મધ્યપ્રદેશના ગાડરવાડા નાનકડા ગામમાંથી એક છોકરો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણવા
જાય છે. એનએસડીના ઈન્ટવ્યૂમાં એને પૂછવામાં આવે છે, ‘અહીં શા માટે આવ્યા છો?’ નાનકડા
ગામમાંથી આવેલો એ છોકરો પૂરી હિંમત અને પ્રામાણિકતા સાથે ઉત્તર આપે છે, ‘સિનેમામાં કામ
કરવું છે.’ ઈન્ટરવ્યૂ લેવા બેઠેલા એક શિક્ષક એને કહે છે, ‘તો તમે ખોટી જગ્યાએ આવ્યા છો… અમે
તો રંગભૂમિનું શિક્ષણ આપીએ છીએ, સિનેમાનું નહીં.’ જરાય ડર્યા વગર આ છોકરો કહે છે, ‘હું ખોટું
બોલત તો તમને ગમ્યું હોત, નહીં? અહીંથી નીકળીને અનેક કલાકારોએ સિનેમામાં કામ કર્યું છે.
નસરુદ્દીન શાહ, ઓમપૂરી, અનુપમ ખેર, પિયુષ મિશ્રા, અતુલ તિવારી, આશિષ વિદ્યાર્થી જેવા અનેક
વિદ્યાર્થીઓએ સિનેમામાં પોતાની ઓળખ ઊભી કરી છે, તો તમને મારી સામે શું વાંધો છે?’ આ
છોકરાના જવાબ પછી ઈન્ટરવ્યૂ લેવા બેઠેલી પેનલમાં બે વિભાગ પડી ગયા. એક વિભાગના શિક્ષકો
કહેતા હતા કે, છોકરાની વાત સાચી છે જ્યારે બીજા વિભાગના શિક્ષકોને એના જવાબ સામે વાંધો
હતો… જોકે, અંતે એ છોકરાને એડમિશન આપવું પડ્યું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એના
શરૂઆતના મહિના બહુ અઘરા હતા કારણ કે, એ તો નાનકડા ગામમાંથી આવ્યો હતો. સાગર
યુનિવર્સિટીમાં એણે સ્ટુડન્ટ લીડર તરીકે લોકોને ઈલેક્શન લડાવ્યા હતા, હોસ્ટેલમાં દાદાગીરી કરી
હતી… થિયેટર વિશે કોઈ અનુભવ કે જાણકારી નહોતી તેમ છતાં એને અહીં ભણવું હતું એ નક્કી
હતું!
થોડા મહિનાઓ પછી જ્યારે એ છોકરો એનએસડીમાં ગોઠવાઈ ગયો ત્યારે એ ખૂબ જ
તેજસ્વી વિદ્યાર્થી તરીકે એને સન્માન મળવા માંડ્યું એટલું જ નહીં, આજે પણ હિન્દી સિનેમા અને
રંગભૂમિ ઉપર એમનું નામ આદરથી લેવાય છે. એમણે રિસાઈટ કરેલી ‘રશ્મિરથી’ની પંક્તિઓ યુટ્યુબ
ઉપર લાખોની સંખ્યામાં જોવાય છે. અંગત જીવનને વિવાદોથી તદ્દન દૂર રાખીને એમણે
અવિસ્મરણિય પાત્રો ભજવ્યા છે. એક ઉત્તમ સ્પીકર છે, તત્વજ્ઞાની છે અને એક ખૂબ ‘અચ્છા
માણસ’ છે. લોકો એમને આશુતોષ રાણાના નામે ઓળખે છે!
નેગેટિવ પાત્ર હોય કે પોઝિટિવ-એમણે દરેક પાત્રમાં લગભગ પોતાના અસ્તિત્વને રેડી દીધું
છે. એમના જીવનમાં બનેલી ઘટનાઓને એમણે પોતાના ઈન્ટરવ્યૂઝમાં ખૂબ પ્રામાણિકતાથી કહી છે,
સ્વીકારી છે. રેણુકા શહાણે સાથે એમણે લગ્ન કર્યાં છે અને એક સુખી દામ્પત્ય જીવી રહ્યા છે ત્યારે
એમના વિશે એવી કેટલીક અજાણી વાતો છે જે કદાચ ભાગ્યે જ કોઈએ સાંભળી હશે. એમનું
બહુચર્ચિત સંગીત નાટક ‘હમારે રામ’ અત્યારે દેશભરમાં લોકચાહના મેળવી રહ્યું છે. ‘હમારે રામ’માં
આશુતોષ રાણા ‘રાવણ’ની ભૂમિકા ભજવે છે. જેમ બી.આર. ચોપરાના ‘રામાયણ’માં અરવિંદ
ત્રિવેદીને ‘લંકેશ’ તરીકે અપૂર્વ લોકચાહના મળી હતી એવી જ રીતે ‘હમારે રામ’ નાટકમાં આશુતોષ
રાણા રાવણ તરીકે આદર અને સન્માનના અધિકારી પૂરવાર થાય છે. ખાસ કરીને, પોતાની અંતિમ
ક્ષણોમાં જ્યારે એ લક્ષ્મણને જીવનરીતિ અને રાજનીતિનો ઉપદેશ આપે છે ત્યારે એમાં આશુતોષ
રાણા અને રાવણ એકમેકમાં એવી રીતે ભળી જાય છે કે જે એમને ફિલોસોફર તરીકે ઓળખતા હોય
એ સહુને સમજાય કે આ સ્ક્રીપ્ટમાં લખાયેલા વિચારો હોય તો પણ એમાં આશુતોષ રાણાનું પ્રદાન
ઓછું નહીં રહ્યું હોય!
એકવાર એમના ઈન્ટરવ્યૂમાં એમણે કેટલીય વણકહી વાતોની ચર્ચા ખૂલ્લા દિલે કરી હતી.
આજે એ વાતો વાગોળવાનો દિવસ છે કારણ કે, આજે એમનો જન્મદિવસ છે. એમને 58 વર્ષ પૂરાં
થાય છે.
એ સાવ નાના હતા ત્યારે એમને વસ્ત્રો પહેરાવવામાં નહોતા આવતા. એમના માતાજી
સીતાદેવીએ રાખેલી બાધાને કારણે એમને વસ્ત્ર વગર સોનાના દાગીના પહેરાવીને છત પર
સૂવાડવામાં આવતા. એમનો રંગ ખૂબ ગોરો હતો એટલે સુવર્ણની ચમક સાથે એ ખૂબ સુંદર દેખાતા.
એમના નાના ભાઈએ એમનું નામ ‘સુનેહરી શેઠ’ પાડ્યું હતું. શાળામાં એ ખૂબ તોફાની હતા.
પિતાજીના હાથનો માર ખાતા… એમના બનેવી એમને સાગર યુનિવર્સિટી લઈ આવ્યા. એડમિશન
મળ્યા પછી બનેવીએ કહી દીધું કે, ‘ઘરમાં રહેવાની કોઈ સગવડ નહીં મળે, તારે હોસ્ટેલમાં જ રહેવું
પડશે.’ હોસ્ટેલમાં એમને રૂમ નં. 63 આપવામાં આવ્યો. હવે આ 63 નંબરનો રૂમ એક નોટોરિયસ
રૂમ હતો. એ રૂમ જેને એલોટ કરવામાં આવે એ વિદ્યાર્થી ક્યારેય ત્યાં રહી શકતો નહીં કારણ કે, એના
ઉપર હોસ્ટેલના માથાભારે છોકરાઓનો કબજો રહેતો, જ્યારે આશુતોષજી પોતાના રૂમમાં પહોંચ્યા
ત્યારે 8-10 છોકરાઓ અન્ડરવેર પહેરીને બેઠા હતા… એમણે દાખલ થઈને કહ્યું, ‘આ મારો રૂમ છે
અને કાલે સવારે હું આવું ત્યાં સુધીમાં ખાલી થઈ જવો જોઈએ.’ કોણ જાણે એમના અવાજમાં,
વ્યક્તિત્વમાં શું હતું કે બીજે દિવસે સવારે એમને એમનો રૂમ મળી ગયો. સાગર યુનિવર્સિટીની
‘વિવેકાનંદ હોસ્ટેલ’ના ઈતિહાસમાં પહેલીવાર કદાચ કોઈ વિદ્યાર્થીએ 63 નંબરનો રૂમ ઓક્યુપાય કર્યો
હતો!
એવી જ રીતે એકવાર, શિક્ષણમંત્રી જ્યારે એમની યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા ત્યારે
આશુતોષ રાણા એમની ગાડી સામે ઊભા રહ્યા અને એમને પોતાની હોસ્ટેલ બતાવવા લઈ ગયા
કારણ કે, હોસ્ટેલના ટોઈલેટ્સ ચોક્ડ હતા… શિક્ષણમંત્રી વિવેકાનંદ હોસ્ટેલ આવે જ નહીં એવો
પ્રબંધ વાઈસ ચાન્સેલરે કર્યો હતો, પરંતુ ગાડી જ્યારે પસાર થતી હતી ત્યારે એની સામે એક છોકરો
અદબ વાળીને ઊભો હતો, એટલે કાફલો રોકાયો-આશુતોષ રાણા શિક્ષણમંત્રીને પોતાની હોસ્ટેલમાં
લઈ ગયા અને એ પછી વાઈસ ચાન્સેલરે પણ પોતાની ભૂલ સ્વીકારવી પડી!
રેણુકા શહાણે સાથેના લગ્ન પણ બહુ રસપ્રદ કિસ્સો છે… બંને મિત્રો હતા, સાથે ફરતાં હતા,
થિયેટર કરતાં હતા ત્યારે એક દિવસ રેણુકાજીએ કહ્યું, ‘આઈ થિન્ક આઈ એમ ઈન લવ વિથ યૂ’
…આજે પણ એ વાત કહેતા આશુતોષજીના ચહેરા પર પ્રણયનો ઉજાસ જોઈ શકાય છે.
આશુતોષજી માત્ર અભિનેતા નથી, કવિ અને લેખક પણ છે. એમણે લખેલા બે પુસ્તકો ‘મૌન
મુસ્કાન કી માર’ અને ‘રામરાજ્ય’ ખૂબ જ રસપ્રદ પુસ્તકો છે. જીવનની ફિલોસોફી અને એની સાથે
જોડાયેલી એમની કવિતાઓ આશુતોષ રાણાના બહુવિધ વ્યક્તિત્વના અનેક પાસાંઓને આપણી
સામે ખુલ્લા કરે છે.