‘પોઝિટિવ’ શબ્દ સામાન્ય રીતે સારા અર્થમાં વપરાય… છેલ્લા બે વર્ષમાં આ શબ્દએ આપણને
ડરાવ્યા છે. રિપોર્ટ ‘પોઝિટિવ’ હોય, એનાથી ભય લાગે એ વાત કંઈ માત્ર કોરોના સાથે જોડાયેલી નથી.
કોરોનાકાળમાં આપણને ‘વાઈરસ’ શબ્દ સાથે જરા ગાઢ ઓળખાણ થઈ. હવામાં, પાણીમાં, શ્વાસમાં
અને સ્પર્શમાં ફેલાતો આ વાઈરસ આખા વિશ્વને ડરાવી ગયો. એ રોગમાં આપણે બધા એવા તો
અટવાયા ને સપડાયા કે બીજા અનેક ભયાનક રોગો પરથી આપણું ધ્યાન જરા હટી ગયું… કોવિડ આપણા
જીવનમાં પ્રવેશ્યો એ પહેલાં આપણે બધા કેન્સર સાથે લડવામાં વ્યસ્ત હતા. કેન્સરની પહેલાં આખું
વિશ્વ જે રોગથી ડરી ગયું હતું, એનું નામ હતું, એક્વાયર્ડ ઈમ્યુન ડેફિસિયેન્સી સિન્ડ્રોમ-એઈડ્સ. જેને મે,
1986માં ઈન્ટરનેશનલ કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાઈરસ દ્વારા એચઆઈવી હ્યુમન
ઈમ્યુનોડેફિસિયેન્સી વાઈરસ (એચઆઈવી) નામ આપવામાં આવ્યું.
સેક્સ્યુઅલ સંબંધ અથવા લોહીના ટ્રાન્સફરથી ફેલાતો આ રોગ માણસની ઈમ્યુન સિસ્ટમ (રોગ
પ્રતિકારક શક્તિ)ને ખતમ કરી નાખે છે, જે રીતે કોરોના કરે છે એ જ રીતે! આ ઈમ્યુન સિસ્ટમ આપણને
જન્મ સાથે મળે છે. બહારના રોગો (વાઈરસ)થી બચવા માટે આપણું શરીર એની ભીતર જ એક
એન્ટિબોડી (રોગના જીવાણુ કે વિષાણુ સામે યુધ્ધ કરતા સારા સેલ) તૈયાર કરે છે. એઈડ્સ કે કોરોના
જેવા રોગો આ એન્ટિબોડીને ધીમે ધીમે એટલા નબળા કરી નાખે છે કે, માણસ એક એક ડગલું મૃત્યુ તરફ
ખસવા લાગે છે. આખું તબીબી વિશ્વ આવા રોગોની દવા શોધી રહ્યું છે, પરંતુ આ રોગોમાં પ્રિકોર્શન
(સાવધાની) વધુ મહત્વની છે, એકવાર આ રોગ થયા પછી એની સાથે લડવું અશક્ય નથી છતાં ખૂબ
અઘરું તો છે જ.
સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદી નિર્મિત એક નાટકમાં આફ્રિકા ગયેલા એક યુવાન પુત્રને
એક્સિડન્ટ થાય છે અને એને લોહી ચડાવવામાં આવે છે. સમય સાથે ખબર પડે છે કે, એ લોહી
‘એચઆઈવી પોઝિટિવ’ હતું. 2000ની સાલના શરૂઆતના વર્ષોમાં એઈડ્સ જાગૃતિ માટે અનેક પ્રયાસો
કરવામાં આવ્યા. આ જ વિષય પર અનેક ફિલ્મો બની ચૂકી છે જેમાં સલમાન ખાન જેવા અભિનેતાએ
પણ ‘ફિર મિલેંગે’ નામની ફિલ્મમાં એચઆઈવી પોઝિટિવ દર્દીનો કિરદાર નિભાવ્યો છે. આપણા દેશમાં
એઈડ્સ કંટ્રોલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી જેમાં સરકારે પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો. મફત
એઈડ્સ ટેસ્ટિંગ, એઈડ્સની ટ્રીટમેન્ટ માટે સરકારી સહાય અને એઈડ્સ જાગૃતિ માટે સ્લમ્સમાં અને
સેક્સવર્કર્સના વિસ્તારોમાં જઈને કામ કરતા અનેક એનજીઓ છે, જે એઈડ્સથી બચાવવા માટે પ્રતિબદ્ધ
છે.
ટ્રક ડ્રાઈવર્સ, ઘરકામ કરતી સ્ત્રીઓ, ઝુંપડપટ્ટીના વિસ્તારો અને સેક્સવર્કર્સના વિસ્તારોમાં જ
એઈડ્સ હોય છે અથવા ત્યાંથી જ ફેલાય છે એવું માનવું અત્યંત ભૂલ ભરેલું છે. આપણે નથી જાણતા
એવી રીતે શહેરના ઉચ્ચ મધ્યમવર્ગ અને શ્રીમંત વિસ્તારોમાં પણ એઈડ્ઝ ફેલાયો છે, ફેલાઈ રહ્યો છે.
કહેવાતા એસ્કોટ્સ અને કોલગર્લના સંસર્ગમાં આવતા લોકોને પણ આ રોગ થવાનો ભય છે જ. સાથે
સાથે પૈસા કમાવવા માટે લોહી વેચતા અનેક લોકોનું લોહી આવા એ અથવા બી ટાઈપના એચઆઈવીથી
ગ્રસ્ત હોવાની સંભાવના રહેલી છે. જાણીતા ટેનિસ પ્લેયર આર્થર એશને એઈડ્ઝ થયેલો. એમને બ્લડ
આપવું પડેલું. અમેરિકા જેવા દેશમાં પણ આવા પ્રસિધ્ધ માણસને લોહી આપતી વખતે બધી તકેદારી
રાખ્યા છતાં એઈડ્ઝ થઈ શકે તો સામાન્ય માણસે કેટલી સાવધાની રાખવી પડે એ સમજી શકાય એવું છે.
ત્રણ વખત ગ્રાન્ડસ્લેમ જીતનાર માણસની ફિટનેસ કંઈ ઓછી તો નહીં જ હોય, એ માલન્યુટ્રીશ્યનનો
ભોગ પણ ન જ હોઈ શકે…
હજી હમણા જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા એઈડ્સ જાગૃતિના એક કાર્યક્રમમાં
બોલતાં અંકિત ત્રિવેદીએ કહ્યું, “જિંદગી કોઈપણ પરિસ્થિતિમાં કિંમતી છે. યુવાન, સગીર, પતિ હોય કે
પત્ની, એઈડ્સ કોઈને પણ થઈ શકે છે. જરૂર ડરવાની નથી-સાવધાન રહેવાની છે.” એઈડ્સ કંટ્રોલ
સોસાયટીના પ્રોજેક્ટ હેડ ડૉ. મેહુલ આચાર્ય અને ભાવિનભાઈ, સ્વાતિબહેન જેવા કાર્યકર્તાઓ છેક
ગ્રાસરૂટ લેવલ પર કામ કરે છે. એમના કેટલાક કેસ સ્ટડીઝ જાણવા જેવા છે. હવેના સમયમાં તકલીફ એ
છે કે, એઈડ્સ માત્ર સ્ત્રી-પુરુષના સંશયથી જ થાય છે એવું નથી. ‘એલજીબીટીક્યૂ’ ને કોઈ કારણ વગર
ઓટીટી પ્લેટફોર્મ ઉપર ગ્લેમરાઈઝ કરવામાં આવી રહ્યું છે. વળી, પરિવારોમાં સંતાનો સાથેનો સંવાદ
ઘટતો જાય છે. કુતૂહલવશ કે ઉંમરના ઉશ્કેરાટમાં શારીરિક સંબંધ બાંધી બેસતા સગીર કે યુવા લોકોને આ
રોગની ભયાનકતા વિશે જાણ નથી. એમને એમના માતા-પિતાએ ‘પ્રોટેક્શન’ વિશે માહિતી આપી નથી,
કારણ કે ‘એ વિશે’ વાત કરવામાં આપણા દેશમાં અત્યંત સંકોચ અને શરમ અનુભવવામાં આવે છે.
આપણે બધા જ એક એવી દુનિયામાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં ડાર્ક વેબ અને પોર્ન વેબસાઈટ્સ
સાચા અર્થમાં આંગણીના ટેરવા પર ઉપલબ્ધ છે. આવી વેબસાઈટ્સ યુવા માનસને ઉશ્કેરે છે, પરંતુ જે
ઘરમાં માતા-પિતા સાથેનો સંવાદ અકબંધ હોય એ ઘરમાં શારીરિક સંબંધો અને એ સમયે ધ્યાનમાં
રાખવા પડતી સાવધાની વિશે માતા-પિતા સંતાન સાથે વાત કરી શકે છે. આપણી પરંપરા, સંસ્કૃતિ,
મર્યાદા અને બીજી બધી જ વાતોને પૂરા સન્માન સાથે નિહાળીએ તો પણ બદલાતા સમયને આપણે રોકી
શકતા નથી. પશ્ચિમથી થયેલો પગપેસારો આપણા સમાજના પાયાને હચમચાવી રહ્યો છે ત્યારે જેમ
કોરોના વિશે આપણે જાગૃત છીએ, માસ્ક પહેરીએ છીએ, સેનેટાઈઝર વાપરીએ છીએ અને એમાં કોઈ
પ્રકારની શરમ કે સંકોચ અનુભવતા નથી એવી જ રીતે એઈડ્ઝ જેવા જીવલેણ રોગ વિશે વાત કરવામાં,
માહિતીની આપલે કરવામાં કે સંતાનોને એ વિશે સજાગ અને સભાન કરવામાં કોઈ સંકોચ રાખવાની
જરૂર નથી.
વ્યક્તિ ગૂમાવવી કે રોગ થાય ત્યારે ઘાંઘાવાંઘા થઈને દોડાદોડ કરી મૂકવી એને બદલે સાવધાની
અને સમજદારી જ આપણને આવા જીવલેણ રોગોથી દૂર રાખી શકશે એ વાત આપણે સમજવી અને
સ્વીકારવી રહી.