બદનામી મંજૂર હૈ, બદમાશી નહીં…

સોશિયલ મીડિયાએ આપણને સહુને ‘પ્રસિધ્ધ’ થવાનું એક વિચિત્ર વ્યસન લગાડ્યું છે.
લગભગ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં બનતી રોજિંદી ઘટનાથી શરૂ કરીને, પોતાની ફિલોસોફી,
સમજણ, નુસ્ખા કે આવડતને ઘણા બધા લોકો સુધી પહોંચાડવાનો એક શોખ જાગ્યો છે. એમાં
ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટા સાધન નહીં, પણ હથિયાર બની ગયા છે. સારી વાત તો લખાય જ
છે, પરંતુ એની સામે કોઈપણ વ્યક્તિને બદનામ કરવા, ઉતારી પાડવા કે ‘ખુલ્લા પાડવા’ માટે પણ આ
સોશિયલ મીડિયા જબરજસ્ત કામ કરે છે. સાયબર વર્લ્ડની એક કમનસીબી એ છે કે, એક વખત જે
હવામાં તરતું મૂકાય એના ફૂટપ્રિન્ટ્સ ભૂંસવા લગભગ અસંભવ થઈ જાય છે. સારું અને ખરાબ બંને
સદીઓ સુધી સચવાઈ રહે છે, જરૂર પડે શોધી શકાય એ ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. જેમ
સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિના કામની, પ્રસિધ્ધિની, સફળતાની નોંધ લેવાય છે, એની સાથે સાથે
એવા મશરૂમ્સ પણ ફૂટી નીકળ્યા છે જે આ પ્રસિધ્ધિ અને સફળતાને નિશાન બનાવીને એવા લોકોને
બ્લેકમેલ કરે છે, જેમને એમની પ્રતિષ્ઠામાં તિરાડ પડવાની, ફેનફોલોઈંગ ઓછું થવાની બીક લાગે છે!

હવે સવાલ એ છે કે, જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે લોકો પ્રસિધ્ધ નહોતા? એમની
સફળતાની નોંધ નહોતી લેવાતી? સત્ય એ છે કે, સારું કામ અને સફળતા કોઈની મોહતાજ નથી
હોતી. જે ખરેખર સોશિયલ મીડિયાને સમજે છે, એ બધા લોકો આવા મશરૂમ્સને, જૂની ફૂટપ્રિન્સ્ટ્સ
શોધીને એનો દુરુપયોગ કરનાર બ્લેકમેલર્સને ઈગ્નોર કરતાં-અવગણતાં શીખી ગયા છે, પરંતુ જે લોકો
માને છે કે, એમની સફળતા કે પ્રસિધ્ધિ સોશિયલ મીડિયાને કારણે છે અથવા એને જ કારણે ટકે છે એ
સહુ આવા બ્લેકમેલર્સથી ડરે છે, એમને જવાબ આપે છે અને સત્ય-અસત્યની દલીલબાજીમાં પડે છે.
સાચું પૂછો તો જે પ્રકારની માહિતીનો મારો સોશિયલ મીડિયા પર ચાલે છે એમાં આવી બદનામી કે
બદનક્ષી કેટલાક કલાક ટકે? થોડીક જ વારમાં ભૂલાઈ જનારી માહિતીને ગંભીરતાથી લઈને એને માટે
બેચેન થનારા લોકો કદાચ પોતાના આત્મવિશ્વાસને બદલે આવા ઈર્ષાળુ કે વિઘ્નસંતોષી લોકોમાં વધુ
ભરોસો કરે છે. આપણા સમાજમાં બીજાના સુખ કે સફળતાને જોઈને ઈન્સ્પાયર (પ્રોત્સાહિત)
થનારા લોકો ઓછા છે, અને ઈનફિરિયારિટી (લઘુતાગ્રંથિ) અનુભવનારા વધારે… પોતાની હાઈટ ન
વધી શકે એટલે બીજાની ઊંચાઈ ઘટાડી નાખવા મેદાને પડેલા આવા લોકોનો સાચો અને સરળ ઉપાય
એ છે કે એમની કોઈ વાતને ગંભીરતાથી ન લેવી. આમાં ‘પ્રશંસા’ અને ‘ટીકા’ બંનેનો સમાવેશ થાય
છે. સામાન્ય રીતે, સોશિયલ મીડિયા પર આપણી સાથે જોડાયેલા બધા લોકો વર્ચ્યુઅલ (અવાસ્તવિક
અથવા આભાસી) છે. આપણે જે ફોટા મૂકીએ, જે લખીએ એ વાંચીને એ લોકોએ આપણા વિશે એક
ઈમેજ અથવા વિચાર ઊભો કર્યો છે. ‘એ’ આપણા વિશે જે કંઈ માને છે, ધારે છે અથવા આપણે
‘જેવા હોવા જોઈએ’ એવું આ લોકો ઈચ્છે છે એ બધું બરોબર ચાલે ત્યાં સુધી એ આપણા ફોલોઅર
અથવા પ્રશંસક છે, પરંતુ આજે જે પ્રશંસક છે એને કાલે વિવેચક બની જતાં વાર નથી લાગવાની, એ
સમજીને જો સોશિયલ મીડિયા સાથે જોડાઈએ તો બહુ તકલીફ પડતી નથી.

ભારતમાં ક્રિકેટસ્ટાર્સ, ફિલ્મસ્ટાર્સ અને હવે રાજકારણીઓ પણ સોશિયલ મીડિયાને કારણે
છેક છેવાડાના, નાનામાં નાના માણસ સુધી પહોંચ્યા છે. એમને માટે પ્રશંસકોની વધતી સંખ્યા
એમની કારકિર્દી માટે જરૂરી છે. એમની નાનકડી નેગેટિવ પબ્લિસિટી કદાચ એમની કારકિર્દીને
નુકસાન પણ કરી શકે, પરંતુ આપણે તો સામાન્ય માણસ છીએ. આપણા વિશે ‘કોણ’ અને ‘શું’ લખે
છે એ વાંચીને જો આપણે વિચલિત થઈ જતા હોઈએ તો પ્રોબ્લેમ લખનારમાં નથી, આપણામાં છે.
જાહેરજીવન સાથે જોડાયેલા વ્યક્તિઓએ એટલી તૈયારી તો રાખવી જ પડે કે એમના વાણી, વર્તન,
વ્યવહાર, પોષાક, જીવનશૈલી કે સંબંધો વિશે હવે કશું બહુ છૂપાવી શકાય એવી શક્યતા ઓછી છે.
દરેકના હાથમાં સ્માર્ટ ફોન છે, અને એ સ્માર્ટ ફોનમાં સામેની વ્યક્તિની એકાદ નબળી ક્ષણ ઝડપી
લેવાની તક કોઈને છોડવી નથી. હવે તો રસ્તા પર ઝઘડો થાય કે એક્સિડન્ટ, કોઈ પ્રસિધ્ધ વ્યક્તિ
નાની મોટી ગફલત કરે કે એની સાથે કોઈ ઘટના બને તો એકમેકને મદદ કરવાને બદલે હવે આપણને
બધાને એનો ‘વીડિયો’ બનાવી લેવામાં વધુ રસ છે કારણ કે, એ વીડિયોથી આપણને ફેસબુકની,
ઈન્સ્ટાની લાઈક અને ફોલોઅરના આંકડા વધારવાની તક મળે છે!

આ આંકડા કેટલા ખોટા અને આભાસી છે એની સૌને જાણ છે જ તેમ છતાં, એ આંકડા પર
આપણે કેટલા બધા નિર્ભર છીએ! પૈસા આપીને ફેસબુક, ઈન્સ્ટાગ્રામના આંકડા વધી શકે છે (બુસ્ટ
થઈ શકે છે) એ કોણ નથી જાણતું? તેમ છતાં, આંકડાની આ હરિફાઈમાં સૌ ઊંધું ઘાલીને દોડે છે.
ફક્ત પ્રસિધ્ધિ અથવા ફોલોઅર જ જેનું લક્ષ્ય છે એ લોકો જે પ્રકારના કન્ટેન્ટ મૂકે છે એ જોઈને
બુધ્ધિશાળી કે સમજદાર માણસને કંટાળો આવે, તેમ છતાં અર્થહીન અને વલ્ગર કહી શકાય એ હદે
મૂકાતા રિલ કે ફેસબુકની કેટલીક પોસ્ટ જે હદે વાયરલ થાય છે એ જોઈને માણસની બદલાતી ફિતરત
ઉપર આશ્ચર્ય કરતાં વધારે આઘાતની લાગણી થાય છે.

સોશિયલ મીડિયાએ મનોરંજનનું સ્તર સાવ નીચું કરી નાખ્યું છે. હાથમાં પકડેલા નાનકડા
સ્ક્રીન ઉપર મફત મળતા મનોરંજનની ગુણવત્તા વિશે હવે કોઈને કશું કહેવું નથી. ગાળો, બિભત્સ
નખરા અને નાના બાળકો પાસે કરાવવામાં આવતા કેટલાક ચેનચાળા જોઈને પ્રશ્ન જરૂર થાય કે, જે
લોકો આપણી સભ્યતા અને સંસ્કૃતિના નામે પ્રસિધ્ધ લોકો પાસે માફી મંગાવે છે, એમને ટ્રોલ કરે છે
અને એમના વિશે બેફામ ટીકા કરે છે એ બધા આવી ગંદકી જોઈને કેમ કશું બોલતા નથી? એ
પ્રશ્નનો જવાબ એ છે, કે આવા લોકોને ફક્ત પોતાની પ્રસિધ્ધિ જોઈએ છે… જે એમને આવા
પ્રસિધ્ધ લોકોની સોશિયલ સાઈટ ઉપર જ મળી શકે એમ છે. પોતે જાણીતા અને સફળ વ્યક્તિ પાસે
માફી મંગાવી શક્યા, એ વાતે એમનો અહંકાર પોરસાય છે… એ સિવાય બીજું કંઈ કરી શકે એમ નથી
એવી એમને ખબર જ છે માટે આવા લોકો સોશિયલ મીડિયાને હથિયાર તરીકે વાપરતા થઈ ગયા છે.

સોશિયલ મીડિયા એક એવી રમત છે જેને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. ત્યાં કેટલા
ફોલોઅર વધ્યા એ વિશે ચિંતા કરવાનું છોડી દઈએ તો કેટલા ઘટ્યા એનું ટેન્શન પણ નહીં જ થાય.
પ્રશંસા સાંભળીને ફૂલાઈ નહીં જઈએ તો ટીકા સાંભળીને વિચલિત પણ નહીં જ થવું પડે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *