આર્થિક જિગ્સો બદલાઈ રહી છે, છતાં કેટલાક ટૂકડા ખૂટે છે

અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ધડાધડ ઈન્કમટેક્સના દરોડા પડી
રહ્યા છે. કોઈને ત્યાંથી 200 કરોડ, કોઈને ત્યાંથી 500 ને ક્યાંક 1000 કરોડના ગોટાળા બહાર
આવી રહ્યા છે. સરકારી ઓફિસર લાંચ લેતા પકડાય છે અને લાંચ આપનારને પણ હવે સજા કરવા
સરકાર કટિબધ્ધ છે ત્યારે, એક સવાલ એવો થાય કે, આ બધી જાગૃતિ અચાનક જ આવી છે કે પછી
છેલ્લા કેટલાય સમયથી આ બધા ઓબ્ઝર્વેશનમાં હતા અને અચાનક દરોડા પાડીને આવા લોકોને
ઊંઘતા ઝડપવામાં આવ્યા. આમ પણ, ગુજરાતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ઈન્કમટેક્સ
અને સેલ્સટેક્સના ઓફિસર્સ પૂરા જોશથી કામે લાગ્યા છે, આ કશું પૂરવાર કરવાનો કોઈ પ્રયાસ છે?
આવી વાતો ઘણા લોકો કરે છે, પરંતુ સત્ય એ છે કે, ભારત સરકાર (અહીં કોઈ એક પક્ષની વાત
નથી)માં પહેલીવાર ટેકનોલોજી અને ટ્રાન્ઝેક્શનને જોડવામાં આવ્યા છે. સાત બારના ઉતારા હોય કે
ઈન્કમટેક્સ-સર્વિસટેક્સની વિગતો, કોઈપણ વ્યક્તિ વેબસાઈટ ઉપર જઈને ડિજિટલી બધું જ ચેક
કરી શકે છે. સિસ્ટમ પારદર્શક થવા લાગી છે, એટલું જ નહીં દેશનો સામાન્ય નાગરિક હવે જે
માહિતી મેળવવા માગે તે એને મળી શકે છે.

આટઆટલા પ્રયાસ છતાં ઈન્કમટેક્સ અને સેલ્સટેક્સની ચોરી, કેશ ટ્રાન્ઝેક્શન હજી તદ્દન
નાબુદ થઈ ગયા છે એવો દાવો આપણા દેશની સરકાર કરી શકે એમ નથી. એક તરફ, રાંધણ ગેસ,
સીએનજી, ખાવાની ચીજવસ્તુઓ, હોટેલના બિલ અને વિમાનના પ્રવાસ ઉપર જીએસટી લગાડીને
મોંઘવારી વધી રહી છે, બીજી તરફ આવા ચાર-છ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ પરિવારોના ઘરોમાંથી કરોડો
રૂપિયાના ગોટાળા બહાર પડી રહ્યા છે. હજી સુધી આપણા દેશમાં ટેક્સચોરીને કળા અથવા આવડત
ગણવામાં આવે છે. એક માણસ ક્યાં કંઈ રીતે ટેક્સ બચાવી શકે એને માટે ખાસ એક્સપર્ટની સલાહ
લેવામાં આવે છે. સરકારી બાબુશાહી અને ભ્રષ્ટાચારી અફસર ઉપર આટલી તવાઈ આવવા છતાં હજી
લગભગ રોજ એકથી વધુ સરકારી ઓફિસર લાંચ લેતાં પકડાય છે… ભ્રષ્ટાચાર નાબુદી સરકારના
હાથની વાત નથી, કારણ કે સૌથી પહેલાં તો સામાન્ય નાગરિકે ભ્રષ્ટાચાર બંધ કરવો પડે. આપણા
દેશમાં લાંચ આપીને કામ કરાવવું એને પણ એક કળા અથવા આવડત માનવામાં આવે છે. કોઈને
લાંચ આપવામાં શરમ કે નાનમ લાગતી નથી બલ્કે, એ વિશે ગર્વથી વાત કરતા લોકોને જોઈને
આપણને સમજાય છે કે, આ દેશ શા માટે આવા બે તીવ્ર વિભાગોમાં વહેંચાયેલો છે?

એક તરફ ગોટાળા કરતા અને હજારો કરોડની ટેક્સ ચોરી કરતાં મુઠ્ઠીભર લોકો છે તો બીજી
તરફ, ભારતમાં ટેક્સ ભરી શકે એવી આવક ધરાવતા લોકો કેટલા છે? મોટાભાગના લોકો
મધ્યમવર્ગની કે ગરીબી રેખાની નીચે જીવે છે. કેટલાકને એવી ખબર પણ નથી કે, ટેક્સ ભરવા જેટલી
આવક ન હોય તો પણ નિલ રિટર્ન ભરી શકાય છે. બેન્ક લોન માટે, પાસપોર્ટ માટે કે બીજા કેટલાય
ડોક્યુમેન્ટ માટે આ નિલ રિટર્ન કામ લાગી શકે છે. પાનકાર્ડ કે બેન્ક અકાઉન્ટ ખોલાવવા જેટલું
શિક્ષણ આ દેશમાં અડધાથી ઉપર લોકો પાસે નથી. કદાચ, અકાઉન્ટ ખોલાવે તો એમાં મિનિમમ
બેલેન્સ રાખવા જેટલા પૈસા આવા લોકો કમાતા નથી. બીજી તરફ, કેટલાક લોકો અકાઉન્ટમાં પૈસા
મૂકી શકે એનાથી એટલા વધારે પૈસા એમની પાસે છે કે એમણે છુપાવીને રાખવા પડે છે!

2020માં 8.22 કરોડ ટેક્સ પેયર હતા, જેમાંથી 2022માં 5.83 કરોડ ટેક્સ પેયર થયા છે.
આધાર કાર્ડને બેન્ક અકાઉન્ટ સાથે લિન્ક કરીને, ઘરના ગેસ કનેક્શન કે ઈલેક્ટ્રિક સિટીના બિલ સાથે
પણ આધાર કાર્ડના નંબરને જોડીને ભારત સરકારે ટેક્સ નહીં ભરતા લોકો માટે એક એવી તકેદારી
ઊભી કરી છે જેને કારણે ટેક્સ પેયરની સંખ્યા વધી છે. મ્યુનિસિપલ ટેક્સ સમય કરતા વહેલો
ભરવાથી ડિસ્કાઉન્ટ મળે છે, નોટબંધી પછી 50 હજાર કરતા વધારે રૂપિયા કેશ ભરવા જઈએ તો
પાનકાર્ડ અને આધાર કાર્ડ બતાવવા પડે છે. આનાથી એક વર્ગને ખૂબ તકલીફ પડે છે, એ ફરિયાદ કરે
છે, પરંતુ સમજવાની વાત એ છે કે, ધીરે ધીરે એક સ્વચ્છ આર્થિક ડિઝાઈન ગોઠવાઈ રહી છે.
વિમાનની ટિકિટ અને હોટેલ બિલ પર જીએસટી લાગવાને કારણે હવે કેશમાં થતા ફોરેન ટ્રાવેલ અને
ટિકિટિંગ બંધ થઈ જશે. જેણે વિદેશ પ્રવાસ કર્યો છે એ વ્યક્તિની આર્થિક વિગતો પણ હવે સરકારની
નજરમાં આવશે. અત્યાર સુધી કેટલીયે વસ્તુઓ કેશના ટ્રાન્ઝેક્શનમાં ચાલતી હતી. દૂધ, શાકભાજી,
કરિયાણા કે ડૉક્ટરના બિલોથી શરૂ કરીને એવી કેટલીયે ચીજો હતી જેના ખરીદ-વેચાણનો કોઈ સ્પષ્ટ
હિસાબ નહોતો. નોટબંધી પછી જ્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રમોટ કરવામાં આવતું હતું ત્યારે ઘણા
લોકોએ વિરોધ કર્યો, પરંતુ હવે ભીમ, ગૂગલ પે કે પે પેલ જેવા એપ્સને કારણે નાના નાના
ટ્રાન્ઝેક્શનનો હિસાબ પણ મળવા લાગ્યો છે. લારી, ગલ્લા, નાની રેસ્ટોરાં જેવા ધંધામાં ફક્ત કેશ જ
ચાલતા, એને બદલે હવે એમના હિસાબકિતાબની આકારણી કરીને એમને પણ પ્રશ્નો પૂછવામાં
આવી રહ્યા છે. એનો વાંધો ન જ હોઈ શકે, પરંતુ એક સામાન્ય માણસ પૂરી ગંભીરતા અને
પ્રામાણિકતાથી ટેક્સ ભરે છે તેમ છતાં, એની નાનકડી ભૂલ કે ગૂંચવણને હાઈલાઈટ કરીને એને નાની
વાતમાં પણ સંડોવીને હેરાન કરવામાં આવે છે. એથી આગળ, એક સામાન્ય માણસ બે છેડા માંડ
ભેગા કરતો હોય એને આ ટેક્સની ગૂંચવણો સમજાતી નથી. જેની પાસે ખૂબ પૈસા છે-એને ટેક્સ કેવી
રીતે બચાવવો એની સલાહ આપનાર કેટલાય કન્સલ્ટન્ટ તૈયાર બેઠા છે! એટલું જ નહીં, લોનના
ડિફોલ્ટર્સ, ટેક્સ ચોરી કરનાર અને સરકારના પૈસામાંથી સાઈફન કે ગબન કરનાર અધિકારીઓ સહિત
સૌને છોડાવનારા વકીલ પણ આ જ દેશના નાગરિક છે!

એક આદર્શ વિચાર તરીકે જેણે આ દેશ સાથે ખોટું કર્યું હોય કે ટેક્સચોરી, દેશની બેન્ક સાથે
ડિફોલ્ટ કર્યો હોય, એને બચાવવા કે છોડાવવા માટે દેશના કોઈપણ વકીલે એનો કેસ ન લેવો જોઈએ.
સાથે જ, દેશના નાગરિક તરીકે થોડા પૈસા કમાવા માટે કે ટેન્ડર પાસ કરાવવા, ટેક્સ બચાવવા માટે
આપણે ભ્રષ્ટાચાર કરીને આપણી જ સરકારી સિસ્ટમમાં સડો ન પેસવા દેવો જોઈએ. ટેક્સ ભરવો કે
એ નાગરિકની ફરજ છે એવી જ રીતે સરકારે પણ પ્રામાણિકતાથી એ ટેક્સના પૈસાને દેશના
વિકાસમાં, સાચી-સારી રીતે વાપરવા જોઈએ. જોકે, આ બધા તો આદર્શ વિચારો છે… વિકાસના
પાયામાં પ્રામાણિકતા હોય તો એ વિકાસ મજબૂતીથી ટકે છે. જે વિકાસમાં નીચલા સ્તરના લોકોને
કચડી નાખવામાં આવે છે એ વિકાસની ઝડપ ગમે તેટલી હોય, પણ અંતે તકલાદી પૂરવાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *