આપણે ધાર્મિક છીએ ? એકવાર ચેક કરી લો…

છેલ્લા થોડા સમયથી, ખાસ કરીને કોરોના પછી લગભગ દરેક માણસ ફિલોસોફર બની ગયો છે… દરેકે પોતાના જીવનને નવેસરથી જોવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં ભૂલ હતી કે ખોટું હતું એ બદલીને દરેકે પોતાની જિંદગીમાં કંઈક ફેરફાર કર્યો છે. દોડતો માણસ શાંત થયો છે અને આળસુ, રોજની જિંદગી જીવનારા માણસને તકલીફ અથવા સમસ્યાના સમયમાં જરૂર પડશે માટે બચાવવાની અક્કલ આવી છે ! સંબંધોમાં પણ બહુ ફેરફાર થયો છે. કેટલાક લોકોને પોતાના પરિવારનું મૂલ્ય સમજાયું છે તો કેટલાક લોકોને સાથે રહેવાથી સામેની વ્યક્તિના દુર્ગુણો પણ દેખાયા છે… કેટલાક સંબંધો સુધર્યા છે, તો વળી કેટલાક સાવ તૂટી જવાની કગાર પર આવીને ઊભા છે.

આ બધું કઈ રીતે થયું ? સમજવાનો પ્રયત્ન કરીએ, તો સમજાય કે આપણે આપણી જાતને, આપણા સંબંધોને અને આપણા જીવનને બદલે કોઈક બીજી જ વસ્તુઓને મહત્વ આપીને જીવતા રહ્યા ! પૈસા, સગવડ, ગાડીઓ… જરૂરી છે, પરંતુ અનિવાર્ય નથી. આપણને લાગતું રહ્યું કે સગવડ હશે તો બધું ગોઠવાઈ જશે ! સત્ય એ છે કે સગવડ હતી તેમ છતાં એ સગવડને માણી શકવાની માનસિકતા આપણી પાસે નહોતી. શું છે આ માનસિકતા ? એવી કઈ સ્થિતિ છે જે
આપણને ઉત્તમ રીતે જીવતાં શીખવે છે ? આપણી પાસે બધું હોય તેમ છતાં જો આપણે સુખી ન હોઈએ તો શું કરવું જોઈએ ? છેલ્લા સમયમાં, ખાસ કરીને ગયા વર્ષ પછી માણસની ધર્મ વિશેની માનસિકતા પણ બદલાઈ છે. જે લોકો ઈશ્વરમાં નહોતા માનતા એવા ઘણા બધા કુદરતનો કોપ જોઈને પરમતત્વમાં કે કોઈ સર્જનહાર જેવા અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવતા થયા છે. જે લોકો અંધશ્રદ્ધાળુ હતા એ હવે ધર્મની સાચી વ્યાખ્યા શોધવા લાગ્યા છે. ઘરમાં પુરાયેલા, કે પરિવાર
સાથે સમય નહોતો ગાળ્યો એવા લોકોને પોતાના અસ્તિત્વ અને પોતાના ‘ધર્મ’નું ભાન થયું છે. આ ધર્મ એટલે કર્મકાંડ નહીં જ… અહીં જે ધર્મની વાત કરી રહ્યા છીએ તે મનુષ્ય ધર્મની વાત છે. આ કોરોનાની મહામારી પછી પોતાના અસ્તિત્વ વિશેની જાગૃતતા અથવા પોતાના જીવન સાથે જોડાયેલી જવાબદારીઓ વિશેની સજાગ સમજણ, આપણને બધાને ઓછાવત્તા પ્રમાણમાં ચોક્કસ આવી છે.

મનુસ્મૃતિનો એક શ્લોક ધર્મના દસ લક્ષણ વર્ણવે છે. આ દસ લક્ષણો વિશે શ્રી મનુએ બહુ સુંદર રીતે સમજાવ્યું છે. ધીરજ, ક્ષમા, દમ (દમન), અસ્તેય (ચોરી ન કરવી કે નિઃસ્પૃહ રહેવું), શૌચ (પવિત્રતા), ઈન્દ્રિયો પર કાબૂ, સાર અને અસાર સમાજનાર બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ (શાંતિ-સમાધાન-સ્વીકાર) આ ધર્મના દસ લક્ષણ છે.

ધૃતિઃ ક્ષમા દમોડસ્તેયં શૌચમિન્દ્રિયનિગ્રહઃ ।
ધી ર્વિદ્યા સત્યમક્રોધઃ દશકં ધર્મલક્ષણમ્ ।।

પહેલું લક્ષણ ધીરજ છે. આપણે બધા ધીરજમાં બહુ જ કંજૂસ થઈ ગયા છીએ. ‘સમય નથી’ અથવા ‘મોડુ થાય છે’ એ આપણા રોજના વાક્યો બની ગયા છે. વ્યવસાયનું કામ હોય, સંબંધ હોય કે પરિસ્થિતિ, આપણે આપણી રીતે અને આપણા સમયે ગોઠવવી છે ! જે શક્ય જ નથી.

બીજું લક્ષણ છે ક્ષમા, જે આપણા બધામાં ખૂટે છે. પાઠ ભણાવી દઈશ, સીધા કરી નાખીશ, અક્કલ ઠેકાણે લાવી દઈશ, માફ નહીં કરું કે વેર લઈશ જેવા શબ્દો આપણી રોજિંદી જિંદગીમાં આપણે કેટલી વાર વાપરીએ છીએ ? સાવ નિકટની વ્યક્તિ હોય કે તદ્દન અજાણી, રસ્તા પર થયેલો એક્સિડેન્ટ કે વિમાનમાં બાજુમાં બેઠેલો માણસ… આપણે નાનકડી ભૂલને પણ ક્ષમા કરી શકતા નથી, સામે અપેક્ષા એવી છે કે આપણા સ્વજન, પ્રિયજનથી શરૂ કરીને તદ્દન અજાણ્યા માણસ સુધીના બધાએ આપણને ક્ષમા કરવી જ જોઈએ. આપણી ભૂલ ‘અજાણતાં’ થાય છે જ્યારે બીજા બેવકૂફ, બેધ્યાન અને લુચ્ચા છે !!

દમન ત્રીજું લક્ષણ છે. વ્યસન, ચોરી, ઝઘડાના મૂળમાં શું છે ? આપણી ઇચ્છાઓ, આપણી વાસનાઓ… આપણે જે ઈચ્છીએ તે આપણને મળવું જ જોઈએ એવો આગ્રહ લગભગ દરેક વ્યક્તિ રાખે છે. આ ઇચ્છા જ્યારે પૂરી નથી થતી, ત્યારે એને પૂરી કરવાના સાચા-ખોટા રસ્તા અપનાવીને પણ પોતાને જોઈતે તે મેળવવાનો હઠાગ્રહ અંતે માણસને બરબાદ કરી નાખે છે. દમન એટલે રોજેરોજ ભૂખ્યા રહેવું, ઉપવાસ કરવા, રોઝા રાખવા કે શરીરને તકલીફ આપવી એવું નહીં, દમન એટલે આવી વાસનાઓ, ઇચ્છાઓ, ઝંખનાઓનું દમન ! એમાંથી જન્મ લેતા હઠાગ્રહોનું દમન.

અસ્તેય, ચોથું લક્ષણ છે. જો દમન કરીએ તો ચોરી કરવાની જરૂર પડતી નથી. આપણા મનમાં જન્મ લેતી દરેક ઇચ્છા પૂરી કરવી જ જોઈએ એવું શા માટે ? ચોરી માત્ર વસ્તુ કે પૈસાની નથી હોતી, ક્યારેક પ્રસિદ્ધિની લાલચમાં વિચારોની ચોરી તો ક્યારેક સત્તાની લાલચમાં વિશ્વાસની ચોરી… ચોરીને માત્ર દુન્યવી વસ્તુના અર્થમાં ન જોઈએ અને વિસ્તૃત અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો કામ ચોરી, મન ચોરી કે સત્યથી નજર ચોરી પણ અધર્મ છે.

શૌચ-અથવા પવિત્રતા, બહુ મોટી બાબત છે. એને નાહવા-ધોવા સાથે કે વસ્ત્રો સાથે સંબંધ જ નથી ! નાહી- ધોઈને પરફ્યુમથી મહેંકતા, લોન્ડ્રીમાં ધોએલા, કડક વસ્ત્રો પહેરતા લોકો પણ મનથી કેટલા અપવિત્ર હોઈ શકે એની આપણને ખબર જ છે. પવિત્રતાનો અર્થ શુદ્ધતા છે, સ્પષ્ટતા છે અથવા અપવિત્રતાથી દૂર રહેવું પણ એક પ્રકારની પવિત્રતા જ છે. ભીતરની, બહારની અને કુદરતની સાથે જોડાયેલા તત્વોની પવિત્રતા, નદી, જંગલ કે પર્વતો પર સ્વચ્છતા અને કુદરતે આપેલું સૌંદર્ય જાળવી રાખવું એ પણ પવિત્રતા છે.

ઈન્દ્રિયો પર કાબૂ, એટલે શું ? નાક, આંખ, કાન, સ્વાદ અને સેક્સ… આ બધા ઉપર કાબૂ આવી જાય તો માણસ આપોઆપ ધાર્મિક બની જાય. સેક્સનો ત્યાગ કે બ્રહ્મચર્ય એ ઈન્દ્રિય પરનો કાબૂ નથી. બલ્કે, એને સાચા અર્થમાં, સાચી ઉંમરે, સાચી જગ્યાએ (સાચી વ્યક્તિ સાથે) ભોગવવાની અનુમતિ આપણને શાસ્ત્રોએ આપી છે. જો શારીરિક સંબંધ પાક કે ગુનો હોત તો ગૃહસ્થાશ્રમની રચના જ ન થઈ હોત. કુદરતે સર્જન સાથે-માનવજાતના અસ્તિત્વ ટકાવવાની પ્રક્રિયા સાથે
શારીરિક સંબંધને જોડ્યો છે… એનો અર્થ એ થાય છે કે ગુનો કે પાપ નથી, પરંતુ એના પર વ્યક્તિનું નિયંત્રણ રહેવું જોઈએ. ઈન્દ્રિયો વ્યક્તિ ઉપર હાવી ન થવી જોઈએ. સ્વાદ અને શબ્દ, બે જીભનું કામ છે. એના પરનો કાબૂ આપણને સંબંધની સ્વસ્થતા આપે છે. દ્રષ્ટિ પરનો કાબૂ આપણને ગૌરવ અથવા શુદ્ધતા આપે છે. કાન પરનો કાબૂ આપણને વખાણ કે ટીકાથી પર રાખે છે અને સૌથી ઉત્તમ, સૌથી ઉપર શ્વાસ અથવા પ્રાણ પરનો કાબૂ આપણને યૌગિક સ્થિતિમાં લઈ જાય છે.

સાર અને અસારનો વિવેક, આ તો સૌથી મહત્વની વાત છે. એક વાર સારું-ખરાબ, કાળું-ધોળું, શુભ-અશુભ, સત્ય-અસત્ય, ભલું-બુરું જેવા શબ્દો વચ્ચેનો તફાવત સમજાઈ જાય તો જીવનમાં કોઈ સમસ્યા રહેતી નથી. જ્યારે આપણે સમજતા થઈએ ત્યારે સાચો નિર્ણય કરતા થઈ જઈએ છીએ અને એકવાર જો નિર્ણય સાચો હોય તો પરિણામની સમસ્યા રહેતી નથી. આજ સાચી હોય તો આવતીકાલ સાચી જ હશે…

વિદ્યા, એટલે માત્ર ડિગ્રી, એજ્યુકેશન કે શિક્ષણ નહીં. વિદ્યા એટલે આ જગતને જોવાની દ્રષ્ટિ. વ્યક્તિને ઓળખવાની આવડત. સાચો નિર્ણય લેવાની હિંમત અને જીવન જીવવાની કળા ! જેની પાસે વિદ્યા છે એ વિદ્-વાન છે. વિદ્ એટલે જાણકાર. જે જાણકાર છે એને શેનો ભય ? એની પાસે એની આવડત, એની સમજ અને એનો હુન્નર હોય તો માણસ વિશ્વમાં ક્યાંય પણ સરવાઈવ થઈ શકે છે અને, જે વિદ્યા ધરાવે છે એની પાસે બાકીના બધા ગુણો હોય જ, કારણ કે વિદ્યા વ્યક્તિને સાર-અસારનો વિવેક, ઈન્દ્રિયો પરનો કાબૂ, ધીરજ, ક્ષમા, દમન, પવિત્રતા જેવી બાબતો આપોઆપ જ શીખવાડે છે.

સત્ય, આ અનિવાર્ય ગુણ છે. વ્યક્તિએ સત્ય બોલતા, જીવતા અને પચાવતા શીખવું જરૂરી છે. આપણે બધા સત્ય સાંભળવાના આગ્રહી છીએ, પરંતુ સાંભળ્યા પછી દરેક વ્યક્તિ એને પચાવી શકતી નથી. સત્ય બોલવું, છતાં પ્રિય બોલવું એવું આપણા શાસ્ત્રો કહે છે. પ્રિય બોલવું છતાં અસત્ય ન બોલવું, એવું પણ આપણા શાસ્ત્રો કહે છે.

અને છેલ્લું, અક્રોધ ! ધર્મમાં સૌથી મહત્વનો આ ગુણ છે. બીજી વ્યક્તિ આપણા વિશે, આપણા ધર્મ વિશે શું કહે છે, શું માને છે એની પરવાહ કર્યા વગર પોતાના ધર્મમાં અવિચળ શ્રદ્ધા રાખવી એ સૌથી મહત્વની બાબત છે. જો આપણે બીજા તરફ સહિષ્ણુ ન થઈ શકીએ, એની દુર્બુદ્ધિ તરફ કે ખરાબ ભાષા, વર્તન કે વ્યક્તિત્વને નજરઅંદાજ ન કરી શકીએ તો આપણું ધાર્મિક હોવું એ દંભ છે. આજકાલ ઘણા લોકો બીજાને ‘પાઠ ભણાવવા’, ’ધર્મ શીખવવા’ નીકળે છે… નવાઈની વાત એ છે કે આ પ્રવૃત્તિમાં એ બધા જે શબ્દો વાપરે છે અથવા બીજી વ્યક્તિ વિશે જે લખે કે બોલે છે એ અત્યંત અધાર્મિક પ્રવૃત્તિ બની જાય છે !

મનુસ્મૃતિના આ દસ લક્ષણો આપણામાં છે ? એકાદવાર જાતે જ તપાસ કરવા જેવી છે. જેમ કોરોનાના સિમ્ટમ્સ કે ડાયાબિટીસ, હૃદયરોગ, ટીબી કે કેન્સરના લક્ષણો વિશે આપણે સભાન અને સજાગ છીએ. સહેજ વહેમ પડે કે તરત ટેસ્ટ કરાવવા ઉતાવળા થઈ જઈએ છીએ એવી જ રીતે આ દસ લક્ષણો આપણામાં છે કે નહીં એના પણ ટેસ્ટ કરવા જોઈએ. આનું પરિણામ કોઈ લેબોરેટરીમાં નહીં મળે, આ તો મનની અને મગજની લેબમાં તપાસી જોવાની પ્રક્રિયા છે. આનું પરિણામ આપણને જ મળશે… અને આપણે જ જો આ લક્ષણોમાં ઉતરતા હોઈએ તો એનો ઉપાય જાતે જ કરીને સ્વયંને વધુ ધાર્મિક, સાચા અર્થમાં ધર્મનિષ્ઠ અથવા ધર્મપ્રેમી બનાવવાનો પ્રયાસ કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *