બચપન કી મોહબ્બતઃ બેવકૂફી કે બોલ્ડનેસ ?

1996માં એક સાથે સ્કૂલમાં ભણતા બે જણાં, એક છોકરો અને એક છોકરી, જે ખાસ મિત્રો
છે એ કેટલાંક કારણોસર છૂટાં પડી જાય છે, 22 વર્ષ પછી બંને જણાં ફરી મળે છે. ટીનએજથી બંને
જણાં એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ છોકરો પોતાના મનની વાત કહી શકતો નથી. 22 વર્ષ પછી
જ્યારે બંને મળે છે ત્યારે અંતે છોકરીએ જ એની પાસે એના મનની વાત કહેવડાવવી પડે છે અને
બંને જણાં એમની ગેરસમજ દૂર કરીને ફરી એકવાર નજીક આવે છે ! સૌથી પહેલાં આ ફિલ્મ ’96’
તમિલમાં બની. નાનકડી, ઓછા ખર્ચે બનેલી પણ સુંદર વાર્તા સાથે એ ફિલ્મ જુદી જુદી ભાષાના
29 એવોર્ડ મેળવી ચૂકી છે. વિદેશી ભાષાઓમાં નોમિનેટ થયેલી આ ફિલ્મના કન્નડ, તેલુગુ અને
મલયાલમમાં રિમેક થઈ ચૂકી છે. હિન્દી, મરાઠી જેવી અનેક રિજનલ ફિલ્મ્સ માટે એના રાઈટ્સ
વેચાઈ ચૂક્યા છે. વાર્તા સાવ નાનકડી છે, પરંતુ એને જે રીતે કહેવામાં આવ્યું છે એને કારણે ભાષા
સમજાય કે નહીં, પણ ફિલ્મના ઈમોશન પ્રેક્ષક સુધી પહોંચ્યા વગર રહેતા નથી. આ ફિલ્મની કથામાં
એક નિર્દોષ અને અત્યંત લાગણીશીલ સંબંધની કથાને ઋજુતાથી ગુંથી લેવાઈ છે. એકબીજાને
ચાહવાની કબૂલાતનો પ્રસંગ હોય કે એ પછીના નાનામોટા પ્રેમપ્રસંગો, ફિલ્મની વાર્તામાં સંસ્કાર અને
સભ્યતાને ક્યાંય પણ નાનકડો ઉઝરડો પણ ન પડે એનું લેખક, દિગ્દર્શક, અભિનેતાઓએ ધ્યાન રાખ્યું
છે.

એવી જ એક બીજી ફિલ્મમાં બાળપણમાં છૂટા પડી ગયેલા બે મિત્રો રિ-યુનિયનમાં ફરી મળે
છે. ફિલ્મની વાર્તા રસપ્રદ છે. પોતાની ‘દોસ્ત’ની પ્રતીક્ષામાં એક છોકરો દર વર્ષે સ્કૂલમાં રિ-યુનિયનનું
આયોજન કરે છે. પાર્ટી પછી એ નિરાશ થઈ જાય છે કારણ કે એની દોસ્ત આવતી નથી…
બાળપણમાં જે બે જણાં મિત્રો હતા એ હવે પરણી ગયા છે. છૂટા પડવાનું કારણ પણ સમજવા જેવું
છે. ટેલિવિઝન પર ‘કિસ’ કરતાં બે જણાંને જોઈને નાનકડો છોકરો કુતૂહલ અને અણસમજમાં
એની ‘ખાસ દોસ્ત’ને કિસ કરી બેસે છે. છોકરીના માતા-પિતા એમની દોસ્તી તોડાવે છે. ગુસ્સામાં
છોકરો પાંદડા ભેગા કરીને આગ લગાડે છે જેમાં છોકરીનો ભાઈ સપડાઈ જાય છે. છોકરાને રિમાન્ડ
હોમમાં લઈ જવામાં આવે છે… અનેક વર્ષો પછી બંને પાછાં મળે છે ત્યારે પરણેલા હોવા છતાં જૂની
લાગણીઓ જાગી ઊઠે છે… બંને જણાં ફરી મળવા લાગે છે… એમની વચ્ચેના પ્રસંગોમાં છૂટી ગયેલા
ઈમોશનલ બોન્ડ કરતાં વધારે શારીરિક આકર્ષણ દેખાય છે.

બંને ફિલ્મો વચ્ચે ફેર છે… વાર્તા તો બાળપણમાં છૂટા પડી ગયેલા ચાઈલ્ડહુડ સ્વીટહાર્ટ્સની
છે, પરંતુ ’96’ અને ‘………….’ ની વચ્ચે ટ્રીટમેન્ટનો ફેર છે. બાળપણની લાગણીઓના નિર્દોષ
બોન્ડને એક દિગ્દર્શક સાચવી શક્યા છે જ્યારે બીજા દિગ્દર્શક શારીરિક આકર્ષણમાં સરકી પડ્યા છે.

આપણે આવી અનેક ફિલ્મો જોઈ છે… રાજ કપૂરની ‘આવારા’ હોય કે અમિતાભની ‘મુકદ્દર
કા સિકંદર’, ‘ચાઈલ્ડહુડ લવસ્ટોરીઝ’ ભારતીય ફિલ્મોમાં અવારનવાર કહેવાતી રહી છે. ‘બચપન કી
મોહબ્બત કો દિલ સે ન જુદા કરના, જબ યાદ મેરી આયે બચપન કી દુઆ કરના…’ (1952) હોય કે
જગજિત સિંહના અવાજમાં ગવાયેલી ગઝલ ‘વો કાગઝ કી કશ્તી, વો બારીશ કા પાની…’ કે
નૂરજહાંના અવાજમાં ગવાયેલું ‘મેરે બચપન કે સાથી મુજે ભૂલ ન જાના…’ (1946) આજે પણ એ
જ સંવેદના અને લાગણી જગાડી શકે છે.

બાળપણની દોસ્તી અજબ હોય છે. 2000 પછી જન્મેલી પેઢી સેલફોન અને ટેકનોલોજીની
પેઢી છે. આ પેઢી પોતાની ઉંમર કરતા વધુ સમજદાર (હોંશિયાર) અને વધુ જાણકાર (ઈન્ફર્મેશનથી
ભરપૂર) છે. એમની પાસે આવડત, અક્કલ અને ટેકનોલોજી તો છે, પણ આ પેઢી પોતાનું ભોળપણ
અથવા બાળપણ સહેજ વહેલું ગુમાવી દે છે. ટી.વી. પર જોવા મળતા બાળકોના રિયાલિટી શોમાં
એમની ટેલેન્ટ જોઈને તાલી પાડવાનું મન થાય છે, પણ સામે એમના માતા-પિતાની મહત્વાકાંક્ષા
અને બાળકોની ચાલાકી-ચતુરાઈ જોઈને નાની ઉંમરે એમણે ગુમાવી દીધેલા બાળપણ માટે અફસોસ
પણ થાય છે. મુદ્દો એ છે કે આ બાળકો જેને ‘પ્રેમ’ કહે છે તે જાણે-અજાણે સિનેમા અને
ટેલિવિઝનમાંથી શીખેલો દૈહિક પ્રેમ છે. હાથ પકડવો, ચુંબન કરવું કે શારીરિક જિજ્ઞાસાઓને
સંતોષવી એ ‘પ્રેમ’ નથી.

‘પ્રેમ’ થવાની કોઈ ઉંમર નથી હોતી. સાત વર્ષની ઉંમરથી ‘દેવદાસ’ને પોતાનો પતિ માની
ચૂકેલી પારો બાળકી હતી, મિલેનિયમની નહોતી તેમ છતાં એને પ્રેમ થયો હતો… ‘દેવદાસ’થી શરૂ
કરીને આજ સુધી બાળપણની દોસ્તી કે એ સમયે જન્મેલું આકર્ષણ ‘પ્રેમ’ અને ‘પરિણય’ સુધી લંબાય
એવી વાર્તામાં આ બહુ પાતળી અને નાજુક ભેદરેખા છે. બાળપણની નિર્દોષ લાગણીઓને જો
અકબંધ રાખીને આ વાર્તા કહી શકાય તો એ ’96’ બની શકે છે. પ્રકાશ મહેરાએ ‘મેમસા’બ’ (રાખી)ને
પ્રેમ કરતા સિકંદર (અમિતાભ) વચ્ચે શારીરિક દૂરી સાચવીને ફિલ્મને સફળ બનાવી હતી. એવી જ
રીતે ‘આવારા’માં (રાજ) રાજ કપૂર અને (રીટા) નરગીસ વચ્ચેના શારીરિક આકર્ષણને યુવાન અને
પરિપક્વ ઉંમરે પ્રગટ કરીને રાજ કપૂર સાહેબે પણ એક સરસ પ્રેમકથા આપની સામે મૂકી હતી.

એ જ રાજકપૂર સાહેબે ‘બોબી’ બનાવીને કદાચ ભૂલ કરી. 17 વર્ષની છોકરી અને 19 વર્ષનો
છોકરો ઘર છોડીને ભાગી જાય એવી પ્રેમકથા કદાચ મેટ્રો સિનેમામાં એક વર્ષ ચાલે, પરંતુ એનાથી યુવા
માનસ પર જે અસર થઈ એ પછી ‘કયામત સે કયામત તક’, ‘લવ સ્ટોરી’ જેવી ફિલ્મો બની. જેનાથી
છોકરાંઓ ઘરમાંથી ભાગવા લાગ્યા, પરંતુ એમને આજે પણ ખબર નથી કે એકવાર ઘરની બહાર
નીકળ્યા પછી બહારની દુનિયામાં ફક્ત અસલામતી અને જોખમ એમની પ્રતીક્ષા કરે છે. માતા-
પિતાની સખ્તી અને કડપ મોટાભાગના ઘરમાં સમસ્યા ઊભી કરે છે. આકર્ષણને પ્રેમ સમજી બેઠેલા
આ ટીનએજર્સ વિશે માતા-પિતાને વિરોધ હોય, ચિંતા થાય એ સમજી શકાય, પરંતુ એમની સાથે
ગુસ્સો કરવાથી કે હાથ ઉપાડવાથી એમને રોકી શકાતા નથી.

બાળપણનો પ્રેમ ક્યારેક દોસ્તી હોય છે તો ક્યારેક આકર્ષણ. આ બધા ‘પ્રેમ’ ઈઝહાર કે ઈકરાર
સુધી પહોંચે એવું જરૂરી નથી. એમાંના મોટાભાગના પ્રેમ પરિણય સુધી પણ નથી પહોંચતા. છેલ્લા
થોડા સમયથી આપણે જોઈ શકીએ છીએ કે બાળકો એમની ઉંમર કરતાં વહેલાં ‘મોટા’ થઈ જાય છે.
ટેલિવિઝન, ઓટીટી, ઈન્ટરનેટ, ગુગલની સાથે સાથે બીજા એવા ઘણાં તત્વો છે જે બાળપણને
‘બાળપણ’ રહેવા દેતા નથી. કેટલાક માતા-પિતા આ વાત સમજ્યા વગર બાળકો ઉપર કડક જાપ્તો
રાખે છે. એમની સાથે મિત્ર બનવાને બદલે પોતે પોલીસ કે પહેરેદારનું કામ કરે છે ત્યારે બાળકો પણ
માતા-પિતા સાથે ‘ચોર પોલીસ’ રમે છે. જેને એ લોકો પ્રેમ કહે છે, એ માતા-પિતાને ‘પ્રેમ’ ન લાગતો
હોય તો પણ બૂમાબૂમ કરવાને બદલે કે મારપીટ કરવાને બદલે સમજણ અને શાંતિથી કામ લેવું બહુ
જરૂરી છે. એ ટીનએજર છે, એમને માટે આ અનુભવ કદાચ નવો છે, પરંતુ માતા-પિતાએ અનુભવી
અને મેચ્યોર થઈને આ પરિસ્થિતિ સાથે કામ પાડવું પડે.

બદલાતાં સમય સાથે બાળઉછેરની સમસ્યાઓ પણ બદલાઈ છે. શારીરિક આકર્ષણ કે
કુતૂહલને પ્રેમ સમજીને ઢસડાઈ જતા કે ભૂલ કરી બેસતા યુવા સંતાનો સાથે સમજણથી વર્તવું એ
આજનો નવો બાળઉછેર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *