ભાગ – 2 । હું ધનલક્ષ્મીમાંથી સિતારાદેવી બની ગઈ

નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવી
સ્થળઃ મુંબઈ
સમયઃ ઓક્ટોબર, 2014
ઉંમરઃ 94 વર્ષ

મારો જન્મ ધનતેરસનો એટલે નામ પાડ્યું, ધનલક્ષ્મી, પરંતુ જ્યારે બે દિવસ પછી
મારા પિતાએ મને જોઈ ત્યારે એમને ખબર પડી કે, મારા હોથ સહેજ વાંકા છે. મારી માને ખૂબ દુઃખ
થયું. અમારા ઘરમાં એક દાઈમા હતા. એમણે મારા પિતાને કહ્યું કે, એ માલિશ લગાડી, લેપ કરીને
મારા હોઠ સીધા કરી શકશે. મારા પિતાએ પૂરા વિશ્વાસથી મને એમને સોંપી દીધી. અમારા
દાઈમાએ કેટલાય સમય સુધી એક વૈદ્ય અને એક મા કરતાંય વધુ સ્નેહથી સેવા કરીને મારા હોઠ સીધા
કરી આપ્યા. હું મોટી થઈ પછી ક્યારેક મજાકમાં એ કહેતા, ‘અમે તો વાંકું મોઢું જોઈને તને નોકરને જ
સોંપી દીધેલી.’ હું ત્યારે બહુ ચિડાતી… સૌ હસતા. જોકે, મને એ બધું યાદ નથી. મારી સ્મૃતિ તો
સીધી બનારસની ગલીઓ, ગંગાના ઘાટ અને કાશીના કબીર ચૌરાના અમારા નાનકડા ઘરથી શરૂ થાય
છે. આસપાસ સતત તબલાંની થાપ અને ઘૂંઘરુંનો અવાજ સંભળાતો. તવાયફો રિયાઝ કરતી, મારા
પિતા પોતાનો નૃત્ય અભ્યાસ કરતાં, જે જોઈ જોઈને અમારા પગ ક્યારે નાચતા થઈ ગયા એની મને
જ ખબર ન રહી.

94 વર્ષે પણ મારા પગ જો તબલાંની થાપ સાંભળે તો ફિરક્યા વગર રહી શકતા નથી.
મારા પિતા પંડિત સુખદેવજી વહાલ કરે ત્યારે હસીને કહેતા, “હમારી બચ્ચીઓને ચલના બાદ મેં
સીખા, નૃત્ય પહેલે સીખા!” અમે મેમનસિંગ રહેતા. મેમનસિંગના મહારાણી મારા પિતાને ખૂબ
આદર આપતા. મારા પિતાને જ્ઞાતિમાંથી બહાર મૂક્યા એ પછી મહારાણીએ એમને બોલાવી લીધા.

મારું બાળપણ અને કિશોરાવસ્થા બે અંતિમોની વચ્ચે વીત્યું. એક તરફ બનારસના
કબીર ચૌરાની તવાયફો અને બીજી તરફ મેમનસિંગના મહારાણીનો ઠસ્સો અને એમની કડક ટ્રેનિંગ.
મહારાણીએ જાતે કથક પર રિસર્ચ કર્યું. એમણે અમને શીખવ્યું કે, કથક એટલે કથા વાંચનાર. કથક એક
જાતિ છે. કથકનું મૂળ નામ કથાનૃત્ય છે, એટલે કથકનૃત્યમાં કોઈપણ કથા હોવી જ જોઈએ. ખાસ
કરીને એમાં ઈશ્વરની કથા હોય છે. મારા પિતા સુખદેવ મહારાજે સંશોધન કરી શોધ્યું કે સૌથી પ્રથમ
એ નૃત્ય મોગલ રાજ્યમાં હતું. તે વખતે પુરુષો, ખાસ કરીને મંદિરના પૂજારીઓ કથક કરતા. સ્ત્રીઓ
માટે એ નૃત્ય નહોતું, પરંતુ મોગલવંશના છેલ્લા રાજા ઔરંગઝેબે મંદિરો બંધ કર્યાં એટલે નૃત્ય
આપોઆપ બંધ થઈ ગયું. પછી એ સમાજ માટે રહ્યું નહીં ને બજારમાં ચાલ્યું ગયું. એ પછી કથક
કબીર ચૌરાની રોનક બની ગઈ. મારા પિતાજીને સતત લાગતું કે જો તવાયફોને ત્યાંથી કથક ફરી પાછું
સમાજમાં નહીં આવે તો એ વિદ્યા અને કલા નષ્ટ થઈ જશે. મારા પિતા અને મેમનસિંગના
મહારાણીએ સાથે મળીને ભરતનાટ્ય શાસ્ત્ર અને કથકને ભેળવીને એમાંથી નૃત્યનું સાહિત્ય સર્જન
પણ શરૂ કર્યું. એ સર્જનમાં કવિતા, સંગીત, અભિનય, લય અને તાલ હોય એવા સુંદર પદો અને
બોલની એમણે રચના કરી.

