નામઃ રીમા લાગૂ
સ્થળઃ કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ
સમયઃ રાત્રે 1.00 વાગ્યે, 18 મે, 2017
ઉંમરઃ 59 વર્ષ
ઈતિહાસ ફરી ફરીને પોતાના પ્રસંગોને દોહરાવે છે, એવું મને હંમેશાં લાગ્યું છે. મારી આઈ
નાની હતી ત્યારે એને પણ અભિનયનો ખૂબ શોખ હતો, પણ એનો સમય જુદો હતો. મરાઠી
રંગભૂમિ ઉપર કલાકારોને માન-સન્માન અને આદર તો ખૂબ મળતા, પરંતુ એ વખતે એવા પૈસા
મળતા નહીં…
બુધવારે બપોરનો, રવિવારે સવારનો શો પણ હાઉસફૂલ હોય તેમ છતાં મુખ્ય કલાકારનું કવર
75-100 રૂપિયાથી વધુ નહોતું. જોકે, એ જમાનામાં મોંઘવારી પણ એટલી નહોતી. મેં જ્યારે મરાઠી
થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે રંગભૂમિની ગ્લેમર બદલાઈ ચૂકી હતી. કલાકારોનું માન અને
વેતન બંને વધ્યાં હતાં. મરાઠી રંગભૂમિએ મને ખૂબ આપ્યું, મરાઠીની સાથે સાથે મેં ગુજરાતી રંગભૂમિ
પર પણ ખૂબ કામ કર્યું. સિધ્ધાર્થ રાંદેરિયા સાથે મારું નાટક ‘ચીલ ઝડપ’ ખૂબ ચાલ્યું. એ પછી મને
હિન્દી સિનેમાની ઓફર પણ આવવા લાગી.
ઈપ્ટા (ઈન્ડિયન પૃથ્વી થિયેટર્સ)માં નાટકોમાં કામ કરતી વખતે શશી કપૂર સાથે મુલાકાત થઈ.
એની પહેલાં ફિલ્મ ‘આક્રોશ’માં નૌટંકી ડાન્સરનો એક રોલ મેં કર્યો હતો. એ ગીત ઉપર મારા ડાન્સના
વખાણ તો ખૂબ થયા, પણ પછી, હિન્દી ફિલ્મમાં કોઈ ખાસ કામ મળ્યું નહીં. એ વખતે પૃથ્વી
થિયેટર્સ શશી કપૂર અને એમના પત્ની જેનીફર કેન્ડલ ચલાવતા હતા. શશી કપૂરે મને એમની ફિલ્મ
‘કલયુગ’માં શ્યામ બેનેગલને કહીને રોલ ઓફર કર્યો. એ મારો હિન્દી ફિલ્મનો પહેલો બ્રેક હતો.
એ જ ગાળામાં શફી ઈનામદાર પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા. ગોવિંદ નિહાલાની
અને શશી કપૂરના કેમ્પમાં એમની પણ એન્ટ્રી થઈ, લગભગ એ જ ગાળામાં હું પણ બોલિવૂડમાં
પ્રવેશી. અમારી મિત્રતા થઈ અને થોડા સમય માટે અફેર પણ ચાલ્યો, પરંતુ એ સંબંધ લાંબો ટકી
શક્યો નહીં. મને ત્યાં સુધીમાં સમજાઈ ગયું હતું કે, જીવનમાં આગળ વધવું હશે તો મારે એકલા જ
ચાલવું રહ્યું! આજે, 2000ની સાલ પછીના પુરુષોને જોઉ છું ત્યારે મને સમજાય છે કે, એમની
માનસિકતા અને સ્ત્રીઓ વિશેની વિચારસરણી બદલાઈ છે. શ્રીદેવી, માધુરી દીક્ષિત જેવી
અભિનેત્રીઓએ આવીને એક નવો જ શિરસ્તો શરૂ કર્યો, જેમાં સ્ત્રીપ્રધાન ફિલ્મોની સાથે સાથે
હીરોઈનનું સ્થાન પણ બદલાયું… એનો ફાયદો મને મળ્યો.
વિવેક લાગૂ મરાઠી ફિલ્મો સુધી સીમિત રહી ગયો અને મને ‘કલયુગ’થી ખૂબ કામ મળવા
લાગ્યું. અમે છૂટા પડી ગયા તેમ છતાં ફિલ્મી દુનિયામાં મારું નામ રીમા લાગૂ જ રહી ગયું.
‘કલયુગ’માં કુલભૂષણ ખરબંદા સાથે મારા બોલ્ડ સિકવન્સની ખૂબ ચર્ચા થઈ. એ વખતે લોકોને લાગ્યું
હતું કે, મેં કામ મેળવવા માટે આવા બોલ્ડ સિકવન્સ સ્વીકાર્યા, પરંતુ આખી ફિલ્મ જોતાં સૌને
સમજાયું કે, એ ફિલ્મની જરૂરિયાત હતી. મારા કામના ખૂબ વખાણ થયા અને પછી તો હિન્દી
ફિલ્મમાં મને ખૂબ કામ મળવા લાગ્યું. 1988માં આમિર ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘કયામત સે કયામત
તક’માં જુહી ચાવલાની માના રોલમાં મેં કામ કર્યું. જોકે, એ ફિલ્મમાં કામ કરવાનો મને હંમેશાં
અફસોસ રહ્યો. એમણે જે શૂટ કર્યા હતા એમાંના મોટાભાગના સિકવન્સ એમણે વાપર્યા નહીં અને
મારો રોલ કાપીને નાનો કરી નાખ્યો. મેં એક ઈન્ટરવ્યૂમાં એ વિશે વાત કરી, જેનાથી આમિર બહુ
નારાજ થયા, પણ મને ક્યારેય સાચું બોલતાં ડર નથી લાગ્યો. જોકે, એ પછી તરત બીજી ફિલ્મ ‘મૈંને
પ્યાર કિયા’માં સલમાનની માનો રોલ મને મળ્યો અને એ ફિલ્મમાં મારા કામના ફરી એકવાર વખાણ
થયા. સૌને જાણીને કદાચ નવાઈ લાગે, પણ જ્યારે એ ફિલ્મ કરી ત્યારે હું સલમાનથી સાત જ વર્ષ
મોટી હતી. સંજય દત્તથી એક વર્ષ મોટી હતી, પણ ‘સાજન’માં મેં સંજય દત્તની માનો રોલ કર્યો.
1990 અને 2000ના દશકમાં મેં ખૂબ બધી ફિલ્મોમાં માનો રોલ કર્યો. 1993માં ‘ગુમરાહ’માં
શ્રીદેવીની માનો રોલ કર્યો અને, એ વખતે શ્રીદેવી મારાથી મોટી હતી. રિશી કપૂરની માનો રોલ કર્યો
ત્યારે રિશી કપૂર પણ મારાથી મોટા હતા…
એ પછી મારા જીવનમાં રાજેશ્રી પિક્ચર્સનો પ્રવેશ થયો. તારાચંદ બડજાત્યાના પુત્ર સૂરજ
બડજાત્યાની ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન’ મારે માટે એક યાદગાર કિરદાર લઈને આવી. એ પછી મને
‘વાસ્તવ’ મળી. આજે વિચારું છું તો સમજાય છે કે, મને જેટલા વિવિધ પ્રકારના રોલ મળ્યા એટલા
ફિલ્મી દુનિયામાં ચરિત્ર અભિનેત્રીઓને ભાગ્યે જ મળ્યા છે. એક સમય હતો જ્યારે માના રોલમાં
ભાગ્યે જ કોઈ વૈવિધ્ય મળતું. ઉધરસ ખાતી, સંચા પર બેઠેલી દુઃખી, તરછોડાયેલી કે બિમાર મા એક
બોલિવૂડની ‘મા’ હતી, પરંતુ હું નસીબદાર છું કે મને ખૂબ વૈવિધ્યસભર કામ કરવા મળ્યું.
નેવુંના દશકમાં રંગીન ટેલિવિઝન અને લોકપ્રિય ટીવી સીરિઝ શરૂ થઈ. આજે ટીવી જોઉ છું
તો લાગે છે કે, એ સમયની ટીવી શ્રેણીઓ અર્થસભર અને મજબૂત વાર્તા-વસ્તુ ધરાવતી સરસ
પારિવારિક ટીવી શ્રેણીઓ હતી. 1985માં ‘ખાનદાન’ અને ’94માં ‘શ્રીમાન શ્રીમતી’ (આજનું
‘ભાભીજી ઘર પર હૈ’), એ પછી સુપ્રિયા પિલગાંવકર અને મેં સાથે ટીવી શ્રેણીમાં કામ કર્યું, ‘તુ તુ મૈં
મૈં’ આ બધી શ્રેણીઓ ખૂબ લોકપ્રિય થઈ. એનાથી મને એક જુદી જ ઓળખ મળી.
એકવાર મહેશ ભટ્ટ મારી પાસે આવ્યા અને એમના જીવનના એ કિસ્સાની કથા મને કહી.
એમણે પોતાના જીવન અને પિતા સાથે એમની દાદીના સંબંધોને વાર્તામાં વણી લઈને એક શ્રેણીનું
નિર્માણ કર્યું જેનું નામ હતું, ‘નામકરણ’. એ ટીવી શ્રેણીમાં હું એમની દાદીનો રોલ કરું એવી એમની
ઈચ્છા હતી. ડેઈલી શોપ કરવો મને અનુકૂળ આવશે કે નહીં એવું વિચારતી હતી, પણ વાર્તા એટલી
અદભૂત હતી કે, મેં હા પાડી દીધી. ‘નામકરણ’ની દયાવંતી મહેતા, અમર થઈ ગઈ.
એ શોના શૂટિંગ દરમિયાન એક દિવસ મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ, આજે-18મી મે,
2017ના દિવસે બપોરે મને જીવ ચૂંથાવા લાગ્યો. પહેલાં એક ઉલ્ટી થઈ, પછી ચક્કર આવવા
લાગ્યા. હું બેહોશ જીવી થઈ ગઈ એટલે મારી દીકરી અને જમાઈ મને કોકિલાબહેન ધીરૂભાઈ
અંબાણી હોસ્પિટલમાં લઈ ગયા. લગભગ સાંજ સુધી થોડાક ટેસ્ટ કર્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે, મને એક
માઈલ્ડ હાર્ટ એટેક આવ્યો છે. સૌને નવાઈ લાગી. મને કોઈ દિવસ છાતીમાં દુઃખવાની ય ફરિયાદ
નહોતી, અચાનક હાર્ટ એટેક! મારી દીકરીએ ફરી ટેસ્ટ કરવાનું કહ્યું, પરંતુ ફરી એકવાર ટેસ્ટ થાય એ
પહેલાં રાતના 1 વાગ્યે મારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ. મને લાગ્યું કે, જાણે કોઈ મને ધક્કો
મારીને પાણીની નીચે ધકેલી રહ્યું છે. હું ડૉક્ટર્સને મારી આજુબાજુ વાત કરતાં સાંભળી રહી હતી,
પણ એ અવાજ જાણે દૂરથી આવતો હોય એવો, મંદ અને ધીમો હતો. મને શ્વાસ લેવામાં વધુને વધુ
તકલીફ પડવા લાગી. ડૉક્ટર્સે મને આઈસીયૂમાં ખસેડી. મારા પલંગની ચારેતરફ પડદા હતા અને
મશીન પર મોનિટર થઈ રહેલા મારા શ્વાસ અને હૃદયના ધબકારાના મંદ બીપ મને સંભળાતા રહ્યા…
નોંધઃ આઈસીયૂમાં રાત્રે સવા ત્રણ વાગ્યે રીમા લાગૂને કાર્ડિયાકઅરેસ્ટ થયો અને 59 વર્ષની
ઉંમરે પોતાની કારકિર્દીના ઉત્તમ સમયમાં રીમા લાગૂ આપણી વચ્ચેથી ચાલી ગયાં.
(સમાપ્ત)