અમે તો આવા જ છીએઃ એ ગૌરવની વાત તો નથી જ.

સ્કોટલેન્ડના એક શાંત સરોવરમાં ઊંચા ઊંચા વૃક્ષોના પડછાયા પડે છે. ભૂરા આકાશના
પ્રતિબિંબને ઝીલતું સરોવરનું પાણી થોડું વધારે ભૂરું અને છેક તળિયું દેખાય એટલું સ્વચ્છ છે.
તળાવનો આખો કિનારો નિર્જન છે. એક વ્યક્તિ ત્યાં બેસીને શાંતિથી સ્પંદનો જોઈ રહ્યો છે, વૃક્ષોના
હલતા પડછાયા, આકાશના વાદળો અને આથમતી સાંજના રંગો બરાબર માણી રહ્યો છે ત્યારે જ
એક ગાડીમાં થોડા લોકો આવે છે. સાત જણાં ઉતરે છે અને ‘હોં-હા’ શરૂ થઈ જાય છે. ગુજરાતીમાં
મોટા અવાજે ‘કેટલું ફાઈન છે નહીં!’થી શરૂ કરીને ‘આ લોકો સાલાઓ… બધું ચોખ્ખું બહુ રાખે…’
જેવી કમેન્ટ્સ, વીડિયો કોલ ઉપર ભારતમાં રહેલા સ્વજનોને જોરજોરથી એ તળાવ અને
આસપાસના વિસ્તારોનું દર્શન, એકબીજાની સાથે ફોટા પડાવતી વખતે કરવામાં આવતી બિનજરૂરી
અને ફાલતુ ટિપ્પણીઓથી વાતાવરણ ડહોળાઈ જાય છે. એ શાંતિ, સુંદરતા અને લગભગ ધ્યાનમાં
બેઠેલી કુદરત વિચલિત થઈ જાય છે.

ફિલ્મનો એક ગંભીર, સંવેદનશીલ સીન ચાલી રહ્યો છે. થિએટર લગભગ ફૂલ છે.
બરાબર એ જ સમયે એક મોબાઈલ રણકે છે, ‘ઓહો! લઈ લો, લઈ લો… ના ના, આ જ ટાઈમ છે
લેવાનો…’ આગળથી એકાદ પ્રેક્ષક ‘શશશ…’ કરીને ચૂપ કરાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ મોબાઈલ
ઉપર મોટા અવાજે વાત કરતા ભાઈ ઉલ્ટાના એમને ધમકાવે છે, ‘કેમ? તમે એકલાએ ટિકિટ લીધી
છે? એવું હોય તો થિએટર બુક કરાવવાનું, સમજ્યાને?’ એમની સાથે બેઠેલા બીજા છ-સાત જણાં
આ વાત પર શરમાવવાને બદલે મોટેથી હસે છે.

એક રેસ્ટોરાંમાં કિટી પાર્ટી ચાલી રહી છે. 12-14 સ્ત્રીઓ મોટા અવાજે પારિવારિક
વાતો કરી રહી છે. જેમાં પુત્રવધૂના પ્રોબ્લેમથી શરૂ કરીને પડોશીની દીકરી, દેરાણી-જેઠાણી અને
ફિલ્મસ્ટાર્સ સહિત સૌની ગોસિપનો સમાવેશ થાય છે. રેસ્ટોરામાં બેઠેલા ક્લાયન્ટ્સમાંથી કોઈ એક
જણ સ્ટુઅર્ટ પાસે વિનંતી કરાવીને એમને ધીમે બોલવાનો મેસેજ મોકલે છે ત્યારે એમાંના એક બહેન
કહે છે, ‘હમેરી કિટ્ટી પાર્ટી ચલ રહી હૈ. બાતેં કરને કે લિયે તો મિલતે હૈં, બાત નહીં કરેંગે ક્યાં? ઉનકો
પ્રોબ્લેમ હો તો દુસરી જગા જાને કો બોલો…’

આ આપણે છીએ, ગુજરાતી! જે જગ્યાએ જઈએ ત્યાં ઘોંઘાટ કરવો, ગંદકી કરવી,
તોછડાઈથી વર્તવું-ને એટલું ઓછું હોય એમ પૈસા કે પહોંચનું પ્રદર્શન કરવું આપણા ડીએનએમાં છે?
વિશ્વમાં કોઈ એવો દેશ નહીં હોય જ્યાં ગુજરાતીએ જઈને પોતાનું નાનકડું સામ્રાજ્ય સ્થાપિત નહીં
કર્યું હોય! ગુજરાત અને ગુજરાતી ઠેરઠેર પહોંચ્યા છે. ઢોકળા, ખમણ, પાત્રા, થેપલા, ખાખરાથી શરૂ
કરીને ગરબા અને ઈતિહાસને તપાસીએ તો ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર ચંદુલાલ
શાહ, વિજય ભટ્ટ, નાનાલાલ ભટ્ટ જેવા બોલિવુડના સ્ટાર, પહેલી કોટન મિલ પ્રસ્થાપિત કરનાર,
સલીમ દુર્રાની અને બ્રિજેશ પટેલ જેવા ક્રિકેટર્સ… લિસ્ટ બહુ લાંબુ થઈ જાય-વિશ્વના દસ શ્રીમંતોના
લિસ્ટમાં બે ગુજરાતી છે, આપણા વડાપ્રધાન ગુજરાતી છે, અર્થ એ થયો કે ગુજરાતી પ્રજાએ
વિશ્વમાં ફતેહ કરી છે. અમેરિકાની હોટેલ-મોટેલ ઈન્ડસ્ટ્રી હોય કે બ્રિટન અને યુરોપના દેશોની
ઈકોનોમી, મિડલઈસ્ટના ફાર્માસ્યુટિકલ અને સપ્લાયનું ટ્રેડિંગ હોય કે બીજો કોઈપણ ધંધો, ગુજરાતી
એકવાર એમાં હાથ નાખે એટલે પૈસા કમાવા એ ગુજરાતીની આવડત અને ઝનૂન હોય છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી
છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની
વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા
૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭ મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી
ભાષા છે. ગુજરાતી ૭૦૦ વર્ષ કરતા વધુ જૂની છે. વિશ્વમાં સૌથી વધારે દાન કરતા, સૌથી મોંઘા
લગ્નો કરતા અને બિઝનેસ ક્લાસમાં વિશ્વ પ્રવાસ કરનારા પ્રવાસીઓમાં ગુજરાતીઓનો આંકડો
આંખો પહોળી કરી નાખે એટલો છે!

પરંતુ, સવાલ એ છે કે આ બધી સફળતાઓ પછી પણ આપણામાં જાહેરમાં વર્તવાની
એક સભ્યતા કે સલૂકાઈ કેમ નથી આવતી? આપણે પૈસા કમાયા છીએ, પરંતુ એની સાથે આવવો
જોઈતો ક્લાસ કદાચ આપણે નથી શીખી શક્યા. વિશ્વ પ્રવાસ કરી લીધો, પરંતુ દુનિયામાંથી સારી
વાતો-જાહેરમાં કેવી રીતે વર્તવું, પબ્લિક ટોઈલેટ કેવી રીતે વાપરવું, સરકારી સંપત્તિનો કેવી રીતે
સદુપયોગ કરવો અને કરપ્શન વગર પણ પોતાનું કામ કેવી રીતે પ્રામાણિકતાથી કરાવવું અને કરવું એ
શીખવાનું કદાચ આપણે ભૂલી ગયા. જોરથી બોલવું, ખાસ કરીને જાહેરસ્થળોએ એ ધ્યાન ખેંચવાની
પ્રવૃત્તિ છે-અને એ લઘુતાગ્રંથિમાં જન્મે છે. આપણે ‘દેશી’ છીએ અને આવા જ રહેવાના… એ એક
એવી માનસિકતા છે જે મુઠ્ઠીભર લોકોને કારણે સૌને શરમમાં નાખે છે.

દુઃખની વાત એ છે કે, દરેક અમીર માણસ ખાનદાન નથી હોતો, દરેક શ્રીમંત પાસે
સભ્યતા નથી હોતી, પૈસા આવી જવાથી સોફેસ્ટિકેશન કે પબ્લિક બિહેવિયરનું જ્ઞાન આપોઆપ નથી
આવતું… એ વાત ગુજરાતીઓને જોઈએ તો તરત સમજાય. મોટેથી બોલવું, નિયમો તોડવા, પોતાની
હાજરીની સૌ નોંધ લે એવું, અટેન્શન સિકિંગ બિહેવિયર કરવું-કોઈ રોકે કે ટોકે તો અભિમાન અને
તોછડાઈથી સામેની વ્યક્તિને ઉતારી પાડવી, એનું અપમાન કરવું-એવું કરીને પોતાનો વિજય
પ્રસ્થાપિત કરવાનો મૂર્ખતાપૂર્ણ પ્રયાસ કરવો… ને આ બધું ઓછું હોય એમ, પોતે જે કંઈ કરી રહ્યા છે
તે બરાબર જ છે એવા અહંકાર સાથે પોતાના પૈસાનું પ્રદર્શન કરવું… આ ગુજરાતીપણું છે? આપણે
તો આવા નહોતા, છેલ્લા 25 વર્ષમાં ગુજરાતીમાં આવેલો બદલાવ ઊડીને આંખે વળગે એવો છે.
સાચું પૂછો તો હૃદયમાં ખૂંપી જાય અને દુઃખ પહોંચાડે એવો પણ છે.

ગુજરાત ભારતનું નંબર વન રાજ્ય કહેવાય છે. અહીં શાંતિ છે, સમૃધ્ધિ છે અને
રોજિંદા જીવનમાં સુખ છે-પરંતુ, બદલાઈ રહેલી પેઢીઓ સાથે અહીં બદલાતી જતી માનસિકતાને
કારણે ગુજરાતીઓની પ્રતિષ્ઠા વિશ્વ કક્ષાએ મજાકનું સાધન બની રહી છે. બધા કદાચ એવા નથી જ,
ન જ હોય… પરંતુ, એકાદવાર દરેક ગુજરાતીએ પોતાનું વર્તન તપાસવું જોઈએ. જો એવું લાગે કે
એમના પબ્લિક બિહેવિયરમાં તોછડાઈ, અહંકાર, પૈસાનું પ્રદર્શન અને બિનજરૂરી ધ્યાન ખેંચવાની
પ્રવૃત્તિ છે, તો એને બદલવાનો-સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. ગુજરાતી હોવાનું ગૌરવ
સાચવવાની જવાબદારી પ્રત્યેક ગુજરાતીની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *