નામઃ ટીના ટર્નર
સ્થળઃ ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડ
સમયઃ 25 મે, 2023
ઉંમરઃ 83 વર્ષ
મારા સમયમાં યુવાન થઈ રહેલી લગભગ દરેક આફ્રિકન-અમેરિકન છોકરીઓ એક અમેરિકન
બોયફ્રેન્ડ ઝંખતી હતી. સૌને રંગભેદની સમસ્યા સામે વિરોધ હતો. અમે બધા આફ્રિકન-અમેરિકન
મિત્રો ટોળાંમાં રહેતાં. એકમેકની સાથે મજા કરતાં. દેખાવ એવો કરતાં કે અમને કોઈ પરવાહ નથી,
પરંતુ અમે બધા જ જાણતાં હતા કે અમને અમારી ત્વચાના રંગને કારણે તિરસ્કાર અને અપમાનનો
સામનો કરવો પડે છે!
એટલું ઓછું હોય એમ હું બરાબર ટીનએજમાં આવી ત્યારે મારી મમ્મી ઝેલ્મા અમને મૂકીને
અચાનક જ ચાલી ગઈ. એણે મારા પિતા ફોઈલ્ડ સાથે છૂટાછેડા લીધા, એણે પણ બીજા લગ્ન કર્યાં
અને મારા પિતા ફોઈલ્ડે પણ બીજા લગ્ન કરી લીધા. હું હવે મારા પિતા અને બહેન સાથે રહેતી હતી.
મારી મમ્મી ગઈ ત્યારે શરૂઆતના દિવસોમાં હું ડિપ્રેસ્ડ રહી પછી એ જ ડિપ્રેશન વિદ્રોહ સ્વરૂપે
બહાર આવ્યું. હું સતત ઘરની બહાર રહેવાનો પ્રયત્ન કરતી. બને ત્યાં સુધી મારા દાદા-દાદી સાથે જ
વાત કરતી, મારી નવી મા કે પિતાની સામે ન જવું પડે એવા સમયે ઘરમાંથી નીકળતી કે ઘરે પાછી
આવતી. બ્રાઉન્સવિલેની મારી સ્કૂલમાં હું બાસ્કેટ બોલ ટીમમાં જોડાઈ. મેં નાના નાના સ્ટોર્સ અને
રેસ્ટોરાંમાં કામ કરવાનું શરૂ કર્યું. મારી પાસે હાથ ખર્ચીના પૈસા આવવા લાગ્યા. જેને કારણે મને
સ્વતંત્રતાનો અનુભવ થયો… એવી સ્વતંત્રતા જેમાં હવે મારે વાતે વાતે ડરવું પડે એમ નહોતું.
રેસ્ટોરન્ટમાં મને એક નર્સનો ભેટો થયો, એણે મને પોતાના આસિસ્ટન્ટ તરીકે કામ કરવા માટે રાખી
લીધી. હવે મારે કોઈ આર્થિક સમસ્યા નહોતી. મારી બહેન રૂબિ એલિન બુલોક સુંદર ગીતો લખતી.
અમે કેટલીકવાર નદી કિનારે કે ઝાડ નીચે બેસીને એ ગીતોને કમ્પોઝ કરીને ગાવાનો પ્રયત્ન કરતાં.
જોકે, બેન્ડ સાથે જોડાવાની પરવાનગી હજી મારી પાસે નહોતી!
હું 16 વર્ષની થઈ ત્યારે મારી દાદીનું અવસાન થયું. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો
એટલે મારે મારી મા સાથે સેન્ટ લુઈસમાં રહેવા જવું પડ્યું. મારી માએ બીજા પુરુષ સાથે લગ્ન કરી
લીધા હતા. હવે એને વધુ બાળકો નહોતા જોઈતા એટલે એમના ઘરમાં એ બે જ જણાં હતા, મારી
મા અને એમના પતિ. હું જેમને ધિક્કારતી હતી એ વ્યક્તિને મળી ત્યારે મને સમજાયું કે, એ એક
સારા માણસ હતા. એ મારી ચિંતા કરતા, કાળજી કરતા અને હું આગળ ભણું, કારકિર્દી બનાવું એવું
ઈચ્છતા હતા. અહીં મને ખાસ્સી સ્વતંત્રતા હતી. મેં એકવાર મારી મા સાથે મારા સંગીતના શોખ
અને સપનાંઓ વિશે પણ વાત કરી. એણે વિરોધ કરવાને બદલે મને પ્રોત્સાહિત કરી.
હું અને મારી બહેન હવે સેન્ટ લુઈસની નાઈટ ક્લબમાં અવારનવાર જુદા જુદા બેન્ડ્સ સાથે
ગાવા માટે જવા લાગ્યા. એનાથી પૈસા તો મળતા જ, પરંતુ સંગીત સાથે જોડાવાનો મારો શોખ પણ
પૂરો થતો હતો. સેન્ટ લુઈસની નાની નાની નાઈટ ક્લ્બ્સમાં મારા અવાજના વખાણ થવા લાગ્યા. એ
જ વખતે ક્લબ મેનહટનમાં મેં આઈકે ટર્નરને એમના બેન્ડ ‘કિંગ્સ ઓફ રિધમ’ સાથે પરફોર્મ કરતાં
સાંભળ્યા. એમની સ્ટાઈલ, સ્વેગ, સંગીતની સમજ અને બેન્ડ સાથેના કો-ઓર્ડિનેશનથી હું ખૂબ
પ્રભાવિત થઈ. મેં એમને વિનંતી કરી કે હું એમની સાથે કામ કરવા માગું છું. એ વખતે તો એક
ટીનએજર ફેનની જેમ એમણે મને હસી નાખી. એમણે મને કહ્યું કે, એમના બેન્ડમાં છોકરી માટે કોઈ
જગ્યા જ નથી, પરંતુ મેં ખૂબ આગ્રહ કર્યો ત્યારે એમણે કહ્યું, ‘હું જોઈશ, ક્યારેક બોલાવીશ.’ એમણે
મને કદી બોલાવી નહીં. ઉપરાઉપરી બે-ત્રણ કાર્યક્રમોમાં અમે અવારનવાર મળ્યા એ પછી મારા
દુરાગ્રહને કારણે એમણે મને અંદર આવવા દીધી. ડ્રમર યુજેન વોશિંગ્ટનનો માઈક્રોફોન ઈન્ટરમિશન
દરમિયાન મારા હાથમાં આવ્યું. મેં એ ક્ષણનો ઉપયોગ કરી લીધો અને એક સરસ ગોસપેલ ગીત ‘યુ
નો આઈ લવ યૂ’ ગાયું. આઈકે ટર્નરે મને ગાતી સાંભળીને પૂછ્યું કે, મને બીજા ગીતો આવડે છે ખરા?
હું થ્રીલ્ડ હતી. એમણે બાકીના અડધા કાર્યક્રમ દરમિયાન મને ત્રણ ગીતો ગાવાની તક આપી, અને
પછી એમના કાર્યક્રમમાં અવારનવાર મને બોલાવવા લાગ્યા. હું એમની પાસેથી અવાજ પર નિયંત્રણ
રાખતા શીખી અને બેન્ડ સાથે ગાતી વખતે કઈ રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકાય એના અમુક મુદ્દાઓ
એમણે મને શીખવ્યા. આઈકે અને એના બેન્ડ ‘કિંગ્સ ઓફ રિધમ’ સાથે કામ કરતાં કરતાં હું એક સારી
ગાયિકા બની શકી. મારું પહેલું રેકોર્ડિંગ 1958માં ‘લિટલ એન’ નામ સાથે કરવામાં આવ્યું કારણ કે,
ત્યાં સુધી મારું નામ એન્ના બુલોક હતું. મારી સાથે કિંગ્સ ઓફ રિધમના ગાયક કાર્લસન ઓલિવર
પણ હતા. એ પહેલા ગીતમાં મને ધારેલી પ્રસિધ્ધિ ન મળી. હું નિરાશ થઈ ત્યારે આઈકે એ મને
સમજાવી. હું એમની સાથે હજી સુધી બેન્ડમાં ગાતી હતી, પરંતુ એ પછીના બે વર્ષ મને રેકોર્ડ કે
સ્ટુડિયો માટે ગાવાની તક મળી નહીં. એ દરમિયાન મારી સાવકી બહેન એવ્લિન મારા પિતરાઈ ભાઈ
સાથે કાર અકસ્માતમાં મૃત્યુ પામી. મારે માટે આ બહુ મોટો આઘાત હતો.
કહેવાય છે ને કે, જિંદગીની તક બારણે ટકોરા મારીને નથી આવતી, બલ્કે છત ફાડીને આવે
છે. આઈકે ટર્નરે આર્ટ લેસિટર નામના ગાયક માટે ‘અ ફૂલ ઈન લવ’ ગીત લખ્યું અને કમ્પોઝ કર્યું.
લેસિટરના ગાયકો એ ગીત ગાય તે પહેલાં એમને સંભળાવવા માટે ટેકનિસોનિક સ્ટુડિયોમાં ડેમો રેકોર્ડ
કરવાનું નક્કી કર્યું. આઈકે એ મને એ ગીત ગાવાનું સૂચવ્યું. સેન્ટ લુઈસના જાણીતા ડિસ્ક જોકી ડેવ
ડિક્શને એ ગીત સાંભળ્યું. એટલું જ નહીં, એ ગીત એમણે આર એન્ડ બી રેકોર્ડ્સના માલિક જુગી
મુરેને મોકલવા માટે મને આગ્રહ કર્યો. હું અચકાતી હતી કારણ કે, આ ગીત મારા અવાજમાં રેકોર્ડ
થવાનું નહોતું તેમ છતાં, ડેવના આગ્રહથી મેં એ જુગી મુરેને મોકલ્યું. એણે એ ગીત સાંભળીને ટ્રેક
ખરીદ્યો એટલું જ નહીં, મને રેકોર્ડિંગ અને પ્રકાશનના અધિકારો માટે 25 હજાર ડોલર એડવાન્સ
આપ્યા. આટલી મોટી રકમ મેં જિંદગીમાં પહેલીવાર એક સાથે જોઈ હતી. એણે એન્નાને બદલે મારું
નામ ટીના કર્યું…
જુગી મુરેનું કહેવું હતું કે ‘શીના જંગલની રાણી કહેવાય છે, એની સાથે મેળ ખાતું નામ
‘ટીના’ છે.’ એને મારા અવાજમાં કામુક્તા અને ગાંભીર્યનો સમન્વય સંભળાયો. એણે મારા રેકોર્ડ
આલ્બમને રજૂ કરતી વખતે બે મહિના સુધી મારું બ્રુમિંગ કરાવ્યું. સ્ટેજ પર કેવી રીતે ઊભા રહેવું,
કઈ રીતે બોલવું, ઓડિયન્સ સાથે કઈ રીતે સંવાદ કરવો એ બધા માટે મારી ખાસ ટ્રેનિંગ કરવામાં
આવી અને પછી જુગી મુરેએ મને શો સ્ટોપર તરીકે રજૂ કરી. આઈકે ટર્નરથી પ્રભાવિત થઈને મેં મારું
મૂળ નામ એન્ના બુલોક છોડીને મારું નામ ટીના ટર્નર રાખ્યું. જોકે, ત્યાં સુધી આઈકે ટર્નર સાથે મારા
લગ્ન નહોતા થયા.
મારા ભયાનક આશ્ચર્ય અને અન્ય બેન્ડ્સની નવાઈ વચ્ચે મારું ગીત ચાર્ટ નંબર પર બે અને
બિલબોર્ડ હોટ નંબર 27 પર પહોંચ્યું. રોલિંગ સ્ટોન અને બીજા મેગેઝિન્સે એનો ખાસ ઉલ્લેખ કર્યો
એટલું જ નહીં, ગ્રેમી એવોર્ડ્સના કાર્યક્રમમાં એને એક ડેબ્યૂ તરીકે ખાસ વગાડવામાં આવ્યું.
અ ફૂલ ઈન લવના પ્રકાશન પછી આઈકે ટર્નરે મને આમંત્રિત કરી. આઈકે અને ટીના ટર્નર
ડેબ્યૂની રચના કરી, જેમાં કિંગ્સ ઓફ રિધમ, એક ગર્લ બેન્ડ અને ડાન્સર્સ પણ ઉમેરવામાં આવ્યા.
એક યુનાઈટેડ સ્ટેટ્સની ટુર પ્લાન કરવામાં આવી. જેમાં સમગ્ર દેશમાં નેવું દિવસના પરફોર્મન્સનો
પ્લાન કરવામાં આવ્યો. એ એવો સમય હતો જ્યારે મને દેશની સૌથી હોટ અને સૌથી લાંબો સમય
ટકી જનારી ગાયિકા તરીકે અનેક મેગેઝિન્સે રિવ્યૂ કરી. એ ટુરમાં ‘કિંગ્સ ઓફ રિધમ’એ ખૂબ પૈસા
કમાયા. 1963 અને 1965ની વચ્ચે અમારું બેન્ડ સતત પ્રવાસ કરતું રહ્યું.
સોલો આર્ટીસ્ટ તરીકે એ સમયે સ્ત્રીઓને ખાસ આગળ આવવાનો મોકો મળતો નહીં, પરંતુ
‘ટીના ટર્નર’ લગભગ દરેક નાઈટ ક્લબ, રેસ્ટોરાં અને યુવા દિલોની ધડકન ગજાવતું નામ બની ગઈ.
1965 સુધીમાં તો ગ્રેમી નોમિનેશન માટે મારું નામ જાહેર કરવામાં આવ્યું…
(ક્રમશઃ)