बुलबुल को बागबां से न सैयाद से गिला,
किस्मत में कैद लिखी थी फसल-ए-बहार में।
दिन ज़िन्दगी खत्म हुए शाम हो गई,
फैला के पांव सोएंगे कुंज-ए-मज़ार में।
कितना है बदनसीब ‘ज़फर’ दफ्न के लिए,
दो गज़ ज़मीन भी न मिली कू-ए-यार में॥
મુગલ સલ્તનતના છેલ્લા બાદશાહ કહી શકાય એવા બહાદુર શાહ ઝફર 1837થી 1857…
દરમિયાન બાદશાહ રહ્યા. એક સારા શાયર અને જીવનની પીડામાંથી જન્મેલી એમની શાયરી આજે
પણ અમર છે. અંગ્રેજોની સામે 1857ના બળવામાં એમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જેની
સજા સ્વરુપે એમના પુત્રો અને પ્રપૌત્રોને દિલ્હીના ચોકમાં ગોળી મારીને એમની હત્યા કરવામાં
આવી. અંગ્રેજોના જુલમની હદ એ હતી કે જ્યારે બાદશાહ કેદમાં હતા અને એમણે ભોજન માગ્યું
ત્યારે એમની સામે એમના દીકરાઓના માથાં કાપીને મૂકવામાં આવ્યા. ખુદ્દાર અને મજબૂત બાદશાહે
જવાબ આપ્યો હતો કે, ‘હિન્દુસ્તાનના દીકરા પોતાની આઝાદી માટે જ્યારે માથું કપાવે છે ત્યારે એ
પોતાના પિતાની સામે આવી જ રીતે હાજર થાય છે…’
28 સપ્ટેમ્બર, 1837ના દિવસે એમને બાદશાહ બનાવવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં
દિલ્હીની સલ્તનત સાવ ખખડી ગઈ હતી. ઝફર માત્ર બાદશાહ નહોતા. એમણે ધર્મનિરપેક્ષ વ્યક્તિ
તરીકે ભારતને આઝાદ કરવાનો પ્રયાસ કર્યો… પરંતુ, મુગલ પોતે જ ભારત ઉપર પોતાની સલ્તનત
પ્રસ્થાપિત કરનાર બહારથી આવેલા આક્રમણકારી હતા. ભારતને માત્ર અંગ્રેજોથી નહીં, મુગલોથી
પણ આઝાદ થવાનું જ હતું. શિવાજી અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા મજબૂત ભારતીય રજપૂત અને
મરાઠા વીર રાજાઓની કથા આપણી પાસે છે. આપણા પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવતા
ઈતિહાસમાં એના વિશે કેટલી વિગતો ઉપલબ્ધ છે ? કેટલાય ભારતીય લેખકોએ આવા વીર રજપૂતો-
મરાઠાઓ વિશે પુસ્તકો લખ્યાં છે… પરંતુ, ઈતિહાસને વફાદાર રહીને આપણે કેટલી અને કેવી સીરિઝ
બનાવી ? સરદાર વલ્લભભાઈના જીવન અને કાર્યને ઉજાગર કરતી સાચી વેસસીરિઝ આપણે ક્યારે
જોઈશું ? ભારતીય નાનકડા રાજ્યોને એક કરીને અખંડ ભારતની સ્થાપના કેવી રીતે થઈ એ વિશેની
કોઈ વેબસીરિઝ આપણી પાસે નથી, પરંતુ મુગલ ઈતિહાસ કહેવા માટે કરોડો રૂપિયાની વેબસીરિઝ
એક ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવી શકે છે !
એથી મહત્વની વાત એ છે કે, સમ્રાટ અશોક, શિવાજી જેવા વ્યક્તિત્વો ઉપર જે ટી.વી.
સીરિયલ બને છે એમાં ‘મસાલા’ના નામે સાચી-ખોટી હકીકતો ઉમેરીને એને લંબાવવાનો, વ્યર્થ
પ્રયાસ કરવામાં આવે છે. ‘પાણીપત’ જેવી ફિલ્મ બને છે, પરંતુ એમાં પણ સાચો ઈતિહાસ કે
વિગતોને બદલે ફિલ્મ ‘બોક્સ ઓફિસ’ પર ચાલશે કે નહીં એવું વિચારીને, એની પટકથા લખવામાં
આવે છે… આપણે સતત બીજાની ગ્લોરીમાં જીવતા લોકો બની ગયા છીએ. અનેક રજપૂત
રાજાઓની વીરતા, દાન અને સૌજન્યની કથાઓ આપણી પાસે છે, પરંતુ દુર્ભાગ્યે આપણે મુગલ
સલ્તનતના ઈતિહાસને વેબસીરિઝ પર જોવો પડે છે.
હજી હમણા જ હોટસ્ટાર પર રજૂ થયેલી વેબસીરિઝ ‘એમ્પાયર’માં બાબરની કથા રજૂ
કરવામાં આવી છે. મૂળ અંગ્રેજી લેખક એલેક્સ રૂથરફોર્ડ છે. ડાયના પ્રેસ્ટન અને માઈકલ પ્રેસ્ટન
નામના પતિ-પત્નીએ ‘રૂથરફોર્ડ’ નામના તખલ્લુસ (પેન નેમ) સાથે છ ભાગમાં આ સીરિઝ લખી છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હિસ્ટ્રી અને અંગ્રેજી ભણેલા આ યુગલે સૌથી પહેલાં તાજમહેલના
ઈતિહાસમાં રસ લેવાનું શરૂ કર્યું. એ પછી એમને આ મુગલ સલ્તનતના ઈતિહાસમાં રસ પડ્યો.
એમણે ફરઘાના વેલિથી શરૂ કરીને છેક તાજમહેલ સુધી મુગલ ઈતિહાસને ઉજાગર કરતાં પુસ્તકો
લખ્યાં. 1. રાઈડર્સ ફ્રોમ ધ નોર્થ, 2. બ્રધર્સ એટ વોર, 3. રૂલર ઓફ ધ વર્લ્ડ, 4. ધ ટેઈનટેડ થ્રોન, 5.
ધ સર્પન્ટ્સ ટુથ, 6. ટ્રેઈટર ઈન ધ શેડોઝ, 7. તાજમહેલઃ પેશન એન્ડ જિનિયસ એટ ધ હાર્ટ ઓફ
મુગલ એમ્પાયર, 9. અ ટિયરડ્રોપ ઓન ધ ચીક ઓફ ટાઈમ. જાણીને નવાઈ લાગશે, પરંતુ આ
વેબસીરિઝ બન્યા પછી ‘રૂથરફોર્ડ’ના પુસ્તકોનું વેચાણ અચાનક વધી ગયું. એટલું જ નહીં, બલ્કે મુગલ
ઈતિહાસની ગુગલ સર્ચમાં પણ વધારો થયો છે. આ સર્ચ કરનારના ડેટા તપાસીએ તો સમજાય કે
19થી 25ની ઉંમરના અનેક લોકોએ દેશ-વિદેશમાંથી આ ઈતિહાસને તપાસવાનો પ્રયાસ કર્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકો ઉપરથી આટલી મોંઘી વેબસીરિઝ
બને છે, પરંતુ આપણી પાસે ‘પાટણની પ્રભુતા’ (1916), ‘ગુજરાતનો નાથ’ (1917), ‘રાજાધિરાજ’
(1922) જેવી ટ્રાયોલોજી છે, પરંતુ એના ઉપર કામ કરવાનો કોઈને વિચાર આવતો નથી. ગુજરાત
જ શું કામ, ભારતીય ઈતિહાસ પાસે પણ એવા સુવર્ણ અક્ષરે લખાયેલા પ્રકરણો છે, જેને વિશે
વેબસીરિઝ કે સીરિયલ બનાવીને આપણા પછીની પેઢીને એક અદભૂત માહિતી પૂરી પાડી શકાય. જે
પેઢી વાંચતી નથી એવી ફરિયાદ આપણે ઘણીવાર કરીએ છીએ તે પેઢીને જો આવી વેબસીરિઝ
બનાવીને આપણો ઈતિહાસ જાણવા માટે આકર્ષી શકાય તો કેવું ?
ફિલ્મના ટાઈટલને લઈને કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી કેટલીક વિગતોને પૂરી જાણ્યા વગર
પણ આપણે ઉહાપોહ મચાવી શકીએ છીએ. નિર્માતાને ટાઈટલ બદલવાની ફરજ પાડી શકીએ
છીએ, પરંતુ એની સામે ‘મહાભારત’ કે ‘રામાયણ’ સાથે ચેડાં કરીને રજૂ કરવામાં આવતી વેબસીરિઝ,
સીરિયલ વિશે આપણે કોઈ ચૂં કે ચાં કરતા નથી. આ ઉહાપોહ મચાવનારાને મુગલ ઈતિહાસની આ
ગ્લોરીફાઈ કરેલી વેબસીરિઝ સામે કેમ વાંધો નથી ? એનું કારણ કદાચ એ છે કે, ઈન્ટરનેશનલ
પ્લેટફોર્મ પર રજૂ થતી આવી વેબસીરિઝ સામે વાંધો ઉઠાવ્યા પછી પણ આ ટ્રોલરોને કોઈ ગાંઠતું
નથી… પ્રેક્ષકોનો એવો વર્ગ જે આ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ સુધી પહોંચે છે એમને ખબર પણ નથી કે
આવા ટ્રોલરોનું એક ટોળું અસ્તિત્વ ધરાવે છે ! નેટફ્લિક્સ અને હોટસ્ટારના ઓટીટી પર જે કંઈ રજૂ
કરવામાં આવે છે એમાં વાંધો લઈ શકાય એવાં અનેક કારણો અને દૃશ્યો હોય છે, પરંતુ ત્યાં કોઈ
બોલતું નથી !
આપણા ઘરોમાં, પોતાના રૂમમાં ઓટીટી જોતાં આપણા જ ભારતીય સંતાનોને જે
પીરસવામાં આવે છે એનાથી એમની માનસિકતા અને ભારતીયતા, સાંસ્કૃતિક સમજણ અને ધાર્મિક
લાગણી ઉપર અસર થાય છે… આ વાત જાણવા છતાં, જો આપણે જ આવું કન્ટેન્ટ રોકી શકતા ના
હોઈએ તો અન્ય વ્યક્તિ તરફ આંગળી ચીંધવાનો આપણને અધિકાર છે ? ભારતીય ફિલ્મ, (ખાસ
કરીને હિન્દી)ના ટાઈટલ બદલવાથી સંસ્કૃતિની રક્ષા નહીં થાય એવું આ ટ્રોલર ટોળાંને કોણ
સમજાવશે ? ખરેખર વિરોધ કરવો હોય તો ઈન્ટરનેશનલ ઓટીટીથી અપલોડ થતા સેક્સના, ડ્રગ્સના
અને હિંસાના દૃશ્યો સામે વિરોધ ઉઠાવવો જોઈએ, પરંતુ એવું કોઈ કરતું નથી… એની સામે આ
ઈન્ટરનેશનલ ઓટીટી દ્વારા કાળા નાણાં એન્ટરટેઈન્મેન્ટ માર્કેટમાં ઠલવાઈ રહ્યાં છે, જે કન્ટેન્ટ
અપલોડ કરવામાં આવે છે એ ભારતીય યુવા પેઢીને શરાબ, ડ્રગ્સ અને સિગરેટની સાથે સાથે સેક્સ
અને હિંસા તરફ આકર્ષે છે. એલજીબીટીક્યૂ, ને લીગલ અને પ્રચલિત કરવાનો એક સજાગ પ્રયાસ આ
ઈન્ટરનેશનલ ઓટીટી પ્લેટફોર્મ પર થઈ રહ્યો છે. જે ટ્રોલર ટોળાંને કેમ દેખાતો નથી ?
આપણે બધા સગવડિયા વિરોધી અને સગવડિયા સમર્થકો છીએ… જ્યાં આપણી બૂમાબૂમ
પહોંચે ત્યાં બધાને બીવડાવીને ધાર્યું કરાવવું આપણને ગમે છે, પરંતુ વિદેશમાં બેઠેલા એવા લોકો, કે
જે ભારતીય સંસ્કૃતિ અને ભારતના ઈતિહાસ સાથે ચેડાં કરીને ઓટીટી પ્લેટફોર્મ પર કન્ટેન્ટ અપલોડ
કરી રહ્યા છે એની સામે અવાજ ઉઠાવવાની કોઈની હિંમત કેમ નથી ?