ભાગઃ 1 | ચીનના સૌથી શક્તિશાળી પુરુષની પત્ની-છતાં અસહાય અને એકલી

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગ
ચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગ
સ્થળઃ બેઈજિંગ
સમયઃ 1992
ઉંમરઃ 77 વર્ષ

બેઈજિંગના હરિયાળા પહાડોની વચ્ચે એક મોટા સફેદ પત્થરની કબર છે. એ કબર ઉપર મારું
સૌથી પહેલું નામ લખ્યું છે. ‘લી હ્યુન્હે – 1914 થી 1991’. મારા અનેક નામ છે, સમય સાથે
બદલાતા રહેલા આ નામોએ મને જગતના જુદા જુદા અનુભવો આપ્યા. આ અનુભવો ક્યારેક કડવા
હતા, ક્યારેક મીઠા. કેટલાક અનુભવોએ મને ચીનની સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી સ્ત્રી
પૂરવાર કરી તો ક્યારેક હું એ જ ચીનની જેલમાં કેદ થઈને ફાંસીની પ્રતીક્ષા કરતી એક તદ્દન નિર્બળ,
નિઃસહાય સ્ત્રી પણ બની. આમ તો, દરેક નવા નામ સાથે મારા જીવનમાં એક વળાંક આવ્યો…
અથવા કદાચ નવા વળાંક સાથે નવું નામ આવ્યું! દુનિયાના કોઈપણ માણસને નવાઈ લાગે, કોઈ એક
જ વ્યક્તિના આટલા બધા નામ હોઈ શકે? પણ મારા અનેક નામ છે… લી શૂમેંગથી શરૂ કરીને લી
રુનકુન્ગ સુધી… બદલાતા સમય, પરિસ્થિતિ અને મારા જીવનમાં આવેલા એક પછી એક વ્યક્તિઓ,
વ્યવસાય અને મારા પોતાના બદલાતા વ્યક્તિત્વની સાથે મેં નામ બદલ્યાં, પણ આજે જ્યારે
જમીનમાં છ ફૂટ નીચે દટાઈને શાંતિથી સૂતી છું ત્યારે મને સમજાય છે કે, નામ બદલવાથી, પાત્રો
બદલવાથી કે જીવનમાં વ્યક્તિઓની આવનજાવનથી ખરેખર કોઈ ફેર પડતો નથી, જે થવાનું હોય છે
તે થઈને જ રહે છે!

મારા જીવનમાં પણ શું નથી થયું! હું એક અભિનેત્રી બની, લેખક બની, નિર્માત્રી બની,
ક્રાંતિકારી, રાજકારણી બની… ચીનની સૌથી શક્તિશાળી, પ્રભાવશાળી સ્ત્રી બની. અનેક એવોર્ડ્સ
જીત્યાં. ચીનના ક્રાંતિકારી, રાજનૈતિક વિચારક અને સામ્યવાદી દળના નેતા માઓ-ત્સે-તુંગની પત્ની
બની… ચીનના રાજકારણમાં મેં મારું યોગદાન આપ્યું. ક્રાંતિની મશાલ મારા કોમળ હાથમાં ઉપાડી,
પણ અંતે શું મળ્યું? તિરસ્કાર, જાકારો, અપમાન અને અંતે આત્મહત્યા.

મારા જીવનની કથા આમ તો 1914માં શરૂ થાય છે. મારો જન્મ શાંતુંગ, ચીનમાં થયો. હું
જન્મી ત્યારે મારું નામ લી શૂમેંગ પાડવામાં આવ્યું. મારા પિતાનું નામ લી દવન હતું. એ ફર્નિચર
બનાવતા હતા. હું થોડી મોટી થઈ ત્યારે મને સમજાયું કે, એ મારા પિતા હતા, પણ મારી માના પતિ
નહોતા. મારી મા એમની અવિવાહિત પ્રેમિકા હતી. મારી મા ખૂબ સુંદર હતી, કદાચ એ જ સુંદરતા
મને વારસામાં મળી. હું 10-11 વર્ષની થઈ ત્યારે એટલું સમજી ગઈ હતી કે, સુંદરતાના બદલામાં
ઘણું બધું મળી શકે છે! મારી માના અનેક અમીર પ્રેમીઓ હતા. એ મને પોતાની સાથે એમના મહેલ
જેવા મકાનોમાં લઈ જતી. સરસ મજાનું ખાવાનું અને થોડા રમકડાં આપીને મને ત્યાં બેસાડવામાં
આવતી. મારી મા એના પ્રેમી સાથે સમય પસાર કરતી અને પછી અમે બંને ઘરે પાછા આવતા ત્યારે
મારા પિતા એની સાથે લડતા-ઝઘડતા, એના પર હાથ ઉપાડતા. મને મારા પિતા કરતાં મારી મા વધુ
ગમતી કારણ કે, એ મને મહેલ જેવા મકાનોમાં લઈ જતી, સરસ ખાવાનું આપતી અને મોંઘા રમકડાં
અપાવતી. એક દિવસ મારા પિતાએ મારી માને ઘરમાંથી કાઢી મૂકી. હવે પરિસ્થિતિ ખરાબ હતી.
એના અમીર પ્રેમીઓ એને પોતાના ઘરે રાખવા તૈયાર નહોતા. અંતે, મારી મા એ ઘરમાં નોકરાણી
તરીકે રહી અને ત્યાં મારો ઉછેર કરવા લાગી કદાચ, એને સમજાઈ ગયું હતું કે, સુંદરતા બહુ લાંબો
સમય ટકતી નથી એટલે એણે મને ભણાવવા માટે પૂરા પ્રયાસ કર્યાં. મને જ્યારે સ્કૂલમાં દાખલ
કરવામાં આવી ત્યારે મારું નામ લી હ્યુન્હે પાડવામાં આવ્યું. જેનો અર્થ થાય છે, ‘વાદળમાં દેખાતો
સુંદર આકાર’.

હું મારા પિતાની કાયદેસરની પુત્રી નહોતી એટલે શાળામાં મારે ખૂબ અપમાન અને તિરસ્કાર
સહન કરવા પડતા. છોકરીઓ મારી મજાક ઉડાવતી અને આડોશપાડોશમાં પણ મારી માના ચારિત્ર્ય
વિશે વાતો થતી જોકે, ઘરમાંથી કાઢી મૂક્યા પછી પણ મારા પિતાએ મારા શિક્ષણની જવાબદારી
સ્વીકારી હતી. એ મને મળવા આવતા અને અચૂક ભેટ લાવતા. હું જ્યારે 12 વર્ષની થઈ ત્યારે મારા
પિતાનું મૃત્યુ થયું. હવે આર્થિક મદદ મળતી બંધ થઈ. શિક્ષણ ચાલુ રાખવું હોય તો મારે કામ કરવું
પડશે, એ વાત મને સમજાઈ ગઈ અને એટલે મેં સિગરેટ ફેક્ટરીમાં બાળ મજૂર તરીકે કામ કરવાનું શરૂ
કર્યું. એ જ વખતે મેં મારી શાળામાં એક પોસ્ટર જોયું. સમર કેમ્પમાં થિયેટર અને સંગીતના ખાસ
વર્ગોમાં દાખલ થવાની એમાં જાહેરાત હતી. સિગરેટની ફેક્ટરીમાં ઓવર ટાઈમ કામ કરીને મેં પૈસા
ભેગા કરી લીધા અને અમારા પારિવારિક ડૉક્ટર પાસે અનેક વિનંતીઓ કરીને મારી ખરાબ તબિયતનું
સર્ટિફિકેટ લઈ લીધું. એ પછી હું કેમ્પમાં દાખલ થઈ. સંગીત અને અભિનય કળાના એ કેમ્પમાં મને
ખૂબ મજા પડી. સાથે સાથે મારી અભિનય કળા ત્યાં શિક્ષક તરીકે આવેલા દિગદર્શકો અને
નાટ્યકર્મીઓને એટલી બધી ગમી કે એમણે મને એક્ટિંગનો એડવાન્સ કોર્સ કરવાની ભલામણ કરી. મેં
એમને જણાવ્યું કે હું બાળ મજૂર તરીકે સિગરેટ ફેક્ટરીમાં કામ કરું છું ત્યારે એમને ખૂબ દુઃખ થયું
એટલું જ નહીં, એમાંના બહુ મોટા નાટ્ય દિગ્દર્શકે એડવાન્સ કોર્સ માટે અભિનયની શાળામાં મારું
નામ લખાવી દીધું. એમની ઓળખાણ વાપરીને એમણે ફી માફી કરાવી દીધી. હું બેઈજિંગની ડ્રામા
સ્કૂલમાં દાખલ થઈ ગઈ. દોઢ વર્ષના કોર્સ પછી હું જ્યારે ઘેર પાછી ફરી (મે, 1931) ત્યારે હું મિંગ
લૂનના પ્રેમમાં પડી ચૂકી હતી. ચીનના સૌથી પ્રભાવશાળી અને અમીર પરિવારોમાં મિંગ લૂનના
પરિવારનો સમાવેશ થતો હતો. મારો પતિ તો મારી સુંદરતામાં જ પાગલ હતો. એ એવો સમય હતો
કે જ્યારે હું મોઢામાંથી જે બોલું એ પૂરું થઈ જતું… એની પાસે પૈસા હતા અને એણે એક બોલતી-
ચાલતી ઢીંગલી વસાવી હતી, જેને શણગારવી અને ખુશ રાખવી એનું ગમતું કામ હતું. જોકે, મને
એટલું સમજાઈ ગયું હતું કે, હું આ લગ્નમાં લાંબો સમય રહી શકું એમ નથી. એનાથી દૂર જવા માટે
જુલાઈ, 1931માં મેં નેશનલ ક્વિંગ ડાઓ યુનિવર્સિટીમાં મારું નામ દાખલ કરાવ્યું, અને આગળ
ભણવાનું શરૂ કર્યું. હું મિંગ લૂનથી કંટાળેલી જ હતી. દરમિયાનમાં મને યુનિવર્સિટીમાં હ્યૂ ક્યૂવેઈ
મળ્યો. એ મારાથી ત્રણ વર્ષ સિનિયર હતો. ફિઝિક્સનો સ્ટુડન્ટ હતો અને હું થિયેટરની… પરંતુ,
અમારાં સંબંધો ખૂબ ગાઢ થઈ ગયાં. અમે આખો દિવસ એકબીજા સાથે જ વિતાવતા. એણે મારી
ઓળખાણ કમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ સાથે કરાવી. પાર્ટીના વિચારો અને ક્રાંતિના સ્વપ્ન
મને આકર્ષી ગયા. જીવનમાં કશું કરી બતાવવાનું જોશ હ્યૂ ક્યૂવેઈ મારા મનમાં એવું તો જગાડી દીધું કે
હું એની સાથે કમ્યુનિસ્ટ પાર્ટીના નાટકો કરવા લાગી. કમ્યુનિસ્ટ કલ્ચરલ ફ્રોન્ટમાં જોડાઈને એમનું
એક બહુચર્ચિત નાટક ‘પુટ ડાઉન યોર વ્હિપ’ (તમારી ચાબુકો નીચે મૂકી દો). એ નાટકમાં મારો
અભિનય ખૂબ વખણાયો અને મને કમ્યુનિસ્ટ પાર્ટીની યૂથ વિંગની મેમ્બર બનાવી દેવામાં આવી. એ
જ દિવસોમાં હ્યૂ ક્યૂવેઈ અરેસ્ટ થઈ ગયો અને મને ઘરે પાછા નહોતું જવું. મિંગ લૂન સાથેના મારા
લગ્ન તો ક્યારના પતી ગયાં હતાં. એકવાર એ મને અચાનક હોસ્ટેલ મળવા આવ્યો ત્યારે હ્યૂ ક્યૂવેઈ
મારા રૂમમાં જ હતો. કોઈએ કોઈને કંઈ પૂછવાનું કે કહેવાનું નહોતું! એણે આ ફરિયાદ મારી માને કરી,
એટલે મારી માએ મને ઠપકો આપતો પત્ર લખ્યો. મને એટલો ગુસ્સો આવ્યો કે, મેં જવાબમાં એને
લખ્યું, ‘જરા તારો ભૂતકાળ તપાસજે. હું આ કોની પાસેથી શીખી છું એ તને સમજાઈ જ જશે’. હવે
મારી મા પાસે પાછા જવાની મારી હિંમત નહોતી, અને છૂટાછેડા થઈ ચૂક્યા હતા, એટલે હું ડ્રામા
સ્કૂલ પાછી ગઈ. મારા મિત્રો અને જે પ્રોફેસર્સ મને ખરેખર ચાહતા હતા એમણે મારું એડમિશન ફરી
કરાવ્યું. મેં ભણવાનું શરૂ કર્યું. એ દરમિયાન શાંઘાઈ યુનિવર્સિટીમાં એક સમર કેમ્પ માટે મારી પસંદગી
થઈ. કેમ્પ તો સાહિત્યનો અને લેખનનો હતો, પણ મારા કેટલાક પ્રોફેસર્સને લાગ્યું કે, મારામાં
લેખનકળા પણ છે, એટલે એમણે એ કેમ્પ માટે મારું નામ સૂચવ્યું. સમર કેમ્પમાં શાંઘાઈ પહોંચ્યા
પછી ત્યાં ચાલી રહેલી કમ્યુનિસ્ટ પાર્ટીની હલચલે મારી અંદર રહેલી ક્રાંતિની ચિંગારીને ફરી ભડકાવી
અને મેં કમ્યુનિસ્ટ યૂથ લીગમાં હું ફરી જોડાઈ. ફરીથી હું કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રચાર-નાટકો કરવા
લાગી.

સપ્ટેમ્બર, 1934માં મારી ધરપકડ થઈ અને મને જેલની સજા થઈ જોકે, હું ત્રણ મહિનામાં
છૂટી ગઈ. ડિસેમ્બરમાં હું ફરી બેઈજિંગ આવી અને હ્યૂ ક્યૂવેઈ સાથે રહેવા લાગી જોકે, એની સાથે
રહેવું સહેલું નહોતું. અમારા સંબંધો ક્યારેક ખૂબ ગાઢ, પ્રગાઢ અને પ્રેમાળ હતા તો ક્યારેક અમે કૂતરાં-
બિલાડાંની જેમ ઝઘડતાં. ક્યારેક એ બે-ચાર-છ દિવસ માટે ગાયબ રહેતો, ક્યારેક અચાનક ઘરમાં
આવતો, કંઈ ખાવાનું લઈને ભાગી જતો. આવી સ્થિતિમાં એક પરિવાર કે એક સારા પ્રેમાળ
લગ્નજીવનની કલ્પના તો ક્યાંથી થઈ શકે? અમે આર્થિક રીતે પણ કંઈ એવાં સલામત નહોતા એટલે
અંતે મેં નક્કી કર્યું કે, હું એને છોડીને શાંઘાઈ જતી રહીશ… અત્યાર સુધી મારા અભિનયના ખૂબ
વખાણ થયા હતા. પ્રેક્ષકો મારો ચહેરો ઓળખવા લાગ્યા હતા. મને વિશ્વાસ હતો કે, મને શાંઘાઈમાં
કામ મળી રહેશે એટલે મેં શાંઘાઈની વાટ પકડી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *