ભાગઃ 2 | મારી સફળતામાં સૌ સરખા હકદાર છે

નામઃ સુધા ચંદ્રન
સ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈ
સમયઃ 2023
ઉંમરઃ 57 વર્ષ

અરીસા સામે ઊભી રહીને જ્યારે હું જ મારો ભૂતકાળ વાગોળી રહી છું ત્યારે મારે તમને
પૂછવું છે કે, એક 16 વર્ષની છોકરી જેનું એક માત્ર સ્વપ્ન, નૃત્યાંગના બનવાનું હોય, પોતાના દેશનું
નામ અને પરંપરાગત નૃત્યકલાને વિશ્વભરમાં સન્માન અપાવવાના સ્વપ્ન સાથે જે છોકરી જીવતી
હોય એનો પગ કપાઈ જાય તો એનું શું થાય? માત્ર સપનાં જ નહીં, મારું આખું અસ્તિત્વ કડડભૂસ
થઈ ગયું.

બે વર્ષ સુધી પથારીમાં રહ્યા પછી હું ઊભી તો થઈ, પણ ઘોડીના સહારે. એ વખતે આટલા
બધા તબીબી સાધનોની સવલત નહોતી એટલે કાંખઘોડીના સહારે મેં ચાલવાનું શરૂ કર્યું. ફરીથી
શાળાએ જવાનું શરૂ કર્યું, પરંતુ હવે પહેલાં કરતાં પરિસ્થિતિ જુદી હતી. રમતના વર્ગમાં બીજા
વિદ્યાર્થીઓ રમતાં અને હું ખૂણામાં બેસીને જોઈ રહેતી. મારી બહેનપણીઓ સડસડાટ સીડી ચડી
જતી અને હું ધીમે ધીમે એક એક પગથિયું કુદાવતી ઉપર પહોંચતી. જે છોકરીઓ મારી ઈર્ષા કરતી કે
મારી સાથે હરિફાઈ કરતી એ સૌ મારી દયા ખાતા થઈ ગયા હતા… મને જિંદગી ઝેર લાગવા માંડી
હતી, પરંતુ મારી મમ્મી મારે માટે સૌથી મોટું બળ હતું. એ લગભગ રોજ કહેતી, ‘એકવાર નક્કી કરી
લો તો જિંદગીમાં કશું અસંભવ નથી.’

એ સમયમાં મેં મેગ્સેસે પુરસ્કાર વિજેતા ડૉ. પી.સી. સેઠી વિશે વાંચ્યું. એમનું ક્લિનિક
જયપુરમાં હતું. એ માણસના કૃત્રિમ અંગો બનાવીને એને સ્પ્રિંગ અને પ્લાસ્ટિક દ્વારા ફરી ચાલતો
કરવાની કુશળતા ધરાવતા હતા એટલું જ નહીં, વધુ ને વધુ રિસર્ચ કરીને એ આ કૃત્રિમ અંગોને વધુ ને
વધુ સગવડભર્યા બનાવી રહ્યા હતા. મારા માતા-પિતા મને જયપુર લઈ ગયા. ડૉ. પી.સી. સેઠીને
કારણે જ આ કૃત્રિમ અંગોનું નામ ‘જયપુર ફૂટ’ તરીકે ઓળખાય છે. હું ડૉ. પી.સી. સેઠીને મળી. મેં
એમને પૂછ્યું, ‘શું હું ફરીથી ચાલી શકીશ? ઘોડી વગર?’ એમનો જવાબ મને સ્પર્શી ગયો. એમણે
જવાબ આપ્યો, ‘હું તો માત્ર પગ બનાવી આપીશ. ચાલવું તો તારે પડશે, એટલે તું જ નક્કી કર કે તું
ચાલી શકીશ કે નહીં…’ મેં એમને કહ્યું, ‘મારે ચાલવું નથી, મારે તો નૃત્ય કરવું છે.’ ડૉ. પી.સી. સેઠી
હસી પડ્યા, ‘તું ચોક્કસ નૃત્ય કરી શકીશ, એવો મને વિશ્વાસ છે.’ એમણે કહ્યું.

એમણે પહેલો પગ બનાવ્યો જે એલ્યુમિનિયમનો હતો. એમાં એમણે એક સ્પ્રિંગ મૂકી હતી
જેને કારણે મારા પગનું હલનચલન સામાન્ય પગની જેમ થઈ શકે. આ નવા પગને કારણે હું સારી
રીતે ચાલતી થઈ શકી. ઘોડી છૂટી ગઈ. થોડો આત્મવિશ્વાસ આવ્યો. મારી જગ્યાએ કદાચ કોઈ
બીજું હોત તો નૃત્યની હિંમત ક્યારેય ન કરત, પરંતુ મારે માટે નૃત્ય સિવાય બીજો કોઈ રસ્તો હતો જ
નહીં… મેં એ પગ સાથે નૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા કપાયેલા પગમાંથી લોહી નીકળવા
માંડ્યું કારણ કે, એ એલ્યુમિનિયમનો પગ મારી ચામડી સાથે ઘસાતો હતો. જેમ શૂઝ કે બુટ ડંખે એવી
જ રીતે મને આ નવો ‘જયપુર ફૂટ’ ડંખતો હતો. અમે ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે એમણે ચેતવણી
આપી કે, મારો પગ ગેંગરિનને કારણે કાપી નાખવામાં આવ્યો છે અને જો હું સાવધાની નહીં રાખું તો
આ લોહી નીકળવાને કારણે મારો પગ ફરી પાકી જશે અને કદાચ, હજી વધુ કાપવો પડે એવું બને…
હું થોડી નિરાશ થઈ, પણ મારી મમ્મી નિરાશ ન થઈ. એણે મને ફરી હિંમત આપી. અમે ફરી એકવાર
ડૉ. સેઠી પાસે ગયા. ડૉ. સેઠીને મારી નૃત્ય પ્રત્યેની અથાગ ઝંખના જોઈને થોડી નવાઈ લાગી અને
સાથે સાથે એમને આવો પગ બનાવવામાં એક પડકાર લાગ્યો. એમણે મને પૂછ્યું, ‘હું તારા નૃત્યના
શિક્ષકને મળી શકું?’ મારા નૃત્ય શિક્ષક રામાસ્વામીજી મારી સાથે જયપુર આવ્યા. મારા નૃત્ય શિક્ષક
અને ડૉ. પી.સી. સેઠીએ સાથે મળીને કલાકો સુધી એ ચર્ચા કરી કે મારો પગ કઈ રીતે અને ક્યાં ક્યાં
વળશે, ક્યાં ક્યાં ઘસાશે. વારંવાર માપ લઈને ડિઝાઈનમાં ફેરબદલ કરીને લગભગ છ જેટલા મોડેલ
બનાવ્યા પછી અંતે ડૉ. પી.સી. સેઠીએ મારા માટે પગ બનાવ્યો. એ પગ લગાવતી વખતે એમણે કહ્યું,
‘મારી સમજણ અને જ્ઞાન પ્રમાણે હું જે કરી શકતો હતો, એ મેં કરી નાખ્યું છે. હવે તારે જોવું પડશે કે, તું શું કરી
શકે છે.’

મુંબઈ પાછા ફરીને મેં રોજ જુહુના દરિયા કિનારે લાંબા લાંબા વૉક લેવાનું શરૂ કર્યું જેથી હું
આ પગ સાથે એકદમ કમ્ફર્ટેબલ થઈ જાઉં. બીજું, ઊઠક-બેઠક અને બીજાં એવાં હલન-ચલન શરૂ કર્યાં
જે અઘરાં હોય, જેનાથી મારો પગ અભ્યસ્ત થાય. એ પછી મેં નૃત્યની પ્રેક્ટિસ શરૂ કરી. મને એમ
હતું કે, આ વખતે તકલીફ નહીં પડે, પરંતુ ફરી એકવાર એ ‘જયપુર ફૂટ’ ઘસાવા લાગ્યો અને લોહી
નીકળવા લાગ્યું. જોકે, આ વખતે તકલીફ ઘણી ઓછી હતી. અમે ફરી ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે
મને એક મલમ આપ્યો, જેનું રોજ માલિશ કરવાનું હતું. માલિશ અને રોજની નૃત્યની પ્રેક્ટિસથી એક
એવો દિવસ આવ્યો, લગભગ દોઢ વર્ષ પછી… જ્યારે હું નૃત્યના સ્ટેપ બરાબર કરી શકતી હતી.

આજે જ્યારે વિચારું છું ત્યારે સમજાય છે કે, કોઈપણ વ્યક્તિની સફળતામાં કે સંજોગો સામે
લડવાની એની હિંમતમાં એ વ્યક્તિ એકલી જ શાબાશીને લાયક નથી હોતી. એની આસપાસનું
જગત, મિત્રો-પરિવાર અને એને હિંમત આપનાર, મદદ કરનાર દરેક વ્યક્તિ એને પોતાના ધ્યેય સુધી
પહોંચવામાં થોડું થોડું પ્રદાન કરતા હોય છે. મારી બાબતમાં મારી મમ્મી, પપ્પા, ડૉ. પી.સી. સેઠી,
મારા નૃત્ય શિક્ષક અને સૌથી વધુ મારા નાનીમા, જેમણે મારી મમ્મીને આવી હિંમતવાન અને
બહાદુર દીકરી બનાવી… એ સૌ મારી સફળતામાં સરખેસરખા ભાગીદાર છે.

મારું શિક્ષણ આ દરમિયાન ચાલી રહ્યું હતું. મીઠીબાઈ કોલેજમાંથી મેં અર્થશાસ્ત્રમાં એમ.એ.
કર્યું. જોબ શોધતી હતી ત્યારે એક નૃત્યના કાર્યક્રમ દરમિયાન મારી મુલાકાત રામોજી રાવ સાથે થઈ.
એ વખતે રામોજી રાવ એક નિર્માતા હતા. મારી કથા જાણીને એ ખૂબ જ ઈન્સ્પાયર થયા. એમણે
મારા જીવનની કથા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. વિખ્યાત દિગ્દર્શક સંગીતમ શ્રીનિવાસ રાવને
દિગ્દર્શન સોંપ્યું અને એમણે જાતે આ ફિલ્મની પટકથા લખી. મારો રોલ કરવા માટે એમણે પહેલા
એક-બે હીરોઈનનો વિચાર કર્યો, પરંતુ પછીથી એમણે એવો આગ્રહ રાખ્યો કે, મારી આ જીવનકથાની
ફિલ્મમાં હું જ, મારો રોલ કરું. મેં કોઈ દિવસ અભિનય કર્યો નહોતો. નૃત્ય કરવાનું હોય તો મારે
કોઈને પૂછવાનું જ નહોતું, પણ અભિનેત્રી તરીકે હું સારી રીતે કામ કરી શકીશ કે નહીં એની મને
ખબર નહોતી…

હું અચકાતી હતી, પરંતુ સંગીતમ્ શ્રીનિવાસ રાવે મને હિંમત આપી. એમણે મને કહ્યું,
‘જિંદગીમાં આટલો બધો સંઘર્ષ કરીને જો તું જીતી છે, તો આટલા નાનકડા પડકારથી કેમ ડરે છે. તું
મનથી તૈયાર થઈ જા. તારી પાસેથી સારો અભિનય કઢાવવો એ મારી જવાબદારી છે. તારી વાર્તાને તું
જ કહે, એનાથી વધારે સારું શું હોઈ શકે?’ મને એમની વાત સાચી લાગી અને પછી શરૂ થઈ મારા
અભિનયના પ્રશિક્ષણની કડક ટ્રેનિંગ…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *