ભાગઃ 2 | પેઈન્ટિંગ, સંગીત અને નાઈટ ક્લબઃ જિંદગીનો કાર્ડિયોગ્રામ

નામઃ ઉષા ઉત્થુપ
સ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તા
સમયઃ 2023
ઉંમરઃ 75 વર્ષ

દુનિયાની દરેક સફળ સ્ત્રીની જિંદગી કાર્ડિયોગ્રામના રિપોર્ટની જેમ ઊંચી-નીચી થતી
જ હશે. હૃદય ત્યાં સુધી જ ધબકે છે જ્યાં સુધી એ કાર્ડિયોગ્રામ ઊંચો-નીચો થતો રહે. આપણી
જિંદગી પણ જ્યાં સુધી સમસ્યાઓ અને મુશ્કેલીઓની ઊંચા-નીચા ગ્રાફમાંથી પસાર થતી રહે ત્યાં
સુધી જ એ રસપ્રદ હોય છે…

મારી જિંદગી પણ, મુશ્કેલીઓ-સમસ્યાઓ, સુખ-દુઃખ, શારીરિક તકલીફો અને
માનસિક દ્વંદ્વમાંથી સતત પસાર થતી રહી. મારા પિતા વૈદ્યનાથ સોમેશ્વર સામી ઐયર પોલીસમાં
હતા. અમે તામિલ બ્રાહ્મણ છીએ, અને એ સમયની મુંબઈની ગેંગમાં જેટલા તામિલ લોકો હતા એ
બધા વારાફરતી મારા પિતાને મળવા આવતા. અમારા ઘરે બેસીને એ લોકો કોફી પીતા, પરંતુ મારા
પિતા એમને કોઈપણ પ્રકારની મદદ કરશે એવી એમની અપેક્ષા નહોતી કારણ કે, એ સૌ જાણતા હતા
કે, મારા પિતા અત્યંત પ્રામાણિક અને બહાદુર પોલીસ ઓફિસર હતા. એ લોકો મારા પિતાને ક્યારેક
એવી માહિતી આપી જતા જેનાથી એમને કેસ સોલ્વ કરવામાં સારી એવી મદદ મળતી.

ગ્રાન્ટ રોડ, મુંબઈમાં 60 વર્ષના મોહમ્મદ સિદ્દીકી ચુનાવાલા, એમની પત્ની
ફાતિમાબાઈ, આઠ વર્ષનો પૌત્ર સાજિદ અને એમના ઘરે કામ કરતી છોકરી એનીનું મર્ડર થયું.
ગામદેવી પોલીસ સ્ટેશનમાં આ કેસ મારા પિતાને સોંપવામાં આવ્યો, 1967નું વર્ષ હતું. મારા પિતા
સીઆઈડીના ડેપ્યુટી કમિશનર હતા. એક દિવસ માટે ગામદેવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરફ્યૂ
દાખલ કરવો પડ્યો એટલો બધો ઉહાપોહ મચ્યો હતો, પરંતુ મારા પિતાએ હિંમતપૂર્વક એ કેસને
સોલ્વ કર્યો એટલું જ નહીં, એ પછી એ દારૂબંધી ખાતામાં, એન્ટી કરપ્શનમાં અને બીજા કેટલાય
ખાતામાં મોટી પોસ્ટ પર રહ્યા.

મારી માનું નામ મીનામ્બેલ. એ સહેજ શ્યામવર્ણી, ઊંચી અને દેખાવડી હતી. દેવી
મીનાક્ષીના નામ પરથી એનું નામ મીનામ્બેલ પાડવામાં આવેલું. એની આંખો મોટી અને માછલી
જેવી હતી. એ મૂળ મદ્રાસ (ચેન્નાઈ)ની. એના પિયરનું ઘર એટલે શાંતિ હાઉસ. અમે છ ભાઈ-
બહેન. ચાર બહેનો ઉમા, ઈન્દિરા, માયા અને ઉષા. એક ભાઈ, શ્યામ (શામુ) અને બીજો ત્યાગરાજ
(બાબુ). મારા પિતાનો પગાર લિમિટેડ હતો એટલે દરેક વેકેશનમાં અમે મદ્રાસ, મારી માના પિયર-
મારા મોસાળ જતા. મારા મામા રોયલ એનફિલ્ડમાં કામ કરતા અને માના પિયરની આર્થિક હાલત
ખૂબ સારી હતી. મારા નાના હલાસ્યા નાધન અને નાની ધર્મામ્બેલ, બંને જણાં સંગીત અને
સાહિત્યના રસિયા જીવ હતા. મામાઓ પણ વાયોલિન જેવા વાદ્યો વગાડતા. તમને જાણીને નવાઈ
લાગશે કે, શાંતિ હાઉસમાં સૌ મળીને એક ઘરનું મેગેઝિન કાઢતા. જે ખાસા વર્ષો સુધી ચાલ્યું. મારી
પાસે આજે પણ એની કોપી છે. ઘરના સૌ એમાં લેખો-કવિતાઓ લખતા. આજે વિચારું છું તો
સમજાય છે કે, સૌ કેટલા કમિટેડ અને ગંભીરતાથી એ મેગેઝિનમાં પોતાનું પ્રદાન કરતા.

મારી મા બહાદુર સ્ત્રી હતી. એનો ઉછેર કોઈ સામાન્ય તામિલ બ્રાહ્મણની જેમ નહીં,
બલ્કે શિક્ષણ, સંગીત અને સ્પોર્ટ્સ સાથે થયો હતો. હું જન્મી ત્યારે મારા પિતા એક મહત્વના કેસમાં
વ્યસ્ત હતા. એ વખતે સેલફોન તો હતા નહીં એટલે મારી માએ પોલીસ સ્ટેશને ફોન કર્યો ત્યારે ખબર
પડી કે, મારા પિતા તપાસ માટે બહાર ગયા છે. થોડીવાર રાહ જોયા પછી એ જાતે ચાલીને અમારા
ઘરના રસ્તાની બીજી તરફ આવેલી મેટરનિટી હોસ્પિટલમાં પહોંચી. એણે ત્યાં પહોંચીને ડૉક્ટરને
કહ્યું કે, આ મારી ચોથી ડિલિવરી છે અને મને લાગે છે કે, પાંચ-દસ મિનિટમાં બાળક બહાર આવશે.
ડૉક્ટર હાંફળા-ફાંફળા થઈને એને લેબરરૂમમાં લઈ ગયા. હું જન્મી.

ડૉક્ટરે મને હાથમાં લઈને મારી માને કહ્યું, ‘આ છોકરીનાં ગાલમાં સુંદર ડિમ્પલ પડે છે…
આ સૌની લાડકી થશે.’ ને, એ વાત ખરેખર સાચી પડી. મારી ચાર બહેનો અને બે ભાઈમાં, મામાના
છોકરાઓ અને માસીનાં સંતાનોમાં પણ હું મારા નાના-નાનીને સૌથી લાડકી હતી. મારી માનાં
પિયર, મદ્રાસના એના ઘર શાંતિ હાઉસમાં અમે ભાઈ-બહેનો મળીને ધમાલ કરતાં. મારા નાના મારા
સૌથી પહેલા સંગીત શિક્ષક બન્યા. એમણે મને પહેલીવાર ફ્રેન્ક સિનાત્રા અને એલ્વિસ પ્રેસ્લીની રેકોર્ડ
સંભળાવેલી. કર્ણાટકી સંગીતની ઓળખ કરાવેલી. હું ત્યારે ચાર-પાંચ વર્ષની હતી… પણ એ સંગીતે
મારા મન પર ઊંડી છાપ છોડી.

મારા નાના હલાસ્યા મોટી ઉંમરે એક સ્વર્ણમ નામની છોકરીનાં પ્રેમમાં પડ્યા. એ
અત્યંત સુંદર હતી. ટોલ અને હેન્ડસમ હલાસ્યા એના પ્રેમમાં પડ્યા એટલું જ નહીં, અંતે એમણે એ
સુંદરી સાથે બીજા લગ્ન કર્યા. ધર્મામ્બેલ, મારી નાનીને અમે પિત્તિમા કહેતા અને સ્વર્ણમને ચિન્ની.
બંને જણાં આનંદથી એક જ ઘરમાં રહેતાં. મેં કોઈ દિવસ શાંતિ હાઉસમાં ઝઘડા થતા જોયા નથી.
અમે જ્યારે પણ જતા ત્યારે એ ઘરમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેતું. મારા નાના ગુજરી
ગયા એ પછી રડી રડીને ચિન્નીએ પોતાની આંખોની રોશની ગૂમાવી. એના આખરી દિવસોમાં
ચિન્ની (સ્વર્ણમ) બહુ ખરાબ હાલતમાં હતી. ચિન્નીનાં મૃત્યુ પછી પિત્તિમા પણ એકલા પડી ગયા
હતા… મને યાદ છે કે, એ બે સ્ત્રીઓએ પોતાના જીવનને કેવું અદભૂત રીતે ગોઠવી દીધું હતું. મારી મા
માટે એ બંને જણાં, એની ‘મા’ જ હતાં. મારા નાનાના બીજા લગ્નની વાત તો મને બહુ મોટી ઉંમરે
ખબર પડી…

મુંબઈમાં અમે પહેલાં લવલેનમાં રહેતા, પોલીસ ક્વાટર્સમાં. મારા દાદાજીને હું મળી
શકી નહીં કારણ કે, મારા જન્મ પહેલાં જ ગુજરી ગયા. મારા દાદી થોડો વખત અમારી સાથે રહેતા
અને થોડો વખત મદ્રાસના અમારા જૂના ઘરમાં. મુંબઈમાં અમારા પડોશી પઠાણ અંકલના પત્ની
ઝાકિયા ખાન અને એની દીકરી જમિલા, મારે માટે ખૂબ અંગત મિત્રો જેવા હતા.

હું જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણતી હતી. જોકે, મારા પિતાને મારી કોલેજ અને મેં
પસંદ કરેલું શિક્ષણ બહુ ગળે ઊતર્યું નહોતું. એ માનતા હતા કે, મારે કોઈ સારી કોલેજમાંથી
ગ્રેજ્યુએશન કરીને એક સારી નોકરી શોધી કાઢવી જોઈએ, ત્યારે એમને પણ ખબર નહોતી કે હું ભલે
રંગોની દુનિયામાં શિક્ષણ લઈ રહી હોઉ, પણ ધીમે ધીમે સંગીત જ મારી કારકિર્દી બનવા લાગી હતી.
નાની ઉંમરે મેં ગાવાનું શરૂ કરી દીધું હતું. મારી કોલેજના મિત્રોને ભેગા કરીને મેં એક બેન્ડ બનાવ્યું,
જેને અમે કોંકરર્સ કહેતા.

મેં પહેલીવાર જાહેરમાં ગાયું એ ઘટના પણ બહુ મજાની છે. એ દિવસોમાં ‘નાઈન
જેમ્સ’ નામની એક ક્લબ ખૂબ જાણીતી હતી. હું મારા માસી લીલા નાધન અને માસા સાથે ‘નાઈન
જેમ્સ’માં ગઈ હતી. વરસાદ ધોધમાર પડતો હતો એટલે લોકો બહાર જવાનું ટાળીને ક્લબમાં જ
બેઠા હતા. ત્યાં સિંગરે બ્રેક લીધો. ક્લબના માલિક યશવંત વિકમશી પણ ત્યાં હાજર હતા. મારી
માસીએ મને કહ્યું, ‘જા જા, તું જઈને ગા…’ મને સંકોચ થયો, પણ એણે જે રીતે આગ્રહ કર્યો એ પછી
હું ઊભી થઈ. મેં જઈને જાઝ બેન્ડને વિનંતી કરી, એ મારી સાથે વગાડવા તૈયાર થયા અને મેં મારી
જિંદગીનું પહેલું ગીત તે દિવસે ‘નાઈન જેમ્સ’માં ગાયું, ‘નેવર નો હાઉ મચ આઈ લવ યૂ, નેવર નો હાઉ
મચ આઈ કેર…’

યશવંત વિકમશી અભિભૂત થઈ ગયા. એમણે મને વિનંતી કરી કે, એટલિસ્ટ એક વીક

માટે હું એ નાઈટ ક્લબમાં ગાઉ અને એ દિવસે મારી કારકિર્દીની શરૂઆત થઈ.

જોકે, મારા પિતાને એ વિચાર બહુ ગમ્યો નહીં. નાઈટ ક્લબમાં ગાવું, એમને માટે બહુ
આદરપાત્ર કામ નહોતું. હું વધુ બગડી જાઉ એ પહેલા મારા પિતાએ 18 વર્ષની ઉંમરે મારાં લગ્ન
રામેશ્વર ઐયર જોડે નક્કી કર્યા. મારી મોટી બહેન ઈન્દિરા એ જ ઘરમાં પરણેલી, અને એના દિયર
રામેશ્વરને અમે સહુ સારી રીતે ઓળખતા હતા એટલે મારા પિતાએ આ લગ્ન નક્કી કર્યા ત્યારે
ઘરમાંથી પણ કોઈએ વિરોધ ના કર્યો. રામુ સાથેના લગ્ન મારી સમજણ કે સ્વયં વિશેની ઓળખ
ઊભી થાય એ પહેલાં જ થઈ ગયા. રામુનો એક જ ગુણ મારે માટે ‘હા’ પાડવાનું કારણ બન્યો. એણે
મને લગ્ન પછી સંગીત અને શિક્ષણ બંને ચાલુ રાખવાની હા પાડી.

રામેશ્વર ઐયર સારો માણસ હતો, પરંતુ એક ‘પતિ’ સિવાય એનામાં એવું કંઈ જ
નહોતું જે મારા જેવી છોકરીને આકર્ષે… હું નહોતી જાણતી કે, લગ્નનાં પાંચ વર્ષ પછી કાર્ડિયોગ્રામના
રિપોર્ટની જેમ અમારાં લગ્નજીવનમાં પણ એક ઝટકો આવવાનો હતો!

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *