બદલ રહી હૈ જિંદગી, બદલ રહે હૈં હમ…

મનોરંજન અથવા સિનેમા ભારતીય જનજીવનનો અભિન્ન હિસ્સો છે. ભારતીય લોકો
સિનેમા ઉપરથી પોતાની ફેશન કે જીવનશૈલીને બદલતા જોવા મળ્યા છે. છેલ્લા બે વર્ષથી આ
સિનેમાનો વ્યવસાય બદલાઈ રહ્યો છે. મોટાભાગના લોકો હવે ઈન્ટરનેટ અને ઓટીટીના માધ્યમ
સાથે જોડાયા છે. સિનેમા થિયેટર્સ ખૂલ્યા છે, પરંતુ ફિલ્મોને જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી.
આના બે કારણો છે. એક, કોરોનાના સમય દરમિયાન ઘરમાં રહેલા લોકોએ ઓટીટી (ઓવર ધ
ટોપ)ના પ્લેટફોર્મ્સને પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધું છે અને બીજું કારણ એ છે કે, લોકોને
હજી બદલાતા વાયરસની બીક લાગે છે.

દરેક પાસે પોતાના બાળપણના, યુવાનીના કે પોતાના ઈમોશનલ રેફરન્સનો આગવો સંદર્ભ
છે. આપણી જે-તે વખતની માનસિકતા સાથે આપણા ગમા-અણગમા જોડાયેલા હોય એવું જ
સંગીત અને શબ્દોમાં પણ છે. કોઈક કવિતા, સાહિત્ય કે સિનેમા ક્યારેક હૃદયને એકદમ સ્પર્શી જાય તો
ક્યારેક એ સમયની માનસિકતા એવી હોય કે આપણને એ બધું અસહ્ય લાગે…

આજના માતા-પિતા (ખાસ કરીને જે લોકો 1960 પછી જન્મ્યા છે) એ પોતાના સમયને
શ્રેષ્ઠ માને છે. આઝાદી પછી 50થી 70ના બે દાયકા સંગીત, સાહિત્ય અને સિનેમાનો ઉત્તમ સમય
હતા, એવું આ લોકો દૃઢપણે માને છે. નવા જમાનાના શાયર, સંગીત દિગ્દર્શક, લેખક કે નવી ફિલ્મો,
નવું સાહિત્ય એમને ગમતા નથી. નવું સંગીત એમને ઘોંઘાટિયું અને ઈરિટેબલ લાગે ! નવું સાહિત્ય કે
સિનેમા એમને વધુ પડતું બોલ્ડ કે એબ્સર્ડ લાગે છે. આજની લોકપ્રિયતાની વ્યાખ્યા જૂની પેઢીને
‘ફરમાસુ’ કે ‘સસ્તા મનોરંજન’ જેવી લાગે છે.

આજની પેઢીના કપડાં નવી પેઢીને સમજાતા નથી. મોટાભાગના માતા-પિતા એમના
સંતાનોની ફેશન સેન્સ વિશે એક જ અભિપ્રાય ધરાવે છે, ‘ફાટેલા અને આવા ટૂંકા કપડાં તે કંઈ
પહેરાય ?’ માતા-પિતાની પેઢીએ શરમ અને અણગમા સાથે જૂનાં અથવા કોઈના ઉતરેલાં કપડાં
પહેર્યાં છે કારણ કે એમને આર્થિક સંઘર્ષના સમયમાં ઉછરવું પડ્યું છે. નવી પેઢીની ‘ફેશન’માં ફાટેલાં
કપડાં છે કારણ કે, એમને સતત અને મોટા પ્રમાણમાં નવા કપડાં મળતાં રહ્યાં છે. એ કપડાં કે બીજું
કંઈ પણ મેળવવા માટે આ પેઢીએ સંઘર્ષ કર્યો નથી એટલે હવે એમને આ ફાટેલાં, જૂનાં દેખાય તેવા,
સાઈઝ વગરના કે વિચિત્ર કપડાં ‘ફેશન’ લાગે છે.

લગભગ દરેક નવી પેઢીની નવી વાતો લગભગ દરેક જૂની પેઢીને ગળે ઉતરવામાં સમય લાગે
છે. એમાંય ફેશન, સંગીત અને ભોજન આ ત્રણ બાબતો એવી છે કે દરેક પેઢીને પોતાના સમયની આ
બાબતો શ્રેષ્ઠ લાગે છે… બદલાવ જીવનનું સત્ય છે, અને બદલાતી મોસમની જેમ પસંદગી કે ગમા-
અણગમા પણ બદલાતા રહે છે. એનો અર્થ એવો નથી કે, નવી પેઢીની કોઈપણ બાબતને ‘ખરાબ’,
‘નકામી’ કે ‘બેકાર’, ‘ભંગાર’ કહીને ઉતારી પાડીએ. આધુનિક ભારતીય મનોરંજન જગતના બે ભાગ
પાડી શકાય, 1970 પહેલાં અને 1970 પછી ! 70 પછીની ફેશન, સંગીત અને ભોજનમાં ન માની
શકાય એટલી ઝડપે ફેરફાર થયા છે. 1971માં ભારત અને બાંગ્લાદેશ છૂટા પડ્યા. એ યુધ્ધ પછી
ભારતની આર્થિક નીતિમાં અનેક ફેરફાર આવ્યા. આ ફેરફારોમાં સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે,
ભારતમાં વિદેશી આયાત સરળ બનાવવામાં આવી. બાંગ્લાદેશથી આવેલા અનેક રેફ્યૂજીઓને કામ
આપવા માટે અને યુધ્ધને કારણે થયેલી ખુવારીને પહોંચી વળવા ઔદ્યોગીકરણને વેગ આપવામાં
આવ્યો. 1971માં રાજેશ ખન્નાની ફિલ્મ આવી ‘આનંદ’, અને 1972માં ‘ઝંઝીર’ પછી અમિતાભ
બચ્ચનની ‘એન્ગ્રી યંગ મેન’ ઈમેજ બજારમાં આવી.

1947માં આઝાદ થયેલો આ દેશ 25 વર્ષનો યુવાન થઈ ગયો હતો. બેકારી, બેરોજગારી અને
ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવવા એ તૈયાર હતો… એ સમયની ફિલ્મો અને ફેશન બંને કોઈક
ઉશ્કેરાટ, ઉકળાટ અને બળવાખોર વિચારધારાની ફિલ્મો હતી. ‘હરે રામ હરે કૃષ્ણ’ 1971માં રજૂ
થઈ, ‘દમ મારો દમ’ની સાથે એ જ સમયમાં ‘હિપ્પી કલ્ચર’નો પ્રવેશ થયો. લાંબા વાળ, મોટા ચશ્મા,
ફાટેલા કપડાં… આઝાદ દેશમાં પોતાને નહીં મળેલી સુવિધાઓ સામેનો આ વિદ્રોહ હતો. હજી
સ્વતંત્રતાની લડાઈ લડેલા માતા-પિતા હયાત હતા, ‘સંસ્કાર’ અને ‘સંસ્કૃતિ’ વિશેના એમના વિચારો
સાથે આ 25 વર્ષના યુવાન વિચારોનો મેળ ખાતો નહોતો. એક તરફ અમિતાભ બચ્ચન ભગવાનને
પૂછતા હતા, ‘હું શું કામ તારા મંદિરમાં આવું ?’ તો બીજી તરફ, રાજેશ ખન્ના એક તવાયફના પ્રેમમાં
ગાતા હતા, ‘તુ કૌન હૈ, તેરા નામ હૈ ક્યા, સીતા ભી યહાં બદનામ હુઈ…’

દરેક દાયકામાં દરેક પેઢીએ કશુંક બદલાયું છે. આ બદલાવ ‘વિકાસ’ છે કે નહીં, એ વિશે આપણે હજી
નિર્ણય કરવાનો બાકી છે, પરંતુ આ બદલાવ કે ફેરફારને સ્વીકાર્યા વગર આગળ વધવું હવે શક્ય નથી.
1955થી 65ના ગાળામાં જન્મેલી એક આખી પેઢી વચ્ચે ફસાઈ છે. એમના માતા-પિતાના સંસ્કાર,
ઉછેર અને માન્યતાઓમાંથી આ પેઢી છૂટી શકી નથી, તો બીજી તરફ 70ના દાયકાની મધ્યમાં કે
અંતમાં જન્મેલા એમના સંતાનો તદ્દન જુદું, બલકે લગભગ વિરુધ્ધ વિચારે છે, એ વાત આ પેઢી
સ્વીકારી શકતી નથી. જૂના ગીતો, જૂની ફેશન કે પોતાનું લિમિટેડ મેન્યૂ આ પેઢીને સલામતીનો એક
એવો આચળો ઓઢાડે છે જેમાંથી બહાર નીકળતાં જ આ પેઢી હેબતાઈ જાય છે.

જાપાનીઝ, મેક્સિકન, થાઈ, લેબેનિઝ અને એરેબિક ભોજન હવે લગભગ તમામ મોટા
શહેરોમાં ઉપલબ્ધ છે. પોતે ‘મોર્ડન’ છે એવું કહેવડાવા કે દેખાડવા માટે આ પેઢી આવી રેસ્ટોરાંમાં
જાય છે, પરંતુ એમને આ ભોજન હજી ‘અનુકૂળ’ નથી ! એવી જ રીતે ફાટેલા કે બોક્સર દેખાય એવી
ઢીલી વેસ્ટ લાઈનના પેન્ટ પહેરતા દીકરા, ઓફ શોલ્ડર કે શોર્ટ્સ પહેરતી એમની દીકરીઓ સાથે હજી
એ સંપૂર્ણપણે સહમત નથી.

બીજી તરફ, આ નવી પેઢી ટેકનોલોજી સાથે એટલી તો સહજ છે કે એમના જીવનમાં હવે
જીવતી, શ્વાસ લેતી વ્યક્તિઓની અનિવાર્યતા નથી રહી… ગુલઝાર સાહેબનું એક નવું પુસ્તક,
‘એક્ચ્યુઅલી… આઈ મેટ ધેમ (ખરેખર હું એમને મળ્યો હતો)’ આજની પરિસ્થિતિને અનુરૂપ ટાઈટલ
છે. હાડ માંસવાળા, જીવતા, હરતા લોકો વિશે આવનારા સમયમાં કદાચ આપણે બધાએ આવું કહેવું
પડે તો નવાઈ નથી. વર્ચ્યુઅલ જગત વધુ ને વધુ વિસ્તરતું જાય છે, સત્યનું જગત ધીમે ધીમે નાનું થતું
જાય છે. કોરોના અને ટેકનોલોજી બંનેએ સાથે મળીને સ્પર્શ, ભેટવું, પ્રસંગ કે ઉત્સવ ઊજવવા માટે
ભેગા થવાની આખીયે પ્રવૃતિને ધીમે ધીમે ઘટાડી છે. માણસ, માણસથી દૂર થયો છે… થઈ રહ્યો છે
અને જૂની પેઢી આ પરિસ્થિતિમાં ગૂંગળાતી હશે, કદાચ ! પણ, નવી પેઢી આ પરિસ્થિતિ સાથે વધુ
ને વધુ કમ્ફર્ટેબલ-સહજ થતી જાય છે.

આમ નવાઈ લાગે, તેમ છતાં આપણે એવું સ્વીકારવું પડશે કે, આપણો દેશ જેટલો આગલા
50 વર્ષમાં નથી બદલાયો એટલો છેલ્લા વીસ વર્ષમાં બદલાયો છે. બદલાવ કે ફેરફારને નહીં
સ્વીકારવાની ચોઈસ પણ 55થી 65માં જન્મેલી પેઢી પાસે નથી… બીજી તરફ, એમની આગલી
પેઢીને બદલી શકવાની કે નવું વિચારતાં શીખવવાની આવડત પણ આ 55થી 65વાળી પેઢી પાસે
નથી.

આપણે કદાચ, એક એવા ત્રિભેટે આવીને ઊભા છીએ, જ્યાંથી ભૂતકાળ, વર્તમાન અને
ભવિષ્ય ત્રણેય દેખાય છે… કયા રસ્તે આગળ વધવું એનો નિર્ણય દરેક પેઢીએ પોતે જ કરવો પડે છે.
પોતે કરેલા નિર્ણયનું પરિણામ પણ દરેક પેઢીએ ભોગવવું પડે છે… આપણે કઈ પેઢીમાં છીએ અને કઈ
તરફ જવા માગીએ છીએ એ સમજાય તો કદાચ, આપણી આગળ અને પાછળ ઊભેલી પેઢીઓના
મન, માનસિકતા અને મૂંઝવણ પણ આપણે સમજી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *