‘હમારે અચ્છે દોસ્ત, કામ કે ક્ષણ. કુછ દેર તક સાથ રહતે હૈ, ફિર બડે હો જાતે હૈં ઔર હમેં
છોડકર ચલે જાતે હૈં.’ અમિતાભ બચ્ચનના ઈન્સ્ટા હેન્ડલ પર એક નાનકડા પપ્પીને હાથમાં પકડીને
ઊભેલા બચ્ચન સાહેબે આ વાક્ય લખ્યું છે. વાત માત્ર ‘કામ કે ક્ષણ’ની નથી, એ આપણે સૌ સમજી
શકીએ એમ છીએ. આજથી થોડા વર્ષો પહેલાં અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે થયેલા
સંપત્તિની વહેંચણીના ઝઘડા વિશે બજારો ગરમ થઈ ગયા હતા. મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા જેવા
લોકોએ વચ્ચે પડીને આ ઝઘડો-મનદુઃખનો ઉકેલ કાઢ્યો હતો એ વાત અખબારોમાં ખૂબ ચગાવવામાં
આવી હતી. ભારતના કેટલાં ઘરો છે જેમાં બે ભાઈઓ વચ્ચે સંપત્તિની વહેંચણી બાબતે મનદુઃખ થયું
હશે! એ વખતે સોશિયલ મીડિયા આટલું બધું પ્રચલિત નહોતું તેમ છતાં, અખબારો અને ટીવીના
સમાચારોમાં રોજેરોજ આ વિશે કંઈક છપાતું રહ્યું.
હજી હમણાં જ ઐશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચારોથી બજાર ગરમ
છે ત્યારે એ બેમાંથી કોઈએ આવા સમાચારોને નકારતું કે સ્વીકારતું વિધાન કર્યું નથી. એની સામે બચ્ચન
સાહેબે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર સુંદર વાક્ય લખ્યું છે, જે મૂળ એમના પિતાનું છે. ‘મન કા હો તો
અચ્છા, મન કા ના હો તો ઔર ભી અચ્છા…’ ઐશ્વર્યા અને અભિષેકના સંબંધો વિશે સોશિયલ મીડિયા પર
જે કંઈ ચાલી રહ્યું છે એ પરિસ્થિતિમાં બચ્ચન સાહેબ તદ્દન મૌન છે. એમને તકલીફ નહીં થતી હોય?
આટલાં વર્ષોની પ્રતિષ્ઠા અને આદર મેળવ્યા પછી જો ખરેખર પરિવારમાં તિરાડ પડી હોય તો એ વિશે
એમને કેટલી પીડા થઈ હશે? એક યુટ્યુબ વીડિયો ફરે છે જેમાં બચ્ચન સાહેબના એક જૂના વીડિયોનો
ઓડિયો બદલીને એમાં ઐશ્વર્યાએ શ્વેતાને તમાચો માર્યો અને ઘરમાં શું થયું એ વિશેની સાવ ખોટી જ
ખબર બચ્ચન સાહેબના મોઢે કહેવાતી હોય એમ વાઈરલ કરવામાં આવી છે.
એવી જ રીતે શાહરૂખના દીકરા આર્યનને જ્યારે અરેસ્ટ કરવામાં આવ્યો ત્યારે શાહરૂખનો એક
જૂનો વીડિયો જેમાં કદાચ એણે મજાકમાં જ કહેલી વાતો સાવ જુદી રીતે ચીતરવામાં આવી! જોકે, એણે
જે રીતે ગ્રેસફૂલી સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો અને દેશના ન્યાયતંત્રમાં, પોલીસમાં
પોતાનો વિશ્વાસ જાહેર કર્યો એ વાતે શાહરૂખને અભિનેતા કરતા વધુ એક સારો નાગરિક પૂરવાર કર્યો છે.
જાણે-અજાણે આપણને ‘અન્ય’ લોકોના પારિવારિક સંબંધોમાં રસ લેવાની ટેવ પડી ગઈ છે. આપણી પાસે
સોશિયલ મીડિયા પર મળેલી માહિતી છે, એ કાચી, અધૂરી, સાચી-ખોટી માહિતીના આધારે આપણે
કલાકો ચર્ચા કરી શકીએ છીએ! એટલું ઓછું હોય એમ મિત્રો કે પરિવારમાં આવી વાતમાં ઝઘડો થઈ શકે
છે! જે વ્યક્તિ સાથે આપણે લેવાદેવા નથી એના વિશે આપણે કેટલો બધો સમય બરબાદ કરી શકીએ
છીએ, અને ખરેખર જીવનમાં જે કરવાનું છે એવી બાબતો માટે આપણી પાસે સમય નથી!
કોઈપણ બે વ્યક્તિને ન ફાવે, તો એ છૂટાછેડા લે… સમાજમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા છૂટાછેડા
થયા હશે? જો અભિષેક અને ઐશ્વર્યાને પણ ન ફાવતું હોય તો એટલા જ સામાન્ય અને સ્વાભાવિક રીતે
એ લોકો પણ છૂટા પડશે. એક પિતા પોતાની પુત્રીને ઘર આપે એ વિશે અન્ય લોકોએ આટલો બધો રસ
લેવો, કમેન્ટ કરવી કે ટ્રોલ કરવાની ક્યાં જરૂર છે? કેટલા બધા અમીર ઘરના બાળકો એક યા બીજા
કારણસર પોલીસ સ્ટેશન પહોંચી જાય છે… ડ્રંક એન્ડ ડ્રાઈવ, વીડ અને ટ્રાફિક રૂલ તોડવાથી શરૂ કરીને
ગર્લફ્રેન્ડ સાથે ક્યાંક ખૂણામાં બેઠેલા આવા સંતાનો જ્યારે ‘પકડાય’ છે, ત્યારે માતા-પિતા એમને
છોડાવવા માટે જે થઈ શકે એ કરે જ છે… પરંતુ, એ લોકો છાપે નથી ચડતા કે સોશિયલ મીડિયામાં
એમની વાતો ચગાવવામાં આવતી નથી કારણ કે, એ માતા-પિતા ‘પ્રસિધ્ધ’ નથી.
આ જે કંઈ થઈ રહ્યું છે એ બધું પ્રસિધ્ધિની કિંમત છે. જરા યાદ કરી જુઓ ડાયેના સ્પેન્સરની એ
સાંજ! છૂટાછેડા લીધેલી એક સ્ત્રીને પોતાના બોયફ્રેન્ડ સાથે ડેટ પર જવાનો અધિકાર નથી? ડોડિ અલ
ફયાદની સાથે પેરિસમાં ડાયેનાનો પીછો કરતા પાપારાઝીઓથી બચવા ડાયનાના ડ્રાઈવરે ગાડી ભગાવી,
અને અંતે એ ગાડી ટનલમાં અથડાઈ, ડોડિ અને ડાયેનાનું મૃત્યુ થયું!
પ્રસિધ્ધિનું મૂલ્ય જો આપણા અંગત જીવનમાં થતાં ડોકિયાં હોય તો એ વિશે પ્રસિધ્ધ વ્યક્તિને
પ્રોટેક્શન આપતો કોઈ કાયદો બનવો જોઈએ? કઈ હદ સુધી અન્ય વ્યક્તિને આપણા જીવનમાં ડોકિયું
કરવાનો અધિકાર છે? આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયા એક એવી જાળ છે જેમાં
ફસાયેલી પ્રસિધ્ધ વ્યક્તિ એના છેડા સુધી પહોંચી શકતી નથી. કોણ આવા સાચા-ખોટા સમાચાર
અપલોડ કરે છે, કોણ યુટ્યુબ વીડિયો બનાવે છે એનો તાગ મળતો નથી. હવે એક ડીપ ફેક વીડિયોની નવી
રમત શરૂ થઈ છે. પ્રસિધ્ધ વ્યક્તિઓના ચહેરાને અન્ય કોઈ શરીર ઉપર મોર્ફ કરીને આ વીડિયો ફરતા થાય
છે. સ્વયં પ્રધાનમંત્રીએ એ વિશે પોતાની ચિંતા અને અણગમો જાહેર કર્યો છે ત્યારે સવાલ એ છે કે,
આપણે શા માટે બીજાની જિંદગી કે ચારિત્ર્ય ઉપર કાદવ ઉછાળવો છે? એમાં કયો સંતોષ મળે છે?
બીજી એક મહત્વની વાત એ પણ છે કે, આવા વીડિયો જ્યારે સામાન્ય માણસ પાસે પહોંચે છે
ત્યારે એને ડીલિટ કરવાને બદલે મોટાભાગના લોકો એને રસથી જુએ છે એટલું જ નહીં, ફોરવર્ડ કરીને
કોઈ વિકૃત આનંદ લે છે. આ એક માનસિક બિમારી છે જેનો ઈલાજ તાત્કાલિક નહીં કરવામાં આવે તો
સમાજના પાયા સુધી લૂણો લાગી જશે. આપણે વીડિયો બનતા રોકી નહીં શકીએ, કદાચ પરંતુ એક
સજ્જન વ્યક્તિ તરીકે, એક સારા નાગરિક તરીકે કે અંતે, ફક્ત ‘માણસાઈ’ના ધોરણે પણ આવા વીડિયો
ફોરવર્ડ કરવાનું આપણે બંધ કરવું જોઈએ.