ભાગઃ 1 | કેથલિક વિરુધ્ધ પ્રોટેસ્ટન્ટઃ ઈંગ્લેન્ડનું ધાર્મિક વિભાજન

નામઃ મેરી સ્ટુઅર્ટ
સ્થળઃ ટુટબેરી કેસલ(કિલ્લો)
સમયઃ 1569
ઉંમરઃ 27 વર્ષ

આજે મને ટુટબેરીના કિલ્લામાં લઈ જવામાં આવી છે, સ્કોટલેન્ડની રાણી છું હું, પરંતુ
મને એક કેદી બનાવીને એવી જગ્યાએ રાખવામાં આવી છે જ્યાંથી હું કોઈનો સંપર્ક ન કરી શકું.

ઈંગ્લેન્ડના સ્ટેફોર્ડશાયરમાં આ કિલ્લો એક ભયાનક કેદખાના જેવો છે. લેન્ગસાઈડનું
યુધ્ધ હું હારી ગઈ છું. ઈંગ્લેન્ડના રાજસિંહાસન પરનો મારો દાવો સાચો છે તેમ છતાં હવે કોઈ મારું
સાંભળશે નહીં. એલિઝાબેથ (પ્રથમ) વધુને વધુ શક્તિશાળી થતી જાય છે. એમની આસપાસના લોકો
એને રાજ્ય વિસ્તાર અને ધનની લાલસામાં એવી ડૂબાડી રહ્યા છે કે, એલિઝાબેથ ભૂલી ગઈ છે કે, હું
એની ફર્સ્ટ કઝિન, પિતરાઈ બહેન થાઉ છું. આ જાન્યુઆરી મહિનો ચાલે છે. લંડનમાં ખૂબ ઠંડી છે.
બોલ્ટનના કિલ્લામાં મને કેદ કરી છે. રાણી એલિઝાબેથ અને એના દરબારીઓ મંત્રણા કરી રહ્યા છે કે
મને ક્યાં લઈ જવી. નોટિંગહામના કિલ્લામાં કે ફોર્થરિન્ગેના કિલ્લામાં… એ મને એવી જગ્યાએ
રાખવા માગે છે જ્યાંથી દુનિયા સાથે મારો સંપર્ક કપાઈ જાય. મને શું સગવડો આપવી અને કઈ રીતે
મારી સાથે વર્તવુ એ વિશેનો નિર્ણય લેવામાં હજી થોડા દિવસ લાગશે. એલિઝાબેથને લાગે છે કે, હું
એને માટે બહુ મોટો ખતરો છું ને એ વાતને હું નકારતી પણ નથી. હું સ્કોટલેન્ડની રાણી છું અને
ઈંગ્લેન્ડની ગાદી પર મારો પણ એટલો જ અધિકાર છે જેટલો એલિઝાબેથનો છે. મેં એ માટે ઘણો
સંઘર્ષ કર્યો છે, પણ ઈંગ્લેન્ડના પાવર સામે મારા પિતાપણ હાર્યા હતા અને હું પણ હારી છું… આમ
જુઓ તો મારી કથા યુરોપની રાજખટપટો અને ઈંગ્લેન્ડ-સ્કોટલેન્ડ વચ્ચેના સદીઓ જૂના સંબંધો
છતાં સતત વધતા રહેલા વેરની કથા છે. સ્કોટલેન્ડના લોકો મને બદનસીબ મેરી અથવા પુઅર મેરી
કહીને મારી દયા ખાય છે એટલા માટે નહીં, કે મારી પાસેથી રાજસિંહાસનનો અધિકાર છીનવાયો,
બલ્કે હું જન્મથી જ એક યા બીજી રીતે સંઘર્ષમય જીવન વિતાવતી રહી છું… માટે!

મારા જીવનનો સંઘર્ષ માત્ર રાજકારણ કે રાજસિંહાસનનો સંઘર્ષ નથી. આ માત્ર
સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની લડાઈ નથી બલ્કે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ, કેથલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચેની
પણ લડાઈ છે. બંને ખ્રિસ્તી છે, બંનેના ઈશ્વર અને ધર્મ એક છે તેમ છતાં ફક્ત સત્તા અને અહંકારની
લડાઈમાં એમણે ધર્મને વહેંચવાનું કામ કર્યું છે. આ લડાઈ મારા જન્મથી બહુ પહેલાં શરૂ થઈ ગઈ
હતી. હેનરી એઈટ્થ જે ઈંગ્લેન્ડના રાજા હતા, એમણે છ વાર લગ્ન કર્યા. એમની પહેલી પત્ની એન
બોલેઈન સાથેના લગ્નને ગેરકાયદે જાહેર કરીને એમણે આખા યુરોપને ચોંકાવી દીધું. એમણે પોતાની
પુત્રી મેરી (હું નહીં) નો પણ અસ્વીકાર કર્યો. મારી મા સાથે લગ્ન કરતાં પહેલાં એમણે કેથરિન નામની
રાજકુમારીને છૂટાછેડા આપી દીધા હતા. એમણે એન સાથેના પોતાના લગ્નને ગેરકાયદે જાહેર કર્યા
ત્યારે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ અને પૉપ એમનાથી ખૂબ નારાજ થયા અને એમને કેથલિક ચર્ચમાંથી
બેદખલ કરવામાં આવ્યા. સામાન્ય રીતે ઈંગ્લેન્ડનો રાજા/રાણી એ ‘હેડ ઓફ ધ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ’
માનવામાં આવે છે, પરંતુ બેદખલ થયા પછી હેનરીએ પોતાનું અલગ ચર્ચ અને અલગ ધર્મની
સ્થાપના કરી. આ પ્રોટેસ્ટ અથવા વિરોધને કારણે હેનરી એઈટ્થ અને એની સાથે જોડાયેલા સૌ
પ્રોટેસ્ટન્ટ્સ તરીકે ઓળખાવા લાગ્યા. બધું જ એક હોવા છતાં ક્રિશ્ચિયાનિટી બે ધર્મમાં વહેંચાઈ
ગઈ. આખું યુરોપ એક રીતે હેનરીનું વિરુધ્ધ હતું, પરંતુ હેનરી એઈટ્થને એની કંઈ પડી નહોતી. એન
બોલેઈન, ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ પાસે ન્યાય માગવા ગઈ એથી વધુ ચીડાયેલા હેનરીએ એનને
‘એક્ઝિક્યુટ’ (મૃત્યુદંડ) આપ્યો. એ પછી એણે જેન સેમોર સાથે લગ્ન કર્યા જે બાળકને જન્મ આપતા
મૃત્યુ પામી. એ પછી ચોથા લગ્ન એન ઓફ ક્લેવ્ઝ સાથે કર્યા જેમાં ડિવોર્સ થયા. એણે પોતાની
પાંચમી પત્નીને-કેથરિન હાવર્ડને પણ મૃત્યુદંડ આપ્યો, એણે એની વિરુધ્ધ ષડયંત્રનો આક્ષેપ કર્યો.
એની છઠ્ઠી પત્ની કેથરિન પાર એની સાથે ટકી કારણ કે, એણે છૂટાછેડા આપવાની ના પાડી અને
હેનરી ઉપર બહુ જ મોટો દાવો કર્યો. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ એના પક્ષમાં હતું અને આખું યુરોપ
ઈંગ્લેન્ડના રાજાના વારંવાર થઈ રહેલા લગ્નોથી ઉશ્કેરાયેલું હતું. હેનરીને પણ લાગ્યું કે હવે કેથરિનને
છૂટાછેડા આપવાનો કોઈ અર્થ નથી કારણ કે, એની પત્ની જેન સેમોર પુત્રને જન્મ આપી ચૂકી હતી.
આ પુત્ર એટલે એડવર્ટ છઠ્ઠો (સિક્સ્થ).

પુત્રમોહમાં અંધ થઈ ચૂકેલા હેનરીને ફક્ત વારસની ઝંખના હતી-એ કોઈપણ રીતે પુત્ર
ઈચ્છતો હતો, પરંતુ એનો દીકરો જે એના માટે સર્વસ્વ હતો એ, એડવર્ટ સિક્સ્થ છ વર્ષનો થઈને મૃત્યુ
પામ્યો. હેનરીએ પ્રયાસ કર્યો કે, એ પોતાનો પાવર એના પ્રોટેસ્ટન્ટ કઝિન લેડી જેન ગ્રેને આપી દે,
પરંતુ મેરી (એની પુત્રી) એ બળવો કર્યો એટલું જ નહીં, એણે ઈંગ્લેન્ડની આર્મીનું નેતૃત્વ લઈને
1553માં સિંહાસન પડાવી લીધું. મેરી રાણી બની.

મેરીની મા એન બોલેઈન સાથે થયેલો અન્યાય મેરી ભૂલી નહોતી. એ કેથલિક ચર્ચમાં
પોતાનું સ્થાન પાછું મેળવવા માગતી હતી. એણે સ્પેઈનના ફીલિપ સેકન્ડ સાથે લગ્ન કર્યાં અને ચર્ચ
ઓફ ઈંગ્લેન્ડની માફી માગી. જે ધર્મ દયા અને કરુણા પર ટક્યો છે એ ધર્મમાં પોતાનું સ્થાન અને
સત્તા પાછા મેળવવા માટે મેરી (હેનરી ફિફ્થની દીકરી-જેને પિતાએ ગેરકાયદે જાહેર કરી) એ મેરીએ
પ્રોટેસ્ટન્ટનો બળવો ડામી દીધો. એવું કહેવામાં આવે છે કે, 1555ની આજુબાજુમાં એણે એટલા
બધા પ્રોટેસ્ટન્ટને મારી નાખ્યા જેનાથી એ ‘બ્લડી મેરી’ તરીકે ઓળખાવા લાગી. એણે લગભગ 300
જેટલા પ્રોટેસ્ટન્ટને જીવતા બાળી નાખ્યા. જેમાં થોમસ ક્રેન્મર, આર્ચ બિશપ ઓફ કેન્ટરબરી અને યુ
લેટિબરના બિશપ નિકોલસ રિડલે જેવા અનેક પ્રોટેસ્ટન્ટ બળવાખોર નામો હતા. જે ઈંગ્લેન્ડને બે
વિભાગમાં વહેંચી રહ્યા હતા. (આજે આપણે ડ્રીંક ટોમેટો જ્યુસ અને વોડકાથી બનેલું લાલ ડ્રીંક પીએ
છીએ એને બ્લડી મેરી તરીકે ઓળખાય છે કારણ કે, એ સમયે પ્રોટેસ્ટન્ટ લોકોના રક્તોને ગ્લાસમાં
ભરીને મેરીની સામે રજૂ કરવામાં આવતું…)

ક્રિશ્ચયન લોકોમાં અને યુરોપમાં એવી લોકવાયકા છે કે, અરીસામાં જોઈને જો 13
વખત ‘બ્લડી મેરી, બ્લડી મેરી’ બોલવામાં આવે તો એ પ્રગટ થાય છે. ક્યારેક એકલી આવે છે તો
ક્યારેક પોતાના મૃત બાળકને હાથમાં લઈને આવે છે. ક્યારેક એ કશું જ નથી કરતી તો ક્યારેક એ
હુમલો કરી બેસે છે… આ કેટલું સાચું છે એની મને ખબર નથી, પરંતુ મારું નામ મેરી પાડવામાં
આવ્યું ત્યારે મારી માના નામ પરથી મને ‘મેરી’ નામ આપવામાં આવ્યું હતું.

હું છ દિવસની હતી, અને મારા પિતાનું મૃત્યુ થયું. લિન્લિથગો, સ્કોટલેન્ડમાં મારા
પિતા જેમ્સ ધ ફિફ્થ અને મા ફ્રાન્સની ગૂઈઝ પરિવારની મેરી હતી. યુરોપમાં પિતા કે દાદાનું નામ
સંતાનને આપવામાં આવે એવી જ રીતે મા કે દાદીનું નામ પુત્રીને આપવામાં આવે છે. તમને યુરોપના
ઈતિહાસમાં અનેક હેનરી, અનેક જેમ્સ, અનેક ચાર્લ્સ અને કેટલાય જ્યોર્જ મળશે, કારણ કે પોતાના
પિતા કે પૂર્વજનું નામ જીવંત રાખવું એ યુરોપમાં એક પ્રકારનો આદર અથવા સન્માન ગણાય છે.
કદાચ એટલે જ એ વખતે ઈંગ્લેન્ડનો રાજા હેનરી ધ એઈટ્થ હતો. મારી દાદી, એટલે કે મારા પિતા
જેમ્સ ફિફ્થની મા માર્ગરેટ ટ્યુડોર હેનરી ધ એઈટ્થની મોટી બહેન હતી, પરંતુ હેનરીની નજર સતત
સ્કોટલેન્ડ પર હતી. એણે અનેકવાર સ્કોટલેન્ડ પર હુમલો કર્યો. જેમાં છેલ્લા હુમલા વખતે 14
ડિસેમ્બર, 1542ના દિવસે મારા પિતાનું મૃત્યુ થયું.

જોકે મારા પિતાને યુધ્ધના મેદાન પરથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા કારણ કે,
એમને ખૂબ શરદી અને હાઈ ફિવર થયો હતો. ઈંગ્લેન્ડના માત્ર ત્રણ હજાર સૈનિકોની સામે
સ્કોટલેન્ડના 20 હજાર સૈનિકો હારી ગયા એ વાત મારા પિતાને એમના અંતિમ સમય સુધી ગળે
ઉતરી નહીં. એમને એવું જ લાગતું રહ્યું કે, એમની ગેરહાજરીમાં એમના આવડા મોટા સૈન્યએ હેનરી
ધ એઈટ્થના સૈન્ય સાથે સમજૂતી કરીને હાર સ્વીકારી લીધી. શારીરિક બીમારી અને હારનો આઘાત
મારા પિતા જીરવી શક્યા નહીં અને એમણે શરીર છોડી દીધું.

મારી મા મેરી, ફ્રાન્સના ગૂઈઝની દીકરી હતી. એનું જીવન પણ કંઈ બહુ સારું કે
આનંદિત રહ્યું નહોતું કારણ કે, મારા પિતા સાથે લગ્ન થયા તે પહેલાં એ બે વખત વિધવા થઈ ચૂકી
હતી. મારી માના પહેલાં લગ્ન 18 વર્ષની ઉંમરે લોન્ગ વિલેના ડ્યુક સાથે થયા હતા અને એ ફ્રાન્સના
લુવ્ર પેલેસમાં મોટા ઉત્સવ સાથે રાણી બની હતી. એણે પોતાના દીકરા ફ્રાન્સીસને જન્મ આપ્યો,
પરંતુ એના પતિનું 1537માં (લગ્નના ત્રણ જ વર્ષ) મૃત્યુ થયું ત્યારે મારી મા પ્રેગ્નેન્ટ હતી. એણે
પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો, જેને લુઈસ નામ આપવામાં આવ્યું, જેથી એના પિતાની યાદ
કાયમ રહે.

મારી માનું જીવન ખૂબ સંઘર્ષમય હતું અને એ ઈચ્છતી હતી કે એની પુત્રીનું જીવન
શાંત અને સુખી બને. હું સ્કોટલેન્ડની રાણી બનીને શાસનના ઉત્તમ વર્ષો જીવી શકું એ માટે એણે
ઘણો પ્રયાસ કર્યો. મને નવ મહિનાની ઉંમરે એણે સ્કોટલેન્ડની રાણી બનાવી, પરંતુ કદાચ મારા
ભાગ્યમાં જ એ સિંહાસનનું સુખ નહોતું લખ્યું…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *