‘અમને સાંકળ બાંધીને લાવવામાં આવ્યા… અમને વોશરૂમ પણ જવા દેવાની છૂટ ના
આપી… અમારી સાથે અપરાધી જેવો વર્તાવ કરવામાં આવ્યો…’ આ બધી ફરિયાદો સાથે
અમેરિકાથી આવેલો ભારતીય ઈલિગલ ઈમિગ્રન્ટ્સનો પહેલો બેચ એમના શહેરોમાં-ઘરોમાં સેટલ
થવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એક સવાલ એવો ઊઠે છે કે, કોઈપણ દેશમાં ગેરકાયદે રહેનાર
માણસને જો એ દેશ કાઢી મૂકે તો ગેરકાયદે દાખલ થયેલા અને ત્યાં ટકી ગયેલા લોકોને ફરિયાદ
કરવાનો અધિકાર છે? છેલ્લા કેટલાંય વર્ષોથી વિઝિટર વિઝા, પી-થ્રી, એચ 1 બી અને સ્ટુડન્ટ
વિઝા પર અમેરિકા જવાનો એક ગોરખધંધો ચાલી રહ્યો છે. એકના 80-અને હવે, 87 સુધી
પહોંચેલો ભાવ ભારતીય સહિત અનેક લોકોને આકર્ષે છે. કમાવા માટે અમેરિકા જનારા આ બધા
લોકો 20 વર્ષ સુધી પાછા ન આવ્યા હોય એવા દાખલા મોજુદ છે… વૃધ્ધ માતા-પિતા, યુવાન
થઈ ગયેલાં સંતાનોને એમણે વર્ષો સુધી જોયાં ન હોય એવી કમાણીને અંતે કોણ વાપરશે, એવો
સવાલ એકવાર એમનું મન કે આત્મા નહીં પૂછતા હોય?
ભારતમાં બેરોજગારી અને ગરીબી છે. હાઈલી ક્વોલિફાઈડ લોકોને મળવાં જોઈએ
એટલા પગાર અને આદર મળતા નથી, સાથે જ અહીં જે જીવનધોરણ છે એમાં કરપ્શન અને તક
તથા હક્કના અનેક સવાલો છે, જેને કારણે આ દેશના યુવા ભારત છોડીને બીજે વસવાટ કરવા
લાગ્યા છે. સામે સવાલ એ છે કે, ગેરકાયદે ક્યાંય પણ વસવું-કમાવું કેટલા અંશે યોગ્ય છે?
આપણને ટ્રમ્પ પર ગમે એટલો ગુસ્સો આવે, પરંતુ આ પહેલાં પણ જોબાયડેને 1100થી 1300
જેટલા લોકોને ડિપોર્ટ કર્યા હતા. એમની રીત કદાચ, આટલી કડક નહોતી, પરંતુ ડિટેન્શન અને
ડિપોર્ટેશનનું કામ અમેરિકામાં દર વર્ષે થાય છે કારણ કે, માત્ર ભારત જ નહીં, મેક્સિકો, ચાઈના
અને એશિયાના દેશો(થર્ડ વર્લ્ડ કન્ટ્રી)માંથી અનેક લોકો અમેરિકાના આકર્ષણમાં ફસાઈને ત્યાં
પહોંચે છે. ત્યાં પૈસા છે, જીવનધોરણ છે, સવલતો છે-ટૂંકમાં એક બહેતર જીવન છે, એની ના
નથી, પરંતુ સામે સવાલ એ છે કે, ત્યાં પહોંચતા ભારતીયો (ખાસ કરીને, ગુજરાતીઓ)
શરૂઆતમાં જે પ્રકારની જિંદગી જીવે છે એ જાણીએ તો સમજાય કે ડોલર કમાવા સહેલા નથી.
સબવે, ડંકીન, કન્વિનિયન્સ સ્ટોર્સ, પેટ્રોલ સ્ટેશન અને ખાસ કરીને, મોટેલથી શરૂ કરીને જે કોઈ
બિઝનેસ ચાલે છે એમાં લઘુત્તમ વેતનથી ઓછા પૈસા મળે-કામના નિશ્ચિત કલાકો કરતાં વધુ
કામ કરવું પડે, એકથી વધુ નોકરીઓ કરવી પડે અને છતાં ગમે ત્યારે પકડાઈ જવાનું-ડિટેઈન કે
ડિપોર્ટ થવાનો ભય માથે તોળાતો રહે.
અમેરિકામાં કદાચ સેટલ થઈ જાય તો પણ જીવન સરળ નથી. ત્યાંની ટેક્સ પધ્ધતિ,
સોશિયલ સિક્યોરિટી અને કાયદા બહુ જુદા અને કડક છે. નવાઈની વાત એ છે કે, આ જ
ભારતીયો ત્યાં જઈને કાયદા પાળે છે, ટેક્સ ભરે છે અને ગાડી વ્યવસ્થિત ચલાવે છે-ડિફોલ્ટ કરતા
નથી. આપણે આપણા દેશમાં રહીને જો આ જ રીતે કાયદા પાળીએ, ટ્રાફિકનું નિયમન કરીએ કે
લાઈનમાં ઊભા રહેવાથી શરૂ કરીને શૌચાલય ચોખ્ખા રાખવા સુધી એક સારા નાગરિકની જેમ
વર્તીએ તો અહીં પણ, એક સારું જીવનધોરણ ઊભું કરી શકાય… હા કે ના? આપણે બધા ગોરી
ચામડીથી આકર્ષાયેલા, પશ્ચિમથી અંજાયેલા લોકો છીએ. આ દેશ પાસે જે કંઈ છે, સંસ્કૃતિ,
સભ્યતા, ભાષા, વૈવિધ્ય અને કલા… એ તરફ જોવાની આપણને ફુરસદ નથી કે પછી રસ પણ
નથી. એક એવો સમય શરૂ થયો છે જેમાં પૈસા સિવાયની કોઈ બાબતમાં કોઈને રસ નથી. પૈસા
સગવડ ખરીદી શકે છે, પાવર આપે છે, પૈસાથી સત્તા અને સરકાર પણ એકવાર ઝૂકી જાય એવું
માનનારા લોકોની સંખ્યા આ દેશમાં વધતી જાય છે, જે આપણું દુર્ભાગ્ય છે.
ટ્રમ્પ હોય કે બીજો કોઈપણ રાષ્ટ્રપતિ, પોતાના દેશના લોકોને વંચિત રાખીને ગેરકાયદેસર
રીતે દેશમાં પ્રવેશીને ધૂમ કમાઈ રહેલા લોકોનો વિરોધ કરે એ સ્વાભાવિક અને સાચું નથી? જોકે,
સમસ્યા એમાં પણ છે કારણ કે મૂળ અમેરિકન્સ આળસુ છે. સરકાર એમને બેરોજગારીનું ભથ્થું
આપે છે, ઘર અને ગ્રોસરીની કુપન આપે છે, આ બધા પછી એમણે કામ કરવાની જરૂર નથી!
વિદેશથી કમાવા આવેલા લોકો કાળી મજૂરી કરે છે, કોઈપણ કામ કરવા તૈયાર છે જેને કારણે
અમેરિકન ઈકોનોમીના એક આખા વચલા લેયર માટે આ લોકો સૌથી મોટું સાધન પૂરવાર થાય
છે. ગેરકાયદે હોવાને કારણે એમને સોશિયલ સિક્યોરિટી, મેડિકલ, કે બીજી કોઈ સવલત સરકારે
આપવી પડતી નથી. નોકરીએ રાખનાર વ્યક્તિએ પણ મિનિમમ વેતન કે બીજા કોઈ નિયમો
પાળવા પડતા નથી એટલે આવા ગેરકાયદે દાખલ થયેલા લોકો ખૂબ આરામથી ગોઠવાઈ શકે
છે… હવે, જો ટ્રમ્પ સહુને કાઢી મૂકશે તો આ મહેનત કરનારો આખો વર્ગ અમેરિકામાંથી ફેંકાઈ
જશે! અમેરિકામાં કાયદેસર રહેતા ભારતીય-ખાસ કરીને, ગુજરાતીઓને એમના બિઝનેસ માટે
માણસોની જરૂર પડશે એ ક્યાંથી આવશે? મેક્સિકન્સ પાસે એવી આવડત નથી જે ભારતીય-
ગુજરાતી પાસે છે… બીજો સવાલ એ છે કે, જે લોકો પાછા આવશે એ આ દેશમાં શું કરશે?
હજારો-લાખોની સંખ્યામાં પાછા ફરેલા લોકો માટે રોજગારી-નોકરીઓ આ દેશ આપી શકશે?
કોઈ એક ટ્રીટી, અમેરિકન સરકારની તમામ શરતો માની લઈને જો સમાધાન કરવામાં
આવશે તો કદાચ, આવનારા દિવસોમાં મીડિયા ‘ભારતીયો પાછા નહીં આવેઃ ટ્રમ્પ માની
ગયા’ના સમાચાર ચગાવશે. આપણે પણ આ સમાચાર વાંચીને સરકારની સફળતા પર ખુશ થઈ
જઈશું… પરંતુ, એને માટે કરવામાં આવેલા સમાધાનની કિંમત પણ આપણે જ ચૂકવવાની છે એ
વિશે કોઈ વાત નહીં કરે.
આપણે સૌ આંખ મીંચીને વર્તવા ટેવાયેલા, પ્રમાણમાં બેવકૂફ કહી શકાય એવા લોકો
છીએ. પૈસા કમાવા માટે ઘર-જમીન વેચીને, લાખો રૂપિયાનું દેવું કરીને અમેરિકા ગયેલા લોકો
ધીમે ધીમે દેવું ભરી રહ્યા છે ત્યારે જો એમણે પાછા આવવું પડશે તો અહીં એ આ દેવું કંઈ રીતે
ચૂકવશે? જો નહીં ચૂકવી શકે તો બેઈમાની-ફ્રોડ સિવાય એમની પાસે કયો રસ્તો બાકી રહે છે?
આજે જ્યારે આટલી સાયબર ક્રાઈમે માઝા મૂકી છે ત્યારે અમેરિકાથી પાછા ફરેલા આ
લોકો પોતાને માટે આજીવિકા કઈ રીતે શોધશે એ સવાલનો જવાબ ભારતીય સરકારે આપવો
રહ્યો…