છેલ્લું અઠવાડિયું શેરબજારની ઊથલપાથલ અને રશિયા-યુક્રેનના વિગ્રહના સમાચાર સાથે
વીત્યું છે. સવારના પહોરમાં અખબાર ઉપાડીએ અને બોમ્બમારાની, સેંકડો ઘાયલ થયાની-મૃત્યુ
પામ્યાની ખબરો, પોતાનું શહેર છોડતા, રડતા લોકો-અનાથ થયેલા બાળકો અને એ બધાની સાથે ત્યાં
ફસાયેલા ગુજરાતીઓ-ભારતીયો વિશે જાણીને મન વિચલિત થતું રહ્યું. કોણ છે આ પુતિન? શું
જોઈએ છે એને?
સામાન્ય વાચક માત્ર સમાચારો વાંચે છે… ખાસ કરીને જ્યારે આટલાં બધાં ગુજરાતી
વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોય-એક ભારતીય છોકરો ફૂડ પેકેટ પહોંચાડતા મૃત્યુ પામે, ત્યારે
આપણને સૌને એટલું તો જાણવું જ હોય કે, અચાનક રશિયાએ યુક્રેન પર હુમલો શું કામ કર્યો?
જે આંતરરાષ્ટ્રીય રાજકારણ નથી જાણતા એવા એક સામાન્ય વાચકે જાણવું જોઈએ કે, આ અચાનક
નથી થયું! 26 ફેબ્રુઆરી, 2014ના દિવસે હથિયારબંધ રશિયન સમર્થકોએ યુક્રેનના ક્રિમિયા
વિસ્તારમાં સંસદ અને સરકારી મકાનો પર કબજો કર્યો. બે માર્ચ, ’14ના દિવસે યુક્રેનમાં રૂસિ સેના
મોકલવામાં આવી. છ માર્ચ ક્રિમિયાએ રૂસિ સંઘનો હિસ્સો બનવાનું સ્વીકાર્યું અને જન્મતના
પરિણામોને આધાર બનાવીને 18 માર્ચના દિવસે ક્રિમિયાને રશિયામાં ભેળવી દેવામાં આવ્યું. 18મી
સદીમાં ક્રિમિયા રશિયાનો ભાગ હતું, પરંતુ 1954માં રશિયન નેતા ક્રુશ્ચિયેવએ યુક્રેનને ભેટ તરીકે
ક્રિમિયા આપ્યું હતું! 2013-14માં યુક્રેનના સન્માનની સ્વતંત્રતા માટે એક ક્રાંતિ શરૂ થઈ જેને
યુરોબેટલ અથવા યુરોમેદાન પણ કહેવાય છે. 2014માં વિક્ટર યાન્કોવિચ દ્વારા યુરોપ સાથેના
સંધિકરારને ઠુકરાવી દેવામાં આવ્યો પછી એમને યુક્રેનમાંથી હાંકી કાઢવામાં આવ્યા. એ અત્યારે
રશિયામાં વસે છે. સોવિયત સંઘ અને પશ્ચિમ વચ્ચે આ ઠંડું યુધ્ધ ઘણા સમયથી ચાલે છે. નાના-મોટા
આક્રમણો દરમિયાન 2014થી અત્યાર સુધી યુક્રેનના 14 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.
જેમ આપણો દેશ અત્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીરની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યો છે
એવી જ રીતે યુક્રેન અને રશિયા વચ્ચે નાગરિકત્વની લડાઈ, પુંજીવાદ અને સામ્યવાદ વચ્ચેની વૈચારિક
લડાઈ ચાલી રહી છે. 2001માં જનગણના કરવામાં આવી ત્યારે યુક્રેનના 27.3 ટકા નાગરિકોએ
પોતાની જાતને રશિયન નાગરિક તરીકે ઓળખાવ્યા.
પુતિને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘આધુનિક યુક્રેન રશિયાએ બનાવ્યું છે અને એના પર ફક્ત રશિયાનો
અધિકાર છે.’ રશિયાની સીમા સાથે જોડાયેલા આધુનિક સ્વતંત્ર અને લોકતાંત્રિક યુરોપિય દેશના
અસ્તિત્વથી પુતિનને અસલામતીનો અનુભવ થાય છે. એમણે 24મી ફેબ્રુઆરીએ, ટી.વી. પર કહ્યું,
‘નવા યુક્રેન તરફથી અમને સતત ભયનો અનુભવ થાય છે.’ છેલ્લા કેટલાય સમયથી જે ભણકારા
વાગતા હતા એ યુધ્ધ અંતે છંછેડાયું, પુતિને યુક્રેનને પોતાની સાથે જોડાઈ જવા અથવા સામનો
કરવાની ચુનૌતી આપી. નવાઈની વાત એ છે કે, યુક્રેનમાં વસતા કેટલાક લોકો રશિયન સમર્થકો છે,
જેમણે અંદરથી અને યુક્રેનની પૂર્વમાં દોનેત્સક અને લુહાન્સ્ક રશિયાના સમર્થનમાં ભાડાના સૈનિકો
અને અન્ય સંસાધનો પૂરા પાડ્યા.
યુક્રેનિયન નાગરિકોની સાથે સાથે અનેક ભારતીય-ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા છે.
રશિયન સૈનિકોએ સ્ટેશન, બસ અને એરપોર્ટ ઉપર કબજો કરી લીધો છે. તાલીબાન જેમ
અફઘાનિસ્તાન ઉપર કે પાકિસ્તાનીઓ જેમ કશ્મીર ઉપર, ચીનીઓ જેમ નોર્થ ઈસ્ટ ઉપર કબજો
જમાવતા જાય છે એવી જ રીતે રશિયન ‘યુક્રેન અમારું છે’ કહીને હજારો યુક્રેનિયન નાગરિકોનો જીવ
લઈ રહ્યા છે. વ્લાદીમીર પુતિન કદાચ એ નથી સમજી શકતા કે, બોમ્બમારો કરીને અનેક યુક્રેનિયન
નાગરિકોની હત્યા કર્યા પછી એમને યુક્રેન મળી પણ જાય તો મકાનો અને નાગરિકોની આવી ભયાનક
ખુવારી પછી એમને બેઠા થવામાં અનેક વર્ષો લાગી જશે. જે બળવાન છે, શસ્ત્રો અને સૈનિકો ધરાવે
છે એમને જમીન મેળવી લેવાની કોઈ અજબ જેવી લાલસા હોય છે, સત્તા અને પાવરની લડાઈ
વ્લાદિમીર પુતિનની જૂની લડાઈ છે.
1952માં જન્મેલા વ્લાદીમીર વ્લાદિમીરોવીચ પુતિન સાતમી મે, 2012થી રશિયાના
રાષ્ટ્રપતિ છે. 2018માં થયેલી ચૂંટણીમાં એમને 76 ટકા વોટ મળ્યા હતા. 2008થી 12 સુધી એ
રશિયાના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે… એમણે 16 વર્ષ સુધી કેજીબી (રશિયાની જાસૂસી સંસ્થા)માં
લેફ્ટેનેન્ટ કર્નલની પદવી સુધી કામ કર્યું છે. એમના પહેલા કાર્યકાળ 1999થી 2008 દરમિયાન
રશિયાની આવકમાં 2.5 ગણી વૃધ્ધિ થઈ, બેરોજગારી અને ગરીબી અડધાથી ઓછી થઈ ગઈ. રૂસની
અર્થવ્યવસ્થામાં આઠ વર્ષ સુધી સતત સમૃદ્ધિ વધી. ગ્રોસ નેશનલ ઈન્કમમાં છ ટકાનો વધારો
નોંધાયો… એક શાસક તરીકે એમણે રશિયાને એક નવો ચહેરો આપ્યો. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની
ખુરશીનો ઉપયોગ કરીને એમણે અનેક બંગલા-મહેલોનું નિર્માણ કર્યું છે. જેમાં એક અરબ અમેરિકી
ડોલરના ખર્ચે બની રહેલી એક ઈમારત ‘પુતિન મહેલ’ પણ છે. ત્રણ હેલિપેડ અને અનેક એકરમાં
ફેલાયેલી આ ઈમારત પુતિનના અંગત ઉપયોગ માટે બનાવવામાં આવી છે. 2007ની ચૂંટણી
દરમિયાન પુતિને પોતાના ખાતામાં લગભગ દોઢ લાખ અમેરિકી ડોલર અને એક એપાર્ટમેન્ટની સાથે
પિતા પાસેથી મળેલું મકાન અને ગાડીની જાહેરાત કરી હતી… (રશિયામાં પણ ભારતથી કંઈ જુદું હોય
એવું લાગતું નથી! જાહેર કરવાની મિલકત અને વાપરવાની મિલકત અહીં પણ જુદી જ છે.)
એક સામાન્ય નાગરિક માટે એનું સામાન્ય જીવન જ મહત્વનું છે. એની રોજિંદી જરૂરિયાતો
પૂરી થાય, બાળકોને સારું શિક્ષણ મળે અને પરિવારની સલામતી જળવાય એથી વધારે કદાચ એક
સામાન્ય નાગરિક કશું જ ઈચ્છતો નથી. એ ભારતીય હોય, રશિયન હોય કે યુરોપના કોઈ દેશનો
મધ્યમવર્ગનો માણસ… આંતરિક રમખાણો, ધર્મ-જાતિ કે ભાષાના નામે દેશની અંદર ચાલતા વિગ્રહને
કારણે વધતી મોંઘવારી કે અટકી પડતી રોજી દરેક દેશના નાગરિક માટે જીવન-મરણનો સવાલ બની
જાય છે. એને માટે આ યુધ્ધ, લડાઈ, જમીન સંપાદન, રાજકારણ બધું જ એની ભૂખ અને સલામતી
પછી આવે છે. દુનિયાના દરેક દેશમાં સત્તાધીશો જે માગે છે, એ એમના પોતાના માટે છે. એમનો
અહંકાર, સત્તાની ભૂખ અને એમનું અંગત બેન્ક બેલેન્સ એમને માટે પ્રાથમિકતા છે.
રાજકારણી કે સત્તાધીશ દુનિયાના કોઈપણ ભાગમાં એકસરખા જ હોય છે? નાગરિક પિસાય
કે રહેંસાય, એમને માટે એનું કોઈ મહત્વ નથી? છેક રાવણથી શરૂ કરીને વ્લાદિમીર પુતિન સુધી-સૌ
પોતાના અંગત અહંકાર માટે યુધ્ધ કરે છે. આવા યુધ્ધમાં હોમાઈ જતા સૈનિકોના પરિવાર કે દેશના
નાગરિકો ઉપર થતા અત્યાચાર માટે કોણ જવાબદાર છે?
પુતિનને કદાચ યુક્રેન મળી પણ જાય-તેથી શું સાબિત થશે? આખી દુનિયાના તમામ
તાનાશાહ અંતે છ ફૂટની કબર કે કેટલાક મણ લાકડામાં સમાઈ જાય છે. એમણે આદરેલા યુધ્ધમાં જેનું
લોહી રેડાયું છે, જેની કેટલીયે નસ્લ બરબાદ થઈ છે એનો હિસાબ કોણ માગશે ને કોણ આપશે?