધીબી નાખે… કારણ કે, આપણે બધા જ
આપણામાં રહેલા રાક્ષસને બહાર કાઢવાનું કારણ શોધતા થઈ ગયા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *