ભાગઃ 1 | સંગીત પ્રાર્થના છે, એમાં કોઈ વાડાબંધી ન હોવી જોઈએ

નામઃ કિશોરી અમોનકર
સ્થળઃ મુંબઈ, મહારાષ્ટ્ર
સમયઃ નવેમ્બર, 2016
ઉંમરઃ 83 વર્ષ

મારું નામ કિશોરી અમોનકર. જયપુર ઘરાનાની શાસ્ત્રીય સંગીતની ગાયક છું હું. અનેક
સન્માન અને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ જેવા એવોર્ડ મને મળ્યા છે, પણ મારે માટે મારું સંગીત જ
મારું સર્વસ્વ છે.

આજે, છઠ્ઠી નવેમ્બરે, ગોવામાં મારો કાર્યક્રમ હતો. શ્રોતાઓની સંખ્યા એટલી મોટી હતી કે,
કેટલાકને નિરાશ થઈને પાછા જવું પડશે એવું લાગ્યું. હું 83 વર્ષની છું, ફરી ગાઈ શકીશ કે નહીં!
ગોવા આવી શકીશ કે નહીં, મને નથી ખબર… આટલા આદરથી મને સાંભળવા આવેલા મારા
શ્રોતાઓને પાછા જવું પડે એ વાત મને ખૂંચી, એટલે મેં સૌને મારી પાછળ, સ્ટેજ પર બેસવા માટે
આમંત્રિત કર્યા. ચિક્કાર ભરેલું ઓડિટોરિયમ, સીડીઓ પર અને આઈલમાં બેઠેલા શ્રોતાઓ અને મારી
પાછળનું સ્ટેજ પણ પૂરેપૂરું ભરાઈ ગયું તેમ છતાં ભાવકોએ સાઈડમાં ઊભા રહીને બે કલાકનો
કાર્યક્રમ માણ્યો. એમના આ સ્નેહ અને આદરથી જ કદાચ હું આજે, 83 વર્ષે પણ ગાઈ શકું છું. હા,
મારો અવાજ હવે પહેલાં જેવો નથી રહ્યો, પરંતુ સંગીતમાં મારી શ્રધ્ધા અને રિયાઝ પ્રત્યેનું સમર્પણ
ઘટ્યું નથી. હું આજે પણ સવારે બે કલાક રિયાઝ કરું છું અને સાચા હૃદયથી ઈચ્છું છું કે, આમ જ
રિયાઝ કરતાં કરતાં જ મારી મા પાસે પહોંચી જાઉ.

મારી મા, મોગુબાઈ કર્ડીકર, મારી શિક્ષક, મારી ગુરુ, મારી દોસ્ત અને મારા પિતા પણ.
હું છ વર્ષની હતી અને મારા ભાઈ-બહેન મારાથી પણ નાના હતા ત્યારે મારા પિતા માધવદાસ
ભાટિયા ગુજરી ગયા. મારી માએ પોતાની મહેનત અને લગનથી અમને ત્રણેય ભાઈ-બહેનોને શિક્ષણ
અને સંસ્કાર આપીને ઉછેર્યા. મારી માની, મા-મારી નાની જયશ્રીબાઈ તો મારી મા 12 વર્ષની હતી
ત્યારે જ ગુજરી ગયેલી, ને પિતા એથી પણ પહેલાં આ દુનિયા છોડી ગયા. મારી મા એક અનાથની
જેમ ઉછરી-પરંતુ સૌ અનાથનો નાથ જગન્નાથ છે. એણે જ્યારે નક્કી કર્યું હોય ત્યારે એ અનાથના
માથે હાથ મૂકીને એને પ્રસિધ્ધિના શિખર પર બેસાડે છે. મારી મા પણ એના સમયની સફળ ગાયિકા
બની શકી… એનું એક માત્ર સ્વપ્ન હતું કે, હું શાસ્ત્રીય સંગીત શીખું, મારું ખૂબ નામ થાય અને પોતે
જે નથી મેળવી શકી એ બધું મને મળે. આજે એ નામ, આદર, અવોર્ડસ અને સંખ્યાબંધ પ્રશંસકો
મળ્યા કારણ કે, મારી માએ નાનપણથી જ કડક પ્રશિક્ષણ અને અનુશાસન સાથે મને સંગીત તરફ
વાળી.

મારી નાની જયશ્રીબાઈ પણ ખૂબ સારું ગાતી. મારી મા 13 વર્ષની હતી ત્યારે એને
એક મંદિરમાં ગાતી સાંભળીને ત્યાંના પૂજારીએ સંગીત શીખવવાની સલાહ આપી. એ પછી મારી મા
દસ વર્ષની ઉંમરે ચંદ્રેશ્વર ભૂતનાથની સંગીત મંડળીમાં જોડાઈ ગઈ. ગામેગામ પ્રવાસ કરીને એ
અભિનેત્રી તરીકે નાટકોમાં અભિનય કરતી. મારી મા જ્યારે આવા જ એક પ્રવાસ પર હતી ત્યારે
એની મા જયશ્રીબાઈ ગુજરી ગઈ, ત્યારે મારી મા 12 વર્ષની હતી. ચંદ્રેશ્વરજીએ મારી માની
જવાબદારી લીધી એટલું જ નહીં, પરંતુ બાલકૃષ્ણા પર્વતકર જે કર્ડી ગામના જ હતા અને આ જ
થિયેટર કંપનીમાં કામ કરતા હતા એમણે મારી માને મોગુબાઈને કહ્યું કે, જ્યાં સુધી એ સન્માનનીય
ગાયિકા નહીં બની જાય ત્યાં સુધી એની મા (જયશ્રીબાઈ)નો મોક્ષ નહીં થાય. એ પછી મારી માએ
જીવ રેડીને સંગીતની આરાધના શરૂ કરી, પરંતુ ચંદ્રેશ્વર ભૂતનાથની કંપની બંધ થઈ ગઈ અને
સતારકર સ્ત્રી સંગીત મંડળીએ મારી માને એમની સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું. ત્યાં મારી માને
પધ્ધતિસરની સંગીતની તાલીમ મળી એટલું જ નહીં, કથક, ગઝલ અને ગાયિકીના બીજા પ્રકારો પણ
શીખવવામાં આવ્યા. મારી મા એટલી પ્રસિધ્ધ થઈ કે, એ જ કંપનીની એક જૂની અભિનેત્રીએ
વાંધાવચકા પાડીને મારી માને કંપનીમાંથી કઢાવી.

સંગીત વગરનું જીવન અમારા સૌ માટે મૃત્યુથી ય બદતર છે. હું, આજે 83 વર્ષે પણ
મારો રિયાઝ છોડી શકતી નથી… બલકે રોજ પ્રાર્થના કરું છું કે, રિયાઝ કરતી હોઉ ત્યારે જ ઈશ્વર
મને એની પાસે બોલાવી લે. મારી માએ પણ આવી જ રીતે કોઈપણ માંદગી વગર સ્વસ્થ અને
સંગીતમાં સમર્પિત જીવન સાથે જીવનલીલા સંકેલી લીધી. હું પણ એવું જ ઈચ્છું છું.

સતારકર સ્ત્રી સંગીત નાટક મંડળી છોડ્યા પછી મારી મા પાસે કોઈ કામ નહોતું.
સંગીત વગરના જીવનને કારણે મારી મા બીમાર રહેવા લાગી. ઘર ચલાવવાની સમસ્યા પણ ઊભી
થઈ. 1919માં એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે સાંગલી લઈ જવામાં આવી. આ સાંગલીનો સમય એને
માટે ખૂબ જ ફાયદાકારક નીવડ્યો. ત્યાં એની મુલાકાત અલ્લાદિયાખાન સાહેબ સાથે થઈ. મારી મા
જ્યારે વૈદ્ય આબાસાહેબ સાંબ્રેના ઘરે રહીને પોતાની દવા કરાવતી હતી ત્યારે એનો રિયાઝ
અલ્લાદિયાખાન સાહેબે રસ્તા પર પસાર થતા સાંભળ્યો. આટલું અદભૂત કોણ ગાઈ રહ્યું છે એ
જાણવા માટે એ આબાસાહેબ સાંબ્રેના ઘરે આવ્યા. મારી માને ગાતી સાંભળીને એટલા અભિભૂત
થયા કે, એમણે એને સંગીત શીખવવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં કદાચ મારી માને ખબર નહોતી કે, એ કોની પાસે શીખી રહી છે, પરંતુ
જ્યારે મોટા મોટા સંગીતકારોને એમને નમતા જોયા ત્યારે મારી માને સમજાયું કે, સ્વયં સરસ્વતીએ
એને અલ્લાદિયાખાન જેવા મહાન ગુરુ આપ્યા છે. 1922માં અલ્લાદિયાખાન સાહેબે ફિલ્મોમાં
સંગીત આપવા માટે મુંબઈ જવાનું નક્કી કર્યું, મારી માએ પણ એમની સાથે મુંબઈ જવાનો નિર્ણય
લીધો. એક નાનકડી જગ્યા ખેતવાડીમાં ભારે રહી એ મુંબઈ રહેવા લાગી અને અહીં,
અલ્લાદિયાખાન સાહેબે એની ઓળખાણ મુંબઈની હાઈ સોસાયટી અને શાસ્ત્રીય સંગીતના વર્તુળમાં
કરાવી. કોલ્હાપુર સ્ટેટના રાજદરબારના ગાયક હોવાથી અલ્લાદિયાખાન સાહેબ એમને કોલ્હાપુર
પણ લઈ ગયા. કોલ્હાપુરના મહારાજ સાહેબે એમને કોલ્હાપુર બોલાવી લીધા, પરંતુ અલ્લાદિયાખાને
ગુરુ તરીકે મારી માને મુંબઈ રહેવાની સલાહ આપી. મારી માને લાગ્યું કે, એનું સંગીતનું શિક્ષણ
અધૂરું રહી જશે, એટલે એણે કોલ્હાપુર જવાની જીદ કરી, પરંતુ અલ્લાદિયાખાન સાહેબે એમને
આગ્રા ઘરાનાના બશીરખાન સાહેબને સોંપી અને બશીરખાન સાહેબ મારી માને શીખવવા તૈયાર
થયા, પરંતુ એમણે ગુરુશિષ્ય પરંપરા અનુસાર મારી માને તોડો બાંધ્યો અને આગ્રા ઘરાનામાં એનો
સ્વીકાર થયો. એમની સાથે વિલાયત હુસૈનખાન પણ શીખતા. ગંડાબંધનની વિધિ કાલિદાસ બિલ્ડિંગ
બોરાભાટ લેન મુંબઈમાં થઈ અને એ પછી મારી માએ પૂરા હૃદયથી સંગીત શીખવાનું શરૂ કર્યું.

થોડાક જ સમયમાં અલ્લાદિયાખાનને મોગુની ગેરહાજરી સારવા લાગી. એ મુંબઈ
પાછા ફર્યા અને ફરી એકવાર મોગુનું શિક્ષણ શરૂ થયું, પરંતુ સમય સાથે એની આસપાસ
અલ્લાદિયાખાનના અમીર શિષ્યોએ અનેક પ્રશ્નો ઊભા કર્યા. ગુરુશિષ્ય જેવા પવિત્ર સંબંધ પર
લાંછન લગાવ્યું એટલું જ નહીં, અલ્લાદિયાખાનને ફરજ પાડી કે એ મોગુનું શિક્ષણ બંધ કરી દે.
એમની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. એટલે એમણે દુઃખી હૃદયે મોગુનું શિક્ષણ અટકાવવું પડ્યું.
મોગુ એ જ સમયે કદાચ જાહેર કાર્યક્રમો કરીને ખૂબ પૈસા કમાઈ શકી હોત, પરંતુ એણે એવું નહીં
કરવાનું નક્કી કર્યું. એને લાગતું હતું કે, હજી એનું શિક્ષણ પૂર્ણ થયું નથી. એણે અલ્લાદિયાખાનને
અનેક વિનંતીઓ કરી, પરંતુ પોતાના અમીર શિષ્યોના દબાવ નીચે એ મોગુની વિનંતી સ્વીકારી શક્યા
નહીં.

એ જ ગાળામાં મારી માએ માધવદાસ ભાટિયા નામના એક સંગીતપ્રેમી સાથે લગ્ન
કર્યાં. માધવદાસજી ખૂબ અમીર હતા અને એમનો પરિવાર મુંબઈના અગ્રગણ્ય વ્યાપારી પરિવારમાંનો
એક હતો, પરંતુ બીજી જ્ઞાતિની-ભાષાની હોવાને કારણે મારી માને એવો સ્વીકાર ના મળ્યો જેવો એક
પુત્રવધૂને એના પરિવારમાં મળવો જોઈએ. કેટલાક લોકો એવો આક્ષેપ કરે છે કે, મારી માએ
માધવદાસ ભાટિયા સાથે લગ્ન જ નહોતા કર્યા. કદાચ એવું હોય તો પણ એનાથી બીજાને શો ફેર
પડે? આપણા સમાજમાં સૌને અન્યના ચારિત્ર્ય વિશે ન્યાયાધીશ થવાનો બહુ શોખ હોય છે, મારી
માના ચારિત્ર્ય વિશે પણ જાતભાતની વાતો થતી રહી. અમે કંઈ સમજીએ કે વિચારી શકીએ એ
પહેલાં તો મારા પિતાનું મૃત્યુ થયું.

મારી માએ મને પોતાની સાથે સંગીતના કાર્યક્રમોમાં લઈ જવાનું શરૂ કર્યું. એના
કાર્યક્રમોમાં હું પાછળ બેસીને તાનપુરા પર એનો સાથ આપતી. મારી મા આગ્રા ઘરાના અને
ગ્વાલિયર ઘરાના સહિત અનેક લોકો પાસે શીખી, પરંતુ હું કોઈ એક જ ઘરાનાના શિક્ષણ સાથે
આગળ વધુ એવું એ ઈચ્છતી હતી. સાચું પૂછો તો ‘ઘરાના’ જેવું કશું હોતું જ નથી. સંગીત, દરેક
જગ્યાએ, દરેક રીતે સંગીત જ હોય છે. આપણે ધર્મની જેમ સંગીતને પણ વહેંચી કાઢ્યું છે. સત્ય તો
એ છે કે, જ્ઞાતિ-જાતિ કે ગામ સાથે સંગીતના ભાગલા પાડવાને બદલે એને એક કલા તરીકે સન્માન
આપવું જોઈએ. એનું બેઝિક વ્યાકરણ, અલંકાર અને રાગ ઉપર આધારિત છે, એવું મને સમય જતાં
સમજાયું.

મારે માટે સંગીત પ્રાર્થના છે, પૂજા છે, હું કંઈ પણ કરું, મારે માટે સંગીતથી આગળ
બીજું કશું છે જ નહીં. ઠુમરી, ભજન, ખયાલ કે શુધ્ધ શાસ્ત્રીય સંગીત, મારે માટે જીવનની એક એવી
પળ હોય છે જ્યારે હું ઈશ્વર સાથે એકાકાર થઈ જાઉ છું…

એ દિવસે ગોવાના કાર્યક્રમમાં જે લોકો હાજર હતા એ સહુએ ઈશ્વર સાથેનો તાદાત્મ્ય

જરૂર અનુભવ્યું હશે!

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *