ટુરિસ્ટ અને ટ્રાવેલરઃ પ્રવાસી અને મુસાફર

નાના હતા ત્યારે ઉનાળાના વેકેશનમાં મામાને ત્યાં જવાની એક મજાની પરંપરા હતી. આખું વર્ષ મા
સૌનું ધ્યાન રાખે-છોકરાઓને સ્કૂલે મોકલે, પતિનું ટિફિન બનાવે, સાસુ-સસરાની સેવા કરે અને મહેમાનોની
આગતા-સ્વાગતા કરે પછી વેકેશન પડે ત્યારે ગૃહિણીને પણ રજા મળે. સંતાનોને લઈને એ ‘પિયર’ આવે.
આરામથી માતા-પિતાનો સ્નેહ અને પોતાની રજાઓ માણે. સમય બદલાયો, હવે કોઈને કોઈના ઘરે જવું ગમતું
નથી. એથી આગળ વધીને કોઈ બહુ લાંબો સમય માટે રોકાવા આવે એ પણ ખાસ ગમતું નથી. એકમેકને ઘરે
જવાનું બંધ થયું એટલે હવે પ્રવાસ કરવા માટે જુદા જુદા સ્થળોએ જવાની એક નવી રીત શરૂ થઈ છે.

‘ફેમિલી વેકેશન’થી શરૂ કરીને ‘સોલો ટ્રીપ’ અને ‘ગર્લ્સ ટ્રીપ’ અથવા ‘બેચલર્સ ટ્રીપ’ જેવા અનેક
આયોજનો થાય છે. પ્રવાસનો મૂળ ઉદ્દેશ જિંદગીના રૂટિનમાંથી નીકળીને કશુંક જુદું, કશુંક નવું અનુભવવાનો છે.
નવા નવા સ્થળો જોવા, એ સ્થળનો ઈતિહાસ, ભૂગોળ, નવી જાતનું ભોજન અને નવી જીવનશૈલીથી
માહિતગાર થવાની પણ પ્રવાસમાં એક નવી જ મજા હોય છે. જે લોકો પાસે સગવડ છે એમને માટે હવે ‘ફોરેન
ટ્રીપ’ સ્ટેટસ સિમ્બલ બની ગઈ છે. આટલા સુંદર અને વૈવિધ્યસભર વિશાળ દેશમાં પ્રવાસ કરવાને બદલે
મોટાભાગના માતા-પિતા એમના સંતાનોને વિદેશ પ્રવાસ કરાવવાનું પસંદ કરે છે. ભારત જેટલી વિવિધતા કદાચ
વિશ્વના કોઈ દેશ પાસે નહીં હોય, પરંતુ ભારતની નવી પેઢી હવે પોતાના દેશ વિશે કેટલું ઓછું જાણે છે એ
જાણીને આપણને એક ભારતીય તરીકે અફસોસ થાય એવું છે!

પ્રવાસ માણસને ખૂબ બધું શીખવે છે. ’83’ નામની ફિલ્મમાં મોહિન્દર અમરનાથનું પાત્ર ભજવતા
કલાકાર કપિલ દેવનું પાત્ર ભજવતા રણવીરસિંહને કહે છે, ‘ક્રિકેટ બહોત કુછ શીખા દેતા હૈ’ એનું કારણ એ છે કે,
ક્રિકેટમાં સૌએ સાથે રહેવું પડે છે-ટીમ સ્પીરિટ જાળવવું પડે છે. પ્રવાસ કરવો પડે છે અને એ પ્રવાસમાં શિસ્ત
અને નિયમો પાળવા પડે છે. જિંદગીમાં પણ એવું જ છે.

જિંદગીનો પ્રવાસ જન્મથી શરૂ થઈને મૃત્યુ સુધી ચાલે છે. એમાં અનેક પડાવ આવે છે. એક સ્ટેશનથી
નીકળીને બીજા સ્ટેશન સુધી જતી ટ્રેન જેમ વચ્ચે અનેક સ્ટેશન્સ પર ઊભી રહે એવી જ રીતે જિંદગી પણ એક
પછી એક સ્ટેશન પસાર કરતી જાય છે. કેટલાક સહપ્રવાસીઓ પહેલેથી છેલ્લે સુધી સાથે હોય, તો વળી કેટલાક
વચ્ચેના સ્ટેશને ચઢે છે અને વચ્ચે જ ઉતરી જાય છે… આ પ્રવાસમાં આપણને જે મળે છે તે બધા જ કંઈ ‘મિત્રો’
નથી બની શકતા, કે નથી આપણે દરેક સહપ્રવાસી સાથે આપણા સરનામાની આપ-લે કરતાં. કોઈ એકાદ વ્યક્તિ
સાથે નજર મળે તો સ્મિત થાય, કોઈની સાથે વાતો થાય ને કોઈની સાથે ભોજન વહેંચાય. આ બધું આપોઆપ
થાય છે. કશુંક-ક્યાંક નિશ્ચિત છે, એ કોણે અને ક્યારે નક્કી કર્યું એની સમજ ન હોય તો પણ એ ‘અનાયાસ’ને
સ્વીકારવો પડે.

પ્રવાસ ઘણું શીખવે છે. ચલાવી લેતા, નિભાવી લેતા, કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતાં તો શીખવે
જ છે, પરંતુ બહારની દુનિયાના લોકોને મળતાં, એમની સાથે ભળતાં પણ પ્રવાસથી જ શીખી શકાય. હમણા,
એકલા ફરવાની, ‘સોલો ટ્રીપ’ની ફેશન છે. માણસ પોતાનું એકાંત શોધવા ‘એકલો’ ભટકે છે, પરંતુ ભટકવાથી
એકાંત મળતું નથી! આપણે બધા વિચિત્ર પ્રકારની માનસિકતામાં પ્રવેશ્યા છીએ. પહેલા એકાંત શોધવા ભટકવાનું
ને પછી એકલા પડી ગયાની ફરિયાદ… પહેલાં સહપ્રવાસીઓથી દૂર ભાગવાનું, ને પછી ‘મારી સાથે કોઈ નથી
આવતું’ કહીને ટોળાંમાં ભરવાનો નિરર્થક પ્રયત્ન કરવાનો…

જીવનના પ્રવાસમાં એકલા રહીને સૌ સાથે પ્રવાસ કરતાં શીખી શકાય તો જ, પ્રવાસની મજા માણી
શકાય. કેટલાક સ્થળની નિરવ શાંતિ તો ક્યાંક બજારનો અને માણસોના અસ્તિત્વનો ઉત્સવ-બંને, માણતાં
આવડવાં જોઈએ.

કેટલાક લોકો ફક્ત ટોળાંમાં જ પ્રવાસ કરી શકે છે. એમને ચૂપ રહેવું અઘરું પડે છે. ભૂરું આકાશ, ઊંચા
પર્વતો, વહેતી નદી, ટમટમતા તારલા, પક્ષીનો અવાજ કે લીલા રંગના અનેક શેડ્સ, પ્રાણીઓ કે પક્ષીઓની
જીવનશૈલી જેવી બાબતોમાં રસ લેવાને બદલે ફક્ત ફેસબુક પર ફોટા મૂકીને પોતાના પ્રવાસની જાહેરાત કરવા
માટે જ આવા લોકો પ્રવાસ કરે છે. ભૂગોળ કે ઈતિહાસને બદલે આવા લોકો ભોજન અને શરાબમાં મજા શોધે
છે. આવું ટોળું ઘરેથી તો નીકળે છે, પણ ક્યાંય પહોંચતું નથી.

આ જીવનનો પ્રવાસ પણ ગ્રૂપ ટૂર જેવો નથી? ગમતાં-અણગમતાં, પ્રિય કે પછી જેને જોઈ ચીડ ચડી
જાય એવા લોકો આપણી સાથે જ હોય છે. સહુને સ્વીકારીને સહુ સાથે અડજેસ્ટ કર્યા વગર જિંદગીનો પ્રવાસ
માણી શકાતો નથી. આપણે મોટેભાગે બીજાને કારણે આપણી મજા ખોઈ બેસીએ છીએ. સત્ય તો એ છે કે,
આનંદ ક્ષણનો અને સમયનો હોય છે. જો સહપ્રવાસી તમારા જિંદગીના પ્રવાસનો આનંદ કે સુખ ડિસ્ટર્બ કરતાં
હોય અને છતાં એમની સાથે જ પ્રવાસ કરવો પડે એવી પરિસ્થિતિ હોય તો આપણી મજા-આનંદ શોધી લેવા,
માણી લેવા, જીવી લેવા એ જ દરેક પ્રવાસનું અંતિમ સત્ય છે. સહપ્રવાસી હોવાનો અર્થ એ છે કે, આપણે
નિશ્ચિત અથવા અનિશ્ચિત સમય માટે સાથે છીએ… હવે, જો સાથે જ છીએ તો એટલા સમયને, એ સ્થળોને,
એ સંજોગોને સ્વસ્થતા અને સ્વીકારથી માણી શકાય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *