કેટલીક પ્રેમકથાઓ એની ટ્રેજેડીને કારણે વર્ષો સુધી યાદ રહેતી હોય છે. દિલીપકુમાર-
મધુબાલા, મીનાકુમારી-કમાલ અમરોહી, દેવઆનંદ-સુરૈયા, રેખા-અમિતાભની જેમ સુલક્ષણા પંડિત
અને સંજીવ કુમારની પ્રેમકથા પણ કદાચ, આવી જ કોઈ ટ્રેજેડી છે. સંજીવ કુમારનો જન્મદિવસ 9
જુલાઈ, 1938 અને સુલક્ષણા પંડિતનો જન્મદિવસ 12 જુલાઈ, 1954.
સુલક્ષણા પંડિતના પિતા પ્રતાપ નારાયણ પંડિત સંગીતના જ્ઞાતા. એનો મોટોભાઈ મંધિર અને
બે નાના ભાઈઓ એટલે જતિન-લલિત. એની બહેન વિજયતા પંડિત, જેણે કુમાર ગૌરવની સાથે
ફિલ્મ ‘લવ સ્ટોરી’માં ડેબ્યૂ કર્યું અને પછી આદેશ શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા. આદેશ ખૂબ સારા
સંગીતકાર હતા, પરંતુ નાની ઉંમરે કેન્સરમાં એમનું મૃત્યુ થયું. સુલક્ષણા પંડિતે પ્લેબેક સિંગિંગ અને
અભિનય બંનેમાં ખાસા વર્ષો સુધી કામ કર્યું. ‘સંકોચ,’ ‘ઉલઝન’, ‘ગૃહપ્રવેશ’, ‘સ્પર્શ’, ‘ખામોશીઃ ધ
મ્યુઝિકલ’ જેવી ફિલ્મોમાં સુલક્ષણા પંડિતે પ્લેબેક સિંગિંગ કર્યું. સંજીવ કુમાર સાથે એમની મુલાકાત
થઈ ‘ઉલઝન’ ફિલ્મના સેટ પર.
સંજીવ કુમાર ત્યારે સ્ટાર હતા. ‘ખિલૌના’ પછી એમની કારકિર્દીએ વેગ પકડ્યો હતો.
1975માં ‘ઉલઝન’ શૂટ થતી હતી ત્યારે સુલક્ષણા પંડિત એમના પ્રેમમાં પડ્યા. એ પહેલાં નૂતને
‘દેવી’ ફિલ્મના સેટ પર સંજીવ કુમારને તમાચો મારેલો, હેમા માલિની સાથે એમનો જગજાહેર અફેર
તૂટી ચૂક્યો હતો. 1976માં એમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ‘ઈમાન
ધરમ’, ‘મુક્તિ’, ‘પાપી’ અને ‘યહીં હૈ જિંદગી’ જેવા મોટા પ્રોજેક્ટ્સ અટકી પડ્યા. એમને
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યારે જુહુમાં આવેલા રવિ (રવિના) ટંડનના ગ્રાઉન્ડ
ફ્લોરના બંગલોમાં એમણે થોડા દિવસ વીતાવ્યા કારણ કે, એમના પેરિન વિલાનું ઘર બીજા માળે હતું
અને ડૉક્ટરે એમને પગથિયાં ચઢવાની ના પાડી હતી! થોડા દિવસ પછી એ ઘરે ગયા, એ પછી એમણે
ઘણો સમય પોતાની કાળજી લીધી. ફિલ્મોના શૂટિંગ પર પાછા ફર્યા, વજન ઉતાર્યું… એ ગાળામાં
સુલક્ષણા પંડિતને સંજીવ કુમાર સાથે લગ્ન કરવાં હતાં, પરંતુ સંજીવ કુમારે ના પાડી.
સૌને લાગ્યું કે, સંજીવ કુમારની તબિયત સારી થઈ ગઈ છે, પરંતુ એમના પરિવારના એક
જેનેટિક ડિસઓર્ડરને કારણે એમના પરિવારમાં પુરુષો હાર્ટ એટેકના કારણે 50 વર્ષ પહેલાં જ મૃત્યુ
પામતા… સંજીવ કુમારને પણ એવો ભય લાગતો હતો કે, એ પણ કદાચ લાંબું નહીં જીવે. સુલક્ષણા
પંડિતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘એક વાર જ્યારે મેં ખૂલીને મારા પ્રેમનો એકરાર કરેલો ત્યારે કોઈ
પિતાની જેમ, મોટા ભાઈની જેમ સમજાવતાં એમણે મને કહેલું, મારો કોઈ ભરોસો નથી. જો હું ન
રહું તો તારી સામે પહાડ જેવી જિંદગી બોજ બની જશે. હું મરતાં-મરતાં કોઈની જિંદગી બરબાદ
કરવા નથી માગતો.’
કહેવાય છે કે, સુલક્ષણા પંડિત હવે એકાકી જિંદગી વિતાવે છે. કેટલાંક ફિલ્મી મેગેઝિનની
ગોસિપમાં એવું પણ કહેવાયું છે કે, એમનું માનસિક બેલેન્સ હચમચી ગયું છે. સાચું તો જે હોય તે,
પરંતુ એ જાહેરમાં દેખાતાં નથી! કોઈ એક વ્યક્તિને એમણે એટલો પ્રેમ કર્યો કે એ વ્યક્તિના મૃત્યુથી
એમની કારકિર્દી અને જીવન બંને એકાકી અને અધૂરા થઈ ગયાં. ક્યારેક લાગે કે, ‘દેવદાસ’ બનવા માટે
ફનાહ થઈ જવાની તૈયારી હોવી જોઈએ, તો બીજી તરફ વિચારીએ ત્યારે સમજાય કે ફનાહ થઈ
જવાથી ‘પ્રેમ’ પૂરવાર થાય? કોઈ એક વ્યક્તિ પાછળ આપણું જીવન નષ્ટ કરી નાખીએ તો જ એ પ્રેમ
‘સાચો’ કહેવાય?
લગભગ દરેક વ્યક્તિ પાસે આવી પસંદગીની ક્ષણ આવતી હોય છે. કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે
વિચાર પાછળ જાતને ખર્ચી નાખવાથી એ વ્યક્તિ, વસ્તુ કે વિચાર આપણને પ્રાપ્ત નથી થતો, બલ્કે
આપણી પાસે જે હોય એને પણ આપણે ગુમાવી બેસીએ છીએ. આ કથા માત્ર સંજીવ કુમાર અને
સુલક્ષણા પંડિતના પ્રેમની નથી. ભારતમાં હજારો યુવાનો એવું માને છે કે, ‘દેવદાસ’ કે ‘કબીર સિંઘ’
પ્રેમનું આદર્શ ઉદાહરણ છે. શરાબ, સિગરેટ અને ડ્રગ્સમાં જાતને ડૂબાડીને એ વ્યક્તિ વગર આપણે
નહીં જીવી શકીએ એવું સ્વીકારવાની નબળાઈ આપણને મળેલા અમૂલ્ય માનવજીવનનું અપમાન છે.
કોઈને ચાહવા કે કોઈની સાથે જીવન વિતાવવાની ઝંખના રાખવામાં કશું ખોટું નથી, પરંતુ જ્યારે એ
ઝંખના જીદમાં પલટાઈ જાય અને જીદ, કોઈ અર્થ વગરનો ઈગો પ્રોબ્લેમ બનીને આપણી જિંદગી
બરબાદ કરે ત્યારે એ પ્રેમ નહીં, પરંતુ પીડા બની જાય છે. એ પછીની કથાઓ પ્રેમકથા નહીં બલ્કે,
પીડા કથા બની રહે છે. કચ-દેવયાનીથી શરૂ કરીને, આજ સુધી આવી કેટલીયે પીડાની કથાઓ
આપણી આસપાસ વિખરાયેલી પડી છે…
એની સામે રેખાજીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘હું ‘એની’ સાથે પ્રેમમાં પડી. કમ્પલિટલી
(સંપૂર્ણપણે), પેશનેટલી (ઝનૂનથી), ઈન્સેઈનલી (ઘેલછાથી) અને સૌથી ઈમ્પોર્ટન્ટ, હોપલેસલી
(કોઈ અપેક્ષા વગર). હું એમને ક્યારેક જાહેર સમારંભોમાં મળી જાઉં છું ત્યારે એમની ઝલક માત્રથી
મને સંતોષ થાય છે.’
રાજેશ ખન્ના સાથે અંજુ મહેન્દ્રુ કેટલાંય વર્ષો લગભગ પત્નીની જેમ રહ્યા પછી જ્યારે
રાજેશ ખન્નાએ ડિમ્પલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી, ત્યારે અંજુ મહેન્દ્રુના મિત્રો એમને મળવા
ગયા. સૌ થોડા શાંત અને દુઃખી હતા, પરંતુ અંજુજીએ કહ્યું, ‘શું થયું? આવું મોઢું કરીને કેમ આવ્યા
છો? કોઈ મરી ગયું?’ એમણે પૂરી બહાદુરીથી કહ્યું, ‘એને એની જિંદગીનો નિર્ણય કરવાનો અધિકાર
છે. એણે એ નિર્ણય કર્યો અને મારે સ્વીકારવો જોઈએ.’
સંબંધોની આ બે બાજુ છે. બંને સાચી? કે બંને ખોટી? વ્યક્તિ તરીકે આપણે બધા એવું
ઝંખીએ છીએ કે, આપણી પ્રિય વ્યક્તિ આપણા જીવનમાં આપણી સાથે હોય, પરંતુ ક્યારેક એવું બને
કે આપણો સંબંધ એ વ્યક્તિ સાથે થોડા સમય પૂરતો જ હોય ત્યારે એ થોડો સમય માણેલું સુખ અને
આનંદ યાદ રાખીને છૂટા પડવું વધુ યોગ્ય છે કે છૂટા પડ્યા પછી એ સુખ અને આનંદ યાદ કરી કરીને
સતત દુઃખી થયા કરવું?