ભાગઃ 1 | જબ અપને દિલ મેં દર્દ ઉઠતા હૈ તો દૂસરોં કે દિલોં કા દર્દ સમજમેં આતા હૈ

નામઃ અલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)
સ્થળઃ કરાંચી, પાકિસ્તાન
સમયઃ 21 ડિસેમ્બર, 2000
ઉંમરઃ 74 વર્ષ

એક અભિનેત્રી વૃધ્ધ થાય ત્યારે એને અરીસો પણ અણગમતો લાગવા માંડે છે. હજી
એક દાયકા પહેલાં મારા નામની બોલબાલા હતી. લોકો મને ‘મલ્લિકા ઐ તરન્નુમ’ કહીને સલામ
કરતા અને આજે કરાંચીના મારા આ ઘરમાં હું સાવ એકલી, મારા નોકરચાકરો સાથે જીવી રહી છું.
પાકિસ્તાનની સિયાસી દાવપેચ અને બદલાતી સરકારો સાથે ઘણું બધું બદલાયું, પણ મારી ભીતર એ
સંગીતની ખુશ્બૂ અને અભિનેત્રી હોવાનો અહેસાસ અકબંધ છે. હવે હું એટલી સુંદર નથી રહી. ચહેરા
પર કરચલી છે. શરીર સ્થૂળ થઈ ગયું છે, પણ મારી આંખોનો જાદુ હજી પણ કેટલાયને દીવાના
બનાવી શકે, એવું મને ગુમાન છે.

સાત સંતાનો અને ત્રણ શૌહર, અનેક પ્રેમીઓ પછી પણ આજે મારા જીવનમાં કોઈ
નથી. કરોડો પ્રશંસકો મને ભૂલી ગયા છે… તેમ છતાં આજે પણ હું એક સૂર લગાવું તો મારા સૌથી
પુરાણા ખાદીમ અનવરભાઈ મને કહે છે કે, ‘મારા સૂર હજી યે એટલા જ પાક્કા અને ગળું એટલું જ
સૂરીલું છે.’ આમ તો હસવું આવે છે, આ બધું કહું છું ત્યારે હું મારી જાતને જ ખુશ કરવાનો પ્રયાસ
કરું છું. જો ખરેખર એટલી જ સફળ કે લોકપ્રિય હોત તો આજે કરાંચીના આ ઘરમાં ગુમનામીની
જિંદગી ના ગુજારતી હોત! 1992માં મેં સંગીતની દુનિયાને અલવિદા કહી, સાચું પૂછો તો મેં
અલવિદા કહી એના કરતાં વધારે સચ્ચાઈ એ છે કે, પાકિસ્તાની સિનેમા અને પાકિસ્તાની સંગીતની
દુનિયાએ મને અલવિદા કહી. 1980માં જનરલ યાહ્યા ખાનના મૃત્યુ પછી લોકોને લાગ્યું કે મારો
પાવર ઓછો થઈ ગયો. સત્ય એ છે કે, યાહ્યા ખાનનો પોલિટિકલ પાવર એટલો બધો હતો કે હું એને
‘ના’ કહી શકી નહોતી. અમારી વચ્ચે ‘ઈશ્ક’ જેવું કંઈ ખાસ નહીં જ હોય, કારણ કે મને એમની
ધરપકડ, નજરકેદ કે મૃત્યુથી કોઈ બહુ મોટો ફરક પડ્યો નથી. મારા જીવનમાં પુરુષોની આવનજાવન
સતત રહી. જેની શરૂઆત છેક કિશોરાવસ્થાથી થઈ ગઈ હતી. પુરુષો સાથેના મારા સંબંધો વિશે
અનેક દંતકથાઓ કહેવાતી રહી, કેટલીક સાચી, કેટલીક ખોટી! મને નહીં પામી શકેલા પુરુષોએ પણ
મહેફિલોમાં મારી સાથેના એમના સંબંધોના બણગા ફૂંક્યા, તો કેટલાકે મારી ઈજ્જતનો એહતરામ
કરીને ક્યારેય મારે વિશે કોઈ વાત ન કરી!

જોકે, હું તો એક દંતકથા જેવું જ જીવી. કદી નહોતું કલ્પ્યું એવી સફળતા જોઈ અને
એવા કરોડો પ્રશંસકો… સ્વયં લતા મંગેશકરે એવું સ્વીકાર્યું કે, એના પોતાના શરૂઆતના ગીતો પર
મારી ગાયિકીની અસર છે…

આજે મને હાર્ટ એટેક આવ્યો છે. અલ્લાહ! કભી સોચા ભી ન થા કિ સિને મેં ધડકતા
હુઆ દિલ જબ દર્દ દેગા તો ઈતના તડપાએગા… જબ પહલી બાર દર્દ ઉઠા તો લગા જૈસે જાન હી
નહીં રહેગી સિનેમેં… મૈં ચિલ્લાઈ, લેકિન કોઈ સૂનનેવાલા નહીં થા… કાફી વખ્ત બાદ એમ્બ્યુલન્સ
આયી ઔર મુઝે યહાં-અસ્પતાલ મેં લેકર આયે! આજ તક મૈંને ઈસ દિલ કો ખિલૌને કી તરહ
ઈસ્તમાલ કિયા હૈ. યહાં સે વહાં, વહાં સે યહાં ઉછાલા હૈ મૈંને… અપની ખૂબસૂરતી પર મુસ્તાક મૈંને
હમેસા દૂસરોં કે દિલ કો અપની મરઝી સે ઈસ્તમાલ કિયા હૈ… આજ જબ મેરે દિલને મુઝે તકલીફ
પહુંચાઈ-દર્દ દિયા તબ જાકર અહેસાસ હુઆ હૈ કિ દિલ કા દર્દ કિતના બેરહમ હોતા હૈ!

સાચું પૂછો તો હવે આ દિલની ધડકન બંધ થઈ જાય એવી જ દુઆ માગું છું. જીવવામાં
રસ નથી રહ્યો. 1929ની એ 21મી સપ્ટેમ્બરની સવાર… હું જન્મી ત્યારે મારી ફોઈએ મને હાથમાં
લઈને મારા પિતાને કહ્યું હતું, ‘ભાઈજાન યે તો સૂર મેં રોતી હૈ!’ એક ઈન્ટરવ્યૂમાં મને પૂછ્યું હતું,
‘આપ કબ સે ગાને કા રિયાઝ કર રહી હૈ?’ મેં હસીને જવાબ આપ્યો હતો, ‘શાયદ મેં ગાતે હુએ હી
પૈદા હુઈ થી.’

એવી જ રીતે એક પાકિસ્તાનના એક નામી શખ્સિયત રાજા તજુમુલ હુસૈને મને પૂછ્યું

હતું, ‘આપ કે કિતને આશિક રહે આજ તક?’
મેં જવાબ આપ્યો હતો, ‘જિતને ગિને જાતે હૈ ઉસમેં સે આધા હી સચ હૈ…’ એમણે
જરા વધારે પૂછ્યું ત્યારે મેં આંગળીના વેઢા પર ગણીને કહ્યું, ‘હાય અલ્લાહ! ના ના કરદિયાં વી સોલહ
સે જ્યાદા હી હો ગયે…’ આ સ્ટેટમેન્ટને પાકિસ્તાની અખબારોએ ખૂબ ઊછાળ્યું હતું. અલી
અદનાન નામના એક પત્રકારે મારા જ શબ્દોમાં લખ્યું હતું, ‘જહાં મેં સોહના બંદા દેખતી હૂં તે મેન્નુ
ગુદગુદી હુંદી હૈ. જબ તક ઓ બંદે કી નજર મુજ પર ન પડે મેન્નુ બેચેની હુંદી હૈ…’ વાત ખોટી
નથી. મારા જીવનમાં અનેક પુરુષો આવ્યા. જે સત્યને મેં ક્યારેય છુપાવ્યું નહોતું. અખબાર અને બીજા
કેટલાય લોકો મારે વિશે જાતભાતની વાતો કરતાં રહ્યા, પરંતુ મારી સફળતાની સામે બીજુ કશું ટકી
શક્યું નહીં. સાચું પૂછો તો મેં મહાન બનવા માટે મહેનત કરી છે. લોકોની સ્મૃતિમાં અમર થઈ જવા
માટે મેં લોહી રેડ્યું છે. હું પહેલી પાકિસ્તાની મહિલા ફિલ્મ નિર્માતા છું. ગાયિકા, અભિનેત્રી અને
મ્યુઝિક કંપોઝર છું. હિન્દી, ઊર્દૂ, સિંધી, પંજાબી જેવી ભાષાઓમાં દસ હજારથી વધારે ગીતો મારા
નામે છે. અભિનેત્રી તરીકે લોકો મને યાદ કરે છે. પાકિસ્તાનમાં મને તમગા ઐ ઈમ્તિયાઝનું સન્માન
મળ્યું છે. મૂક ફિલ્મોથી શરૂ કરીને, રંગીન ટોકિ ફિલ્મો સુધીનો મારો પ્રવાસ ખૂબ રસપ્રદ રહ્યો છે. મેં
ભારત અને પાકિસ્તાન બંનેની ફિલ્મી દુનિયા પર રાજ કર્યું છે! અનેક ફિલ્મી મેગેઝિન્સ અને જાણીતા
પત્રકારોએ અવારનવાર એવો દાવો કર્યો છે કે, જો હું ભારતમાં રહી ગઈ હોત તો કદાચ લતા મંગેશકર
આટલી લોકપ્રિય અને પ્રસિધ્ધ ન થઈ શકી હોત! ખબર નથી, પરંતુ 11 ફેબ્રુઆરી, 1979ની રાત્રે
ષ્ણમુખાનંદ હોલમાં એક જ મંચ ઉપર મેં અને લતાએ ગાયું… ભારતની ભૂમિ પર 35 વર્ષ પછી અમે
મળ્યાં હતાં. મારે જાહેરમાં ન ગાવું એ શરતે મને ભારત આવવાની પરવાનગી મળી હતી, પરંતુ મેં
નક્કી કર્યું હતું કે, હું બધા નિયમોને, પ્રતિબંધોને તોડીને ફગાવી દઈશ અને મારી જન્મભૂમિ પર
ગાઈશ.

એ રાત્રે મેં ‘અનમોલ ઘડી’નું ગીત, ‘આવાઝ દે કહાં હે, દુનિયા મેરી જહાં હૈ’ ગાયું! ઉંમર
વધી, ચહેરા પર મેક-અપના ઠર ચઢ્યા અને શરીર સ્થૂળ થઈ ગયું… પરંતુ, એ રાત્રે મેં સાબિત કરી
દીધું કે, 35 વર્ષ દરમિયાન મારો અવાજ વધુ ઘૂંટાયો છે, વધુ સૂરિલો અને વધુ મીઠો થયો છે.

મારો જન્મ 21મી સપ્ટેમ્બર, 1929ના દિવસે પંજાબમાં થયો. લતા મંગેશકર અને
મારી વચ્ચે ઉંમરનો તફાવત એક જ અઠવાડિયાનો છે. અમે બંને ગરીબ અને મહેનતકશ પરિવારમાંથી
આગળ વધીને સફળ થયા. અમારા બંનેના પારિવારિક વાતાવરણ, નાટક અને સંગીતના હતા… પરંતુ
એને એના દેશમાં જે સન્માન મળ્યું એ મને મારા દેશમાં નથી મળ્યું. હું સાવ નાની હતી ત્યારે મારા
માતા-પિતા થિયેટરમાં કામ કરતા. મને પાંચ વર્ષની ઉંમરે તોડો બાંધીને કજ્જનબાઈ પાસે સંગીત
શીખવવાની શરૂઆત કરાવવામાં આવી. એ પછી ઉસ્તાલ ગુલામ મોહંમદ અને ઉસ્તાદ બડે અલી
ખાં પાસે મને સંગીતની શિક્ષા પાકી કરાવવામાં આવી. નવાઈની વાત એ છે કે, મેં કોઈ દિવસ
અભિનેત્રી બનવાનો વિચાર નહોતો કર્યો.

છ વર્ષની ઉંમરે જ મેં કલકત્તામાં નાટકોમાં અભિનય કરવા માંડ્યો હતો. લોકો મને
બેબી અલ્લાહ રખ્ખી તરીકે વખાણતા. એ જ વખતે અમને લાહોરથી બૂલાવો આવ્યો. કલકત્તાની
સિનેમા ઈન્ડસ્ટ્રી ધમધમતી હતી ત્યારે જ મારી ઓળખાણ દલસુખ પંચોલી સાથે થઈ. લાહોરની
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમનો સિક્કો પડતો. એમણે મારા પિતાને કહ્યું કે, મારે હવે હિરોઈન તરીકે કામ
કરવું જોઈએ. આમ જોવા જઈએ તો હું વચ્ચેની ઉંમરમાં હતી. ઉંમર હિરોઈન બનવાની નહોતી
અને બાળ કલાકાર રહી નહોતી. પંચોલી સાહેબે મને કલકત્તાના થિયેટરમાં સાંભળી હતી. દલસુખ
પંચોલી હળવદના ઝાલાવાડી બ્રાહ્મણ. એમની પંજાબી ફિલ્મ માટે એક ગીતનું રેકોર્ડિંગ કરવાનું હતું.
એમણે મારી ઓળખાણ ગુલામ હૈદર સાહેબ સાથે કરાવી. હૈદર સાહેબે મારી ઉંમર જોઈને મને બહુ
ગંભીરતાથી ના લીધી, પરંતુ જ્યારે મેં એમને એક ઠુમરી ગાઈ સંભળાવી ત્યારે ગુલામ હૈદરે મને દાદ
દીધી. એમણે પંજાબી ગીત ગાવાનું કહ્યું. મેં એ ગીત ‘સાદા જવાનિયાં મોરી’ ગાઈ બતાવ્યું. હૈદર
સાહેબે મને પસંદ કરી અને ‘ગુલ બકાવલી’ નામની ફિલ્મમાં મેં ગાયું. એ ફિલ્મમાં અભિનય પણ કર્યો
અને મારો ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને પાર્શ્વ ગાયનનો પ્રવાસ શરૂ થયો…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *