નામઃ ઉષા ઉત્થુપ
સ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તા
સમયઃ 2023
ઉંમરઃ 75 વર્ષ
જગતમાં કોઈપણ સફળ વ્યક્તિની કારકિર્દી સરળતાથી આગળ વધી હોય એવું મેં જાણ્યું
નથી, તમને પણ આ ખબર હશે જ… મારી કારકિર્દી પણ કોઈ સીધીસાદી સીડીની જેમ ઉપર જતી
કારકિર્દી નથી રહી. મને યાદ છે, જે.જે. સ્કૂલમાં ભણતી હતી ત્યારે એક વર્ષે મેં ન્યૂ યર કાર્ડનો ઓર્ડર
લીધેલો. ઠાકર એન્ડ કંપનીએ મને એક ડિઝાઈનના સો રૂપિયા આપેલા. હું ખૂબ સારી સિલાઈ કરી
શકતી. રાજેન્દ્રકુમારની દીકરી ડિમ્પલ માટે મેં કપડાં સીવ્યા હતા. એ પછી રાજેન્દ્રકુમારની પત્ની
ઓ.પી. રાલ્હનની બહેન અને બીજા ઘણા લોકોએ મને ડ્રેસ ડિઝાઈનીંગનું કામ આપેલું. એ
જમાનામાં 80 રૂપિયા એક ફ્રોકના મને મળતા. હું સારું કમાવા લાગી હતી, પણ હજી મને એવું
સમજાતું નહોતું કે, મારે ખરેખર કરવું શું છે!
મિનુ કાત્રક મારા પિતાના મિત્ર હતા. એમના જમાનામાં એ સૌથી મોટા અને સ્ટાર
સાઉન્ડ રેકોર્ડિસ્ટ કહેવાતા. એમણે એકવાર મારા પિતાને કહ્યું, ‘એને રસ હોય તો આપણે એકવાર
એનો અવાજ રેકોર્ડ કરીએ.’ મારા પિતાની ખાસ ઈચ્છા નહોતી, પરંતુ મિનુ કાત્રકના આગ્રહને કારણે
અમે બોમ્બે લેબમાં મારું એક ગીત રેકોર્ડ કર્યું. એ સૌને ખૂબ ગમ્યું એટલું જ નહીં, એ ગાળામાં ફિલ્મ
ઈન્ડસ્ટ્રીની હડતાલ ચાલતી હતી. સ્ટુડિયો ખાલી પડ્યા હતા. મિનુ કાત્રકના કહેવાથી મેં દસ ગીતો
રેકોર્ડ કર્યાં અને વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયો, એચએમવીને એ ગીતોની સ્પૂલ મોકલી. દમન સુડ જે બહુ
જ મોટા સાઉન્ડ રેકોર્ડિસ્ટ મનાતા એમના વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોમાં મારો અવાજ વનરાજ
ભાટિયાએ સાંભળ્યો.
આ બધા સમય દરમિયાન રામુ સાથેના મારા સંબંધો એક અનકમ્ફર્ટેબલ જૂતા જેવા કે
વધુ પડતા તંગ, વસ્ત્ર જેવા હતા. અમે એકમેકને ‘સહન’ કરતાં હતાં એવું તો ન કહું, પરંતુ પતિ-પત્ની
વચ્ચે જે પ્રકારનો સ્નેહ કે સંવાદ હોવો જોઈએ એ અમારી વચ્ચે નહોતો. મેં અપ્પાને એક-બે વાર
વાત કરવાનો પ્રયાસ કરેલો, પરંતુ એમણે ‘બધું ઠીક થઈ જશે’ કહીને મારી વાત સાંભળવાની પણ દરકાર
નહોતી કરી. રામુ કોઈ મારપીટ કરતો, ઝઘડા કરતો પતિ નહોતો. એ મારી સાથે બધા જ પ્રોગ્રામમાં
આવતો. હું જિંગલ ગાવા જાઉ ત્યાં પણ મારી સાથે આવતો. બહાર બેસી રહેતો. સાચું પૂછો તો મને
આ પરિસ્થિતિથી અકળામણ થતી. એને મારી આવકમાં રસ નહોતો. એટલું તો હું સમજતી હતી,
પરંતુ સાથે સાથે એ મને એકલી છોડવા પણ તૈયાર નહોતો. એક પઝેસિવ પતિની જેમ એ સાથે રહેતો
એટલું જ નહીં, હું કોઈની સાથે વધુ પડતી વાતો કરું, હસું કે ક્યાંક મળવાની મિટિંગ્સ ફિક્સ કરું તો
એ પોતાની સગવડે મારો સમય ફેરવવાની ફરજ પાડતો. હું ગૂંગળાવવા લાગી હતી. નાઈટ ક્લબ કે
ફાઈવ સ્ટાર હોટેલના શો દરમિયાન એને ખૂણામાં બેઠેલો જોઈને એક તરફથી ગુસ્સો આવતો ને
બીજી તરફથી એની આ ‘સારાઈ’ માટે હું એને છોડી નહીં શકું એ વાતની ગાંઠ વળી જતી.
જોકે, મારું કામ સારું ચાલતું હતું. મેં સંગીતમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું
હતું. હવે ડ્રેસ ડિઝાઈનીંગ અને પેઈન્ટિંગનું કામ લગભગ બંધ કરી દીધું હતું. હું નાઈટ ક્લબ અને
ફાઈવ સ્ટાર હોટેલના શોમાંથી બહાર નીકળીને પ્લેબેક સિંગિંગમાં પ્રવેશ કરવા માગતી હતી, પણ
રસ્તો દેખાતો નહોતો.
જિંદગી આશ્ચર્યથી ભરપૂર છે, જ્યારે તમને કોઈ રસ્તો ન દેખાય ત્યારે જ એક
નાનકડી કેડી તમને આગળ લઈ જવા તત્પર હોય છે. મિનુ કાત્રકનો જેટલો આભાર માનું તેટલો
ઓછો છે, એમણે મારા સ્વપ્નને સાકાર કરવામાં પહેલું પગથિયું ચઢવામાં મારી મદદ કરી. 1969નું
વર્ષ જાણે ધડાધડ બનતી ઘટનાઓ લઈને આવી. એચએમવીએ મારી પહેલી રેકોર્ડ રિલિઝ કરી અને
વનરાજ ભાટિયાએ મને ખૂબ બધા જિંગલ ગાવાની તક આપી. ટીનોપોલ જ્યારે રાનીપાલ થયું ત્યારે
એનું જિંગલ મેં ગાયેલું, જગજીતસિંહની સાથે. ગોલ્ડસ્પોટનું જિંગલ, જે રેખા પર ફિલ્માવવામાં
આવ્યું એ મેં ગાયેલું. નેસકાફે, બાટા શુઝ, બ્રુક બોન્ડ ચા, બ્રૂ કોફી, બોરોપ્લસ, એવરેડી ટોર્ચ, ડાબર,
બૈદ્યનાથ, જનપ્રિય ઈન્શ્યોરન્સ, થમ્સ અપ, પોન્ડ્સ કંપનીની પ્રોડક્ટ્સ, વિક્સ, ડનલોપ જેવા
કેટલાંય જિંગલ્સ એ ગાલામાં મેં ગાયાં. કંપનીને મારો સૌથી મોટો ફાયદો એ હતો કે, હું 17 ભાષામાં
ગાઈ શકતી. માસ્ટર જિંગલની સાથે સાથે જ અમે બીજી ભાષાના જિંગલ્સ પણ મારા અવાજમાં
રેકોર્ડ કરી શકતા. એટલે એમણે બીજા કોઈને શોધવા જવાની જરૂર ન પડતી.
હું જિંગલ ક્વિન કહેવાતી, પણ જિંગલ ગાવાથી મને સંતોષ નહોતો. મારે ગીતો ગાવા
હતા. 69માં બહાર પડેલી એક રેકોર્ડ મારે માટે કંઈ ખાસ અચિવમેન્ટ નહોતું… હું હજી કશુંક વધુ
સારું, વધુ બહેતર કરવા ઉત્સુક હતી.
મુંબઈની ક્લાસિક રિટ્ઝ હોટેલમાં હું એક પ્રાઈવેટ શોમાં પરફોર્મ કરી રહી હતી ત્યારે
કલકત્તાના ટ્રિન્કાઝ નામની નાઈટ ક્લબમાંથી બે જણાં મારી પાસે આવ્યા. જોશુઆ અને પૂરી, બંને
મજાના માણસો હતા. એમણે મને કલકત્તા આવવાનું નિમંત્રણ આપ્યું. મેં કહ્યું, “હું વિચારીને જવાબ
આપીશ.” રામુ મારી સાથે જ હતો… પરંતુ, મેં એની સાથે એ વિશે કોઈ વાત કરી નહીં.
ચાર જ દિવસમાં ‘ટ્રિન્કાઝ’ માંથી મારા પર પત્ર આવ્યો. એમણે બે અઠવાડિયા માટે
કલકત્તા આવીને પરફોર્મ કરવાનું નિમંત્રણ મોકલ્યું હતું. મેં એમને જવાબમાં લખ્યું, “કલકત્તાની ક્લબમાં
ડ્રેસ કોર્ડના નિયમો બહુ કડક છે. નાઈટ ક્લબમાં ગાઉન પહેરવા પડશે, પરંતુ હું તો સાડી જ પહેરું છું.”
ફરી બીજે અઠવાડિયે જવાબ આવ્યો, “તમે જેવા છો તેવા જ આવો. અમને તમારો
અવાજ અને ગાવાની પધ્ધતિ ખૂબ જ ગમી છે” એમણે મારી બધી શર્તો માન્ય રાખી અને હું કલકત્તા
જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યારે મને ખબર નહોતી કે, કલકત્તાના એ દિવસો મારી જિંદગીમાં એક
જબરજસ્ત બદલાવ લાવશે. સ્વાભાવિક રીતે જ, રામુ મારી સાથે આવવાના હતા. એમણે અમારા
રહેવાની વ્યવસ્થા ક્લબમાં જ કરી હતી. એ કલકત્તાના ચોમાસાના દિવસો હતા. હું શહેરના પ્રેમમાં
પડી ગઈ. કોણ જાણે કેમ પણ કલકત્તા મને મારું પોતાનું લાગ્યું. ટ્રિન્કાઝના શોઝ જબરજસ્ત હિટ
થયા અને જોશુઆ અને પૂરી પણ ખૂબ ખુશ હતા…
એક દિવસ ગજબની સાંજ હતી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. કલકત્તાનું
ચોમાસું એક ઈલેક્ટ્રિફાઈંગ વાતાવરણ લઈને આવે છે. નાઈટ ક્લબના હોલમાં હૂંફ અને આનંદનું
વાતાવરણ હતું. હું ‘ટેસ્ટ ઓફ હની’ (બિટલ્સ)નું ગીત ગાઈ રહી હતી. હંમેશની જેમ રામુ એક
ખૂણામાં બેઠો હતો. મારી નજર એક એવી વ્યક્તિ પર પડી જેણે પોતાના બંને હાથ ટેબલ પર મૂક્યા
હતા અને ચહેરો હથેળીમાં એવી રીતે ગોઠવ્યો હતો જાણે ફૂલદાનીમાં ફૂલ ગોઠવ્યું હોય. એ પલક પણ
ઝબકાવ્યા વગર મારી સામે જોઈ રહ્યો હતો. હું એક પછી એક ગીત ગાતી રહી, પણ એની નજર
મારા પરથી હટી જ નહીં. ઓર્ડર લેવા આવતા વેઈટરને પણ એણે નજર હટાવ્યા વગર જ પોતાનું
ડ્રિંક ઓર્ડર કર્યું… મેં જ્યારે રેસ્ટ લીધો ત્યારે એ ઊભો થઈને મારી પાસે આવ્યો. એણે પોતાનું નામ
જાની ચાકો ઉત્થુપ કહ્યું. પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે, હું ખૂબ સારું ગાઉ છું. જાની ઉત્થુપ
જે. થોમસ એન્ડ કંપનીમાં કામ કરતો હતો, જે ચાની ખૂબ મોટી કંપની હતી. એણે મને ‘મટિલ્દા’
ગાવાની વિનંતી કરી. મેં એને કહ્યું કે, હું આજે મટિલ્દા માટે તૈયાર નથી. કાલે રિહર્સ કરીને આવીશ
અને ગાઈશ. એણે સ્મિત સાથે કહ્યું, ‘કાલ કોણે જોઈ છે?’ મને એના અંદાજ પર આશ્ચર્ય પણ થયું
અને આકર્ષણ પણ…
એ પછી એ રામુ સાથે એના ટેબલ પર ગોઠવાયો. એ બંને જણાં વાતો કરતાં હતાં. શો
પૂરો થયા પછી રામુએ મને કહ્યું કે, જાની ઉત્થુપે એને ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં જમવા બોલાવ્યો છે.
બપોરે રામુ ઉત્થુપ સાથે જમવા પાર્ક સ્ટ્રીટ ગયો. એ પછી રામુ શો પર ના આવ્યો. હું એને આખા શો
દરમિયાન સતત શોધતી રહી. શો પૂરો થયા પછી ઉત્થુપ મારી પાસે આવ્યો અને એણે કહ્યું, “રામુજી
નથી આવ્યા લાગતા, ચાલો હું તમને છોડી દઉ”.
અમે બંને ચાલતા નાઈટ ક્લબના રૂમ્સ તરફ આવ્યા. હું જ્યારે રૂમમાં દાખલ થઈ ત્યારે
રામુ ચીડાયેલો, ઉશ્કેરાયેલો રૂમમાં બેઠો હતો. મેં એને આટલો ગુસ્સામાં ક્યારેય નહોતો જોયો. ઉત્થુપ
દરવાજામાં ઊભો હતો. રામુએ કહ્યું, “ઠીક છે તમે જઈ શકો છો” સામાન્ય રીતે રામુ આટલો તોછડો
કે અવિવેકી નથી, પરંતુ એનો વર્તાવ જોઈને મને નવાઈ લાગી. ઉત્થુપના ગયા પછી મેં રામુ સાથે
વાત કરવાનો પ્રયાસ કર્યો, એણે ચીડાઈને મને કહ્યું, “તને ખબર છે, એણે આજે બપોરે મને શું કહ્યું?”
રામુની આંખો લાલ હતી. મને લાગ્યું કે, એણે શરાબ પીધી હશે. રામુએ કહ્યું, “એણે મને કહ્યું કે, હું
તમારી પત્નીને પ્રેમ કરું છું, આઈ લવ યોર વાઈફ” હું ડઘાઈ ગઈ હતી.
(ક્રમશઃ)