અતુલ સુભાષની આત્મહત્યા પછી #mentoo ની એક નવી જ ફરિયાદ બહાર
આવી છે. કંગના રણોતની કમેન્ટ ઉપર ટ્રોલર્સ તૂટી પડ્યા છે અને લગભગ
સૌનું કહેવું એવું છે કે, અત્યાર સુધી ફક્ત સ્ત્રીઓ-ભારતીય સ્ત્રીઓ ઉત્પિડન અને
આત્મહત્યા માટેની ઉશ્કેરણીનો ભોગ બનતી હતી, અતુલ સુભાષના કેસ પછી
હવે ભારતમાં પુરુષોની હાલત વિશે પ્રશ્નાર્થચિહ્ન ઊભો થયો છે. છેલ્લા 10
વર્ષમાં ભારતીય ફિલ્મોથી શરૂ કરીને સાહિત્ય, ચિત્રો અને કવિતા સુધી બધું જ
બદલાયું છે. સરકારે સ્ત્રીની સલામતી માટે કાયદા કર્યા, ઘડ્યા, પરંતુ એ
કાયદાનો દુરુપયોગ કેવો અને કેટલો થાય છે એ જો સમજી શકાય તો,
‘#Metoo’ માંથી બદલાઈને #mentoo થઈ ગયેલી આ સામાજિક ઉત્પિડનની
કથા સમજાય.
498A કેસ એ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A હેઠળ ફોજદારી કેસ છે જેમાં
તેના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા પરિણીત મહિલા સામે ક્રૂરતાના આરોપોનો સમાવેશ
થાય છે. એ ઉપરાંત 2013માં જાતિય સતામણી માટેનો કાયદો લાગુ કરવામાં
આવ્યો. આઈપીસીના સેક્શન 375, 376, 376એ રેપ અને એની સાથે જોડાયેલા
ગુનાને લગતા કાયદા છે. અતુલ સુભાષનો આક્ષેપ જો સાચો હોય તો ફેમિલી
કોર્ટમાં સાચો ન્યાય થતો નથી. ભારતીય માનસિકતા પ્રમાણે હજી સુધી સ્ત્રીને
‘અબળા’ની દ્રષ્ટિએ જોવામાં આવે છે. દેવી કે દાસી, પરંતુ સ્ત્રીને હજી સમકક્ષ
‘વ્યક્તિ’ તરીકે જોતાં ભારતીય સમાજ શીખ્યો નથી. સ્ત્રીની ફરિયાદ મોટેભાગે
સાચી જ હોય, એવી એક માનસિકતા છે. સ્ત્રીઓને સમોવડા થવું છે, પરંતુ ભરણપોષણ
પતિ પાસેથી જોઈએ છે! સ્પોર્ટ્સમાં, રાજનીતિમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રિઝર્વેશન જોઈએ છે,
અને હક્ક બરાબરીનો જોઈએ છે! પોતાનો પગાર ઘરમાં ન આપવો અને પતિએ ઘર ચલાવવું
ત્યાંથી શરૂ કરીને પતિના માતા-પિતા સાથે ન રહી શકે, સંતાનોની જવાબદારી પતિએ ઉપાડવી
એવા આગ્રહો, અને સાથે જ પોતાની સ્વતંત્રતા અંગેના ખોટા ખ્યાલો સાથે લડતી-ઝઘડતી
સ્ત્રીને હવે અબળા કહેવી યોગ્ય છે?
અત્યાર સુધી ‘પુરુષ’ની ઈમેજ એવી હતી કે એ પરિવારનો મુખ્ય વ્યક્તિ છે,
આર્થિક ઉપાર્જન અને પરિવારના મહત્વના નિર્ણયો પુરુષની જવાબદારી અને
અધિકાર છે, પરંતુ જ્યારથી સ્ત્રીએ આર્થિક ઉપાર્જનમાં પ્રદાન કરવા માંડ્યું છે
ત્યારથી પરિવારના મહત્વના નિર્ણયોમાં એનો અધિકાર સ્વીકારવો પડ્યો છે.
આપણે એવા વર્ગની વાત કરીએ છીએ જ્યાં શિક્ષિત કે વ્યવસાયિક મહિલાઓની
સંખ્યા વધુ છે. માતા-પિતાએ દીકરીને ‘વહાલનો દરિયો’, ‘પાપા કી પરી’ તરીકે
ઉછેરી હોય, માએ એને કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ નહીં કરવાની ઉશ્કેરણી કરી
હોય-કારણ કે, માએ પોતાની જિંદગી કોમ્પ્રોમાઈઝ કરીને કાઢી હોય! એ પછી
દીકરી જ્યારે પરણે ત્યારે હવે ‘સાસરે’ નથી જતી, કારણ કે મોટાભાગે યુગલ એકલું
રહે છે. વડીલોની ગેરહાજરીમાં અને સમજણના અભાવને કારણે ઘર્ષણ થાય છે.
હવે, અંતિમ નિર્ણય છૂટાછેડા નથી-પ્રથમ પગલું જ ‘છૂટાછેડા’ છે. પરિવાર સાથે
રહેતો હોય તો વડીલોની હાજરી નડતરરૂપ લાગે છે કારણ કે, સિંગલ ચાઈલ્ડના
પરિવારમાં મોટાભાગની દીકરીઓ સંયુક્ત પરિવારમાં કેવી રીતે રહેવું એ શીખી જ
નથી હોતી! બંને પરિસ્થિતિમાં પુરુષની પરિસ્થિતિ વધુ અઘરી બને છે કારણ કે, એ
રડીને, બૂમો પાડીને કે ‘વિક્ટિમ’ બનીને પોતાની ફરિયાદ રજૂ કરી શકતા નથી.
ભારતીય સમાજમાં દીકરાને ‘પુરુષ’ તરીકે જીવવા માટે તૈયાર કરવામાં આવે છે.
પુરુષ પોતાની ફરિયાદ કોઈને કહેતો નથી, કારણ કે એમાં એને ‘પૌરુષ’ નડે છે. એ
જ પૌરુષ એની પાસે ઘરમાં પોતાનું આધિપત્ય સ્થાપવાનો સંઘર્ષ પણ કરાવે છે, જે એની
કમાતી, ‘સ્વતંત્ર’ પત્નીને મંજૂર નથી. મા દીકરાને ‘વહુઘેલો’ બનવા દેવા તૈયાર નથી ને પત્નીને
‘માવડિયો’ દીકરો જોઈતો નથી. ડાયાબિટીસ, બીપી, હાર્ટએટેક જેવી સમસ્યાઓ હવે
નાની ઉંમરે પુરુષોને થવા લાગી છે એનું એક કારણ ગૃહકલેશ છે, એવું એક સર્વેમાં
બહાર આવ્યું છે.
અહીં સમાજના બે ભયાનક રીતે જુદા વિભાગ પડે છે. એક સમાજ એ છે જ્યાં આજે
પણ સ્ત્રી માર ખાય છે, ક્યાં જવું એની એને ખબર નથી. દહેજ લેવાય છે, અપાય છે, દીકરીને
વધુ ભણાવવામાં આવતી નથી અને જ્ઞાતિ બહાર લગ્ન કરનારની સાથે ઓનરકિલિંગ પણ થાય
છે. બીજો સમાજ એ છે જેમાં દીકરીને ‘દીકરા’ની જેમ મોટી કર્યા પછી માતા-
પિતા ભૂલી જાય છે કે યુગલ તરીકે બે પુરુષો નહીં, પરંતુ એક પુરુષ અને એક
સ્ત્રીએ સાથે રહેવાનું છે! આ પરિસ્થિતિમાં લગ્ન ટકતા નથી, જ્યારે લગ્ન તૂટે
છે ત્યારે સામાપક્ષને ‘બતાવી આપવાની વૃત્તિ’ અને અત્યાર સુધી સમોવડા
અધિકારો માટે લડી રહેલી સ્ત્રી હવે ‘વિક્ટિમ કાર્ડ’ પ્લે કરે છે. હવે એને
‘ભરણપોષણ’ જોઈએ છે, કમાતી હોય તો પણ! સંતાનને પોતાની પાસે રાખે
છે, જેમાં મોટાભાગની સ્ત્રીઓનું માતૃત્વ મહત્વનું છે, પરંતુ કેટલીક એવી પણ
છે જે ‘પિતા’ના ઈમોશનને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરે છે.
સુપ્રીમ કોર્ટે આપેલા આઠ મુદ્દા પર નજર નાખીએ, તો પતિ અને પત્નીની
સામાજિક અને આર્થિક સ્થિતિ, ભાવિ પત્ની અને બાળકોની મૂળભૂત જરૂરિયાતો, બંને પક્ષોની
લાયકાત અને રોજગાર, આવક અને સંપત્તિના સ્ત્રોત, સાસરિયાં સાથે રહેતાં પત્નીનું
જીવનધોરણ, શું તેણે તેના પરિવારની સંભાળ રાખવા માટે તેની નોકરી છોડી દીધી છે?, કામ ન
કરતી પત્ની માટે કાનૂની લડાઈ માટે વાજબી રકમ, પતિની આર્થિક સ્થિતિ, તેની કમાણી અને
ભરણપોષણ ભથ્થાની સાથે અન્ય જવાબદારીઓ શું હશે? આ મુદ્દા અત્યંત પ્રવાહી અને કોઈ
સ્પષ્ટ સ્વરૂપ ધરાવતા નથી-આ અંગે તપાસ કરનાર વ્યક્તિ પણ જો ભ્રષ્ટ નીકળે તો એ અંગે ફરી
એક અતુલ સુભાષની આત્મહત્યાના આપણે સાક્ષી બનવાનું?