ભાગઃ 2 | સ્વતંત્રતા સેનાનીઃ 18 વર્ષની છોકરી સેનાપતિ

નામઃ જૉન ઓફ આર્ક
સ્થળઃ રૂઆન, ફ્રાંસ
સમયઃ 24 મે, 1431
ઉંમરઃ 19 વર્ષ

જેલની આ કાળમીંઢ દિવાલોની વચ્ચે હું કેદ છું, પણ એથી ફ્રાંસને સ્વતંત્ર કરવાનું મારું
સ્વપ્ન કેદ નહીં કરી શકું. આજે અમારા રાજા ચાર્લ્સ કે ઈંગ્લેન્ડના રાજા હેનરી સાતમા, મારે વિશે કંઈ
પણ વિચારે કે લોકોના મનમાં મારી વિરુધ્ધ ગમે તેટલી કડવાશ અને ભય જગાડે-મને ખાતરી છે કે,
ઈતિહાસ મને એક સ્વાતંત્ર્યસેનાની તરીકે યાદ રાખશે, એક વીરાંગના તરીકે, એક યુધ્ધવીર અને
શહીદ તરીકે આવનારી પેઢીઓ મારી કથામાંથી પ્રેરણા લેશે. નવાઈની વાત એ છે કે, 19 વર્ષની ઉંમરે
જ્યારે હજી ફ્રાંસની છોકરીઓ લગ્ન માટે મૂરતિયા જોતી હોય, પારિવારિક સંમેલનોમાં કે
જાહેરસમારંભોમાં આવી છોકરીઓના માતા-પિતા યોગ્ય મૂરતિયા અને પરિવારને નજરમાં ‘રાખતા
હોય ત્યારે હું પાંચ યુધ્ધો લડીને ફ્રાંસની વીરાંગના તરીકે મારી ઓળખ ઊભી કરીને જેલમાં બેઠી છું.’

આજે, મારી પાસે મારા અપરાધની માફી માગતા પત્ર ઉપર સહી કરાવી લીધી છે. એમણે
મને જીવતી સળગાવી દેવાનો ભય બતાવ્યો. હું ડરી ગઈ અને એક ક્ષણે તો મેં પત્ર સહી કરી આપ્યો,
પરંતુ હવે મારી કાળકોટડીમાં પાછી ફરીને વિચારું છું ત્યારે મને સમજાય છે કે, એમણે મારા પર જે
આરોપો લગાવ્યા એ બધા નકામા અને પાયા વગરના છે. પુરુષ વેશ પહેરવો, યુધ્ધ કરવું,
ભવિષ્યવાણી કરવી, કોઈ ન જીતી શકે એવું યુધ્ધ જીતી બતાવવું, સ્ત્રી હોવા છતાં ગૌરવ અને
હિંમતભેર જીવવાનો દાખલો બેસાડવો કે પછી મારી સંતો સાથે સીધી વાતચીત થાય છે એ વાત
જાહેર કરવી, આમાંથી કોઈ વાતને ‘ગુનાહ’ તરીકે સાબિત કરી શકાય એમ નથી.

નવાઈની વાત એ છે કે, ફ્રાંસની જનતામાં પણ બે ભાગ પડી ગયા છે. કેટલાક લોકો માને છે
કે, હું ડાકણ છું. મેં ભૂતપલિત, જીનને વશ કર્યા છે. જેને કારણે હું આવી રીતે અઘરાં અથવા અશક્ય
લાગતા યુધ્ધો રમતમાં જીતી લઉ છું. આ એવા ભોળા અને અંધવિશ્વાસુ લોકો છે, જેમના મગજ
બદલવામાં ચર્ચ ઓફ ઈંગ્લેન્ડને ઝાઝી તકલીફ પડી નથી. આ લોકો મારી વિરુધ્ધ છે. એ માને છે કે હું
ફ્રાંસ માટે ખતરો પૂરવાર થઈશ, જ્યારે બીજા ભાગના લોકો મને દેશભક્ત, વીરાંગના અને ફ્રાંસની
એક સાચી સૈનિક, સેવક માને છે. એ લોકો મારી વીરતા અને ફ્રાંસ માટેના મારા આદરને માન આપે
છે, જોકે એમનું કંઈ ચાલશે નહીં. આજે 24મી મેએ મેં સહી કરેલા કાગળમાં ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના
પાદરી અને હેનરી સાતમાએ મારી પાસે લખાવી લીધું છે કે, હું ગુનેગાર છું. જોકે, આવતીકાલે સવારે
જ્યારે મને રાજ્ય દરબારમાં પેશ કરવામાં આવશે ત્યારે હું એ વાત નકારી દેવાની છું એવું મેં હમણા
જ નક્કી કર્યું છે. હવે એ લોકો મને જે સજા કરે તે સ્વીકારવા હું માનસિક રીતે તૈયાર થઈ ગઈ છું.
હજી હમણા જ મારા સ્વપ્નમાં આવેલા સેન્ટ માઈકલ અને સેન્ટ કેથરિને મને કહ્યું છે કે, ઈસુ પણ
જો ક્રોસ પર ચઢ્યા હોય તો મારે મૃત્યુથી શા માટે ડરવું જોઈએ! એમની વાત સાચી છે, હું હવે
મૃત્યુથી ડરીશ નહીં બલ્કે, મારું મૃત્યુ મને અસામાન્ય અને મહાન બનાવશે એવી મને ખાતરી છે.

મારું બાળપણ અસામાન્ય નહોતું, હું કોઈ એક સીધીસાદી ફ્રેંચ છોકરી જેવી જ હતી, પરંતુ
હું સંતો સાથેની સ્વપ્નમાં થતી વાતચીતને કારણે આજે હું અડધા ફ્રાંસને અંગ્રેજોની હકુમતમાંથી
મુક્ત કરાવી શકી છું એ વાતનો મને આનંદ છે. ફ્રેંચ કમાન્ડરે મને એક નાનકડા સૈન્ય સાથે પુરુષ વેશે
ચિનોન મોકલી જ્યાં અમારા રાજા ચાર્લ્સ સાથે મારી મુલાકાત થઈ. એકાંતમાં થયેલી એ મુલાકાતમાં
મેં એમને સંતોનો સાક્ષાત્કાર કરાવ્યો અને ખાતરી આપી કે, હું એમને અંગ્રેજ હકુમતમાંથી મુક્ત
કરાવવામાં મદદ કરીશ. મેં એમની પાસે પરવાનગી માગી કે હું ઓર્લિયોન્સ જનારી સેનામાં જોડાઈ
જાઉ. હવે ચાર્લ્સને મારા પર ભરોસો હતો. એમણે મને પરવાનગી આપી અને ચિનોનના લોકોએ મને
ઘોડો, બખ્તર, હથિયારો અને શુભેચ્છાઓ સાથે ઓર્લિયોન્સ તરફ વળાવી.

એ વખતે મને જે બખ્તર આપવામાં આવ્યું એ ‘વ્હાઈટ આર્મર’ તરીકે ઓળખાય છે, પરંતુ
ખરેખર એનો રંગ વ્હાઈટ નહોતો. એને વ્હાઈટ એટલા માટે કહેવામાં આવતું હતું કારણ કે, એ
બખ્તર ઉપર રાજા-મહારાજાના બખ્તરોની જેમ કોઈ શણગાર કે ચાંદતારા જડ્યા નહોતા. હું એ સાદું
બખ્તર પહેરીને ઓર્લિયોન્સની લડાઈમાં જોડાઈ ગઈ. અમે જ્યારે ઓર્લિયોન્સ પહોંચ્યા ત્યારે
ઓર્લિયોન્સના કિલ્લામાં થોડાક ફ્રેંચ સૈનિકો ફસાયા હતા, ઈંગ્લેન્ડની સેનાએ ઓર્લિયોન્સને ચારે
તરફથી ઘેરી લીધું હતું. અંદર ફસાયેલા સૈનિકો પાસે ખાવા માટે અનાજ અને પીવા માટે પાણી સુધ્ધાં
નહોતું, દારૂગોળો કે હથિયારો પણ ખતમ થઈ ગયા હતા. સત્ય તો એ હતું કે, વારંવાર થતી નામોશી
ભરી હાર અને અંગ્રેજોએ કરેલા ભયાનક નુકસાનને કારણે ફ્રાંસના સૈનિકોની નૈતિક હિંમત અને ધૈર્ય
ખૂટી ગયાં હતાં. એ સાંજે મેં સૈનિકોને એક ભાષણ આપ્યું. જેમાં મેં એમને કહ્યું કે, ‘આ યુધ્ધ માત્ર
ફ્રાંસ અને ઈંગ્લેન્ડ વચ્ચે નથી બલ્કે, આપણા સૌની ધાર્મિકતા, નૈતિકતા અને સ્વતંત્રતા માટે
ઝઝૂમવાનો આ સમય છે.’ મારા એ ભાષણથી ફ્રેંચ સૈનિકોમાં ઉત્સાહની નવી લહેર જાગી, અમે
અંગ્રેજોના ઘેરાને ચીરીને ઓર્લિયોન્સના કિલ્લામાં દાખલ થયા અને ફસાયેલા સૈનિકોને પૂરવઠો પૂરો
પાડ્યો. સહુ ઉત્સાહમાં આવી ગયા…

અંગ્રેજોએ ઓર્લિયોન્સના કિલ્લામાં બનાવેલા ત્રણ કોટ અમે એક પછી એક તોડી પાડ્યા અને
ઓર્લિયોન્સનો કિલ્લો જીતી લીધો. એ દરમિયાનમાં મને જીવલેણ ઈજા થઈ, તેમ છતાં મેં યુધ્ધ
અટકવા દીધું નહીં. સહુ મને વીરાંગનાના સ્વરૂપે જોવા લાગ્યા. એ વખતે ફ્રાંસમાં બર્ગંડી અને
લોયરના બે ભાગ પડી ગયા હતા. કેટલાક લોકો ફ્રાંસમાં હોવા છતાં અંગ્રેજોના પક્ષમાં હતા. એ
લોકોને લાગતું હતું કે, વારંવાર યુધ્ધ કરવાને બદલે અંગ્રેજોની શરણાગતિ સ્વીકારીને શાંતિથી રહેવું
વધુ યોગ્ય છે તો બીજી તરફ, મારા જેવા દેશભક્ત સ્વાતંત્ર્યપ્રેમી ફ્રેંચ લોકો હતા, જેમને કોઈપણ
સંજોગોમાં શરણાગતિ સ્વીકાર્ય નહોતી!

એ સમયે ચાર્લ્સ વેન્કુઅરમાં સંતાયા હતા. મેં રેહ્મ્સને મારું નિશાન બનાવ્યું. રેહ્મ્સનો કિલ્લો
ફ્રાંસિસી ઈતિહાસનો સાક્ષી હતો. અહીં કેટલીયે સદીઓથી ફ્રેંચ રાજાઓના રાજ્યાભિષેક થતા હતા.
રેહ્મ્સના કિલ્લા પર હુમલો કરીને મેં એ જીતી લીધો એટલું જ નહીં, ચાર્લ્સને વેન્કુઅરથી લાવીને
રેહ્મ્સના કિલ્લામાં એમનો રાજ્યાભિષેક કર્યો. એ ચાર્લ્સ સાતમા, કિંગ ઓફ ફ્રાંસ તરીકે ઓળખાયા.
ચાર્લ્સને જ્યારે પાટવી કુંવર ઘોષિત કરવામાં આવ્યા ત્યારથી જ ફ્રાંસની અર્થવ્યવસ્થા અને જીવન
ખોરવાયેલાં હતાં. પહેલી વખત ચાર્લ્સ રેહ્મ્સના કિલ્લામાં એક રાજાના આદર અને ગૌરવ સાથે
પ્રવેશ્યા, એ માટે એમણે મારો આભાર માન્યો એટલું જ નહીં, મારા પરિવારોને જમીનો, મકાન,
સોનામહોરો અને ખૂબ બધી ભેટ આપી.

હું અહીંથી અટકવાની નહોતી. મારે તો સમગ્ર ફ્રાંસને ઈંગ્લેન્ડના શાસન અને ભયમાંથી મુક્ત
કરવો હતો. મેં અમારા રાજા ચાર્લ્સ સાતમા પાસે પેરિસ પર આક્રમણ કરવાની પરવાનગી માગી.
એમણે પરવાનગી તો આપી, પરંતુ અમારી સાથે કેટલાક બર્ગંડીના સૈનિકો પણ ભળ્યા. મને સ્વપ્ને
પણ કલ્પના નહોતી કે, અમારી સાથે આવવાનો એમનો ઉદ્દેશ યુધ્ધ કરીને ફ્રાંસને જીતાડવાનો નહીં,
બલ્કે દગો કરીને મને પકડાવી દેવાનો હતો!

બર્ગંડીના ડ્યૂકને ચાર્લ્સ સાતમા પાટવી બન્યા ત્યારથી એમની સામે વિરોધ હતો. એમણે એ
વિરોધ જાહેરમાં પ્રગટ કર્યો હતો એટલું જ નહીં, બલ્કે ચાર્લ્સ પાટવી કુંવરમાંથી રાજા ન બને એ માટે
ડ્યૂક ઓફ બર્ગંડી સતત ખટપટો કરતા રહેતા. એમણે સામેથી પેરિસ જીતવા માટે પોતાના સૈનિકો
અમારી સાથે મોકલવાની ઈચ્છા દર્શાવી ત્યારે મને લાગ્યું કે, એમનું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને
હવે એ કિંગ ઓફ ફ્રાંસને પોતાનો સહકાર આપવા તૈયાર થયા છે, પરંતુ એ અમારી ભૂલ હતી.

બર્ગંડીના સૈનિકોએ પેરિસના માર્ગમાં અમને આતર્યા. અમારી સાથે આવેલા સૈનિકોએ
અમારા અન્ય સૈનિકો પર હુમલો કરી દીધો અને બર્ગંડીના જે સૈનિકોએ અમને ઘેરી લીધા હતા
એમની સાથે મળીને એમણે મને પકડી લીધી. મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે જે દેશ માટે હું યુધ્ધ
કરી રહી છું એ જ દેશના એક નાનકડા રજવાડાંનો રાજા આવી રીતે દગો કરીને મને પકડી લેશે. આ
ખુલ્લો બળવો હતો, કિંગ ઓફ ફ્રાંસની સામે.

મને જેલમાં નાખવામાં આવી. ફ્રાંસમાં મારી સત્તા સ્થાપવા માટે હું આ યુધ્ધ કરી રહી છું
એવો આક્ષેપ કરીને ચાર્લ્સ સાતમાને પણ મારી વિરુધ્ધ ભડકાવવામાં આવ્યા. એમણે મારો સાથ
આપવાને બદલે ચૂપ રહેવાનું મુનાસિબ માન્યું.

હું અત્યારે જેલમાં છું. આ કાળમીંઢ દિવાલો અને સળિયાની પાછળ… બહાર, ચર્ચ ઓફ
ઈંગ્લેન્ડ, ફ્રાંસના રાજા અને ઈંગ્લેન્ડના હેનરી સાતમા મળીને મારા ભવિષ્યનો નિર્ણય કરી રહ્યા છે.
કોણ જાણે મારું શું થશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *