આર્થિક સ્વાતંત્ર્યઃ સ્ત્રીની મહત્વકાંક્ષા કે મજબૂરી?

પતિ-
આ સ્ત્રી નોકરી કરે છે,
એટલે એનો પતિ દુઃખી છ.
આ ઘેર રહે છે,
એટલે એનો પતિ ચિડાયેલો છે.
આ ખૂબ દૂબળી છે,
એટલે એનો પતિ ગુસ્સે છે.
આ ખૂબ જાડી છે,
એટલે એનો પતિ મહેણાં મારે છે.
આનું શરીર સુડોળ છે,
તોય એનો પતિ વાંકદેખો છે!
મનમાં શંકાનો કીડો સળવળ્યા કરે છે,
ને ધૂંધવાયા કરે છે
અને
એના મનમાં શંકાનો કીડો સળવળ્યા કરે છે.
આ બહુ વાતોડી છે,
એટલે એના પતિને ગમતી નથી.
આ બહુ શાંત છે,
એટલે એનો પતિ એને સહી શકતો નથી.
આ ફૂવડ છે,
એટલે એનો પતિ ફરિયાદ કરે છે.
આ ઘર ચોખ્ખુંચણાક રાખે છે,
એટલે એનો પતિ ગમગીન રહે છે!
આ હંમેશાં સુંદર કપડાં પહેરે છે,
એટલે એનો પતિ વિચારે છે,
‘કોને માટે? ’
આ હંમેશાં સાદાં કપડાં પહેરે છે,
એટલે એનો પતિ એને કહે છે, ‘મૂરખ’,
તંગ દોરડા પર સમતુલા જાળવીને ચાલવાનો
અંત આવશે ખરો?
એવો પતિ ક્યાં મળે
જેને એની પત્ની ગમતી હોય?

શોભા ભાગવત નામના એક મરાઠી કવિની આ કવિતાનો અનુવાદ પન્ના નાયકે કર્યો
છે. આ કવિતા કદાચ દરેક પુરુષ માટે સાચી નથી. કોઈ એક અંગત અનુભવથી લખાયેલી
કવિતા દરેક વ્યક્તિ માટે સાચી ન હોય, પરંતુ ભારતીય સ્ત્રીના જીવનમાં આ અને આવી
અનેક કવિતાઓનું સત્ય વારંવાર ડોકાતું રહે છે.

મોટાભાગના પતિઓ હવે પોતાને ‘ઉદાર’ કહેવડાવવાનું પસંદ કરે છે, પણ
આ ‘ઉદાર’ શબ્દ ભારતીય સમાજે કદાચ પશ્ચિમ પાસેથી ‘ઉધાર’ લીધો છે.
ફેમિનિસ્ટ વિચારધારામાં એક બીજું અંતિમ છે. અહીં સ્ત્રી સ્વતંત્ર છે એટલું જ
નહીં, એ પુરુષના અસ્તિત્વને કચડીને, દબાવીને પોતાની સ્વતંત્રતાને
વારંવાર પ્રતિપાદિત કરવા મથે છે, જે પણ સાચું કે યોગ્ય તો નથી જ.
સ્ત્રીની સ્વતંત્રતાનો વિચાર ભારતીય સમાજે ઔદ્યોગિક ક્રાંતિની જેમ
અપનાવ્યો છે તો છે, પણ સ્વીકારી શક્યો નથી.

સ્ત્રી પોતાની રીતે જીવે કે જીવી શકે એ વિચારમાત્ર પુરુષપ્રધાન
સમાજને એના પાયા હચમચાવનારો લાગે છે.

અને છતાં, આધુનિક હોવાના સમગ્ર પેકેજમાં પત્નીને ‘પાટલૂન’
પહેરવા દેવાથી શરૂ કરીને ક્યારેક ‘ડ્રિન્ક’ લેવા-દેવા સુધીની ‘છૂટ’ ગુજરાતી
પતિ આપતો થઈ ગયો છે. સ્વતંત્રતા શબ્દની વ્યાખ્યા પોતાની ફ્રેમમાં
બાંધીને ફરતા પતિદેવો પત્નીને પોતે કેટલી ‘છૂટ’ આપે છે એ કહેતાં ગર્વ
અનુભવતા હોય છે! પરંતુ આ છૂટ માત્ર પતિની ઈચ્છા, મરજી અને મૂડ
પર અવલંબે છે. દરેક વખતે એ એકસરખી નથી હોતી. દરેક વખતે એ
આપ્યા પછી એનો ઉપયોગ કરવો કે નહીં એ પણ પતિ જ નક્કી કરે છે
એવું માત્ર એની પત્ની જાણતી હોય છે.

આજે મોટાભાગનાં માતા-પિતા દીકરીને ભણાવીને ‘પોતાના પગ પર ઊભી
રહેતી-કમાતી કરવા માગે છે.’ એંસીના દાયકા કે એ પછી જન્મેલી બધી જ
આધુનિકાઓ ‘કમાવું’ જીવનની જરૂરિયાત સમજે છે.

સ્ત્રીની આર્થિક સ્વતંત્રતા એના આત્મવિશ્વાસનું બહુ મહત્વનું પાસું છે
એમ લગભગ તમામ ભાષાઓમાં લખાયું છે. દરેક પ્રાંત અને સમાજમાં
માનવામાં આવે છે. આ આર્થિક સ્વતંત્રતાની વ્યાખ્યા પણ મોટેભાગે પતિ
દ્વારા નક્કી કરાય છે, જેની સ્ત્રીને પોતાને તો ખબર હોય જ છે અને એની
પાસે એ વ્યાખ્યા સ્વીકાર્યા વિના છુટકો પણ નથીહોતો. જે તે સમાજ પણ
આ વાતને ટકાવી રાખવા ઝઝૂમે છે.

કમાતી પત્ની લગભગ તમામ પુરુષો માટે આજના જમાનામાં ગર્વની
અને રાહતની બાબત છે. આજે સમય જ એવો છે કે, ઘર વ્યવહારના ખર્ચા
વધતા જાય છે. સાદી ગ્રોસરીથી શરૂ કરીને બાળકોની સ્કૂલની ફી-દરેકના
આંકડા કૂદકે ને ભૂસકે વધતા જાય છે. આવા સમયમાં ભણેલી-કમાતી
પત્ની હોય તો ગમતી લાઈફસ્ટાઈલ જીવી શકાય છે. બાળકોના ભણતરમાં
અને એમના મોજશોખમાં ધાર્યા ખર્ચા કરી શકાય છે, કદાચ એથી જ
આજનો પુરુષ કમાતી પત્ની ઈચ્છે છે, પરંતુ એ કમાતી પત્નીની આવક પર
પુરુષનો આબાધિત અધિકાર એણે સ્થાપ્યો છે.

કેટલા પુરુષો પોતાની આવક અને ઈન્વેસ્ટમેન્ટની વિગતો પોતાની
પત્ની સાથે વહેંચતા હશે?

એ શું કમાય છે? કઈ રીતે કમાય છે અને એ કમાવા માટે એ કયા
સાચા-જૂઠાનો સહારો લે છે એની વાત પત્નીને કહેતા પુરુષને એનો અહમ્
નડી જાય છે, પરંતુ મોટાભાગના પતિઓ ઈચ્છે છે કે, એ પોતે પત્નીનાં
સહકર્મચારીઓને ઓળખે, પત્નીની ઓફિસની રજેરજ વિગતો એને પૂછે
અને પત્નીએ જવાબ આપવો જ-સાચો જ આપવો એવો આગ્રહ પણ રાખે
છે.

પતિને ઓફિસ વહેલું-મોડું થઈ શકે, પરંતુ પત્નીનો છૂટવાનો અને
ઘરે પહોંચવાનો સમય સામાન્ય રીતે નિશ્ચિત હોવો જોઈએ… એમાં બહુ
લાંબા ફેરફારને અવકાશ નથી હોતો, પરંતુ પતિને મોડું થઈ શકે. એ છૂટ્યા
પછી મિત્રો સાથે ટોળટપ્પા કરતો બેસી શકે… અને જો કોઈક વાર ઘરે
વહેલો આવી જાય અને પત્ની એના પછી આવે તો એ વિશે આખી સાંજ
મતભેદ કે મનભેદ સુધી વાત પહોંચી શકે!

કેટલા પતિદેવો ઘરે વહેલા આવી જાય ત્યારે મોડી પડેલી પત્ની માટે
એક કપ ચા બનાવવાની ખેવના રાખતા હશે?

થાકેલી, કંટાળેલી ઓફિસમાંથી બોસની કચકચ સાંભળીને કે નોકરી
ટકાવવાના પોલિટિક્સમાં જાતને ઘસી નાખીને ઘરે આવેલી પત્નીએ રાતના
પતિદેવની ‘ઈચ્છા’ને આધીન થવું પણ સુખી લગ્નજીવનની પૂર્વશરત છે.
એની સામે પતિનો મૂડ ખરાબ હોય ‘ધંધાનું ટેન્શન હોય’ તો એ તદ્દન
સ્વાભાવિકપણે પડખું ફરીને સૂઈ જઈ શકે છે ત્યારે પત્નીની શારીરિક
ઈચ્છા-અનિચ્છાનો એને વિચારમાત્ર આવતો નથી-કરવાની જરૂર પણ
લાગતી નથી.

આ લેખ સ્ત્રી સ્વાતંત્ર્યનો કઈ ઝંડો નથી. પત્ની મા કે પુત્રવધૂ તરીકે
એક સ્ત્રીની જે કોઈ જવાબદારીઓ હોય તે એણે પૂરી કરવી જ રહી! એને
પોતાની જવાબદારીઓમાંથી બહાર કાઢી લેવાનો, એ કમાય છે માટે એને
કોઈ ડિસ્કાઉન્ટ આપી દેવાના ઉદ્દેશ્યથી આ વાત કરવામાં નથી આવી.

મોટાભાગની સ્ત્રીઓ સવારે 6થી રાત્રે 11નો દિવસ જીવતી હોય છે.
સવારે દૂધ લેવાથી શરૂ કરીને રાત્રે દૂધ જમાવવા સુધીની આખી પ્રવૃત્તિ
આખી જિંદગી કરતી રહે છે…

ભારતીય સમાજ બદલાઈ રહ્યો છે એ કદાચ સત્ય હશે. સાડી પહેરીને
બસમાં નોકરી કરવા જતી સ્ત્રી શિક્ષિકા, રિસેપ્સનિસ્ટ કે એથી આગળ વધીને
ડૉક્ટર-નર્સ કે અકાઉન્ટન્ટમાંથી હવે આઈ.પી.એસ., આઈ.એ.એસ. અને
એન્જિનિયર-અભિનેત્રી કે પાઈલટ બની રહી છે. સાડીને બદલે ટ્રાઉઝર અને
ટકઈન કરેલા શર્ટના યુનિફોર્મ પહેરે છે… બસને બદલે પોતાની ગાડીમાં
કામ કરવા જાય છે… આને આપણે ખરેખર બદલાવ કહી શકીશું? કોઈપણ
ચિત્રની ફ્રેમ બદલી નાખવાથી ચિત્ર બદલાતું નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *