અંગદાનઃ જીવનદાન; આ નવરાત્રિએ જીવનથી જીવનનો દીપ પ્રગટાવી.

કોવિડના સમયમાં બે વર્ષ સુધી નવરાત્રિ ન થઈ શકી. ગયે વર્ષે લગભગ દરેક માણસે નવરાત્રિને પૂરેપૂરા
આનંદથી માણી… ગુજરાત અને મુંબઈની નવરાત્રિમાં આસમાન-જમીનનો ફેર છે. મુંબઈની નવરાત્રિ સાત-સાડા
સાતે શરૂ થઈને રાત્રે દસ વાગ્યે બંધ થઈ જાય છે. કેટલીક જગ્યાએ એમની પાસે બાર વાગ્યાની પરમિશન છે, પરંતુ
સતત વ્યસ્ત રહેતા મુંબઈગરાઓ મોડી રાત સુધી જાગીને ‘વર્કિંગ ડેઈઝ’માં નવરાત્રિ ઉજવી શકતા નથી, જ્યારે
ગુજરાતમાં લગભગ દરેક સોસાયટી, પોળમાં ગરબા ગવાય છે. જાણીતા કલાકારો પાર્ટી પ્લોટમાં હજારોની ભીડ
એકત્રિત કરી શકે છે, પરંતુ આ બધું ઉત્સવ પૂરતું મર્યાદિત છે. સંગીત, નૃત્ય, રંગબેરંગી કપડાં, મિત્રો સાથેની મોજમજા
અને મોડી રાત સુધી રખડવાનો, ખાવાપીવાનો આનંદ… ફક્ત એટલું જ નવરાત્રિ સાથે સંકળાયેલું ન રાખીને મુંબઈમાં
વિલે પાર્લે કેળવણી મંડળના સભ્યોએ આ વખતની નવરાત્રિને અંગદાન સાથે જોડી છે. એક અલગ ધ્યેય,
જનકલ્યાણનો એક અલગ ઉદ્દેશ લઈને આ નવરાત્રિમાં અંગદાનની અપીલ કરવાનું નક્કી કરીને ભાર્ગવ પટેલ, જગત
કિલ્લાવાળા અને ગોરેગાંવના કોર્પોરેટર હર્ષ પટેલે પોતાની નવરાત્રિને એક અલગ જ ઊંચાઈ પર મૂકવાનો પ્રયાસ કર્યો
છે.

નવરાત્રિનો ગરબો એ માતાના ગર્ભનું પ્રતીક છે. એમાં ટમટમતો અખંડ દીવો એ આત્મા છે. નવરાત્રિ માત્ર
સંગીત અને નૃત્યનો ઉત્સવ નથી બલ્કે, નવ દિવસ સુધી જીવનની આરાધનાનો પણ દિવસ છે. આપણને મળેલા આ
અમૂલ્ય જીવનમાં ‘ઉત્સવ’ બનાવીને માતાના ગર્ભમાં રહ્યાના એ નવ દિવસનું ઋણ ઉતારવાનો ઉત્સવ પણ છે, કદાચ
એટલે જ આ વખતે નવરાત્રિમાં અંગદાનની અપીલ કરીને એક નવો ચીલો પાડવાનો પ્રયાસ આવનારા વર્ષોમાં મોટી
મુહિમ બની શકે.

આપણા શાસ્ત્રોમાં અંગદાનની પહેલી કથા ગણપતિના માથે મૂકાયેલા હાથીના શિરથી શરૂ થાય છે. શિખંડીને
પોતાનું પુરુષત્વ આપતો ગાંધર્વ સ્થૂળકર્ણ કે વજ્ર બનાવવા માટે પોતાના હાડકાં આપતા દધીચિની કથાઓ છેક
પુરાણોના સમયથી આપણને પ્રેરણા આપે છે. આપણે ત્યાં જીવનનું મૂલ્ય ‘અમૂલ્ય’ છે. સંજીવની વિદ્યા કે સંજીવની
બૂટીની કથાઓ આપણે સાંભળતાં આવ્યા છીએ ત્યારે મૃત્યુ પામેલા સ્વજનના અંગથી કોઈને નવજીવન આપવાની
વાત આપણે માટે જરાય નવી નથી. ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’માં મૃત્યુ પામી રહેલા યુવાન પુત્રોના અંગોને દાન કરીને
પિતા એના દ્વારા બીજા ત્રણ જણાંને નવજીવન આપે છે, એ કેટલી પ્રેરણાદાયી વાત છે! આજકાલ આપણે
અખબારોમાં બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનના અનેક કિસ્સાઓ વાંચીએ છીએ, પરંતુ જ્યારે પોતાના સ્વજનની વાત
આવે ત્યારે આપણે બધા એવો કોઈપણ નિર્ણય કરતાં અચકાઈ જઈએ છીએ.

જેને પાંચમો વેદ કહ્યો છે તેવો આયુર્વેદ પણ જાતે સાજા થવાની વાતમાં પથ્ય અને જાતને એડ્યુકેટ કરી પોતે
જ પોતાના વૈદ્ય બનવાની વાત કરે છે. અથર્વવેદમાં પ્રથમ અધ્યાયના ચોથા, પાંચમા અને છઠ્ઠા સુક્તમાં, પાંચમા
અધ્યાયના બાવીસમા સુક્તમાં જળ અને સૂર્ય દ્વારા સાજા થવાની વાત કરી છે.

આજે વિકસિત દેશોમાં મર્સિકિલિંગનો સવાલ ઊભો થયો છે. ભારતીય પાર્લામેન્ટમાં પણ આ મુદ્દે ચર્ચા
છેડાઈ ચૂકી છે. જે વ્યક્તિ તબીબી ભાષામાં ‘વેજીટેબલ’ હોય, ‘કોમા’માં હોય અથવા જેના સાજા થવાની કોઈ આશા
ન હોય અથવા સાજા થયા પછી પણ એ એક સ્વસ્થ જીવન જીવી શકશે એવું કોઈ વચન મેડિકલ સાયન્સ આપી શકતું
ન હોય ત્યારે એ વ્યક્તિને માત્ર ઓક્સિજન આપ્યા કરીને કે એની નસોમાં ગ્લુકોઝ, સેલાઈન, ઊંડેલ્યા કરીને એને
જીવતા રાખવાથી કોઈ અર્થ બને છે ખરો એવો સવાલ આજે મેડિકલ સાયન્સ પૂછી રહ્યું છે. ‘બ્રેઈનડેડ’ કહેવાતા
પેશન્ટને ડિક્લેર કરી દીધા પછી પણ મોટા ભાગે એના શરીરના અવયવો કાર્યરત હોય છે. હૃદય ધબકતું હોય છે,
કિડની, લિવર અને ફેફસાં કામ કરતા હોય છે આવી વ્યક્તિ મગજથી મૃત્યુ પામી હોય છે એટલે એના ચેતાતંત્ર અને
ઈન્દ્રિયો અટકી જાય છે, પરંતુ અવયવો કામ કરતા રહે છે…

આવા અવયવોનું દાન કરવા માટે એક ઝુંબેશ હમણાં થોડા સમયથી ઉપાડવામાં આવી છે. જે અવયવો એક
વ્યક્તિ માટે હવે નકામા છે એ જીવન માટે ઝઝૂમી રહેલી બીજી વ્યક્તિ માટે નવું જીવન બની શકે, એ વિચાર સાથે હવે
અંગદાનની ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવી રહી છે.

માણસનો માણસ સાથેનો સંબંધ શું છે? જો એક સ્ત્રી એક આખા જીવને જન્મ આપી શકે, ઈશ્વરની
લગોલગ બેસીને સર્જન કરી શકે તો શું એક માણસ બીજા માણસનો જીવ બચાવી શકે?

‘માણસાઈ’ શબ્દનો કદાચ સાચો અર્થ આ જ છે.

1994માં બનેલા હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના કાયદા ‘હોતા’ હેઠળ આઈ.સી.યુ.માં દાખલ થયેલા દર્દીને
દર 6 કલાકે ન્યૂરોફિઝિશિયન અથવા ન્યૂરોલોજિસ્ટ તપાસે છે. ધીમે ધીમે ડેડ થતા જતા મગજને ફોર્મ નં. 16 ભરીને
આવા ડૉક્ટર બ્રેઈનડેડ ડિક્લેર કરી શકે છે. ડૉક્ટરનું કામ એ પછી શરૂ થાય છે. દર્દીના સગાંને સમજાવવામાં આવે છે
કે, આ અવયવોને તમે બાળી નાખશો, દાટી દેશો એને બદલે આ અવયવમાંથી કોઈનું જીવન બચી શકે એમ છે…
પરંતુ, આ દેશમાં એવી કેટલીયે અંધશ્રધ્ધાઓ અને સંવેદનશીલ બાબતો છે જેને કારણે દર્દીના સગાં અવયવ કે દેહદાન
કરતા નથી. ભારતીય શાસ્ત્રાનુસાર શરીરના અગ્નિસંસ્કાર ન કરવામાં આવે તો આત્મા અવગતે જાય છે. મુસલમાનો
માને છે કે, કયામતના દિવસે જો શરીર કબરમાં ન હોય તો એને મુક્તિ મળતી નથી… આવા કારણોસર દર્દીના
સગાંઓ અવયવ કે દેહદાન કરવા તૈયાર થતા નથી. જોકે હવે એ વિશેની જાગૃતિ વધી છે અને ઘણા લોકો એ અંગે
નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈની નવરાત્રિમાં આ વખતે 30 હજાર ‘ફોર્મ નં. 16’ ભરવાના ટાર્ગેટ સાથે
ભાર્ગવભાઈ અને જગતભાઈએ આ યજ્ઞ માંડ્યો છે.

રક્તદાન વિશે આપણા દેશમાં ગઈ કાલ સુધી જે ભય પ્રવર્તતો હતો એ ઘણા ખરા અંશે પૂરો થયો છે અને
લોકો મોટા પાયે રક્તદાન કરતા થયા છે. સમય સાથે કદાચ કિડની, લિવર જેવા અવયવો પણ દાન કરવાનું પણ માણસ
શીખી જશે. આઈ.સી.યુ.માં પડેલો માણસ પોતે નિર્ણય કરવાનો સક્ષમ નથી હોતો. આ નિર્ણય એના સગાંએ કે એની
નિકટની વ્યક્તિએ જ કરવો પડે. જીવનની સૌથી કટોકટીની આવી ક્ષણમાં એક માણસ તરીકે આપણે વિચારવાનું છે કે
મૃત્યુ પામી રહેલા સ્વજનને મૃત્યુમાંથી ન જ બચાવી શકાય એમ હોય તો એમના શરીરના અવયવને-કિડની, લિવર,
હૃદય કે આંખને દાનમાં આપીને આ જગતમાં એમનું અસ્તિત્વ બીજા એક ‘માણસ’ના જીવન સાથે જોડીને ધબકતું
રાખી શકાય ખરું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *