ભારત અને પાકિસ્તાન વચ્ચે દર વર્ષે એવા લોકોનો વિનિમય થાય છે જે ખોટી રીતે ફસાયેલા માછીમારો કે ઘેટા-
બકરા ચારનારા લોકો છે, જેમણે ભૂલમાં બોર્ડર ક્રોસ કરી નાખી હોય અને પકડાઈ ગયા પછી એમને જાસૂસ કે આઈકાર્ડ
વગરના આતંકવાદી માનીને પૂરી દેવામાં આવ્યા હોય ! આવા અનેક કિસ્સા અખબારોમાં અને મીડિયામાં પ્રકાશિત થતા
રહે છે. યસ ચોપરાની આખરી ફિલ્મ, ‘વીર ઝારા’ પણ આવા જ એક કિસ્સા પર આધારિત હતી…
વર્ષો સુધી ભારતની કે પાકિસ્તાનની જેલોમાં સડતા રહેલા આવા લોકો જ્યારે પોતાના પરિવાર પાસે પાછા ફરે
છે ત્યારે એમને કલ્પના પણ નથી હોતી કે એમની ગેરહાજરીમાં અહીં શું અને કેટલું બદલાઈ ગયું છે. ક્યારેક પત્નીએ બીજા
લગ્ન કરી લીધા હોય, માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું હોય, ધાવણું સંતાન યુવાન થઈ ગયું હોય કે પછી પરિવારે એ મકાન
અને ગામ જ છોડી દીધું હોય, ત્યારે પરિવારને શોધવો એ પણ એક મોટી ટાસ્ક થઈ જાય છે.
આપણે બધા આઝાદી પછી જન્મેલા લોકો છીએ. એક સુરક્ષિત વાતાવરણમાં ઉછર્યા, સારું શિક્ષણ પામ્યા અને
એક સલામત જિંદગી જીવી રહ્યા છીએ ત્યારે આવા લોકો વિશે કલ્પના કરીએ તો સમજાય કે કોઈ ગુના વગર જિંદગીના
આઠ-દસ કે ક્યારેક પંદર-વીસ વર્ષ પારકા દેશની જેલમાં વિતાવવા પડે ત્યારે માણસ અને એના પરિવાર પર શું વીતતી હશે
! કેટલીકવાર ગુનો સોલ્વ કરી નાખવા માટે સાવ નિર્દોષ માણસને પકડીને જેલમાં ખોસી દેવામાં આવે છે… એના ઉપર
ગુનો સાબિત કરવા માટે જાતભાતની રીતો અપનાવવામાં આવે છે. એના સ્વજન કે પરિવારજનને પકડી લેવામાં આવે,
ટોર્ચર કરવામાં આવે, ક્યારેક બિનજરૂરી ટોર્ચર કરીને એની પાસે એકરારનામુ સહી કરાવી લેવામાં આવે… ગરીબ અને
તદ્દન નિઃસહાય માણસ પાસે ક્યારેક વકીલ કરવાના પણ પૈસા ન હોય, સરકારી વકીલ એને બચાવવાનો પૂરો પ્રયાસ પણ
ન કરે… અને, નિર્દોષ માણસ પોતાની ઉત્તમ જિંદગીના વર્ષો જેલમાં વિતાવી નાખે પછી ક્યારેક કોઈને ખબર પડે કે એણે
નિર્દોષ હોવા છતાં સજા ભોગવી છે ત્યારે કોઈ એનજીઓ, કોઈ સાચો વકીલ એનો કેસ લડે અને એને મુક્ત કરી દેવામાં
આવે ત્યારે એના વિતેલા વર્ષોનો હિસાબ એણે કોની પાસે માગવાનો ?
જિંદગીમાં ખોઈ નાખેલો સમય ક્યારેય પાછો આવતો નથી. સરકાર માફ કરે કે કદાચ એને એના બગડેલા વર્ષોના
બદલામાં થોડા રૂપિયા મળે તો પણ જે વર્ષો એ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે, પરિવારની ખુશહાલી માટે કે પોતાની
જિંદગીને બહેતર બનાવવા માટે વાપરી શક્યા હોત એ વર્ષો વેડફાયાનો અફસોસ કેવી રીતે ઘટાડી શકાય ? છેલ્લા થોડા
સમયથી ન્યાયતંત્ર અને પોલીસ સામે જાતજાતની ફરિયાદો ઊઠી રહી છે. ખાસ કરીને, કેસ ક્લોઝ કરવા માટે જે ખોટા
રસ્તા અખત્યાર કરવામાં આવે છે એ વિશે માનવ અધિકાર માટે લડી રહેલા અનેક લોકોએ અવાજ ઊઠાવ્યો છે. કોઈ પણ
એક માણસને પકડીને એને ગુનેગાર તરીકે રજૂ કરી દેવાની પ્રથા ગુજરાતમાં હજી કદાચ ઓછી હશે, પરંતુ યુપી, બિહાર,
છત્તીસગઢ, ઝારખંડ જેવાં રાજ્યોમાં આ નિયમિત પ્રવૃત્તિ છે. સાચા અને પીડિત માણસની ફરિયાદ ન લેવાય, જો ઉપરથી
દબાણ કરાવીને ફરિયાદ લખાવે તો પણ એની તપાસમાં ઢીલ કરાય અને એ બધા પછી પણ જો ભણેલો કે હોંશિયાર
માણસ ઉપરી અધિકારી પાસે જાય તો પૂરાવાનો નાશ કરી દેવાય, ખોટા રિપોર્ટ બનાવવામાં આવે અને પોસ્ટમોર્ટમ કે
બળાત્કારના રિપોર્ટમાં પણ ચેડાં કરીને ફરિયાદ રફેદફે કરી નાખવાની પ્રવૃત્તિ કેટલાક દબંગ રાજ્યોમાં જોવા મળે છે.
આપણે ભારતીય સંવિધાનની કલમો જાણતા નથી. આપણા અધિકારો વિશે તદ્દન બેખબર છીએ. દેશનો લગભગ
દરેક સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન કે કોર્ટ જવાથી ડરે છે. મોટાભાગના લોકોને લાગે છે કે, જો એ ફરિયાદ કરવા જશે
તો ઉલ્ટાનું એના જ ગળામાં ગાળિયો આવી પડશે. આજથી થોડા સમય પહેલાં રસ્તા પર થતા એક્સિડેન્ટ વખતે લોકો
ઊભા રહેતા નહીં કારણ કે, જો ઘવાયેલા મુસાફરને મદદ કરવા માટે ભલમનસાઈ દેખાડવા જાય તો પોલીસ ફરિયાદ
લખાવવાથી શરૂઆત કરીને એમને એટલા બધા સવાલોના જવાબ આપવા પડે, એટલો સમય આપવો પડે કે અંતે પોતે
દાખવેલી ભલમનસાઈનો અફસોસ થાય !
ભારતીય નાગરિક તરીકે આપણે બધાએ જાણવું જોઈએ કે આપણને શું અધિકારો મળેલા છે! પોલીસ ફરિયાદ ન
લખે કે આપણી સાથે પોલીસ અધિકારી સારું વર્તન ન કરે તો એ માટે ક્યાં ફરિયાદ કરી શકાય ! ઘરમાં એકલી મહિલા હોય તો એ
પુરુષ પોલીસ અધિકારીને દાખલ થવાની ના પાડી શકે છે, સાથે મહિલા પોલીસ વગર સ્ત્રીની ઉલટ તપાસ કે ઝડતી થઈ
શકે નહીં. દરેક સસ્પેક્ટને એવો અધિકાર છે કે એ પોતાના વકીલની હાજરી સિવાય કોઈ સ્ટેટમેન્ટ ન આપે… આ સિવાય
પણ બળાત્કારની ફરિયાદ, ડોમેસ્ટિક વાયોલેન્સ કે છેડતીની ફરિયાદ માટે તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકાય છે.
ચોરી કે ખૂનના પ્રસંગે ક્રાઈમ સીનને સ્પર્શ કર્યા વગર પોલીસને બોલાવવી હિતાવહ છે, એ જ વખતે ફોટા પાડી લેવા
જરૂરી છે કારણ કે, પોલીસ અધિકારી આવીને જો ક્રાઈમ સીન સાથે છેડછાડ કરે તો ફરિયાદી પાસે મૂળ સ્થિતિના ફોટા
મળી શકે છે…
ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલ, ઓટીટીમાં જે બતાવવામાં આવે છે એવું દરેક જગ્યાએ હોતું નથી. દરેક
પોલીસ અધિકારી એટલા પ્રામાણિક કે હોંશિયાર પણ હોતા નથી. કેટલીકવાર એવું પણ બને છે કે પોલીસ અધિકારી
પોતાની ડ્યૂટી નિભાવવા માગતા હોય, પણ ઉપરી અધિકારી કે મિનિસ્ટર, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટના દબાણમાં આવીને એમણે
કેટલાક અણગમતા કામ કરવા પડે છે.
આપણે જો બેગુનાહ હોઈએ તો કોઈનાથી ડર્યા વગર પરિસ્થિતિ સામે લડવું એ નાગરિક તરીકે, વ્યક્તિ તરીકે અને
માણસ તરીકે આપણો અધિકાર જ નહીં, આપણી ફરજ છે. જે વ્યક્તિ લડ્યા પહેલાં જ હાર સ્વીકારી લે છે એને નિષ્ફળ
કહેવાય છે જ્યારે, પોતાનાથી બની શકે ત્યાં સુધી લડનારને વીર અથવા બહાદુર કહેવાય છે.