અનંત અંબાણીના પ્રિવેડિંગ ગાલામાં જામનગરમાં ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ અને દેશ-
વિદેશના મહેમાનો પધાર્યા… ત્રણ ખાન એક સાથે દક્ષિણ ભારતના સ્ટારની જોડે ઓસ્કાર વિનિંગ
ગીત પર નાચ્યા… પૈસા હોય તો શું ન થઈ શકે? બચ્ચન સાહેબ અને ઐશ્વર્યા રાય પણ ભોજન
પીરસવા માટે નમ્રતાપૂર્વક હાજર રહી શકે!
શ્રીમંત લોકોના લિસ્ટમાં અદાણી અને અંબાણીનું નામ આવે છે. મિત્તલ અને બીજા
અનેક શ્રીમંત લોકો ખર્ચ કરવામાં પાછું વળીને જોતા નથી જ્યારે બિલ ગેટ્સે પોતાની અડધી સંપત્તિ
એવા લોકો માટે દાન કરી દીધી જે જરૂરિયાતમંદ છે. ફોર્ડ ફાઉન્ડેશન આજે પણ આફ્રિકા, ભારત અને
બીજા એવા કેટલાય દેશોમાં કામ કરે છે જ્યાં લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ
નથી. પોતાના માટે તો સૌ વાપરે, વાપરવા પણ જોઈએ. સુખ અને લક્ઝરી દરેકનો અધિકાર છે,
પરંતુ એ જ સમય માત્ર દેખાડા કે પ્રદર્શનને બદલે અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ થઈ શકે, કેટલીયે
અનાથ, બેસહારા દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે નાનકડો ખર્ચો પણ થઈ શકે તો કદાચ કેટલાય
જીવન સુધરે અને એમના હૃદયમાંથી નીકળેલા આશીર્વાદ એમની અમીરીને શ્રીમંતાઈમાં બદલી શકે.
આજથી સો વર્ષ પહેલાં ગાંધીજીએ ટ્રસ્ટીશિપનો સિધ્ધાંત આપ્યો હતો જેમાં દેશના
અમીર કે શ્રીમંત લોકો પોતાને જેટલું જોઈતું હોય તેટલું રાખીને બાકીનું અન્ય લોકો માટે-
જરૂરિયાતમંદ લોકો માટે સાચા રસ્તે વાપરે તો કદાચ, સર્વોદય-અંત્યોદયનો વિચાર સાચા અર્થમાં
સાકાર થાય.
ગુજરાતમાં આજથી સો વર્ષ પહેલાં શેઠ અંબાલાલ સારાભાઈનો પરિવાર હતો.
પોતાના બાળકો માટે ઘરમાં શાળા ખોલી શકે અને 11 એકરમાં ફેલાયેલા એમના બંગલાની કથાઓ
આજે પણ દંતકથા જેવી લાગે છે, પરંતુ એમણે કેટલીયે જમીનો શિક્ષણ અને રિસર્ચ માટે એક
રૂપિયા, સવા રૂપિયાના ભાગે દાન કરી દીધી. અંબાલાલ સારાભાઈ મિલ માલિક અને એમના બહેન
અનસૂયા સારાભાઈ મજૂર મહાજનના અધ્યક્ષ. મેનેજમેન્ટની સામે મજૂરોને મિનિમમ વેતન મળવું
જોઈએ ત્યાંથી શરૂ કરીને એમની સગવડો, મિલના કામદારો માટેની ચાલીઓથી શરૂ કરીને એમના
બાળકો માટે ખાસ શાળાઓ ઊભી થવી જોઈએ એવો આગ્રહ અનસૂયાબેને રાખ્યો. આજે પણ
સારાભાઈ પરિવારનું નામ આદરપૂર્વક લેવાય છે કારણ કે, એનઆઈડી, આઈઆઈએમ અને
પીઆરએલ, અટિરા જેવી સંસ્થાઓ એમણે પોતાના ખર્ચે ઊભી કરવાની હામ ભીડી. પૈસા હોવા
અને પૈસા વાપરવા આ બે જુદી બાબતો છે. આપણી ભાષામાં શ્રીમંત અને શ્રેષ્ઠી આવા બે શબ્દો છે.
જે જગતનું શ્રેષ્ઠ કરે એને શ્રેષ્ઠી કહેવાય. સ્વયં માટે તો સૌ વાપરે, જગતના કે જનસામાન્યના કલ્યાણ
અર્થે જે વાપરી શકે તે હૃદયથી શ્રીમંત છે. બેન્ક બેલેન્સ અને પ્રોપર્ટી તો દાઉદ પાસે પણ ઘણા છે,
પરંતુ એને માટે કોઈને સન્માન નથી… લક્ષ્મી અને ધનમાં ફરક એ છે કે, લક્ષ્મી સન્માન અપાવે છે
જ્યારે ધન, સગવડ અપાવે છે.
વધુ પડતી સગવડ વ્યક્તિને આળસુ પ્રમાદુ બનાવે છે. નવાઈની વાત એ છે કે, આપણે
જેમ વધુ ધન કમાતા જઈએ એમ ધનની લાલસા વધતી જાય છે. મળેલું માણવાને બદલે, નહીં મળેલું
મેળવવા દોડતો માણસ કદાચ ખૂબ બધી સગવડ ઊભી કરી શકે, પરંતુ ‘સુખ’ પામી શકતો નથી. આ
કહેવાનું તાત્પર્ય જરાય એવું નથી કે, માણસે મહત્વકાંક્ષી ન હોવું જોઈએ, પૈસા ન કમાવા જોઈએ,
સ્વપ્નો મોટા ન રાખવા જોઈએ… ના, પરંતુ પોતાના સ્વપ્નોમાં ક્યાંક એવા લોકો માટે પણ જગ્યા
રાખવી જોઈએ જેમના સપનાં ક્યારેય પૂરાં થતા નથી. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સમાજ પરત્વેની
જવાબદારી એ ‘માણસાઈ’નું પહેલું લક્ષણ છે, જે પોતાના ધનનો ઉપયોગ ‘માણસાઈ’ માટે નથી
કરતા, એની પાસે ગમે તેટલા પૈસા હોય-એને સમાજ ક્યારેય સન્માન નથી આપી શકતો.
જેણે નોંધ લીધી હશે એને સમજાયું હશે કે, ગરીબો માટે આવાસ, જરૂરિયાતમંદ માટે
ભોજન, મફત મેડિકલ સેવાઓ, કન્યા શિક્ષણ, ગરીબ દીકરીઓ માટે લગ્નની મદદ કે હોંશિયાર છતાં
પોતાનો વ્યવસાય ન કરી શકતા યુવાનો માટે નરેન્દ્ર મોદી જુદી રીતે કામ કરી રહ્યા છે. એમણે કદાચ
ક્રિમિલેયર માટે કશું નથી કર્યું, પરંતુ જેમને ખરેખર જરૂર છે એવા ગરીબી રેખાની નીચેના કે શ્રમિક
વર્ગ, સ્લમ અને બાંધકામ મજૂરો માટે સતત નવી નવી યોજનાઓ મૂકીને એમને પણ દેશની
પ્રગતિમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી ફક્ત પૈસાવાળા વધુ અમીર થઈ રહ્યા હતા,
પરંતુ હવે એક એવો સમય શરૂ થયો છે જેમાં જરૂરિયાતમંદ લોકો તરફ પણ એક નજર, એક દૃષ્ટિ
પહોંચી છે.
પુરાણની એક કથા મુજબ લક્ષ્મી અને અલક્ષ્મી બંને બહેનો છે. સમુદ્રમંથન દરમિયાન
પહેલાં અલક્ષ્મી નીકળે છે અને પછી લક્ષ્મી પ્રાગટ્ય થાય છે. અલક્ષ્મી દુર્ભાગ્યની દેવી છે. એ ધનની
સાથે નશો, જુગાર, સટ્ટો, શરાબ, વ્યાભિચાર જેવી બાબતો લઈને આવે છે, જ્યારે લક્ષ્મી
શુભતત્વની પ્રેરક છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેવાયું છે કે, લક્ષ્મીના આગમન કરતા એના નિર્ગમન માટે
વધુ સાવચેત રહેવું. લક્ષ્મી જે રસ્તે જાય એ રસ્તો જો જાગૃત રહીને પસંદ કરવામાં ન આવે તો લક્ષ્મી
જતાં જતાં પીઠમાં લાત મારીને જાય છે અને માણસને બેવડ કરી નાખે છે. આ વાત માત્ર ધનકુબેર કે
દુનિયાના અમીરોના લિસ્ટમાં પોતાનું નામ લખાવનાર વ્યક્તિ પૂરતી મર્યાદિત નથી, આપણી પાસે
જેટલું હોય એમાંથી પણ જો થોડુંક આપણે આ જગતના જરૂરિયાતમંદ લોકો માટે વાપરી શકીએ તો
લક્ષ્મીના આશીર્વાદ સદૈવ આપણા ઉપર રહે છે એમ આપણા પુરાણો કહે છે. લક્ષ્મી-ધન, સગવડ,
વૈભવ આ બધું જ એક જગ્યાએ આવીને સંતુષ્ટિની સીમારેખા ઉપર ઊભું રહેવું જોઈએ. માણસ
તરીકે આપણે આ સંતુષ્ટિની સીમારેખા જાતે જ નક્કી કરવાની છે. કોને કેટલું જોઈએ છે એ તો વ્યક્તિ
પોતે જ નક્કી કરે, પરંતુ એ સીમારેખા નક્કી થાય તો કદાચ પ્રદર્શનને બદલે પરદુઃખભંજનનો વિચાર
વધુ સાચી રીતે આપણા પછીની પેઢીને આપી શકાય.