એ એવો સમય હતો જ્યારે નૃત્યને અને ગાયનની કલાને સમાજમાં સન્માન અપાવવા
માટે મારા પિતા અથાગ પ્રયત્ન કરી રહ્યા હતા. અમે સૌ એમાં યથાશક્તિ સમિધ ઉમેરતા. ત્રણ વર્ષ
સુધી સખત મહેનત કરીને અમે નૃત્યનું શાસ્ત્રીય જ્ઞાન મેળવ્યું. ગણેશપૂજાના પ્રસંગે અમે રાયગઢ
મહારાજ પાસે ગયા. ત્યાં મારા કાકાઓ પણ હતા. શંભુ મહારાજ અને અચ્છન મહારાજ. લચ્છુ
મહારાજ મારા પિતાના ફોઈના દીકરા ભાઈ થાય. એ બધા નાના હતા, પરંતુ એમનું નૃત્ય સારું હતું.
મારા પિતાને શંભુ મહારાજમાં ‘કલા’ દેખાઈ. એમણે મને શીખવવા માટે શંભુ મહારાજને કલકત્તા
આવવાની વિનંતી કરી. શંભુ મહારાજ તો ઠાઠથી રહેવાવાળા માણસ. મારા પિતાજી પાસે એટલા
પૈસા નહીં, પણ કોઈપણ સંજોગોમાં શંભુ મહારાજ મને શીખવે એવી મારા પિતાની ઈચ્છા, એટલે
એમણે બનારસનું ઘર વેચી કાઢ્યું. શંભુ મહારાજને જે રીતે રહેવું હતું એ રીતે રાખવાની વ્યવસ્થા
કરીને મારું નૃત્યનું શિક્ષણ ચાલુ રહેવું જોઈએ એવો એમણે પ્રયાસ કર્યો. મારા પહેલાં ગુરૂ મારા પિતા
અને બીજા ગુરૂ મારા કાકા. પછી તો અચ્છન મહારાજ પણ મને શીખવવા માટે આવ્યા. 11 વર્ષની
થઈ ત્યાં સુધી અમે કલકત્તામાં રહ્યા. 1934માં અમે કલકત્તા છોડ્યું અને પાછા કાશી આવ્યા.

હવે અમે જ્યારે કાશી આવ્યા ત્યારે ફરી એકવાર નવા સંઘર્ષમાંથી પસાર થવાનું હતું.
અમારું ઘર તો પિતાજીએ વેચી કાઢેલું, એટલે ભાડાના ઘરમાં રહેવાનું શરૂ કર્યું. જે ઘરમાં પિતા અને
પુત્રી સાથે નૃત્ય કરતાં હોય એવા લોકોને ઘર ભાડે કોણ આપે? તેમ છતાં એક કલાપ્રેમી સજ્જન
મળ્યા. જેમણે ગંગા કિનારે અમને ઘર ભાડે આપ્યું. અમે કાશીમાં રહેવાનું શરૂ કર્યું અને તરત જ જાણે
મારું નસીબ બદલાયું. એ વખતે મુંબઈના કોઈ સિનેમાવાળાને ‘ઉષાહરણ’ ચિત્ર માટે ધાર્મિક નૃત્ય
જોઈતું હતું, એટલે એવા નૃત્યકારની શોધ માટે તેઓ કાશી આવેલા. અમે પણ એ વખતે, એટલે કે
1934માં કલકત્તા છોડી કાશી આવીને વસેલાં.

એ સમયે બાલવિવાહ નહોતો. હું જન્મી ત્યારે જ મારા લગ્ન નક્કી થઈ ગયેલા. હું
આઠ વર્ષની થઈ ત્યારે મારા સાસરાવાળાએ આણું કરાવવાની માંગ કરી કારણ કે, ‘મારા સાસુને ઘરના
કામકાજમાં મદદની જરૂર હતી!!’ એ લોકો જ્યારે મને લેવા આવી પહોંચ્યા ત્યારે મેં મારા પિતાને
કહ્યું, ‘મૈં નહીં જાઉંગી, ઔર અગર જબરજસ્તી ભેજેંગે તો ભાગ જાઉંગી.’ મારા પિતા હસવા લાગ્યા.
એમણે કહ્યું, ‘સસુરાલ નહીં જાઓગી તો ક્યા કરોગી?’ મેં કહ્યું, ‘પઢુંગી.’ મારા પિતાએ એ વાતને
તરત જ સ્વીકારી લીધી એટલું જ નહીં, મારા પિતાએ મારા સાસરાવાળાને ચોખ્ખી ના પાડી. એ
લોકો ગુસ્સામાં લગન તોડીને ચાલી ગયા… સમાજમાં ખૂબ બદનામી થઈ, પણ મારા પિતાએ મારી
ઈચ્છા વિરુધ્ધ મને સાસરે ન મોકલી. એ પછી મને કમચ્છાગઢ હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવી.
એ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનમાં મેં સત્યવાન સાવિત્રી બંનેનો રોલ કરીને બતાવ્યો. મારા પ્રિન્સિપાલ
એટલા પ્રભાવિત થયા કે, એમણે મને દસ વર્ષની ઉંમરે આખી નૃત્ય નાટિકાનું નિર્દેશન અને મુખ્ય
પાત્ર મને સોંપી દીધું.

એ પછી મારું શિક્ષણ અને નૃત્ય સાથે સાથે ચાલતાં રહ્યાં.

હું શંભુ મહારાજ પાસે મારા નૃત્યની રિયાઝ કરતી હતી તે પેલા સિનેમાવાળાઓએ
જોયું ને એમણે મને મહિને 400 રૂપિયાના પગારે નોકરી પર રાખી લીધી. ‘ઉષાહરણ’ના શૂટિંગ માટે
મારા પિતાજી, શંભુ મહારાજ, ગોપીકૃષ્ણ, હું એમ અમે બધાં મુંબઈ આવી ગયાં. ને પછી અહીં જ
રહ્યાં. તે વખતે તારદેવ પર રહેતાં. એ વખતે મારી ઉંમર બાર વર્ષની હતી. એ ચિત્ર જોઈને બીજા
સ્ટુડિયોવાળા પણ મને બોલાવવા લાગ્યા.

12 વર્ષની ઉંમરે મેં પહેલી ફિલ્મ કરી જે નિરંજન શર્મા નામના ફિલ્મ નિર્માતા અને
નૃત્ય નિર્દેશકની ફિલ્મ હતી, ફિલ્મનું નામ હતું, ‘ઉષાહરણ’. ઉષાહરણ બને તે પહેલાં ‘શહેર કા જાદુ’
નામની ફિલ્મમાં પણ મેં કામ કર્યું. એ પછી ‘વતન’, ‘નગીના’, ‘રોટી’, ‘અંજલિ’, ‘મધર ઈન્ડિયા’ જેવી
ફિલ્મોમાં કથક નૃત્ય કર્યું. 1930ના દશકથી કેટલી બધી ફિલ્મો માટે મેં કોરિયોગ્રાફી કરી. જેમાં મધર ઈન્ડિયાના
‘હોલી’ ગીતમાં મારું નૃત્ય આજે પણ લોકો ભૂલી નથી શકતા… મેં લગભગ 23 હિન્દી ફિલ્મોમાં
કામ કર્યું અને 70થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી-નૃત્ય નિર્દેશન કર્યું. મધર ઈન્ડિયામાં મેં છોકરાના
રોલમાં ડાન્સ કર્યો હતો. ફિલ્મોની ઓફર તો આવતી રહી, પરંતુ મને લાગ્યું કે એનાથી મારા કથક પર
અને નૃત્યના રિયાઝ પર બહુ અસર પડે છે એટલે મેં આદરપૂર્વક ‘ના’ પાડવાની શરૂ કરી…

કથક નહીં છોડવાનું એક બીજું કારણ પણ છે. હું 16 વર્ષની થઈ ત્યારે મારા પિતાએ
એમના આરાધ્ય અને આપણા કવિવર ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર પાસે મને લઈને જવાનું નક્કી કર્યું.
અમે કલકત્તા ગયા અને 16 વર્ષની ઉંમરે મેં પહેલીવાર શાંતિનિકેતનમાં જાહેર નૃત્ય (પબ્લિક
પરફોર્મન્સ) કર્યું. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર મારા નૃત્યથી અત્યંત પ્રભાવિત થયા એટલું જ નહીં,
એમણે મને “નૃત્ય સામ્રાજ્ઞીની” કહીને ખૂબ સુંદર સાડી ભેટ આપી. એમણે મારું નામ પૂછ્યું, મેં કહ્યું,
‘ધનલક્ષ્મી.’ એમણે વહાલસોયું સ્મિત કરીને કહ્યું, ‘તું ધનલક્ષ્મી નથી, તારું નામ સિતારા હોવું
જોઈએ. નૃત્ય જગતનો ચમકતો તારો છે તું…’ એ દિવસથી સૌએ મને સિતારા કહેવાનું શરૂ કર્યું. હું
ધનલક્ષ્મી મટીને સિતારા બની ગઈ… એમણે મને કહેલું, ‘કલાની આરાધના સરળ નથી. લક્ષ્મી સતત
આકર્ષશે. પરંતુ હવે તું એટલું યાદ રાખજે કે તું ધનલક્ષ્મી નથી રહી, સિતારા બની ગઈ છે…’

કદાચ એટલે જ, સિનેમામાં કામ કરીને મળતી લક્ષ્મીથી વધારે મને ‘સિતારા’ના કથક
અને એની કલાસાધનામાં શ્રધ્ધા હતી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે અમારા એ ત્રણ દિવસના
શાંતિનિકેતનના નિવાસ દરમિયાન મને ‘સિતારા’ કહીને જ બોલાવી. પછી તો કોઈને યાદ પણ ન રહ્યું
કે, મારું નામ સિતારાદેવી નહીં, ધનલક્ષ્મી છે!

(કેટલાક અંશોઃ વર્ષા દાસના ઈન્ટરવ્યૂમાંથી સાભાર.)

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *