ભાગઃ 1 | હું એમનાથી આઠ વર્ષ મોટી હતી, મને બરાબર આવડત હતી કે એમને ‘મારા’ કેમ બનાવવા!

નામઃ રાજબા રોહાવાળા (રમા)
સ્થળઃ લાઠી, અમરેલી
સમયઃ 1910
ઉંમરઃ 44 વર્ષ

એમને ગયે આજે દસ વર્ષ થયાં. ફરીને જોઉ છું તો જાણે ગઈકાલની વાત હોય એવું લાગે છે.
એમના રાજકુમાર એમના લખવાના ઓરડામાં અમે આજે પણ કશું બદલ્યું નથી. એમનું મેજ,
ખુરશી, પુસ્તકો રાખવાના કબાટો, આરામ કરવાનું સુખાસન… અરે, એમનો ભાંગ પીવાનો એ
ટમ્બ્લર અને વ્હિસ્કી પીવાના ગ્લાસ પણ મેં એવી રીતે સાચવ્યા છે જાણે એ કોઈપણ ક્ષણે આવી
પહોંચશે, અને હાક મારશે, ‘વશરામ! કાગળ લાવો.’ કોઈ ભાગ્યે જ જાણતું હશે કે, ઠાકોર સાહેબ
લીલાગર ભાંગના ટમ્બ્લરને ‘કાગળ’ કહેતા અને જો વ્હિસ્કી પીવાના હોય તો કહેતા, ‘તાર લાવો.’
ઠંડી બીર એમને બહુ પ્રિય હતી.

આમ શોખીન, પણ રોજિંદુ જીવન બહુ નિયમિત અને સ્વસ્થ હતું. સવારમાં વહેલા ઊઠીને
ઘોડા પર ફરવા જવાનો એમનો નિયમ હતો. ઘણી વખત તો 15-20 માઈલની સવારી થઈ જતી. એ
દરમિયાનમાં લાઠીની પ્રજા અને આસપાસના ગામોના લોકોને મળવાનું પણ થતું. પાછા ફરીને ખૂબ
ઘાટું કરેલું કઢેલું દૂધ પીતા. એ પછી અડધો કલાક ડમ્બેસની કસરત, માલિશ અને સ્નાન. શરીરનો
દરેકે દરેક સ્નાયુ જીવનથી તરવરતો અને સશક્ત! એ પછી ભોજન… અંગત મહેમાન હોય તો એમની
સાથે જમવાનું બાકી, રાજરસોડે જમતા. બપોરની વામકુક્ષિની એમની નિયમિત ટેવ. બાળપણથી
આંખો નબળી એટલે બપોરે દવા અંજાવીને સૂતા.

કાવ્ય લખવાનો સમય ઉનાળામાં બપોરે સાડા ત્રણ વાગ્યા પછી અને પાંચેક વાગ્યા સુધી…
બાકી તો અનિયમિત, જ્યારે જ્યારે સ્મરણમાં આવે ત્યારે બે લીટી-ચાર લીટી લખી લેતા. ગાવાનો
ખાસ શોખ નહીં, પણ સંગીત સાંભળવું બહુ પ્રિય. હું ખૂબ સારી ગાતી એટલે મારી સાથે કેટલીકવાર
હાર્મોનિયમ વગાડતા. ખાસ કરીને, રાજકોટના દિવસોમાં સાંજે હિંચકે બેસીને એ મારા ગીતો
સાંભળતા…

રાજકોટના એ દિવસો મારા જીવનના ઉત્તમ દિવસો હતા. અમે પહેલીવાર સાથે રહેતાં હતાં.
એમના માતાનાં મૃત્યુ પછી દોઢ વર્ષે અમારાં લગ્ન થયાં. એ ત્યારે રાજકુમાર કોલેજમાં ભણતા.
કોલેજના વિદ્યાર્થી ગૃહમાં જે રૂમમાં સુરસિંહજી રહેતા એની બાજુની રૂમમાં હડાળા સ્ટેટના પાટવી
કુંવર વાજસુરવાળા રહેતા. એ ઉંમરમાં સુરસિંહજીથી એક વર્ષ મોટા, પણ એમની મૈત્રી અતૂટ રહી.
બંનેની માતા એક જ વર્ષમાં મૃત્યુ પામી…

1889ની પહેલી ડિસેમ્બરે, એ 15 વર્ષના હતા ને હું 22ની. અમારાં લગ્ન ક્ષત્રિય રિવાજ
મુજબ ખાંડા સાથે થયાં. લગ્ન થયાં ત્યારે હું જાણતી નહોતી કે, એ જ દિવસે કોટડા-સાંગાણીની
રાજકુમારી કેસરકુંવરબા પણ સુરસિંહજી સાથે લગ્ન કરીને લાઠી પહોંચ્યા. એમનું નામ પાડવામાં
આવ્યું, આનંદીબા અને મારું નામ રાજબામાંથી રમા કરવામાં આવ્યું. હું એમનાથી આઠ વર્ષ મોટી.
શરીર અને પુરુષના મનને ઓળખતા શીખી ગયેલી.

એ સમયે રજવાડામાં એવો રિવાજ હતો કે જો બે રાણીઓનાં સાથે એક જ મુહૂર્તે લગ્ન થયાં
હોય તો તેમાંથી જે પહેલાં પોંખાય તે પટરાણીનો દરજ્જો ભોગવે. રોહા સંસ્થાનના માણસો ખૂબ
કાર્યકુશળ હતા એટલે તેઓ સુરસિંહને અગાઉથી મળ્યા હતા અને રોહાનાં રાજકુમારી રાજબાને
પહેલાં પોંખવામાં આવે એ પ્રમાણે એમના મનનું વલણ ફેરવ્યું હતું. ખુદ ઠાકોર સાહેબ-(સુરસિંહ)ની
ઈચ્છા પોતાની તરફેણમાં છે એમ જાણી રોહાવાળાઓ નિશ્ચિત થયા હતા, પરંતુ લાઠીમાં તે સમયે
મેનેજમેન્ટ હતું. એટલે ત્યાં દરેક બાબતમાં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કહે તે પ્રમાણે થતું હતું.
એ સમયે કોટડા-સાંગાણીમાં પણ મેનેજમેન્ટ હતું, કેમ કે રાજકુમારી આનંદીબાના ભાઈ મૂળવાજી
સગીર હતા. મેનેજર તરીકે ઉમિયાશંકર નામના કુશળ મુત્સદ્દી હતા. એટલે તે હાલારના આસિસ્ટન્ટ
પોલિટિકલ એજન્ટ મારફત કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને મળ્યા અને કોટડાનાં રાજકુમારીને
પ્રથમ પોંખવાં એવો હુકમ લાઠી જેના તાબા નીચે હતું તે ગોહિલવાડના આસિસ્ટન્ટ પોલિટિકલ
એજન્ટની ઉપર લખાવીને મોકલી આપ્યો. આ પ્રમાણે થવાથી રોહાવાળા હતાશ થયા, પરંતુ આ
પ્રસંગ પરથી લાઠીના લોકો અને સુરસિંહ રાજખટપટથી વાકેફ થયા.

સાચું કહું? એ દિવસે મેં નક્કી કરી લીધું કે આનંદીબા ભલે પટરાણી તરીકે પોંખાયા, પરંતુ
મારા ઠાકોર સાહેબને હું મારા બાહુપાશમાંથી મુક્ત નહીં થવા દઉ. એમના માતાનાં મૃત્યુ પછી
સુરસિંહજી પ્રેમને શોધતા થઈ ગયા હતા. હું એમનાથી મોટી હતી એટલે કાળજી અને લાગણીની
સાથે સાથે મેં એમને મારા રૂપ અને શરીરમાં પણ એવા બાંધી લીધા કે, એ મને મળવા માટે વિહવળ
રહેવા માંડ્યા. મારી દેહછટા અદભૂત હતી… જાજરમાન અને આકર્ષણ જરાય ઓછું નહોતું. એમના
મહેમાનોને હું પૂરી નિષ્ઠાથી સાચવતી. રાજરમતમાં તો મારા માતા-પિતાએ મને પારંગત કરી જ હતી
એટલે મને એકવારમાં જ સમજાઈ ગયું કે, એમને કેવી રીતે જીતી શકીશ. હું થોડું ભણેલી પણ હતી.
રસિક પ્રેમગોષ્ઠિ કરી શકતી. ખૂબ સારું ગાઈ શકતી… એ લગ્ન પછી રાજકુમાર કોલેજમાં ગયા
ત્યારથી બસ મારા જ વિચારમાં રમમાણ રહેવા લાગ્યા. ને મારે તો એટલું જ જોઈતું હતું. એક પત્રમાં
એમણે લખ્યું હતું,
રાજકુમાર કોલેજ, રાજકોટ તા. 2.1.1890

‘પ્રાણપ્રિયા-વલ્લભા, હવે બહુ જાજા દિવસ રહ્યા નથી. વાસ્તે આનંદમાં રહેજો. પ્રાણપ્રિય,
જો કે હું તમને દિવસે મળતો નથી, પણ રાત્રે મળું છું ખરો. ખરેખાત આ તમને ઘણું જ અચરજ
જેવું લાગશે. કારણ કે આપણે ત્રીસ ગાઓ છેટા હોવા છતાં કેવી રીતે મળી શકીએ? ખરું છે, પણ
મનને તો ગમે તેટલી મોટી છેટાઈ નજદીકમાં નજદીક છે. તેથી સ્વપ્નમાં ઘણી સહેલાઈથી મળી
શકાય છે. ત્યારે ઉઠ્યા પછી શું થાય છે? વિરહની જ્વાળા બેવડાય છે. ખરું છે કે જુદાઈમાં ક્યારે પણ
સુખ મળતું નથી. સ્વપ્નમાં અમુલ્ય સુખ મળે છે ખરું, પણ એ વખતે એ સુખની કિંમત નથી. વળી તે
સુખ તો ધુંવાડાના બાચકા જેવું છે.’

‘દિલજાન! તમારામાં એ જાતનો લોહચુંબકનો ગુણ મૂક્યો છે જે મ્હારા મનને ખેંચી હંમેશાં
તમારી પાસે જ રાખે છે. જોર કરવું એ એક જાતનું કષ્ટ છે તો જેમ લોઢું લોહચુંબકને નહીં મળે ત્યાં
સુધી લોઢું અને લોહચુંબક એ બંનેમાંનું એક પણ સ્થિર રહેશે નહીં તેમ જ્યાં સુધી આપણે નહીં
મળીએ ત્યાં સુધી આપણામાંનું એકેનું મન સુખી રહેશે નહીં.’

‘ખરે! હું અધરામૃતથી હંમેશાં તૃષિત છું તે મ્હારી તૃષા ક્યારે મટે? જ્યારે મ્હારી પ્રાણથી વધારે
પ્રિય એવી મારી રંભાને મળું ત્યારે. એ મધથી ઈન્દ્ર જેવા પણ તૃપ્ત થયા નથી તો હું કોણ માત્ર? હવે
મ્હારા મનના અને પ્યારના બે ભાગ થયા છે. પહેલાં તો ચોપડીઓ એ જ મ્હને શાંત કરતી પણ હવે
એનું પરાક્રમ તમે છીનવી લીધું છે. અહો વલ્લભા! આ સાડા ત્રણ માસ ક્યારે વીતી જશે કે જ્યારે હું
તમને આવી આલિંગન કરું.’

સ્વપ્નસમા એ દિવસો આજે પણ યાદ કરું છું તો રોમાંચનું લખલખું મારા શરીરમાંથી પસાર
થઈ જાય છે. ત્યારે મને કલ્પના પણ નહોતી કે, હું મારું દુર્ભાગ્ય રોહાથી જ મારી સાથે લઈને આવી
હતી…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *