ભાગઃ 2 | હું ત્વચાથી અશ્વેત છું, પણ દિલથી અમેરિકન છું

નામઃ કમલા હેરિસ
સ્થળઃ વોશિંગ્ટન ડીસી
સમયઃ 2024
ઉંમરઃ 59 વર્ષ
કોણે ક્યાં જન્મ લેવો, એની ચોઈસ કોઈને મળતી નથી. ત્વચાનો રંગ, વાળનો રંગ, આંખનો
રંગ કે કયા દેશમાં, કયા રાજ્યમાં જન્મ લેવો એની ચોઈસ પણ કોઈને મળતી નથી. મારે શ્વેત
પરિવારમાં જન્મ લેવો કે અશ્વેત, એનો નિર્ણય મેં નથી કર્યો… તેમ છતાં મને મારી ત્વચાના રંગને
કારણે ઘણો અન્યાય થયો છે. હું ફરિયાદ કરવામાં કે વિક્ટિમકાર્ડ પ્લે કરવામાં માનતી નથી, મને લાગે
છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવન અને એની સાથે જોડાયેલા પરિણામોનો ભાર જાતે જ ઉપાડવો
પડે.

મારા અને વિલિ બ્રાઉનના સંબંધો વિશે મેં કંઈ છુપાવ્યું નથી. બે સિંગલ લોકો એકમેકને ડેટ
કરતાં હતા, લાંબો સમય સુધી અમે મળતાં હતા, પછી અમારા વિચારો એક ન રહી શક્યા. કેટલીક
બાબતોમાં મતભેદ થવા લાગ્યા અને પછી ઝઘડા પણ થયા. અમારી વચ્ચે 30 વર્ષનો ફેર હતો.
સ્વાભાવિક છે કે, એમના વિચારો અને મારા વિચારો અલગ જ હોય. શરૂઆતમાં મને વિલિ બ્રાઉન
બહુ મોહક અને બુધ્ધિશાળી વ્યક્તિ લાગતા હતા, પરંતુ હું જેમ મોટી થવા લાગી, વિશ્વ સાહિત્ય
વાંચવા લાગી. અમેરિકાનું રાજકારણ અને ન્યાયની પ્રક્રિયા સમજવા લાગી તેમ તેમ મને લાગ્યું કે
વિલિ હજી પોતાના જૂના વિચારોમાંથી નીકળી શકતા નથી. હું પરંપરાઓને આદર આપું છું, પણ
રૂઢિઓનો વિરોધ કરું છું. વિલિ થોડા જૂના વિચારોના અને રૂઢિચુસ્ત વ્યક્તિ પૂરવાર થયા, અમે છૂટા
પડ્યા. એ વખતે મીડિયાએ અમારા એ સંબંધને ખૂબ ચગાવ્યો. સાથે એમ પણ કહ્યું કે, મારી જે કંઈ
પ્રગતિ થઈ છે એ વિલિ બ્રાઉન સાથેના મારા સંબંધો, એની રખાત હોવાને કારણે થઈ છે! કોને કોને
ચૂપ કરાવી શકીએ?

હું જ્યારે 2002માં હોલિનન અને બિલ ફૈજિયોની સામે સાન ફ્રાન્સિસ્કોના જિલ્લા એટર્ની
તરીકે ચૂંટણીમાં ઊભી રહી ત્યારે મને કોઈ ઓળખતું નહોતું, પરંતુ મને 37 ટકા વોટ મળ્યા. એ
ખુરશી પર બેસીને મેં એક જબરજસ્ત અભિયાન ચલાવ્યું, જેમાં મારી સાથે અનેક લોકો જોડાયા.
મેયર વિલિ બ્રાઉન, સેનરટી ડિયાન ફેનસ્ટીન, કાર્ટુનિસ્ટ આરોન મેક ગ્રુડન, કોમેડિયન એલી ગ્રિફીન
જેવા અનેક લોકોએ મારો સાથ આપ્યો. રાજ્યમાં એ વખતે 83 ટકા સજાનો દર હતો. જેમાંથી હું
52 ટકા પર લઈ આવી. વગર લાઈસન્સના હથિયારોનો અમે વિરોધ કર્યો. એટલું જ નહીં, 74માંથી
27 લાંબા ચાલેલા કેસને મેં પૂરા કર્યા. 2004થી 2006 દરમિયાન મેં 90 ટકા ક્રાઈમ ઓછો કરાવ્યો.
કડક હાથે કામ લઈને પોલીસને પ્રોત્સાહિત કર્યા. સાન ફ્રાન્સિસ્કો પોલીસ ડિપાર્ટમેન્ટના
અધિકારીઓને આ કામ માટે શ્રેય આપ્યો. એમને ઈનામો આપ્યા અને એમના પરિવારને વધુ સારી
સુવિધા મળે એવા પ્રયાસો કર્યા.

સ્કૂલમાં એલજીબીટી બાળકો અને કિશોરોની વિરુધ્ધ જે અપરાધો થતાં હતા તે અને એમના
પરત્વેની ઘૃણા ઘટાડવા માટે એક નફરતથી પ્રેરાતા અપરાધ વિરુધ્ધ બોર્ડ બનાવ્યું. એક 17 વર્ષીય
ટ્રાન્સજેન્ડર કિશોરીની હત્યા ફક્ત તિરસ્કાર અને ઘૃણાને કારણે કરવામાં આવી. જે જઘન્ય અપરાધ
હતો. મેં 200 જેટલા કાયદાના અમલ કરતાં અધિકારીઓનો બે દિવસનો સેમિનાર કર્યો અને એ
પછી કેલિફોર્નિયાના કાયદામાં પૂર્વગ્રહ સાથે કરવામાં આવેલી હત્યા કે ઘૃણાના કારણે કરવામાં આવેલી
હત્યા માટે કડક સજા નિશ્ચિત કરી. હું તો મારું કામ કરી જ રહી છું. લગભગ સૌને લાગે છે કે, હું
બહુ ઝડપથી આગળ વધી રહી છું. 2007માં મેં ગન શો પર પ્રતિબંધ મૂક્યો ત્યારે અનેક લોકોએ મારો
વિરોધ કર્યો, પરંતુ મેં એ ગન શો ન જ થવા દીધો. એ પછીના સમયમાં મેં પેરોલ વગરની આજીવન
કારાવાસ સજાના સમર્થન માટે મોટી સહી ઝુંબેશ ઉપાડી. મારું કહેવું હતું કે, મોતની સજાને બદલે
માણસને જીવવાનો અધિકાર મળવો જોઈએ. અમેરિકી સેનેટર અને પોલીસ ઓફિસર્સ
એસોસિએશન મારી વિરુધ્ધમાં હતા. મારા પર બહુ જ મોટું દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં
આવ્યો, પરંતુ મેં મતદાનની માંગ કરી… અંતે, જાહેર જનતાના મતદાનને 70 ટકા લોકોએ મારા
નિર્ણયને સમર્થન આપ્યું!

હું લોકોનું મન જાણું છું, સમજી શકું છું કારણ કે, હું લોકોની વચ્ચે ઉછરી છું. હું જાણું છું કે,
જ્યારે જ્યારે કિશોર અપરાધમાં સંડોવાય છે ત્યારે દરેક વખતે એની જવાબદારી કિશોરની નથી
હોતી. કેટલાક માતા-પિતા પણ પોતાના સંતાનોને અવગણે છે. ડ્રગ્સ કે આલ્કોહોલની અસર હેઠળ,
પોતાના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોને કારણે કે આર્થિક સંકડામણને કારણે ઘણા માતા-પિતા
એમનો ગુસ્સો-ફ્રસ્ટેશન બાળકો પર કાઢે છે. 2008માં મેં 11 માતા-પિતા વિરુધ્ધ સમન્સ કાઢ્યો,
જેમના છોકરાઓ આખા વર્ષમાં 50થી પણ વધુ દિવસ સ્કૂલે નહોતા જઈ શક્યા. આ પહેલો પ્રયાસ
હતો જ્યારે સાન ફ્રાન્સિસ્કોમાં વિદ્યાર્થીઓ માટે માતા-પિતા પર મુકદમો ચલાવવામાં આવ્યો. એ
પછી આ માતા-પિતાએ કોર્ટમાં સ્વીકાર્યું કે એ એમના સંતાનોની જવાબદારી લેશે અને એમને
નિયમિત રીતે સ્કૂલે મોકલશે. નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન આગળ આવ્યા અને એમણે ‘માતા-
પિતા’ની જવાબદારી વિશેના કાયદામાં કેટલોક સુધારો કરવામાં મારી મદદ કરી. સાન ફ્રાન્સિસ્કોમાં
આવું પહેલીવાર બન્યું હતું કે, વર્ષો જૂના કાયદામાં આવા કોઈ કેસને કારણે સુધારો આવ્યો.

મને હંમેશાં ખોટી વાતો સામે વિરોધ રહ્યો છે. રેન્ટ ટુ મી, રિટેલર, આરોન ઈન્ક સામે
આરોપો લગાવવામાં આવ્યા. એમણે કારણ વગર ક્રેડિટ કાર્ડ પર લેટ ચાર્જ, ખોટા બિલો અને
ગોપનિયતાનું ઉલ્લંઘન કર્યું હતું. કેલિફોર્નિયાના ગ્રાહકોને 28.4 મિલિયન ડોલર પાછા મળ્યા અને
સૌના ખાતામાંથી કપાયેલા ખોટા પૈસા એમની પાસે પાછા ફર્યા. એ સમયે મને સમજાયું કે, સોશિયલ
સિક્યોરિટી, ગેસ કનેક્શન, ઈલેક્ટ્રીસીટી બિલ, ગાડીની ખરીદી કે હાઉસ મોર્ગેજ, ક્રેડિટ કાર્ડ જેવી
બાબતો માટે દરેક માણસ પોતાનો ડેટા આપે છે. આ ડેટાનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે. મેં
પહેલીવાર એ વિશે તપાસની માંગ કરી અને એ તપાસમાં 3.3 બિલિયન ડોલર કરદાતાઓના
ખાતામાં પાછા ફર્યા. એપલ, એમેઝોન, ગુગલ, હોલેટ પેકકાર્ડ, માઈક્રોસોફ્ટ અને રિસર્ચ ઈન મોશન
જેવી મોટી કંપનીઓ સાથે મેં એક કરાર કર્યો, જેમાં એક પણ અમેરિકન ગ્રાહકનો ડેટા આવી
કંપનીઓ બીજા કોઈને વેચતા પકડાય તો એમણે લાખોનો દંડ ભરવો પડશે. પહેલાં ફેસબુક અમારી
સાથે સહમત નહોતા, પરંતુ અંતે એમને પણ અમારી સાથે જોડાવવું પડ્યું. ડેટાની ચોરી અને પર્સનલ
ડિટેઈલ્સ શેર કરવાના ગુના બદલ દર વખતે 2500 ડોલરનો દંડ થશે એવી જાહેરાત કેલિફોર્નિયા
કોર્ટમાં કરવામાં આવી. જે અમારી સૌથી મોટી જીત હતી.

આ બધા સમય દરમિયાન મને લગ્ન કરવાનો વિચાર ના આવ્યો કારણ કે, હું મારી કારકિર્દીમાં
એટલી બધી વ્યસ્ત હતી કે, લગ્ન મારી પ્રાયોરિટીમાં નહોતા. થોડો સમય માટે મેં મોન્ટેલ
વિલિયમ્સને ડેટ કર્યો, પરંતુ મને એક વાત સમજાઈ કે, મોન્ટેલ પોતાના જીવનની સ્ત્રી પાસે ખૂબ
અપેક્ષાઓ રાખતો હતો. હું મારું જાહેરજીવન છોડીને, જવાબદારીઓ છોડીને એની સાથે વેકેશન પર
ન જ જઈ શકી એ વાત કદાચ એને સમજાઈ નહીં. અમે થોડાક જ સમયમાં છૂટા પડી ગયા. એ
ગાળામાં 2013માં મારા એક મિત્રએ મારે માટે એક બ્લાઈન્ડ ડેટ સેટઅપ કરી. જોકે, હું બહુ
એક્સાઈટેડ નહોતી, પરંતુ જરા ચેન્જ મળશે કે જીવનની આ ભાગદોડ અને રોજિંદા પ્રશ્નોમાંથી
થોડો સમય માટે મજા કરી શકાશે એમ વિચારીને મેં હા પાડી. એ ડેટ ઉપર હું ડોર્જ એમ્હોફને મળી.
એ પણ લૉનો સ્ટુડન્ટ હતો. વિચક્ષણ અને સારી રમૂજવૃત્તિ ધરાવતો હતો. અમે તરત જ મિત્રો બની
ગયા. ડેટ કરતાં વધારે અમારે માટે એ એક સારી મિત્રતાની શરૂઆત હતી.

અમે ધીમે ધીમે નિકટ આવ્યા અને માર્ચ, 2014માં અમે એન્ગેજમેન્ટ કર્યા. ઓગસ્ટ,
2014માં અમે લગ્ન કર્યા ત્યારે મને સમજાયું કે, હું આવા જ કોઈ પારિવારિક વ્યક્તિની શોધમાં હતી.
પહેલા એલા જન્મી અને પછી કૉલ. અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટના આ પહેલા જ્યૂઈશ જીવનસાથી
છે. અત્યાર સુધી કોઈ પ્રેસિડેન્ટ કે વાઈસ પ્રેસિડેન્ટના જીવનસાથી જ્યૂઈશ નથી રહ્યા. અમેરિકન
ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણમાં જ્યૂઈશ લોકોનો ઘણો પ્રભાવ છે. ખાસ કરીને, ન્યાયતંત્રમાં
જ્યૂ લોકો ઘણા આગળ છે. ડોર્જ પણ એક લો ગ્રેજ્યુએટ અને બેરિસ્ટર છે. મારા રાજકીય જીવનથી
એમને કોઈ ફરક નથી પડતો, એ પોતાનું કામ પોતાની રીતે કરે છે અને પરિવારને પૂરતો સમય આપે
છે. જે મારી મુખ્ય જરૂરિયાત છે. અમે ખૂબ સારા માતા-પિતા પૂરવાર થયાં. લાંબા લગ્નજીવન પછી
આજે જ્યારે હું પ્રેસિડેન્સિયલ ઈલેક્શનની દોડમાં વ્યસ્ત છું, મારી કારકિર્દીને એક નવો વળાંક
આપવાની તૈયારીમાં છું ત્યારે ડોર્જ મારી સાથે-સંપૂર્ણ સહકાર અને સ્નેહથી ઊભા છે.

હું ચૂંટણી જીતીશ કે હારીશ એની મને નથી ખબર, પરંતુ પહેલી અશ્વેત મહિલા તરીકે મેં
હિંમત કરી છે… પહેલી એશિયન અમેરિકા મહિલા તરીકે મેં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઝુકાવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પોતાની રાજકીય રમતો છે. કોણ જીતશે અને કોણ હારશે એનો નિર્ણય તો
નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં થશે, પરંતુ આજે હું એક હિંમતવાન અને મહિલાઓના
અધિકારો માટે લડનારી સ્ત્રી તરીકે ઊભી છું… જીવનભર ઊભી રહીશ.

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *