હાઈવે ઉપર પસાર થતા મોડી રાત્રે કોઈક ગામના પાદરે એકતારો, મંજીરા અને
ઢોલકના સૂર સંભળાય… ભાંગતી રાતના અંધકારમાં કોઈ અજાણ્યા ભજનિકનો મીઠો સૂર
આપણા કાનને સ્પર્શે અને આત્મા સુધી ઉતરી જાય… ક્યારેક એવું બને કે, ભજનના શબ્દો ય
આપણને ચોખ્ખા ન સંભળાય તેમ છતાં એનો લય, એ ગાનારની તન્મયતા અને ઈશ્વર સાથે
એકાકાર થઈ ગયેલા એના આત્માની આછી ઝલક પણ આપણને અડી હોય તો ગંગાસ્નાન
જેટલું પુણ્ય મળે એ નક્કી છે.
ભજન આપણી પરંપરા છે. અનેક ગામોમાં આજે પણ એકાદશીના કે પૂનમના
ભજનની બેઠક ચાલે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતાં લોકો આજે પણ મંજીરા અને
ઢોલકના તાલે ભજન કરતાં પ્રવાસ કરે છે. વૃધ્ધ થઈ ગયેલી કેટલીય દાદીમા, નાનીમાઓ
પોતાની ભજન મંડળીઓ સ્થાપીને ભજન કરવા ઘેર ઘેર જાય છે અને આનંદ કરે છે. ઘરમાં
સારો કે ખરાબ પ્રસંગ હોય અને સૌ સાથે મળીને ભજન ગાય તો મન આનંદિત કે શાંત થઈ
જાય એવું આપણે સૌએ અનુભવ્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા આત્માની
ભારતીયતા સાથે આ ‘ભજન’ અભિન્નપણે જોડાયેલાં છે. ભારત ઉપર પરદેશી આક્રમણ થયું
પછી લગભગ તેરમી સદીમાં ભક્તિ આંદોલન થયું એમ માનવામાં આવે છે. ગામેગામ, ઘેરેઘેર
ભક્તિની જ્યોત પ્રગટે તો લોકો એકબીજાની નજીક આવે, હિન્દુત્વ અખંડ રહે અને પરદેશી
ધર્મના આક્રમણની સામે આપણી સંસ્કૃતિ ટકી જાય એ વિચાર કદાચ આ ‘દેશી ભજનો’ના
પ્રસારના મૂળમાં હોવો જોઈએ. આજે દેશમાં કોમ, ભાષા, પ્રાંત, ન્યાત-જાતના કેટલા વાડા
ઊભા થયા છે, એવામાં જો આપણી જૂની પ્રાચીન ભજનવાણીને જાગૃત કરવામાં આવે તો
કદાચ જે લોકો કશું નથી સમજતા એમને પણ ‘ભક્તિ’ સમજાય. ભજન સાહિત્ય માત્ર
ગુજરાતીમાં જ નહીં, બલ્કે ભારતના દરેક પ્રાંતમાં ખૂબ પ્રચલિત અને લોકજીભે ચઢેલું
સાહિત્ય છે. સંતોએ રચેલા ભજનોના કોઈ કોપીરાઈટ્સ નથી! એમણે તો પોતાના ભજનો
રચીને લોકોને સોંપી દીધા. લોકજીભે વહેતા મૂકાયેલા આ ભજન લોકોના સમૂહમાં ભાઈચારો
અને સંપથી જીવવાની ભાવનાને તો ઉજ્જવળ બનાવે જ છે, પરંતુ સાથે સાથે દેશની
ભાવાત્મક એકતાને ટકાવી રાખવામાં પણ બહુ મહત્વનું પ્રદાન કરે છે.
આજની પેઢીને મોટેભાગે સંગીતની સમજ જ્યારે વિદેશી ધૂન અથવા ફિલ્મી
સંગીતથી જ મળી છે ત્યારે આપણા પ્રાચીન ભજનોના ઢાળ અને એના રાગ આત્માને કઈ
રીતે સ્પર્શે છે એની અનુભૂતિ આ પેઢીને કરાવવી જોઈએ. નરસિંહ, મીરાં, સૂરદાસ, કબીર
જેવાં જાણીતા સંતોના ભજનો આપણે સાંભળ્યા છે અને નવી પેઢીને પણ કદાચ આ
નામોની જાણ હોય, પરંતુ મોરાર સાહેબ, ભાણ સાહેબ, સર્વણ, દયાનંદ, નિષ્કુલાનંદ, અખો,
દેવાયત પંડિત, મૂળદાસ મહારાજ, લીરલ બાઈ, રૂખ્ખડિયો, ગંગારામ, દાસી જીવણ, પ્રીતમ,
મીઠો, રામદાસ, પીઠો જેવા સંતોના નામો પણ આજની પેઢીએ સાંભળ્યા નથી. એમાંના
કેટલાકની ઓળખ ખરેખર કરવા જેવી છે. ભાણ સાહેબ સૌરાષ્ટ્રના સંત કવિ આંબા છઠ્ઠાનો
ગુરૂ તરીકે સ્વીકાર કરે છે, પરંતુ ઉત્તર ભારતના સંત કબીર સાહેબની ઝલક પણ ભાણ
સાહેબમાં મળે છે. એમણે લોકકલ્યાણની જ્યોત જગાવી. એમની આસપાસના શિષ્યો ‘ભાણ
ફોજ’ના નામે ઓળખાતા. એમની ભજનવાણીએ માણસને સન્માર્ગે દોરવાનું અને મનને
શાંતિ આપવાનું કામ કર્યું છે.
રેન સમાણી એક ભાણમાં રે,
ભાણ તો સમાણા આકાશ,
આકાશ સમાણા વચનમાં,
વચન હોય કોઈ પાસ.
રવિ સાહેબનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા નામના ગામમાં
થયેલો. કહેવાય છે કે પૂર્વજીવનમાં (દીક્ષા પહેલાં) તેઓ રવજી નામે ધૂર્ત અને વ્યાજખાઉં
વાણિયા હતા. કોઇ કહે છે તેઓ રવજી નામના દુષ્ટ અને જુલ્મી જમાદાર હતા,
પણ ભાણસાહેબના સત્સંગનો એવો રંગ લાગ્યો કે તેઓ પોતાની બધી જ સારી-નરસી
પ્રવૃત્તિઓ છોડીને ભક્તિના માર્ગે વળી ગયા. તેમના ઘણા શિષ્યો હતા, જેમાં મોરાર
સાહેબ સમર્થ સંત ગણાયા છે.
ખટ દર્શન ઓર પુરાણ અઢારા
ભાગવત ગીતા ગાઈ
કહે અદ્વૈતા કર્મ કરે અણચીન્યા
સો નરક પડે જાઈ
કાજી કુરાન કિતાબ વખાણે
નમાજ પંચ વખત જાઈ
સાંજ પડે તબ છુરી ચલાવે
ગુરૂગમ બિન હૈ ઘુમરાઈ
મોરાર સાહેબનો જન્મ ઈ. સ. ૧૮૫૮માં થરાદ (બનાસકાંઠા)માં વાઘેલા
રાજપૂત જ્ઞાતિમાં થયો હતો. તેઓ વાઘેલા દરબારના રાજકુમાર હતા. તેમનું
મૂળનામ માનસિંહજી હતું. મનમાં વૈરાગ્યભાવ જાગૃત થતાં તેમણે ગૃહત્યાગ
કરી રવિસાહેબ પાસે દીક્ષા લીધી હતી. વિ.સં. ૧૮૪૨ એટલે લગભગ ઈ.સ.
૧૮૮૬માં જામનગર જિલ્લાના ખંભાળિયા ગામે તેમણે ગુરુગાદીની સ્થાપના
કરી અને મૃત્યુ પર્યંત ત્યાં જ રહ્યાં અને ત્યાં જ સમાધિ લીધી. તેમને હોથી નામે
મુખ્ય શિષ્ય હતો તે સિવાય ચરણ સાહેબ‚ દલુરામ‚ દુલ ભરામ‚ કરમણ‚
જીવાભગત ખત્રી‚ ધરમશી ભગત જેવા અનેક શિષ્યો હતા. તેમન મૃત્યુ વિશે
એવી વાયકા છે કે તેમણે ખંભાળીયામાં સમાધિ લેવાની યોજના કરી
ત્યારે નવાનગર રાજ્યના રાજા જામ ત્યાં આવી પહોંચ્યા અને જો તે સમાધિ લે
તો પોતે આત્મહત્યા કરશે એમ જણાવ્યું. ત્યારે સમાધિ ન લેતા તેઓ ધ્યાનમાં
બેસી ગયા. તેના એક વર્ષ (સં ૧૯૦૫, ચૈત્ર સુદ બીજ) પછી તેમણે કોઈને ન
જણાવતા સમાધિ લઈ લીધી. આ વાતની જાણ થતા અંગ્રેજોએ જામનગરના
રાજા ઉપર મુકદમો ચલાવી સમાધિ ખોદવાની માંગણી કરી. રાજા જામે તેની
પરવાનગી ન આપી પરંતુ જ્યારે અંગ્રેજો બળજબરી પૂર્વક સમાધિ ખોદવા
ગયા ત્યારે તેમને મોરાર સાહેબ સમાધિ પર જીવંત બેઠેલા દેખાયા.
મંત્ર સજીવન શ્રવણે સાંભળિયો
માંહી મોરલી મધુરી વાગી રે
રજ મોરારને રવિ ગુરૂ મળિયા
મુક્તિ ચરણની માગી રે
દાસી જીવણનો જન્મ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત
રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત
૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે ચમાર જ્ઞાતિનાં એક ગરીબ
કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગા દાફડા અને
માતાનું નામ સામબાઈ હતું. દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં
મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો.
કૃષ્ણ ભક્ત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં
હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો
રચ્યાં, જે આજેય લોકજીભે પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનમાં પણ તેઓ ભારે વરણાગી ગણાતા.
પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા.
દાસી જીવણને સૌરાષ્ટ્રનાં મીરાં બાઈ પણ કહેવાય છે.
કાયા શે’રમાં જમડાં ઉમટ્યાં
જીવને લઈ લઈ જાય
સૂન લે સાધુ મેં ભજ્યો
દાસી જીવણ બોલિયા રે
કરણી ઊતરણી પાર
સૂન લે સાધુ મેં ભજ્યો