ભાગઃ 2 | જે જીવીએ એ સાચું જીવીઃ મને કદી અફસોસ નથી થયો

નામઃ જેઈન સેમોર ફોન્ડા
સ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સ
સમયઃ 2024
ઉંમરઃ 86 વર્ષ

હોલિવુડમાં કારકિર્દી બનાવવી સરળ નથી. કોઈ મેન્ટોર, કોઈ ગોડફાધર ન હોય તો
હોલિવુડમાં ટકી રહેવું અઘરું છે. 1960માં મારી બે ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ મને કામ મળતું નહોતું.
પેરિસમાં આર્ટનો કોર્સ કર્યા પછી મેં ફરી એકવાર એ તરફ જોયું, હોલિવુડ છોડીને પેરિસ જવાનો
વિચાર કરતી હતી એ જ વખતે મને લી સ્ટ્રેસબર્ગ મળ્યા. થિયેટરના મહાગુરૂ. એમણે મને કહ્યું,
‘છોડીને ભાગી જવાથી તું અંતે ક્યાંય નહીં પહોંચે. ટકી રહે… મહેનત કર. તારામાં ખૂબ ટેલેન્ટ છે. હું
માનું છું કે તને હોલિવુડની શ્રેષ્ઠ ફિલ્મો કરવાની તક મળશે.’ એમના આ શબ્દોએ મારામાં
આત્મવિશ્વાસનો સંચાર કર્યો. લી સ્ટ્રેસબર્ગ સાથે મેં બે નાટકો કર્યા. એ દરમિયાન મને ફિલ્મોમાં કામ
મળવાનું શરૂ થયું. ‘વૉક ઓન ધ વાઈલ્ડ સાઈડ’ ફિલ્મમાં મેં એક સેક્સવર્કરનો રોલ કર્યો, જેને માટે
મને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો. એ પછી ‘સન્ડે ઈન ન્યૂયોર્ક’ નામની એક ફિલ્મ મળી. આ બે
ફિલ્મોએ મારી કિસ્મત પલટી નાખી. એ પછી મને ‘ડૉ. ઝીવાગો’ નામની ફિલ્મ ઓફર કરવામાં
આવી જે ખૂબ પ્રચલિત રશિયન નવલકથા પર આધારિત હતી. મેં એ ફિલ્મ કરવાની ના પાડી કારણ
કે, હું 9 મહિના સુધી રશિયાના લોકેશન પર જઈને રહી શકું એમ નહોતી. 1965માં મને એક
જબરજસ્ત ફિલ્મ મળી. જેનું નામ હતું ‘કેટ દલાવ’ આ ફિલ્મને પાંચ ઓસ્કાર નોમિનેશન મળ્યા. લી
માર્વિનને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો અને બોક્સ ઓફિસ ઉપર એ ફિલ્મને એક વર્ષ સુધી 10
શ્રેષ્ઠ ફિલ્મોના ચાર્ટમાં સ્થાન મળ્યું. એ પછી તરત મને રોબર્ટ રેડફોર્ડ અને માર્લોન બ્રાન્ડો સાથે એક
એક્શન-ચેઈઝ ફિલ્મમાં કામ કર્યું. એ પછી રોબર્ટ રેડફોર્ડ સાથે મારી ગાઢ મિત્રતા થઈ ગઈ. એ જ વર્ષે
મેં ફ્રેન્ચ અને યુરોપિયન ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. હું પહેલી અમેરિકન ફિલ્મ સ્ટાર હતી, જે
પરદેશી-યુરોપિયન ફિલ્મમાં નગ્ન સીનમાં રજૂ થઈ. એ જ વર્ષે પ્લે બોય મેગેઝિનના ઓગસ્ટ,
1966ના ઈશ્યૂમાં મારી કેટલીક તસવીરો છપાઈ, જે ‘ધ ગેમ ઈઝ ઓવર’ના સેટ પર ચોરીછૂપીથી
લેવામાં આવી હતી. મેં મેગેઝિન અને ફોટોગ્રાફર્સ પર કેસ કરી દીધો. હું પહેલી અમેરિકન સ્ટાર હતી
જેણે પાપારાઝી પર કેસ કરવાની હિંમત કરી હતી. મને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, ‘તમને
ડર નથી લાગતો? એ લોકો તમને બોયકોટ કરી દેશે તો?’ ત્યારે મેં જવાબ આપેલો, ‘મારી કારકિર્દી
મારા પ્રેક્ષકોને લીધે છે. મારા પ્રેક્ષકોને મારા અંગત જીવન કરતાં વધુ રસ મારી ફિલ્મો અને એની
વાર્તાઓમાં છે એવું હું માનું છું.’ આ ઈન્ટરવ્યૂને ખૂબ ચગાવવામાં આવ્યો. થોડો વખત માટે પ્રેસ
મારાથી દૂર રહી, પરંતુ એ બહુ લાંબુ ચાલ્યું નહીં કારણ કે, એ પછીની મારી ફિલ્મો એક પછી એક
સફળતાના શિખરો સર કરતી ગઈ. ‘એની વેડનસડે’ 1966 અને ‘બેર ફૂટ ઈન ધ પાર્ક’ 1966
(રોબર્ટ રેડફોર્ડ), 1961માં એક સાયન્સ ફિક્શન અને 1959માં મારી એક સાથે ચાર ફિલ્મો રજૂ થઈ.
એ પછી પ્રેસને મારાથી દૂર રહેવું પોષાય એમ નહોતું, એટલે એમણે પણ રિવ્યૂ કરવાની શરૂઆત કરી
દીધી.

70ના દાયકામાં મેં સૌથી સુંદર ફિલ્મો કરી, જે વિવેચકોએ પણ વખાણી. મારો પહેલો
એકેડેમી એવોર્ડ મને 1971માં મળ્યો. જેમાં મેં ખૂબ ઊંચી કિંમત વસૂલ કરતી કોલગર્લનો રોલ કર્યો
હતો, એ પછી એક સાયકો થ્રિલર અને પછી અનેક બીજી ફિલ્મો સાથે 70થી 80નો સમય ખૂબ સારો
રહ્યો. વિવેચકોએ પણ મારા કામના ખૂબ વખાણ કર્યા. ‘ક્લ્યૂટ’ અને ‘ફન વિથ ડિક એન્ડ જેઈન’ મારે
માટે અભૂતપૂર્વ સફળતા લઈ આવી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં મારા વિશે છપાયું, ‘વિતેલા સમયની એક
વ્યક્તિને આવી રીતે જીવંત કરવી એ દરેકની આવડત નથી. ફરી એકવાર જેઈન ફોન્ડાએ અદભૂત
અભિનેત્રી તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી છે.’

મેં ત્રણ પુસ્તકો લખ્યાં છે, જેમાં બે મારી આત્મકથા છે. પહેલું પુસ્તક મેં લખ્યું ત્યારે હું
પ્રમાણમાં અણસમજુ અને જીવનના સાચા રહસ્યથી અજાણ હતી. એ વખતે અભિનેત્રી હોવું એ જ
મારા જીવનનું ધ્યેય અને સફળતા હતા ત્યારે મેં મારી આત્મકથા લખી, ‘પ્રાઈવેટ લાઈફ ઓફ અ
પબ્લિક વુમન.’ જેમાં દિલ ખોલીને મેં મારા સંબંધો, જીવન અને સંઘર્ષની વાતો લખી હતી, પરંતુ એ
બધું હોલિવુડની આસપાસ ફરતું રહ્યું. મારી ફિલ્મોને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ આત્મકથા થોડા
વખત પછી મને અધૂરી લાગવા માંડી. મને લાગ્યું કે, એમાં હું ઘણી વધુ અને મહત્વની વિગતો ચૂકી
ગઈ છું… હું આવી જ છું. એકવાર કરેલા કામને વધુ સારી રીતે કેમ કરી શકાય એનો વિચાર મને
હંમેશાં આવતો રહ્યો છે… એવી જ રીતે મારી આત્મકથાને મેં ફરીથી લખવાનો પ્રયાસ કર્યો, ‘માય
લાઈફ સો ફાર.’ આ વખતે મેં મારી અધ્યાત્મિકતા અને નાસ્તિકતામાંથી આસ્તિકતાના પ્રવાસની
સાથે સાથે મારા વ્યક્તિગત વિકાસને પણ નજરમાં રાખ્યો માટે કદાચ, આ આત્મકથા વધુ સાચી અને
રસપ્રદ પૂરવાર થઈ છે.

18 વર્ષની ઉંમરે મેં પહેલો શરીર સંબંધ એક્ટર જેમ્સ ફ્રેન્સીકસ સાથે બાંધ્યો. હું બહુ નાની
હતી. ફિલ્મી કારકિર્દી હજી શરૂ થઈ રહી હતી. આ એવો સમય હતો જ્યારે મને લાગતું હતું કે,
હોલિવુડમાં કોઈ મેન્ટોર કે ગોડફાધર હશે તો મારો પ્રવાસ વધુ સરળ બની જશે, પરંતુ એવું કંઈ થયું
નહીં. જેમ્સે મારી કોઈ ખાસ મદદ કરી નહીં. હું એવું તો નહીં કહું કે, એણે મારો ઉપયોગ કર્યો, પરંતુ
એટલું ચોક્કસ કહીશ કે મારાથી 20 વર્ષ મોટા એવા એ સફળ અભિનેતાને શરૂઆતથી જ મારી મદદ
કરવામાં કે મારી કારકિર્દીને ઘડવામાં કોઈ રસ નહોતો! એ પછી 1960ના દાયકામાં હું ઓટોમોબાઈલ
રેસિંગના મેનેજર જિયોવાની વોલોપીને મળી. ખૂબ સારો માણસ હતો. એનો રસ ઓટોમોબાઈલ
સિવાય વિશ્વની બીજી કોઈ ચીજમાં નહોતો. થોડો વખત માટે અમે ડેટિંગ કર્યું, પરંતુ પછી મને
સમજાયું કે, અમારા રસના વિષયો-માનસિકતા અને સમય પણ, એકબીજા સાથે મેળ ખાતા નહોતા.
પ્રોડ્યુસર જોર્જ એન્ટોનિયો સેન્ડસ અને સેન્ડી વાઈટ લો સાથે થોડો વખત માટે હું નજીક આવી.
એક્ટર્સ વોરેન બેટ્ટી, પીટરમેન, ક્રિશ્ચયન માર્કંડ અને વિલિયમ પણ એક પછી એક મારી નજીક
આવ્યા અને દૂર થઈ ગયા. અહીં મારે એક વાત કહેવી છે, અમેરિકાના ટેબ્લોઈડ્સ અને ગોસિપ
મેગેઝિન મારા આ સંબંધો વિશે, એલફેલ લખતા હતા. અવારનવાર મારી અંગત તસવીરો પ્રકાશિત
થતી, પરંતુ જ્યારે એ સંબંધ તૂટતો કે હું મારી નિકટની વ્યક્તિ-પ્રિયજનથી દૂર થતી ત્યારે જે હાર્ટબ્રેક
થતો, મને જે પીડા થતી એ વિશે ક્યારેય કોઈએ લખ્યું નહીં. સંબંધ લાંબો ટકે કે ટૂંક સમયમાં પૂરો થઈ
જાય, કોઈપણ વ્યક્તિ સાથેનો આપણો સંબંધ લાગણીસભર તો હોય જ છે. ભલે ટૂંકાગાળા માટે,
પરંતુ આપણે સાચા હોઈએ છીએ, પ્રેમમાં હોઈએ છીએ… એ સમય દરમિયાન આપણે આપણા
સંપૂર્ણ અસ્તિત્વથી પ્રેમ કરીએ છીએ. આવો કોઈપણ સંબંધ તૂટે ત્યારે પીડા થાય છે, પરંતુ જે લોકો
આવા સંબંધોને માત્ર ગોસિપ તરીકે જુએ છે એમને આવી સંવેદનશીલ વાતોમાં રસ નથી હોતો.
એમને તો માત્ર બધું જ ચગાવવું હોય છે-એમનું અખબાર વેચવું હોય છે. 1963માં હું ડિરેક્ટર રોજર
વેડિમને મળી. મને લાગ્યું કે, અમે એકબીજાને સમજી શકીએ છીએ. અમારા વિચારો એક છે. ખૂબ
ટૂંકાગાળામાં અમે નજીક આવી ગયા તેમ છતાં, મારા પાછલા અનુભવોને કારણે મેં થોડું અંતર
રાખવાનું પસંદ કર્યું. લગભગ બે વર્ષના ડેટિંગ પછી 1965માં ઓગસ્ટ, 14 તારીખે અમે
લાસવેગાસમાં લગ્ન કર્યા. 1968માં મેં એક દીકરીને જન્મ આપ્યો. વેનેસા વેડિમ. જાણીતી
એક્ટિવિસ્ટ વેનેસા રેડગ્રેવના નામ પરથી અમે અમારી દીકરીનું નામ પાડ્યું. અમારા જીવનનો આ
ઉત્તમ સમય હતો, પરંતુ 1970માં અમારા મતભેદ ધીમેધીમે સપાટી પર આવવા લાગ્યા. પાર્ટીમાં કે
કાર્યક્રમોમાં અમે જુદા જુદા જતાં, આ વાત ટેબ્લોઈડ્સથી છાની ન રહી શકી. શરૂઆતમાં મેં આવી
ગોસિપને ખૂબ નકારી, બલ્કે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ જાહેરાત કરી કે અમે હજી છુટ્ટા નથી પડ્યા,
પરંતુ 1972માં અંતે મારે સ્વીકારવું પડ્યું કે, કાયદેસર છૂટાછેડા નથી થયા, પણ અમે હવે એક સાથે
નથી રહેતા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *