અસરાર-ઉલ-હક મજાઝના આ શબ્દો એક સંબંધને બહુ ખૂબસુરત રીતે આપણી સામે ખોલી આપે
છે. આપણે બધા પોતપોતાના વિશ્વનું એક વર્તુળ ધરાવીએ છીએ. આપણને ગમતાં, જેની સાથે આપણને
ફાવતું હોય, વિચારો મળતાં હોય અને આપણા ગાંડપણ-ડહાપણનો હિસ્સો બની શકે એવા લોકોને આપણે
મિત્રો અથવા સ્વજન કહીએ છીએ. આ સ્વજન અથવા મિત્રોથી બનતી આપણી એક આગવી દુનિયા હોય
છે. આપણે જેને સમજી શકીએ અને જે આપણને સમજી શકે એવી જ વ્યક્તિ સાથે મન-હૃદય કે આત્માનો
સંબંધ જોડાય છે. મજાઝ સાહેબના આ શબ્દો જાવેદ અખ્તરે પોતાની પત્ની શબાના આઝમી માટે ફરી
એકવાર દોહરાવ્યા હતા… કારણ કે, વ્યક્તિ જે દુનિયામાં વસતી હોય એના પ્રિયજન પણ એના વિશ્વમાંથી
જ હોવા જોઈએ. બીજી કોઈ દુનિયા, સમાજ, જુદા વિચાર કે વ્યક્તિત્વની તરફ કદાચ આકર્ષણ થઈ શકે,
પરંતુ એ આકર્ષણનું આયુષ્ય બહુ લાંબું હોતું નથી. આપણને ક્યારેક એ આકર્ષણ પછી લાગે કે જેને પ્રેમ કર્યો
છે એની જવાબદારી પણ આપણી જ હોવી જોઈએ… એ વ્યક્તિના સુખ-દુઃખ, માનસિક તણાવ કે એની
ભૂલો અને એની પીડાની જવાબદારી પણ આપણે લેવા તૈયાર થઈ જઈએ કારણ કે, આપણે પ્રેમ કરીએ
છીએ, પરંતુ બદનસીબે એ જવાબદારી આપણને મળતી નથી. દરેક વ્યક્તિએ પોતાના ઈમોશન્સ, પીડા કે
કર્મનો ભાર જાતે જ ઉપાડવો પડે છે. સાથે ચાલતી વ્યક્તિ એ પીડાને જોઈને પીડાઈ શકે છે, પરંતુ એને દૂર
કરવાનો કે એનો હિસ્સો બનવાનો અધિકાર ગમે તેટલો પ્રેમ કરતી વ્યક્તિને મળતો નથી.
મહેશ ભટ્ટ ફરી એકવાર પોતાના એક દુઝતા ઘાની કથા લઈને આપણી સામે ઉપસ્થિત થયા છે.
‘દરેક લેખક કે કલાકારની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો એની આત્મકથાનો એક ટૂકડો હોય છે. ‘ બ્રાઝિલિયન લેખક
પાઉલો કોએલોએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. આપણે વિશ્વભરની કલા કે સાહિત્યને
તપાસીએ તો આ વાત ચોક્કસ સાચી લાગે. ભારતીય સિનેમા લેખક, દિગ્દર્શકોને પણ આ વાત બહુ અજબ
રીતે લાગુ પડે છે. ખાસ કરીને મહેશ ભટ્ટ પોતાની આત્મકથાના એ ટૂકડામાં જાણે ફસાઈ ગયા હોય એમ
પરવીન બાબી સાથેના એમના સંબંધોની કથાને એ જુદા જુદા સ્વરૂપે વારંવાર કહેતા રહ્યા છે, ‘જખમ’,
‘જનમ’, ‘અર્થ’, ‘વો લમ્હેં’ અને હવે ‘રંજીશ હી સહી’ (ઓટીટી) સાથે એમણે ફરી એકવાર એ જ કથાને
દોહરાવી છે. માણસ જિંદગીના કોઈ એક એવા વળાંકમાં એવો સપડાઈ જાય છે કે, પોતાની ભીતર થીજી
ગયેલી એ ક્ષણોથી કોઈપણ રીતે મુક્ત થવાનો પ્રયાસ કર્યા કરે છે ! કલા, સાહિત્ય કે સિનેમા સર્જકની ભીતર
ફસાઈ ગયેલી આવી કોઈ ફાંસના કથાર્સિસની પ્રક્રિયા છે. મહેશ ભટ્ટ અને પરવીન બાબીના સંબંધો ફિલ્મી
દુનિયામાં બહુ ચર્ચિત રહ્યા… એમણે પોતાનો પરિવાર છોડ્યો અને અંતે પોતાના એપાર્ટમેન્ટના ભયાવહ
એકાંતમાં મૃત્યુ પામેલી પરવીન બાબીના શબનો કબજો પણ અંતે મહેશ ભટ્ટે જ લીધો !
એક સર્જક જ્યારે સર્જન કરે છે ત્યારે એની વાત કહેવાનો પ્રયત્ન કરે છે… એ વાતને કયા સ્વરૂપમાં
રજૂ કરે છે એની પસંદગી સર્જકની અંદર રહેલી સર્જનાત્મકતા પ્રક્રિયા આપોઆપ કરી લે છે, પરંતુ સાહિત્ય
હોય કે કલાની કોઈ પણ અભિવ્યક્તિ… એમાં સર્જકનું બાળપણ, ઉછેર, માનસિકતા કે એના સંબંધો
પ્રતિબિંબિત થયા વગર રહેતા નથી !
મોટાભાગના સર્જકો એમના સમયના સર્જક હોય છે. વિશ્વમાં બહુ ઓછા સાહિત્યકાર કે કલાકાર
એવા હોય છે જેમનું સર્જન ઈટર્નલ, શાશ્વત પૂરવાર થાય છે ! કોઈ એક સમયે લખાયેલી કવિતાની પંક્તિ કે
બનાવવામાં આવેલી ફિલ્મ એના સમયમાં કદાચ બહુ અસરકારક કે સફળ હોઈ શકે, પરંતુ એ જ પંક્તિ કે
ફિલ્મને એક દાયકા પછી તપાસવામાં આવે ત્યારે સમજાય કે, એ કન્ટેમ્પરરી-આજના સમયમાં એટલી સાચી
નથી, પરંતુ અસરાર-ઉલ-હક મજાઝ, ના આ શબ્દો વાંચીએ તો સમજાય કે, એમણે જે વાત કહી છે એ
આજના સમયમાં પણ કેટલી સાચી છે !
જ્યારે જ્યારે એક સ્ત્રી અને પુરૂષ વચ્ચે સંબંધ બંધાય છે ત્યારે એ બંનેના પક્ષેથી એટલો તીવ્ર,
એટલી જ ઝંખના અને ઈચ્છા સાથે બંધાય છે.
હુસ્ન કો બે-હિજાબ હોના થા
શૌક કો કામયાબ હોના થા
કુછ તુમ્હારી નિગાહ કાફિર થી
કુછ મુઝે ભી ખરાબ હોના થા
આ જ શબ્દોને જો સૂફી અર્થમાં લઈએ તો સમજાય કે, ખુદા-ભગવાનને પામવાની તીવ્ર લગની
(શૌક) જો પોતાની અસર બતાવે તો હુસ્ન (ભગવાન કે ખુદાનું તેજ) બેહિજાબ-બેનકાબ થયા વગર રહેતું
નથી. જેના પર ઈશ્વરની નજર પડે, પ્રિયતમા/પ્રેમીની આંખોના મોહપાશમાં બંધાય એ પછી બીજા કોઈને
ચાહી શકતા નથી. ઈશ્વરના પ્રેમમાં પડેલી વ્યક્તિ સામાન્ય રીતે પોતાના સમયમાં અવ્યવહારુ કે ફકીર તરીકે
બદનામ થાય છે. એ નરસિંહ મહેતા હોય કે અમીર ખુશરો, પોતાના સમયમાં તો લોકો એને ખરાબ કે નફકરા
વ્યક્તિ તરીકે જુએ છે. મજાઝની શાયરી પોતાના સમયની બહુ રસપ્રદ અને ઉચ્ચ કક્ષાની સૂફી શાયરી તરીકે
વખણાતી રહી.
ઈશ્ક કા જૌક-એ-નજારા મુફ્ત મેં બદનામ હૈ
હુસ્ન ખુદ બે-તાબ હૈ જલ્વા દિખાને કે લિયે
આ શે’ર પણ એવી જ રીતે દુન્યવી અને સૂફી બંને રીતે અર્થઘટન કરી શકાય એવો છે. ઈશ્કમાં પડેલા
માણસને પોતાના પ્રિયજનને જોવાની તલબ હોય એ સ્વાભાવિક છે અને દુનિયા એ તલબને, એ તડપ કે
પોતાના પ્રિયજન તરફ વારંવાર દોડી જવાની એ મજબૂરીને બદનામ કરે છે, પરંતુ સામે પક્ષે ‘હુસ્ન’ (અહીં
પ્રિયતમા) પણ પોતાનો ચહેરો બતાવવા, પોતાનું સૌંદર્ય પ્રિયજન સામે ઊઘાડવા એટલી જ બેતાબીમાં હોય
છે. હવે આને આપણે સૂફી રીતે જોઈએ તો ઈશ્વરને પામવા માટે તડપતા સાધુ, ફકીર કે સંતને દુનિયા
બદનામ કરે છે. ક્યારેક ઢોંગી તો ક્યારેક ગાંડા કહીને એને અપમાનિત કરે છે, એની શ્રધ્ધાની હાંસી ઊડાવે છે,
પરંતુ ઈશ્વરને પણ આવા લોકોની પ્રતીક્ષા હોય છે. એક પ્રેમી જેમ પોતાની પ્રેમિકાને જોવા તલસે છે એવી
જ રીતે પ્રેમિકા (ઈશ્વર) પણ પોતાનો ચહેરો આવા સાચી તરસ ધરાવતા ફકીર કે પ્રેમીને બતાવવા ઉત્સુક છે.
જાવેદ અખ્તરના મામા અને જાંનિસાર અખ્તરના બનેવી એવા અસરાર-ઉલ-હક મજાઝ ઉર્દૂ
અદબના બહુ મોટા શાયર મનાય છે. એમની બહેન સાફિયાના લગ્ન જાંનિસાર અખ્તર સાથે થયા હતા, પરંતુ
એ બહુ નાની ઉંમરે ગુજરી જતાં, જાવેદ, સલમાન અને ઉનેઝા, અલ્બિના અને શાહીદ (પાંચ ભાઈ-
બહેનો)ની જવાબદારી નાના અને મામાના પરિવાર પર આવી પડી. જાવેદ અખ્તરના મામા ‘મજાઝ’ શાયર
તો હતા, પરંતુ બાળપણથી એમને સાંભળવાની તકલીફ હતી, સાથે સાથે એમના બહેરાપણાને કારણે એ
ઈરિટેટેડ રહેતા. એમને બાયપોલર મુડસ્વિંગનો પણ થોડો પ્રશ્ન હતો. એ આખી રાત કામ કરતા એટલે
એમના વિસ્તારમાં અને મિત્ર વર્તુળમાં એમને ‘જાગનભૈયા’ તરીકે ઓળખવામાં આવતા…
મજાઝ સાહેબની શાયરી એમના બાયપોલર મુડસ્વિંગ અને બહેરાપણાની પીડાને વળોટીને સ્વયં
સાથે સતત ચાલતા એમના સંવાદનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. માણસ જ્યારે બીજાની વાત સાંભળી નથી શકતો
ત્યારે એનો પોતાની સાથેનો સંવાદ વધુને વધુ ગહેરો થતો જાય છે. આ ગહેરા સંવાદમાંથી જન્મે છે, પહેલા
એકલતાની પીડા અને પછી એકાંતનો ઓમકાર… મજાઝ સાહેબની શાયરીમાં આ એકાંતનો પડઘો સંભળાય
છે. એમના મોટાભાગના શે’ર દુન્યવી અર્થમાં રોમેન્ટિક છે, પરંતુ એમને થોડાક વધુ ઊઘાડીને સમજવામાં
આવે તો એ દરેક શે’રમાં એમણે ખુદા કે ઈશ્વર સાથે કરેલો સંવાદ આપણને સંભળાયા વગર રહેતો નથી.
બહુત કુછ ઔર ભી હૈ ઇસ જહાં મેં
યે દુનિયા મહઝ ગમ હી ગમ નહીં હૈ
મજાઝ ઈક બાદા-કશ તો હૈ યકીનન
જો હમ સુનતે થે વો આલમ નહીં હૈ