ગયા અઠવાડિયાના મોટા બે સમાચાર, એક મધ્યમવર્ગને ખુશખુશાલ કરી નાખે એવું બજેટ
અને બીજા આસારામને મળેલી બીજી જનમટીપ. જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી
આ પાખંડી ધૂતારા સાધુઓની સામે એક જુદા જ પ્રકારનું યુધ્ધ શરૂ થયું છે. આસારામ હોય કે
રામરહીમ, રાધે મા હોય કે બીજા કોઈપણ, જેમણે પોતાની જાતને ઈશ્વર પૂરવાર કરવાનો પ્રયાસ કર્યો
છે એ સૌને નરેન્દ્ર મોદીએ બરાબરનો પાઠ ભણાવ્યો છે. એમને ધર્મમાં આસ્થા છે, હિન્દુત્વનું ગૌરવ
છે, પરંતુ આવા લોકો સામાન્ય માણસને ઠગે એ પ્રધાનમંત્રી તરીકે મંજૂર નથી.
એ પહેલાંની સરકારોમાં આપણી અભણ-ભોળી પ્રજાને અંધશ્રધ્ધાને રસ્તે ચડાવવાનો પ્રયાસ
થયો છે એ વાતને નકારી શકાય એમ નથી. સ્વયં પ્રધાનમંત્રી જ જો ચંદ્રાસ્વામી અને ધીરેન્દ્ર
બ્રહ્મચારી જેવા લોકોને મહત્વ આપતા હોય તો બિચારી પ્રજા આમાંથી કંઈ રીતે બહાર રહી શકે?
આપણા દેશમાં અંધશ્રધ્ધા એ કોઈ ફેશનની જેમ ફેલાઈ છે. આજે નહીં છેલ્લા કેટલાય વર્ષોથી!
ભારત આઝાદ હતું ત્યારે પણ અને ભારત અંગ્રેજોનું ગુલામ હતું ત્યારે પણ! આપણે સૌ અધ્યાત્મ
અને અંધશ્રધ્ધા વચ્ચેનો તફાવત ક્યારેય સમજી શક્યા નથી, એ આપણા દેશનું દુર્ભાગ્ય છે. નવાઈની
વાત એ છે કે, એક તરફથી ભારતની સંસ્કૃતિ સૌથી પુરાણી, મહાભારતની કથા મુજબ કુંતિના પુત્રો
દેવોને ડોનર બનાવીને જન્મ્યા કે ગાંધારીના સો પુત્રોને ઈન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યા. રાવણ પાસે
વિમાન હતું અને ઋષિઓ ઊડી શકતા આવી કથાઓ આપણે સમયસમયાંતરે સાંભળતાં રહ્યા છીએ
તેમ છતાં, વિજ્ઞાનને બદલે કથાકથિત વાતો અને ચમત્કારો તરફ ભારતીય જનસામાન્યમાં કોઈ
અજબ જેવું આકર્ષણ જોવા મળે છે.
આનું કારણ કદાચ એ છે કે, આપણે બધાં ‘ડરપોક’ લોકો છીએ અને આપણને ડરાવવા માટે
દર દાયકામાં આવા બે-ચાર ધૂતારા જન્મ લે છે. બીજું કારણ એ છે કે, આપણે ગરીબ અને લાલચુ
પ્રજા છીએ. દેશપ્રેમ કરતાં વધારે પરિવારપ્રેમ અને આવનારી પેઢીઓના ભવિષ્ય કરતાં વધુ આપણને
અંગત ભવિષ્યની સુરક્ષા જરૂરી લાગે છે. આવા ધૂતારા એક યા બીજે બહાને આપણી લાલચ અને
ભયને જગાડે છે. એક તરફથી આવા લોકો આપણને ‘જે જોઈએ તે’ મેળવી આપવાનું વચન આપે
છે. એકવાર એમની જાળમાં સપડાયા પછી આપણે એમનાથી ડરીએ છીએ કારણ કે, જેમ એ
આપણો ફાયદો કરાવી શકે એવી જ રીતે આપણું નુકસાન પણ કરી શકશે એ વાત આપણને સમજાઈ
જાય છે.
આવા પાખંડમાં ફસાતા લોકો બે વિભાગમાં વહેંચાય છે. એક, જે સાચે જ પીડિત છે. જેનો
પતિ શરાબ પીએ છે, દીકરા પાસે નોકરી નથી, યુવાન દીકરો પથારીમાં છે, મા માંદી છે, પારિવારિક
ઝઘડામાં પોતાના હાથમાં કશું આવે એમ નથી-રસ્તા પર આવી જવું પડે એમ છે, ભયાનક બીમારી
છે અને ઈલાજ કરવાના પૈસા નથી… આવા લોકો માટે આ પાખંડી સાધુઓ-તાંત્રિકો એક માનસિક
આશરો પૂરવાર થાય છે. ‘કામ થઈ જશે’નું વચન આવા લોકો માટે આશાનું કિરણ બને છે. આ જ
વર્ગમાં કેટલાક લોકો એકતરફી પ્રેમનું વશીકરણ કે પતિને અફેરમાંથી કઢાવવા, સાસુના ત્રાસમાંથી
છૂટવા પણ આવા પાખંડ અને જાદુટોણામાં ફસાય છે. ઓછી આવકમાંથી રહ્યાસહ્યા પૈસા પણ
ગૂમાવે છે, દેવાં કરે છે અને વ્યાજના ચક્કરમાં પણ ફસાય છે. સારું થવાનું તો દૂર રહ્યું, જે છે તે પણ
ખતમ થઈ જાય છે.
બીજા પ્રકારના લોકો એવા છે જે ભયાનક અસુરક્ષા અને મહત્વકાંક્ષાના શિકાર છે. આ બધા
અસંતોષી છે, હરિફાઈમાં આંખ મીંચીને દોડે છે-એમને સતત ‘વધુ’ જોઈએ છે. નવાઈની વાત એ છે
કે, આવા બાવા-સાધુ-ધર્મગુરૂ કે પાખંડી લોકો ભણેલા-ગણેલા અને ઉચ્ચ મધ્યમવર્ગ કે શ્રીમંત ઘરોમાં
વધુ ઝડપથી ઘૂસે છે. જેની પાસે ‘નથી’ અથવા ‘ઓછું છે’ એને તો કશું ગૂમાવવાનો ઝાઝો ભય નથી,
પરંતુ સિધ્ધિ કે પ્રસિધ્ધિના પગથિયાં ચઢી રહેલા, ચઢી ચૂકેલા લોકો માટે એ જ્યાં પહોંચ્યા છે ત્યાં ટકી
રહેવાની મથામણ અને અસુરક્ષા એમને આવા પાખંડી લોકો તરફ ધકેલે છે. આવા ધૂતારાઓ
ફિલ્મસ્ટારના, ઉદ્યોગપતિઓના, રાજકારણીઓ સાથે ફોટા પડાવીને પોતાનો પ્રચાર કરે છે, જેમાં
સામાન્ય લોકો આકર્ષાઈને સપડાય છે.
સવાલ એક આસારામ, રામરહીમ કે રોજેરોજ છાપાંમાં જેના સમાચાર છપાય છે એવા
લેભાગુ તાંત્રિકોનો નથી. સવાલ છે આપણી માનસિકતાનો. આપણું મન, આપણું મગજ આવી
કોઈપણ વાતમાં ફસાતા પહેલાં તપાસવાની આપણી ક્ષમતાનો આપણે ઉપયોગ કરતા નથી. સત્ય તો
એ છે કે, દુનિયાનું કોઈપણ દુઃખ જો માણસ જ દૂર કરી શકતો હોત તો આપણે કોઈ પરમતત્વ,
ઈશ્વર, ખુદા કે ગોડ જેવી ચીજને માનતા હોત ખરા? ‘કર્મ’ દરેકે દરેક ધર્મનો આધાર છે. જૈન,
ઈસ્લામ, હિન્દુ, શીખ કે ક્રિશ્ચયાનિટીમાં જો કોઈ એક વાત કોમન હોય તો એ કર્મના સિધ્ધાંતની
વાત છે. સારું કરવાથી સારું થશે જ, એવું વચન વિશ્વનો દરેક ધર્મ આપે છે. આપણે ધર્મની બીજી
જડ રૂઢિઓ અને રિવાજોમાં માનીએ છીએ, પરંતુ આ બેઝિક સિધ્ધાંતમાં માનતા નથી! કર્મકાંડ,
ભૂતભૂવા અને દોરાધાગામાં આપણને વિશ્વાસ છે, પણ આપણી આસપાસના જગતમાં વસતા
બીજા જીવોની-માણસની જિંદગીને બહેતર બનાવીએ તો આપણી જિંદગી આપોઆપ બહેતર થઈ
જશે એવી વાતમાં આપણને શ્રધ્ધા કેમ પડતી નથી?
જે લોકો પૂર્વજન્મ અને આવતા જન્મમાં ન માનતા હોય એવા લોકો માટે તો વળી આ વાત
ઓર સરળ બની જાય છે. જો એક જ જિંદગી છે અને એક જ જન્મ છે તો અહીં કરેલું બધું જ અહીં
જ ચૂકવીને જવાનું છે, એ સત્ય તો સમજવું જ પડે ને? જેને શ્રધ્ધા છે એને કોઈ ડરાવી કે લલચાવી
શકતું નથી કારણ કે, શ્રધ્ધાવાન વ્યક્તિ જાણે છે કે એને એના કર્મના ફળથી વધુ કશું જ મળવાનું નથી
અને અંધશ્રધ્ધા ધરાવતી વ્યક્તિ લલચાય છે કે ડરે છે કારણ કે, એને ખોટા કર્મનું ફળ જોઈતું નથી અને
સારા કર્મનું ફળ મળશે જ એવો વિશ્વાસ નથી.