ગયા અઠવાડિયે રજૂ થયેલી બે ફિલ્મો એકબીજાની એકદમ વિરુધ્ધ અને સામસામે
ઊભેલા વિષયો સાથે રજૂ થઈ છે. પિતાને પોતાનો આદર્શ માનતો એક દીકરો એના કોમ્પ્લેક્સિસ
અને માનસિક વિટંબણાઓને કારણે ‘જંગલી’ બની જાય છે. હત્યાઓ કરે છે અને ‘રાક્ષસ’ની જેમ વર્તે
છે તો બીજી તરફ, દેશની રક્ષા માટે પોતાના પરિવાર કે પ્રમોશનની પરવાહ ન કરનાર ફિલ્ડ માર્શલ
માણેકશૉની જીવનકથા આપણી સામે છે. બંને ફિલ્મો હાઉસફૂલ જઈ રહી છે, પરંતુ ‘એનિમલ’ના
કલેક્શન વિશેના આંકડાને વધુ પ્રમોટ કરવામાં આવે છે, એ ફિલ્મમાં વધુ યુવાનો જોવા મળે છે,
જ્યારે ‘સેમ બહાદુર’ના પ્રેક્ષક વર્ગમાં 30-35થી ઉપરના લોકો જોવા મળે છે. ‘સેમ બહાદુર’ સફળ
ફિલ્મ છે, પરંતુ એના બોક્સ ઓફિસના આંકડા કોઈ રેકોર્ડ બ્રેકિંગ નથી, અને એ વાત સાચે જ
ચિંતાજનક છે!
‘અર્જુન રેડ્ડી’ અને ‘કબીર સિંઘ’ જેવી ફિલ્મોના મેકર સંદીપ રેડ્ડી વેન્ગાએ કોમ્પ્લેક્સ
વ્યક્તિત્વની ફિલ્મો બનાવી છે. પિતા સાથેનો સંઘર્ષ, પ્રેમિકાને ન પામી શકવાનો તરફડાટ અને
પરિવારથી તરછોડાયેલાની પીડા કદાચ સમજી શકાય, પરંતુ એનો રસ્તો ડ્રગ્સ કે લોહિયાળ જંગ નથી
એ વાત સંદીપને કોઈએ સમજાવી જોઈતી હતી? આપણી નવી પેઢી, 2000 પછી જન્મેલા બાળકો
હવે યુવાન થયા છે ત્યારે આપણે એમને શું આપી રહ્યા છીએ? ફિલ્મોની અસર સમાજ અને યુવા
માનસ પર ખૂબ ઊંડી થાય છે, લાંબા સમય સુધી રહે છે એવું આપણે બધા જાણે અજાણે સ્વીકારીએ
છીએ. ફિલ્મસ્ટાર્સ જે બ્રાન્ડ વેચે છે એ બ્રાન્ડ સફળ થઈ જાય છે. ફિલ્મસ્ટારના લગ્નો અને એમના
અંગત જીવનમાં રસ લેનારા લોકો કોઈ એક ક્લાસ કે આર્થિક-સામાજિક વર્ગના નથી. ફાઈવસ્ટારમાં
ચાલતી કિટી હોય કે ચાલીમાં શાક સમારતી વખતે બેઠેલી બે ગૃહિણી, સલમાન અને ઐશ્વર્યા એક જ
પાર્ટીમાં ભેગાં થઈ ગયા ત્યારે શું બન્યું એ જાણવામાં સૌને રસ છે! અમિતાભ બચ્ચને બંગલો દીકરીના
નામે કેમ કર્યો એ ચર્ચા લગભગ દરેક ઘરના ડાઈનિંગ ટેબલ પર, લગભગ દરેક પાર્ટીમાં એકાદવાર તો
થઈ જ છે! આ વાત આપણે જાણીએ છીએ અને સમજીએ છીએ, એ પછી ‘એનિમલ’ જેવી ફિલ્મો
વિશે આપણે ત્યાં કોઈ વિરોધનો અવાજ કેમ નથી ઊઠાવતું? ભારતીય સિનેમા માટે એક સેન્સર બોર્ડ
છે, એની પાસે ચોક્કસ નિયમાવલી છે… સેન્સર બોર્ડના સભ્યો બેસીને ફિલ્મ જુએ છે એ પછી એને
પાસ કે નાપાસ કરે છે અથવા એમાંથી કેટલોક ભાગ કાપવાની સૂચના આપે છે, પરંતુ નવાઈની વાત
એ છે કે, શિવજીને કચોરી ખાતા જોઈને ધાર્મિક લાગણી દુભાય છે, પરંતુ આવી ખુંખાર-હિંસક
ફિલ્મો, ડ્રગ્સ અને પોતાની અંગત સમસ્યાને કોમ્પ્લેક્સ બનાવીને એમાંથી સમાજને નુકસાન કરતા
આવાં પાત્રો વિશે કોઈને કશું કહેવાનું નથી! એથીય નવાઈની વાત તો એ છે કે, આવી ફિલ્મો
જબરજસ્ત સફળ થાય છે, અને એના પ્રેક્ષકો અને ફેન્સમાં સૌથી વધુ યુવા વર્ગ છે.
કોઈને જરાક પણ ભય નથી લાગતો? એવો વિચાર સરખો નથી આવતો કે આપણે
આવી ફિલ્મો, ‘કબીરસિંઘ’, ‘મુંબઈ મેરી જાન’, ‘કેજીએફ’ દ્વારા આપણી એક આખી પેઢીને-નસ્લને
બરબાદ કરી રહ્યા છીએ. એમની સામે બે ફિલ્મો મૂકાય છે ત્યારે એમણે શું પસંદ કરવું એ વિશે
આપણે એમને દિશાસૂચન કરી શકતા નથી કારણ કે, આપણે પોતે પણ ગભરાયેલા અને ગૂંચવાયેલા
છીએ. જેમના બાળકો 16થી 23ની વચ્ચેના છે એ માતા-પિતાએ ‘એનિમલ’ અને ‘કબીરસિંઘ’ જેવી
ફિલ્મોનો વિરોધ કરવો જોઈએ, એમના સંતાનોને આ ફિલ્મો જોતાં રોકવા જોઈએ કારણ કે,
સચ્ચાઈ, પ્રામાણિકતા, દેશપ્રેમ કે સમર્પણ જેવા ગુણો કરતાં પાવર, પોઝિશન, તોછડાઈ, હિંસા અને
સેક્સ જેવી બાબતો યુવા માનસ પર વધુ ઊંડી અને અનુકરણીય છાપ છોડે છે.
આપણે ભલે સિનેમાને માત્ર મનોરંજન માનીએ, પરંતુ મેઘના ગુલઝાર અને સંદીપ
રેડ્ડી વેન્ગા આ મનોરંજનની દુનિયાના બે છેડા છે. આપણે કયો છેડો પસંદ કરવો છે? આપણા
સંતાન કયો છેડો પસંદ કરે એવું આપણે ઈચ્છીએ છીએ? આવો સવાલ આપણે આપણી જાતને
પૂછ્યો નથી અને આપણા પછીની પેઢી વિશે આપણે એટલા સજાગ કે સભાન રહ્યા નથી, રહી શક્યા
નથી. કદાચ નોંધ્યું ન હોય તો હજી પણ નજરે દેખાય એવું સત્ય એ છે કે, ફક્ત ગુજરાત જ નહીં આ
દેશની એક આખી પેઢી તોછડાઈ, અપ્રમાણિકતા, સ્ત્રી ઉપર પોતાની હકુમત અને આવારાગર્દીને
‘કુલ’ અથવા ‘ટ્રેન્ડી’ માનવા લાગી છે. ડ્રગ્સ, સિગરેટ અને શરાબ જાણે કે જીવનશૈલીનો હિસ્સો બની
ગયા છે. શરદબાબુએ પોતાના ‘દેવદાસ’ને શરાબી બનાવીને જે બીજ રોપ્યાં એનું વૃક્ષ હવે ફૂલી
ફાળીને વિશાળ થઈ ગયું છે. દિલ તૂટે, નિરાશા થાય, ગુસ્સો આવે, નિષ્ફળતા મળે કે દુઃખ થાય, એ
બધું શરાબમાં ડૂબાવી શકાય, ડ્રગ્સ લેવાથી એનો રસ્તો જડી જાય એવી કોઈ સ્ટુપિડ માન્યતા આવી
ફિલ્મોએ નવી પેઢીના ભેજામાં ઘૂસાડી છે. ‘સેમ બહાદુર’ કોઈ વેદિયો કે પંતુજી નહોતો, પરંતુ પત્નીને
પ્રેમ કરતો એક સારો પિતા, સારો સૈનિક અને ભારતીય નાગરિક હતો, એ વાત જાણે કે નવી પેઢી માટે
જરાય મહત્વની નથી.
શક્ય હોય તો દરેક માતા-પિતાએ પોતાના સંતાન સાથે બેસીને આ બંને ફિલ્મો જોવી
જોઈએ, સંતાનને સમજાવવું જોઈએ કે જીવવાનો સાચો રસ્તો ‘સેમ બહાદુર’ બનવાનો છે,
‘એનિમલ’ બનવાનો નહીં.