11 માર્ચ, 2022એ ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ રજૂ થઈ… અચાનક જ એના વિશેની ચર્ચાએ
જોર પકડ્યું. 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર વિશે હવે લગભગ બધા જ સંવેદનશીલ
થવા લાગ્યા છે… એવી જ રીતે, 1947થી 64ની વચ્ચે સેક્સ વર્કર્સના પ્રશ્નોની ચર્ચા કરવા માટે છેક
જવાહરલાલ નેહરુ સુધી પહોંચેલી ગંગુબાઈ કાઠિયાવાડીની કથા પણ આપણને સ્પર્શી ગઈ. ‘મેં
અપને લિયે નહીં, કમાઠીપુરા કી ઉન ચાર હજાર ઔરતોં કે લિયે જીતના ચાહતી હૂં… તા કિ ઉનકે
લિયે કુછ કર સકું’ ગંગુબાઈ કહે છે, કરીમ લાલાને… અસલી ગંગુબાઈ વિશે અચાનક જ માહિતી
ફરવા લાગી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રિલીઝ થઈ એની સાથે જ
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એ વ્યક્તિના નામ અને એના વિશેની સાચી-ખોટી માહિતીથી
ઊભરાવા લાગ્યાં.
કરીમ લાલા, પુશ્તો ભાષા બોલતો એક એવો પઠાણ હતો જેણે 1920ની આજુબાજુ મુંબઈ
પર કાબૂ કરવા માંડ્યું. પઠાણ ગેંગનો દબદબો હતો. બે પત્નીઓ હોવા છતાં દીકરો ન થયો એટલે
એમણે એમના દોહિત્રને દીકરા તરીકે ઉછેર્યો. એમના દરબારમાં બોલિવુડની ભલભલી હસ્તીઓ
હાજરી આપતી. સાચો અને ન્યાયપ્રિય વ્યક્તિ હોવાને કારણે ગંગુબાઈને એમણે બહેન માનેલી.
સવાલ એ છે કે, એક અંડરવર્લ્ડનો ડૉન અને એક કમાઠીપુરાની સેક્સ વર્કર… સમાજે તરછોડેલા
અથવા જેની તરફ કહેવાતો ભદ્ર સમાજ તિરસ્કારથી જોતો હતો એવા બે જણાં એકબીજાની સાથે
જોડાયા એટલું જ નહીં, એમણે કમાઠીપુરાની સ્ત્રીઓને એક બહેતર જીવન આપવા માટે સંઘર્ષ કર્યો.
આ જગતમાં કોઈને પણ આત્મગૌરવ અને સન્માનથી જીવવાનો અધિકાર છે એ વાતને
ગંગુબાઈએ પૂરી હિંમત અને તાકાતથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સૌ જાણે છે કે, આ
ફિલ્મ એક પુસ્તક ‘માફિયા ક્વિન્સ ઓફ મુંબઈ’ (હુસૈન જૈદી) ઉપર આધારિત છે, પરંતુ આ પુસ્તકમાં
માત્ર કમાઠીપુરાની સ્ત્રીઓ વિશેની વાત નથી કરી, બલ્કે એવી સ્ત્રીઓની કથા કહેવાઈ છે જે
સમાજના અત્યાચાર અને પોતાની મજબૂરીથી ડરીને બેસી રહેવાને બદલે હિંમત અને વિદ્રોહથી
આગળ વધીને પોતાનો રસ્તો શોધતી રહી. સમાજની મોટાભાગની સ્ત્રીઓ અત્યાચાર વિરુધ્ધ
ફરિયાદ જરૂર કરે છે, પણ ખરેખર જાતને ‘સ્વાહા’ કરીને બીજી સ્ત્રીઓ માટે રસ્તો બનાવનાર
પ્રમાણમાં ઘણી ઓછી છે. એમની કથાઓ આપણે પોરસાઈને કહીએ છીએ, પરંતુ એમની હયાતિમાં
નહીં! એ જીવતી હોય-લડતી હોય-સંઘર્ષ કરતી હોય કે બીજી સ્ત્રીઓ માટે રસ્તો કંડારતી હોય ત્યારે
તો એને ભયાનક તકલીફનો સામનો કરવો પડે છે. એ પછી એમની કથાઓ લખાય છે, વંચાય છે,
ફિલ્મો બને છે!
આજે પણ, કોઈ સ્ત્રી આવી હિંમત કરે, પોતાની મરજીથી કે પોતાની ટર્મ્સ પર જીવવાની
તાકાત બતાવે તો બાકીની સ્ત્રીઓ એને જોઈને ‘હિંમત કરતી થઈ જશે’ એ ડરથી એના અવાજને
દબાવી-કચડી અને ચૂપ કરી દેવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે, એને કચડવા તૈયાર થયેલા
લોકોમાં માત્ર ‘પુરૂષો’ નહીં કેટલીક સ્ત્રીઓ પણ સામેલ હોય છે! ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં
દર્શાવાયું છે એવી રીતે, કમાઠીપુરામાં પણ સ્ત્રીની પહેલી ખરીદી તો સ્ત્રી જ કરે છે! એ પછી, એને
‘પુરૂષ’ને વેચવામાં આવે છે! ફિલ્મમાં જે કમાઠીપુરા આપણને દર્શાવાયું છે એ તો ‘સંજય લીલા
ભણસાલીનું કમાઠીપુરા’ છે. જો ખરેખર કોઈ એ વિસ્તારમાં એક ચક્કર મારે તો સમજાય કે તકલીફ,
પીડા, અપમાન કે શારીરિક અત્યાચાર કોને કહેવાય?
નુમાઈશની ચીજ બનીને ઊભા રહેવું, અણગમતા માણસના સ્પર્શને સહી લેવો સરળ નથી.
બસ કે ટ્રેનમાં અજાણ્યા માણસનો સહેજ અછડતો, અણગમતો સ્પર્શ પણ આપણને આટલા બધા
વિચલિત કરી શકે તો જે સ્ત્રી આવા અણગમતા સ્પર્શ રોજ સહેતી હોય એની મજબૂરીનો વિચાર
આવે છે? એમની છાતીઓ સાચે જ મોટી છે કે પછી પેડેડ બ્રા પહેરીને મોટી દેખાડી છે એની તપાસ
કરવા માટે પૈસા નક્કી થતા પહેલાં એમના બ્લાઉઝમાં હાથ નાખતા માણસો એમને કોઈ
ચીજવસ્તુની જેમ જોઈ-તપાસીને ખરીદે છે. એ કઈ સ્થિતિમાં આ તપાસ થવા દેતી હશે? સીધો
અર્થ એ થયો કે પોતાની ઈચ્છા વિરુધ્ધ મજબૂરીમાં શરીર વેચતી સ્ત્રીને (હવે પુરૂષને પણ) આપણે
ગણિકા અથવા જીગોલો કહીએ છીએ. માત્ર શરીર નહીં ને મન, મગજ, બુદ્ધિ કે જ્ઞાન પણ પોતાની
મરજી વિરુદ્ધ વેચનારાને આપણે શું કહીશું? આપણામાંથી કેટલા બધા એવા હશે કે જે કોઈની મૂર્ખ
જેવી વાત પર એટલા માટે હસે છે કારણ કે એ એમના બૉસ છે, સમાજના પ્રમુખ છે, એના લીધે
ધંધો મળે છે… આપણે ઘણા નકામા લોકોની ઘણી વાતો ચૂપચાપ સાંભળી લઈએ છીએ. આપણી
મરજી વિરુદ્ધ એમની મૂર્ખ જેવી વાત સાથે સહમત થઈએ છીએ. એમના તુકલઘી તુક્કાઓને ‘વાહ
વાહ’ કરીએ છીએ કે પછી એમના વાહિયાત વિચારો વિશે એમને સ્પષ્ટ કહેવાને બદલે એમની સાથે
‘હા-એ-હા’ કરીને આપણે ફાયદો શોધીએ છીએ ત્યારે આપણે ‘ગણિકા’ નથી? સત્ય તો એ છે કે
આપણે સહુ એવી ગણિકા છીએ જે મજબૂરીમાં મન કે મગજ નથી વેચતા પણ આપણા ફાયદા માટે,
હકીકત જાણવા છતાં, સત્ય સમજવા છતાં ને સામેની વ્યક્તિની પૂરેપૂરી સચ્ચાઈ ઓળખી લેવા છતાં
આપણા ફાયદા માટે, આપણા અસ્તિત્વને વેચી દઈએ છીએ! જાણે-અજાણે સામેના માણસને સારું
લગાડવા, સ્વાર્થ ખાતર જુઠ્ઠું બોલતા કે પોતાની મુરાદ પૂરી કરવા લટુડા-પટુડા થતા આપણે સહુ
‘ગણિકા’ જ છીએ ને? આપણા ચહેરા પર સસ્તી ઈચ્છાઓનો મેક-અપ છે, આપણી છાતીઓ
સ્વાર્થમાં ભીંસાઈને જુઠથી ઊભરાય છે…
સામાન્યતઃ જેને ‘પાપી’ અથવા ‘ગંદી’ સ્ત્રીઓ કહીને જેમનો તિરસ્કાર કરાય છે એવી આ
સ્ત્રીઓની જિંદગી સરળ નથી. અહીં ગંગુબાઈ એક સવાલ પૂછે છે કે, ‘શરીર વેચનાર સ્ત્રીને જો તમે
પાપી ગણો છો તો શરીર ખરીદનારને કેમ પાપી નથી ગણતા?’ પાકિસ્તાનની એક વિદ્રોહી શાયરાએ
લખ્યું છે, ‘બાઝારોં મેં તુમ્હારી બેટિયાં અપને લહૂ સે થૂક ગૂંધતી હૈં ઔર અપના ગોશ્ત ખાતી હૈં…’
(પોતાના લોહીના ઘૂંટ પીએ છે અને પોતાના જ શરીરની કમાઈ ખાય છે) તો બીજી તરફ, ભારતના
જાણીતા કવિ સાહિર લુધિયાનવીએ લખ્યું છે, ‘મદદ ચાહતી હૈં, યે હવ્વા કી બેટી, યશોદા કી હમ-
જિન્સ, રાધા કી બેટી, પયંબર કી ઉમ્મત, જુલૈખાં કી બેટી… જિન્હેં નાઝ હૈ, હિન્દ પર, વો કહા
હૈં?’