ઈન્ટરનેટ ઉપર કંઈ પણ ખોલો કે તરત જ સૌથી પહેલાં રેસિપી જોવા મળે છે.
જાતભાતની વજન ઉતારવાની સ્વાદિષ્ટ રસોઈથી શરૂ કરીને મસાલા, વાળ વધારવાના નુસ્ખા, ત્વચા
સાફ રાખવાના, યુવાન દેખાવાના નુસ્ખા આપણા ઈન્ટરનેટના એપ્સ પર ઊભરાવવા લાગ્યા છે. આ
નુસ્ખા સાચા છે કે ખોટા, એનાથી ફાયદો થશે કે નુકસાન, આવું જાણ્યા વગર-પૂરી ખાતરી કે ચોકસાઈ
કર્યા વગર પણ આ રેસિપી અને નુસ્ખાનો પ્રયોગ કરનારાઓની સંખ્યા ઓછી નથી! એક તરફથી
શનિ-રવિ રેસ્ટોરાંમાં કલાકોનું વેઈટિંગ હોય છે અને બીજી તરફથી જાતભાતની ફેન્સી રેસિપીસ
ઈન્ટરનેટ ઉપર વહેતી રહે છે! ખરેખર કોઈ રોજેરોજ આટલું ક્રીમ, પનીર, ચીઝ કે આવી ફેન્સી
વાનગીઓ ખાતા હશે ખરા?
આપણે જાતભાતની કસરતો-શાસ્ત્રોની વાતો, અર્થઘટન, ધર્મ સંબંધિત અનેક વિગતો
પણ હવે ઈન્ટરનેટ પર ટ્રેન્ડ થવા લાગી છે. પૈસા કેવી રીતે કમાઈ શકાય, નસીબ કેવી રીતે બદલી
શકાય, વાસ્તુ અને ફેંગસૂઈ, નેગેટિવિટી દૂર કરવાના ઉપાયોની સાથે સાથે દુશ્મનને કેવી રીતે મહાત
કરી શકાય એ બધું જ માણસ પોતાના મન, મગજ ને મરજીથી ઈન્ટરનેટના ડસ્ટબિનમાં ઠાલવવા
લાગ્યો છે. એ વાંચીને ભોળવાઈ કે દોરવાઈ જનારાઓ પાછા એને ફોરવર્ડ કરે છે, એટલે આવી
વિગતો વધુ ઝડપથી વધુ લોકો સુધી પહોંચતી થઈ છે. સાચા-ખોટા સમાચાર… ફિલ્મ કલાકારોના
છૂટાછેડા-મૃત્યુની અફવાઓ હવે આપણી રોજિંદી વાતચીતનો ભાગ બની ગઈ છે! સહેજ વિચારીએ
તો સમજાય કે, આપણે માહિતીને બદલે માત્ર મનઘડંત મૂર્ખામીના શિકાર થઈ રહ્યા છીએ, ને સાથે
બીજાને પણ બનાવી રહ્યા છીએ.
સોશિયલ મીડિયા-હવે વધુ એન્ટિસોશિયલ બની રહ્યું છે. એક આખી ટોળી, અથવા
અમુક લોકોનું જૂથ પ્રસિધ્ધ લોકોને ટ્રોલિંગ કરવા માટે તૈયાર જ બેઠું હોય છે. ગંદી અને બિભત્સ
ભાષામાં સંદેશાઓ લખતા આવા લોકોને પકડવા કે અટકાવવાનું કામ હવે અશક્ય બન્યું છે.
મોટાભાગના લોકો આવા ‘ટ્રોલિયાઓ’ ને ઈગ્નોર કરવાની સલાહ આપે છે, એ સિવાય બીજું કઈ થઈ
શકે એમ પણ નથી! નામ બદલીને, ખોટા ફોટા ચઢાવીને એક જ માણસ સોશિયલ મીડિયા ઉપર
અનેક અકાઉન્ટ ખોલી શકે છે. એના પર કોઈ ચેક કે રોકટોક નથી… અકાઉન્ટ છોકરીનું છે કે
છોકરાનું, એની ઉંમર શું છે, એની સાચી તસવીરો કઈ છે આવી કોઈ વિગત શોધવાનો ચોક્કસ કે
પાકો રસ્તો નથી.
આપણે નવી પેઢીના-જેન ઝીના યુવાનો અને બાળકોને મોબાઈલના એડિક્ટ-વ્યસની
કહીએ છીએ, પરંતુ એમના માતા-પિતા પણ ફોન સાથે ચિપકેલા જ હોય છે. સામાન્ય વાતો કરતાં
હોઈએ અને બે-ચાર વાર ‘પર્સ’, ‘સલવાર કમીઝ’, ‘ક્રીમ’ કે ‘સ્કિન કેર’ બોલીએ તો પણ ઈન્ટરનેટ
તરત જ આપણને એ વસ્તુઓ બતાવવાનું શરૂ કરે છે. મોટાભાગના લોકોને આ વાતની ખબર નથી,
પરંતુ આપણે જાણીએ કે નહીં, આપણી આસપાસ બનતી બધી ઘટનાઓ, આપણા શબ્દો, સ્માર્ટ
ફોન પર થતી વાતચીત અને મેસેજિસ પણ હવે એઆઈ રેકોર્ડ કરે છે. એ ડેટા બાયડિફોલ્ટ માર્કેટિંગ
કંપનીઓને વેચવામાં આવે છે. માર્કેટિંગ કંપની એ ડેટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને એમના સ્માર્ટ ફોન
પર વસ્તુઓ ખરીદવા કે એમની ચેનલ્સને વધુને વધુ સબસ્ક્રીબ્શન મળી રહે એ માટે મેસેજિસ મોકલે
છે.
બદલાતા સમય સાથે એક તરફથી આપણે વધુને વધુ ‘પ્રાઈવસી’ને મહત્વ આપી રહ્યા
છીએ. 50 કે 100 જણ સાથેના ડેસ્ટિનેશન વેડિંગમાં અંગત લોકોને જ આમંત્રણ આપવું, કોઈની
પણ સાથે અંગત વાત ન કરવી, આપણા ઈન્વેસ્ટમેન્ટ કે આવક વિશે કોઈ પ્રશ્ન ન પૂછી શકે, આપણી
રિલેશનશિપ-સંબંધો વિશે કોઈ સવાલ પૂછે તો આપણે ધડ દઈને જવાબ આપીએ છીએ, ‘એ અમારી
પર્સનલ મેટર છે’, પરંતુ એની સામે આપણી ઝીણામાં ઝીણી વિગતો આપણે બેધડક સોશિયલ
મીડિયા પર શેર કરી દઈએ છીએ. રિલેશનશિપ સ્ટેટ્સથી શરૂ કરીને ક્યાં ગયા, શું ખાધું, કોને મળ્યા
જેવી કેટલી બધી વિગતો આપણે આપણા સોશિયલ મીડિયા દ્વારા બધા સુધી પહોંચાડવામાં જરાય
અચકાતા નથી. કેવી નવાઈની વાત છે, ખરેખર જેને ઓળખીએ છીએ-સગા-પડોશી, મમ્મી-પપ્પા કે
ભાઈ-બહેન, એમની સામે આપણને પ્રાઈવસી જોઈએ અને આપણને નહીં ઓળખતા સેંકડો-હજારો
લોકો આપણું સોશિયલ મીડિયા જોઈને આપણા વિશે કંઈ પણ જાણી શકે છે! એથી વધુ નવાઈની
વાત એ છે કે, આપણી કોઈ અંગત વ્યક્તિ આપણને ટકોર કરે, કંઈ અણગમતું કહે તો આપણે એમની
સાથે ઝઘડી પડીએ, મન ફાવે તેવા જવાબ આપી દઈએ, પરંતુ ‘અજાણ્યા ટ્રોલર’ આપણા માટે કંઈ
પણ લખે તો આપણે એનું કંઈ બગાડી શકતા નથી.
સૌથી મહત્વની વાત એ છે કે, એક વખત ઈન્ટરનેટ-સોશિયલ મીડિયામાં મૂકાયેલી
તસવીર, વિગત, ચેટ કે આપણા શબ્દો કાયમ માટે ફ્રીઝ થઈ જાય છે. ટેકનોલોજી જાણતી વ્યક્તિ વર્ષો
જૂની વાતોને શોધીને બહાર કાઢી શકે છે. એ આપણી જ સામે વાપરી શકે છે, બ્લેકમેઈલ પણ કરી
શકે છે. ઈમોશનલ થઈને કોઈને મોકલેલા મેસેજિસ લગ્નજીવન કે કારકિર્દીને ઉથલાવી શકે એટલી
તાકાત અને મેમરી આ સોશિયલ મીડિયા પાસે છે. આપણે સમજ્યા વગર આ હથિયારને વધુને વધુ
ધાર કાઢતા રહ્યા છીએ. અપલોડ કરવામાં આવતા ફોટા, એકમેકને મોકલવામાં આવતા મેસેજિસ
અને ફોન પર થતી વાતચીત સુધ્ધાં હવે ‘એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ’ નથી. કદાચ, એટલે જ કેટલાંક
સોશિયલ મીડિયા એપને એવી જાહેરાત કરવી પડે છે કે, એના પર મોકલાતા સંદેશા, કરાતી વાતચીત
‘ગુપ્ત’ છે અને ગુપ્ત રહેશે! એક સમયે આખી દુનિયામાં કેટલા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ
કરતા હશે? ચાર બિલિયન કરતાં વધારે લોકો (એકની પાછળ નવ શૂન્ય લાગે ત્યારે બિલિયન થાય)
એક જ ક્ષણે એક એપ વાપરે છે એમ સર્વે કહે છે!
પર્યાવરણનું નુકસાન તો અલગ જ વાત છે, પરંતુ મન અને મગજને, ફોનની લાઈટ
અને એના વેવ્સથી શરીરને થતા નુકસાન વિશે આપણે બેપરવાહ છીએ. મોડી રાત્રે ફોનનો ઉપયોગ
કરતા લોકોની ઊંઘ ઘટે છે, સતત ઝીકાતી માહિતીથી યાદશક્તિ ઘટે છે, ફોન પર આવતા સમાચારો
અને બીજી વિગતોથી સ્ટ્રેસ થાય છે, બ્લેડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટએટેક જેવા રોગો પણ સ્માર્ટ
ફોનને કારણે વધ્યા છે એવું તબીબી સર્વે કહે છે.
ટેકનોલોજી અદભૂત વસ્તુ છે, પરંતુ એનો કેવો અને કેટલો ઉપયોગ કરવામાં આવે છે
એ વિશે આપણે જાતે જ સભાન અને સંતુલિત રહેવું પડે છે. સોશિયલ મીડિયા પણ ન્યૂક્લિયર
ટેકનોલોજી જેવું છે. અફીણ કે સાપનું ઝેર જેમ દવામાં વપરાય છે એમ જીવન માટે ખતરનાક પણ
પૂરવાર થઈ જ શકે છે.