એબી અને એબીઃ પિતા અને પુત્રના અલગ વ્યક્તિત્વ, અલગ ઈતિહાસ

આવતીકાલે, પાંચમી ફેબ્રુઆરીએ અભિષેક બચ્ચનનો જન્મદિવસ છે. એમને 47 વર્ષ પૂરાં થશે. છેલ્લા
થોડા સમયથી એમના અને ઐશ્વર્યારાયના છૂટાછેડાની અફવા ચાલી રહી છે, પરંતુ બચ્ચન પરિવારમાંથી કોઈએ
એ વિશે ‘હા’ કે ‘ના’ જેવી કોમેન્ટ કરી નથી. બચ્ચન સાહેબે ઐશ્વર્યાને ઈન્સ્ટાગ્રામ ઉપર ‘અનફોલો’
કરી એવા એક સમાચાર વહેતા થયા, પછી તરત જ ન્યૂ યરના દિવસે બચ્ચન સાહેબે ‘ફેમિલી’ એવા
ટાઈટલ નીચે આખા પરિવારનો ફોટો મૂક્યો…

આ બધાની વચ્ચે અભિષેક બચ્ચન સાવ શાંતિથી અને નોર્મલ રહીને જાહેર ફંક્શન્સ અને
બીજી ઈવેન્ટ્સ અટેન્ડ કરતાં રહ્યા છે. એ હદ સુધી કે ફિલ્મ નિર્માતા-ડિસ્ટ્રિબ્યુટર આનંદ પંડિતના
જન્મદિવસની પાર્ટીમાં અભિષેક બચ્ચન અને સલમાન ખાનના ભેટતા વીડિયો ખૂબ વાયરલ થયા…
મજાની વાત એ છે કે, અભિષેક બચ્ચન સારો અભિનેતા નથી, નિષ્ફળ છે, એના છૂટાછેડા થવાના
છે. જેવી અનેક અફવાઓનો એમણે કદી જવાબ જ નથી આપ્યો. કરિશ્મા કપૂર સાથે એમની સગાઈ
તૂટી ત્યારે પણ એમણે કદી એ સંબંધ વિશે કે કરિશ્મના ચારિત્ર્ય-પારિવારિક પ્રશ્નો વિશે કમેન્ટ
કરવાનું ટાળ્યું છે. અભિષેક બચ્ચન એક સફળ પિતાના પુત્ર છે, કરોડો રૂપિયાના વારસદાર છે છતાં,
કોઈ દિવસ એમના શરાબ પીધેલા વીડિયો વાયરલ નથી થયા, મારામારી કરતા કે અન્ય કોઈ વિવાદ
ઊભા કરે એવા સોશિયલ મીડિયાના એમના કોઈ સમાચારો આપણા સુધી પહોંચ્યા નથી. લગ્ન
પહેલાં રાની મુખર્જી સાથે એમના અફેરની એક નાનકડી અફવા ચાલી, પરંતુ લગ્ન પછી એમનું નામ
કોઈની સાથે જોડાયું નથી.

ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ વ્યક્તિના પુત્ર હોવા છતાં એમણે એ સફળતા કે લોકપ્રિયતાને
પોતાના માથે ચડવા દીધી નથી. એક વ્યક્તિ તરીકે એ હંમેશાં વ્યવસ્થિત અને સજ્જનતાથી વર્તતા
રહ્યા છે ત્યારે ઈન્ડસ્ટ્રીના બાકીના સ્ટાર પુત્રો સાથે એમની સરખામણી થયા વગર રહી શકે નહીં.
આપણે બધા એવું કહીએ છીએ કે, ‘બાપ જેવા બેટા અને વડ તેવા ટેટા’, પરંતુ બચ્ચન સાહેબ જેટલા
વિવાદોમાં સપડાયા એના ઉપરથી કદાચ અભિષેકે એવો ધડો લીધો છે કે, એણે પોતાના પિતા ઉપર
ચિંધાયેલી તમામ આંગળીઓ પોતાનામાં ન ચિંધાય એ વિશે સજાગ વ્યવહાર કર્યો છે!

આપણા સમાજમાં સફળ અને પૈસાવાળા માતા-પિતા સંતાનોના બગડેલા અનેક દાખલાઓ
છે. છકી ગયેલા, વંઠી ગયેલા, એવા પુત્રો કે જે પિતા માટે માત્ર પ્રશ્નો ઊભા કરે છે. તથ્ય પટેલ,
વિસ્મય શાહ અને એવા બીજા સંતાનો જ્યારે માતા-પિતાનું નામ અને પ્રતિષ્ઠા ઉપર ડાઘ લગાડે છે
ત્યારે એક સવાલ એ ઉઠે છે કે એને માટે જવાબદાર કોણ છે? માતા-પિતાનો ઉછેર, સંતાનની
આસપાસનું વાતાવરણ (પિઅર પ્રેશર) કે ફિલ્મો, વેબસીરિઝ અને ફિલ્મસ્ટાર્સના પબ્લિક
બિહેવિયરમાંથી જે દેખાય છે તે… મોટાભાગના માતા-પિતા પૈસા અને પ્રતિષ્ઠા કમાવા માટે પોતાની
આખી જિંદગી ઘસી નાખે છે. અત્યારે ગુજરાતમાં જે પ્રતિષ્ઠિત અને શ્રીમંત કહી શકાય એવી પેઢી છે
તે, મોટાભાગે પ્રથમ પેઢી છે. બિલ્ડર, ડૉક્ટર, ડાયમંડના વ્યાપારી કે બીજા વ્યવસાય સાથે સંકળાયેલા
એવા લોકો કે જેમના માતા-પિતા સાવ સામાન્ય પરિવારોમાં હતા. એમની મહેનત, લગન, ધગશ
અને કદાચ થોડી ઘણી બેઈમાની પણ માની લઈએ તો ય આજે એમની પાસે જે કંઈ છે એ સ્વયં
ઉપાર્જિત છે. એમને જે નથી મળ્યું એ એમના સંતાનને આપવાની લહાયમાં એમને જે મળ્યું છે તે,
શિસ્ત, સંઘર્ષ અને સભ્યતા… એ પોતાના સંતાનને આપવાનું ભૂલી ગયા. માતા-પિતાનો ઉછેર
એટલા માટે મહત્વનો છે કારણ કે, બાળકના પહેલાં ચાર કે પાંચ વર્ષ તો ઘરમાં જ વીતે છે. આપણે
ઘણીવાર જોઈએ છીએ કે, જાહેર સમારંભોમાં કે જાહેર સ્થળોએ તોફાન કરતાં, કોઈને મારતા, ગમે
તેમ બોલતા કે ‘સારું ન કહેવાય’ એવું વર્તન કરતાં બાળકને રોકવાને બદલે કાં તો માતા-પિતા એના
આ વર્તનને હસીને પુષ્ટિ આપે છે અથવા એને મારીને એને રોકવાનો પ્રયાસ કરે છે. આ બંને યોગ્ય
નથી.

આપણે ત્યાં બાળઉછેર વિશે બહુ જ ઓછી સમજ અને શિક્ષણ ઉપલબ્ધ છે.
બાયોલોજિકલી માતા-પિતા બની જવું અને સાચા અર્થમાં એક સંતાનનો ઉછેર કરવો એની વચ્ચે
આસમાન-જમીનનો ફેર છે. ઘણીવાર એવું થાય છે કે, માતા-પિતાએ પોતાના જીવનમાં ભૂલો કરી
હોય, પરંતુ જ્યારે સંતાનનો ઉછેર કરવામાં આવે ત્યારે પ્રત્યેક માતા-પિતા ઈચ્છે કે પોતે કરેલી ભૂલ
પોતાના સંતાન ન કરે. આને માટે જરૂરી એ છે કે, માતા-પિતા નિખાલસપણે પોતાની ભૂલ કે
પોતાના જીવનની કેટલીક વાતોની ચર્ચા પોતાના સંતાન સાથે કરીને એ વાત એમને સમજાવે. આપણે
માતા-પિતા તરીકે પ્રમાણમાં દંભી અને કેટલીક હદ સુખી ખોટા પણ છીએ. જે ઘરમાં માતા-પિતા
પોતાના સંતાન સાથે નિખાલસતાથી વર્તે છે એ ઘરમાં સંતાન પણ એટલી જ નિખાલસતાથી
પોતાની ભૂલ કે સમસ્યા પોતાના માતા-પિતા સાથે ચર્ચી શકે છે, એને કારણે ભય અને એકમેકથી
છુપાવવાની વૃત્તિને બદલે એક સહજ સરળ સંવાદ સાધી શકાય છે. ઘણા મા-બાપને એવો પણ ડર
લાગે છે કે, પોતાની ભૂલ કબૂલ કરવાથી સંતાન માતા-પિતાને જજ કરશે અથવા સન્માન નહીં આપે,
પરંતુ આ ભય ખરેખર રાખવા જેવો નથી કારણ કે, ગાંધીજી જેવા મહાન પુરુષ પણ પોતાની ભૂલ
આખા દેશની જનતા સામે સ્વીકારી શક્યા હોય તો માતા-પિતા તરીકે ભૂતકાળમાં થયેલી કોઈ
અનિચ્છનીય ઘટના વિશે સંતાન સાથે ખુલ્લા દિલે વાત કરવાથી એ તમને વધુ સન્માન આપશે એટલું
નક્કી છે.

અભિષેક બચ્ચને જ્યારે અમિતાભ બચ્ચનને બદલે એમના 80મા જન્મદિવસે કેબીસી હોસ્ટ
કર્યું, ત્યારે એમણે જાહેરમાં એમના પિતા સાથે જે વાત કરી એ ખરેખર સાંભળવા અને સમજવા
જેવી છે. બચ્ચન સાહેબ વારંવાર કહે છે, ‘પુત, ક-પુત તો ક્યોં ધન સંચય? પુત, સ-પુત તો ક્યોં ધન
સંચય?’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *