આપણે અનેકવાર આપણા ઉપનિષદોમાં ‘શુકદેવજી’ નું નામ સાંભળ્યું છે. પરીક્ષિતને
ભાગવતની કથા શુકદેવજી સંભળાવે છે… પરંતુ, આ શુકદેવજી છે કોણ? એ જાણવા માટે આપણે
સતયુગ સુધી જવું પડે.
એક કથામાં કહ્યું છે કે, કૈલાસ ઉપર શિવજી અને પાર્વતીજી વાતો કરતા હતા.
દરમિયાનમાં પાર્વતીજીએ અમરકથા સાંભળવાની હઠ લીધી. અમરકથા સાંભળે તે ક્યારેય મૃત્યુ ન
પામે એવું વરદાન છે તેથી શિવજીએ અમરકથા કહેતા પહેલાં કૈલાસની એક ગુફામાં આશ્રય લીધો. એ
કથા કોઈ ન સાંભળે એ માટે તેમણે ગુફાની બરોબર ચકાસણી કરી, પરંતુ ગુફાના એક નાનકડા
ખૂણામાં પોપટનું એક ઈંડું હતું. અમરકથા સાંભળતાં જ ઈંડામાં ચૈતન્યનો પ્રવેશ થયો. એમાંથી
પોપટનું બચ્ચું (શુક) બહાર આવ્યું અને અમરકથા સાંભળવા લાગ્યું. અમરકથા સાંભળીને એ અમર
બની ગયું. પાર્વતીજી કથા દરમિયાન ઊંઘી ગયા. શુકના બચ્ચાને લાગ્યું કે જો પાર્વતીજીનો હોંકારો
નહીં સાંભળે તો શિવજી કથા અધૂરી છોડી દેશે. એણે પાર્વતીજીને બદલે ‘ઓમ’ ‘ઓમ’ કહીને હોંકારો
આપવા માંડ્યો. શિવજીને તરત જ સમજાયું કે, ગુફામાં કોઈ ત્રીજી વ્યક્તિ છે. તેઓ આવી છેતરપીંડી
બદલ ત્રિશુલ લઈને શુકના બચ્ચાને મારવા દોડ્યા…
બચ્ચું આગળ અને શિવજી પાછળ… એ બચ્ચું બદ્રીનાથના ભગવાન વેદવ્યાસના
આશ્રમમાં પહોંચી ગયું.
બદ્રીનાથથી આશરે આઠ-દસ માઈલ દૂર ગંગાના સ્વરૂપ અલકનંદા અને સરસ્વતી
નદીનું સંગમ સ્થાન છે. આ સંગમ સ્થાન પાસે એક આશ્રમ ભગવાન વ્યાસ એમના પત્ની અરણીદેવી
અને શિષ્ય વૈશંપાયન, પૈલ વગેરે વસતાં હતાં. અહીં અચાનક એક શુક (પોપટ)ના શરીરનો ત્યાગ
કરીને માનવશિશુ રૂપે એક આત્માએ અરણીદેવીના ગર્ભમાં પ્રવેશ કર્યો… એ આત્માનું ચૈતન્ય અદભૂત
હતું. એમની પાસે ગર્ભાવસ્થાથી જ અધ્યાત્મ અને શાસ્ત્રોનું જ્ઞાન હતું. એ ગર્ભમાંથી બહાર આવવા
તૈયાર જ નહોતા. માતા-પિતા સાથે વાતો કરતા, ભગવદ્ ચિંતન કરતા, પરંતુ ગર્ભમાંથી બહાર
આવવાની વિનંતીના પ્રતિઉત્તર રૂપે કહેતા, ‘સંસારમાં માયા છે. માયા મને બાંધશે. હું ગર્ભમાં સુખી
છું. આ અંધકાર અને જળ મને અનુકુળ છે.’
તેઓ 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા એમ કથા કહે છે. ભગવાન વ્યાસ અને માતા
અરણીદેવી મુંઝાઈને નારદજી પાસે સહાય માગે છે ત્યારે નારદજીની વિનંતી પણ શુકદેવજી સાંભળતા
નથી. નારદજી દ્વારિકા જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણને વ્યાસ આશ્રમમાં લઈ આવે છે. ભગવાન
સ્વયં ગર્ભસ્થ શુકદેવજીને વચન આપે છે, ‘તમે આજીવન મારી માયામાંથી મુક્ત રહેશો. સંસાર તમને
બાંધશે નહીં…’ શુકદેવજી બહાર આવે છે. એમને સંસાર કે માતા-પિતાની માયા નથી એટલે જન્મીને
તરત જ ચાલવા માંડે છે. ભગવાન વ્યાસ અને માતા અરણીદેવી એની પાછળ દોડે છે. એમને
રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ શુકદેવજી રોકાતા નથી. એમને સંસારની માયા નથી, એટલે વૈશ્વિક
જીવો સાથે એમનો અદ્વૈતનો સંબંધ છે. વૃક્ષો, પક્ષી, પશુ, પ્રાણી સહુની ભાષા તેઓ સાંભળી અને
સમજી શકે છે. ભાગવતકારે એમને ‘સર્વભૂતહૃદયમ્’ કહ્યા છે. તેઓ સંસાર સાથે અદ્વૈત અનુભવે છે
અને છતાં સંસારની માયામાં બંધાતા નથી!
સર્વ પ્રાણીઓના હૃદયમાં બેઠેલો આત્મા, એટલે શિવજીને હોંકારો આપતું પોપટનું
બચ્ચું. આપણા સૌના હૃદયમાં પણ આવું એક શુકશાવક છે જે અમરકથા સાંભળવા માગે છે.
અમરકથા વચ્ચે અટકે નહીં એટલે એ હોંકારો આપે છે, પરંતુ એ જાણે છે કે, કથા એને કહેવામાં નથી
આવી રહી. આપણે સૌ માયાથી છૂટવા માગીએ છીએ, સંસારના બંધનમાંથી બચવા માગીએ છીએ,
પરંતુ તેમ છતાં વધુ ને વધુ બંધાતા-ફસાતા જઈએ છીએ. સ્વતંત્રતા બે પ્રકારની હોય છે. એક, જેમાં
આપણે કોઈ વ્યક્તિ-વસ્તુ કે વિચારથી સ્વતંત્ર થવાનો પ્રયાસ કરીએ છીએ અને બીજી સ્વતંત્રતા એ
છે, જે કશાથી બચવા કે છૂટવાનો પ્રયાસ નથી, એ મુક્તિ છે-અવકાશ છે-શૂન્યતા છે. બધી જ પીડા
‘હું’ માંથી જન્મે છે. મારું અસ્તિત્વ, મારી વસ્તુઓ, મારા સંબંધો, મારું ભવિષ્ય કે મારો ભૂતકાળ
જેવા શબ્દો આપણને પીડા આપે છે. જે ક્ષણે આપણે આ હું-કારમાંથી મુક્ત થઈ જઈએ એ ક્ષણે
આપણે અદ્વૈત ભાવથી આ સંસારના જીવો સાથે જોડાઈ જઈએ છીએ. આકાશમાં ઉડતા પક્ષીઓ કે
નદીનું વહેતું જળ, સુગંધ રેલાવતા ફૂલો કે ઊગીને આથમી જતો સૂર્ય આપણા ‘અધિકાર’માં નથી. એ
સહુ માટે જીવે છે. સહુનો એના પર અધિકાર છે એવી જ રીતે આપણી ભીતર વસતો જીવ પણ
સહુનો છે-સહુ સાથે જોડાયેલો અદ્વૈત ભાવથી.
આપણને ‘આનંદ’નો અર્થ ખબર જ નથી. શરાબ પીવી, ખાવું, પ્રવાસ કરવો, શારીરિક સંબંધ કે
વસ્તુઓમાંથી મળતી ક્ષણિક સંતુષ્ટિ આપણને ‘સુખ’ લાગે છે, આનંદ લાગે છે, પરંતુ આ બધું તો કોઈક
બાબત પર આધારિત છે. વ્યક્તિ છે, વસ્તુ છે તો આનંદ છે. એ નથી તો આનંદ નથી… બલ્કે, નહીં
હોવાનું દુઃખ હોવાના આનંદ કરતા ક્યારેક વધી જાય છે. આપણે કહેવાતા ‘આનંદ’ના સમયમાં પણ,
‘જ્યારે આ બધું નહીં હોય ત્યારે’ના ભયથી સતત અસુરક્ષિત રહીએ છીએ. આપણી આ અસુરક્ષિત
મનોવૃત્તિનો ફાયદો લેભાગુ અને બની બેઠેલા જ્યોતિષ, બાવા, સાધુ અને દોરાધાગા કરનારા તાંત્રિકો
ઉઠાવે છે. એ આપણને લાલચ આપે છે, પરિસ્થિતિ બદલી આપવાની! આપણે જાણીએ છીએ કે એ
શક્ય નથી છતાં, માની લઈએ છીએ કારણ કે, આપણે સ્વાર્થી અને ગરજાઉ છીએ. ધર્મના નામે આવા
લોકો અંધશ્રધ્ધા ફેલાવે છે. ધર્મ તો શ્રધ્ધાના કોડિયામાં ટમટમતી એક એવી જ્યોત છે જે અજ્ઞાનના
અંધકારને દૂર કરવાનું કામ કરે છે.
ઓશો કહે છે કે, ‘આ દુનિયામાં સૌથી વધારે ગેરસમજ ધર્મોએ ફેલાવી છે. તમામ ધર્મ
કહે છે કે, ‘ડરો! ‘ ખરેખર તો ધર્મનું કામ છે, ભય ભગાડવાનું. મોટાભાગના ધર્મો પાપ-પુણ્યનો ભય
બતાવીને ડરાવે છે, સ્વર્ગની લાલચ આપે છે…’ આનંદ જો હોય તો હમણા છે અહીં. નથી તો ક્યાંય
નથી. આ વાત આપણને સમજાતી નથી કારણ કે, આપણે સત્વને બદલે સત્ય શોધવા નીકળી પડીએ
છીએ. નિરાકારનો અર્થ છે પ્રત્યેક આકારમાં ભળી જવું… આપણે સ્વરૂપની પૂજા કરીએ છીએ.
શુકદેવજીની કથા જીવનના રહસ્યને બહુ જુદી રીતે આપણી સામે મૂકે છે.
આપણી અધ્યાત્મ કથાઓ અગાધ અને ગહન છે. એક સ્વરૂપે એ કથા, કોઈ વાર્તા કે
કોઈ વાત છે, પરંતુ જેવા ભીતર ઉતરીએ કે તરત એનો મર્મ સમજાય છે. વેદની સંહિતાઓ, બ્રાહ્મણો
(ગ્રંથો), ઉપનિષદો, મહાભારત, રામાયણ, ઝેન, સૂફી, તાઓ જેવી અનેક ધારાઓમાં આવી કથાઓ
વહે છે. ક્યારેક સમજાય તો એમાંથી જીવનનો મર્મ લાધી જાય છે. ન સમજાય તો એ વાર્તા જ રહી
જાય છે.
શુકદેવજીની આ કથા આપણને સૌને સમજાવે છે કે, અમરકથા સાંભળી લીધા પછી
અમરત્વ મળી જાય, પરંતુ મહાકાલ પાછળ પડે તો ગર્ભમાં આશ્રય લેવો જ પડે છે. જે નિશ્ચિત હોય
છે તે થયા વગર રહેતું નથી. શિવજી (મહાકાલ) શુકદેવ (પોપટના બચ્ચા)ની પાછળ દોડે છે ત્યારે
અમરત્વ પામેલા બચ્ચાને પણ જન્મ લેવા બાધ્ય કરી શકે છે. 16 વર્ષ સુધી ગર્ભમાં રહેવાની વાત
માર્મિક છે. 16 સંસ્કાર આપણી પરંપરા છે. તમામ સંસ્કારોમાં બંધાયા પછી પણ જો આત્માએ
અમરત્વની કથા સાંભળી હોય તો એને સંસારની માયા બાંધી શકતી નથી. માતા-પિતા પાછળ દોડે
તો પણ એક વખત ગર્ભમાંથી બહાર આવ્યા પછી એ મુક્ત થઈ ગયેલો જીવ સંસારમાં રહી શકતો
નથી… એ જ શુકદેવજી મૃત્યુ તરફ ધસી રહેલા પરીક્ષિતને શ્રીમદ્ ભાગવતની કથા સંભળાવે છે! એક
અમરકથા સાંભળેલો આત્મા, એક મૃત્યોન્મુખ આત્માને સમજાવે છે કે, મૃત્યુ નિશ્ચિત છે.
આપણી અધ્યાત્મ કથાઓનો સંગ્રહ ‘ભાણદેવજી’ એ કર્યો છે. એમણે તો કથા જ
સંગ્રહિત કરી છે, પરંતુ એ પ્રત્યેક કથાને જો ભીતર ઉતારીને એના મર્મને સમજવામાં આવે તો
આપણા પુરાણ અને ઉપનિષદોની એક એક કથા જીવનનો સાચો માર્ગ બતાવે છે.