ભાગઃ 3 | આત્મહત્યા પણ ખૂન હોઈ શકે?

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગ
ચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગ
સ્થળઃ બેઈજિંગ
સમયઃ 1992
ઉંમરઃ 77 વર્ષ

પાવર બહુ ભયાનક ચીજ છે. એકવાર માણસના હાથમાં પાવર, સત્તા કે સંપત્તિ આવી જાય
પછી એને કોઈની પરવાહ રહેતી નથી. 45 વર્ષે માઓ-ત્સે-તુંગ 22 વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યા.
એ છોકરી પણ અભિનેત્રી, લોકપ્રિય ચહેરો અને વિદ્રોહી વ્યક્તિત્વ ધરાવતી… મને ખબર હતી કે, હું
એમની પાસે ધાર્યું કરાવી શકીશ. શરૂઆતમાં તો મેં કોન્ટ્રાક્ટ સાઈન કરી લીધો કે, હું એમની સાથે
જાહેરમાં દેખાઈશ નહીં, લગ્નના કોઈ અધિકારો નહીં માગું, 20 વર્ષ સુધી રાજકારણથી દૂર રહીશ…
પરંતુ, જેવું પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (1949)ની સ્થાપના થઈ કે તરત જ માઓએ મને ધીમે
ધીમે સત્તા આપવા માંડી અથવા મેં લેવા માંડી. શરૂઆતમાં તો માત્ર પ્રચાર ફિલ્મોની દિગ્દર્શક તરીકે
હું દાખલ થઈ, પરંતુ એ પછી ધીમે ધીમે મેં પાંખો ફેલાવવા માંડી.

એ વખતે થિયેટરના પ્લેટફોર્મનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને
નવી કમ્યુનિસ્ટ સરકારે થિયેટર રિફોર્મ બ્યૂરોની સ્થાપના કરી. જોકે, એક જ વર્ષમાં એ થિયેટર
બ્યૂરોનો ખૂબ વિરોધ થયો અને એ થિયેટર બ્યૂરોને બદલે સ્લોટર (કતલખાના) બ્યૂરો તરીકે ઓળખાવા
લાગ્યું. અનેક કલાકારોએ એનો વિરોધ કર્યો. થિયેટર રિફોર્મ કરવાની પોલિસીને પરફોર્મિંગ આર્ટિસ્ટ
દ્વારા નકારી નાખવામાં આવી કારણ કે, એમાં ફક્ત કમ્યુનિસ્ટ સરકારની જ વાતો-પ્રચારનો આગ્રહ
કરવામાં આવતો હતો. કલા (આર્ટ) ફોર આર્ટ સેક, જેવો કોઈ વિચાર જ રહ્યો નહોતો. એ જ
ગાળામાં મને થિયેટર અને ફિલ્મના બ્યૂરોમાં નાનકડી જગ્યા મળી. મારે માટે તો દાખલ થવું જ
મહત્વનું હતું. દાખલ થતાની સાથે જ મેં હોંગકોંગની ફિલ્મ ધ ઈનસાડ સ્ટોરીને બાન કરવાની
રજૂઆત કરી, પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીમાં એ વખતે મારી કોઈ જગ્યા કે સ્થાન નહોતું એટલે મારી વાત
સાંભળવા કોઈ તૈયાર નહોતું. મેં માઓને સમજાવ્યા કે, આ ફિલ્મ દેશભક્તિની વિરુધ્ધ છે. માઓએ
કમ્યુનિસ્ટ પાર્ટીની મિટિંગમાં કહ્યું કે, આપણે એ ફિલ્મની ટીકા કરવી જોઈએ. અમારા કંટ્રોલમાં હતા
તે બધા જ અખબારોમાં ફિલ્મની ટીકા કરવામાં આવી અને અંતે ફિલ્મને બાન કરવામાં આવી. મારો
વધતો જતો પ્રભાવ ચાઈનામાં ઘણા લોકોને નહોતો ગમતો, ખાસ કરીને ઝોઉ એનેલાઈ, એનો
વિરોધ પાર્ટીમાં મહત્વનો પણ હતો કારણ કે, ક્રાંતિ દરમિયાન એણે માઓની ઘણી મદદ કરી હતી.
ઝોઉના સતત પ્રયત્નો એવા હતા કે હું પાર્ટી મિટિંગમાં હાજર ન હોવી જોઈએ. અંતે, મેં નક્કી કર્યું કે,
આનો ઉપાય કરવો જ પડશે. ઝોઉનો દત્તક લીધેલો દીકરો શૂન યેંગ અને દીકરી શૂન વેઈશીને એની
આંખો સામે ટોર્ચર કરીને રેડ ગાર્ડની આર્મી દ્વારા મેં એમનું ખૂન કરાવ્યું. શૂન યેંગ રેનમિન
યુનિવર્સિટીના બેજમેન્ટમાંથી મળી આવ્યો. જ્યારે સાત મહિના પછી શૂન વેઈશીનો મૃતદેહ મળ્યો.
ઝોઉ ચૂપ થઈ ગયો. માત્ર ઝોઉ જ નહીં, આ ઘટનાને કારણે ઘણા બધા લોકો મારી સામે અવાજ
ઉઠાવતા અટકી ગયા.

રિપબ્લિક ઓફ ચાઈનાની ફર્સ્ટ લેડી તરીકે મેં અબાધિત અધિકારો ભોગવવા માંડ્યા. હવે
સાંસ્કૃતિક ક્રાંતિ (કલ્ચરલ રેવોલ્યુશન)ના નામે મેં મારા પોસ્ટર્સ અને સ્લોગન્સ છપાવવા માંડ્યા.
માઓના ફોટાની સાથે મારો ફોટો હોવો જ જોઈએ એવો આગ્રહ પાર્ટીમાં કોઈને ગમતો નહીં, પરંતુ
હવે કોઈ અવાજ ઉઠાવી શકે એમ નહોતું. કમ્યુનિસ્ટ પાર્ટીનો વિરોધ માઓના કાન સુધી પહોંચ્યો
હશે, અથવા કદાચ એને સમજાયું હશે કે મારે કારણે પાર્ટીમાં એના ઘણા વિરોધીઓ ઊભા થઈ રહ્યા
છે એટલે એણે હળવેથી મને દેશની બહારના સંબંધો સંભાળવાના બહાને દેશના રાજકારણથી દૂર
કરવા માંડી.

1952થી 62 દરમિયાન હું ચાઈનાથી દૂર રહી, અથવા કહો કે મને રાખવામાં આવી.
બિમારીના બહાને મને વારંવાર ટ્રીટમેન્ટ લેવા મોસ્કો મોકલવામાં આવતી. હું ખરેખર એટલી બિમાર
હતી કે નહીં, એને મને પોતાને પણ નહોતી ખબર! સત્ય તો એ હતું કે, મોસ્કોની મારા એ પ્રવાસ
દરમિયાન મારે કેટલાક લોકોની સાથે છૂપી મુલાકાતો કરવાની રહેતી. એમને માઓના પક્ષમાં તૈયાર
કરવાના રહેતા કે પછી એમના વિરોધને સમજીને એમની પાસેથી સહકાર મેળવવા સંધિની ઓફર
મૂકવાની રહેતી. આ બધા સમય દરમિયાન મને અંગત ફાયદો શું થયો? હું પશ્ચિમની ફિલ્મો,
હોલિવુડના શોઝ અને અન્ય દેશોની ફિલ્મો સાથે જોડાઈ. ચાઈનાએ જે વિશ્વ તરફ ઉઘડતી બારી
બંધ કરી દીધી હતી એને હું મારા અંગત રસથી ખોલી શકી. આવનારા સમયમાં એનો ઉપયોગ કરીને
હું બેઈજિંગ ઓપેરા હાઉસને નવેસરથી ડિઝાઈન કરીને ફરી એકવાર ખુલ્લું મૂકવાનો પ્રયાસ કરી
શકીશ એવો મને વિશ્વાસ બેઠો.

હું જેટલો સમય ચાઈનાથી દૂર રહી, 55થી 62, લગભગ સાત વર્ષ. એ દરમિયાન ચાઈનામાં
ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. માઓની નિકટના લોકો હવે જુદા હતા. વૃધ્ધ થઈ રહેલા માઓનો
કંટ્રોલ છૂટી રહ્યો હતો. મેં ઘણો વિચાર કરીને નેશનલ બેઈજિંગ ઓપેરા કંપનીને સંપર્ક કર્યો અને
બેઈજિંગના ઓપેરાને ખુલ્લું મૂકવા માટે આધુનિક, પરંતુ કમ્યુનિસ્ટ-સોશિયલિસ્ટ થીમનો વિચાર
કર્યો. મને લાગ્યું કે અંતે, આ જ મારો રસ્તો છે. રાજકારણમાં મારી જગ્યા નથી એ વાત મને ધીરે ધીરે
સમજાવવા લાગી હતી.

એ જ ગાળામાં માઓની તબિયત ખરાબ થઈ. પાંચમી સપ્ટેમ્બરે એમને હાર્ટ એટેક આવ્યો.
આ પહેલાં એમને બે હાર્ટ એટેક આવી ચૂક્યા હતા. એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ
9મી સપ્ટેમ્બરે એમનું મૃત્યુ થયું. મને કલ્પના પણ નહોતી કે, એમણે પોતાના પછી એમનો
ગાદીવારસ નક્કી કરી રાખ્યો હતો. એમની પત્ની તરીકે હું એમની સ્મશાન યાત્રામાં આગળ હોવી
જોઈતી હતી, પરંતુ હુઆ ગુઓફેન્ગ, એમના સક્સેસર તરીકે, ગાદીવારસ તરીકે આગળ આવ્યો. એ
વખતે પાર્ટીમાં બે ભાગ પડી ગયા હતા. એક ઓર્થોડોક્સ એટલે કે જુનવાણી લોકો હતા અને બીજા
ફ્રી માર્કેટિયર્સ એટલે કે નવા જમાનાના અને જુદું વિચારનારા લોકો હતા. હુઆ ઓર્થોડોક્સ લોકોનો
પ્રતિનિધિ હતો જ્યારે ડેન્ગ ઝિયો પિંગ નવા લોકોનો પ્રતિનિધિ હતો. આ બંને વચ્ચેના ઘર્ષણમાં મારે
કંઈ કરવાનું રહ્યું નહીં. એ લોકો અંદરઅંદર લડતા રહ્યા અને અમારી ગેંગ ઓફ ફોર પાવરફૂલ થઈ
ગઈ.

માઓના મૃત્યુ પછી થોડા દિવસ તો મેં શોક પાડ્યો, પરંતુ હવે કમ્યુનિસ્ટ પાર્ટીને કોણ કંટ્રોલ
કરશે એ પ્રશ્ન જ હતો. હુઆ ભલે પાર્ટીનો ચેરમેન હોય, પરંતુ એની કોઈ પહોંચ નહોતી, કોઈ એનું
સાંભળતું નહોતું. કેટલાક લોકોએ ધીમે ધીમે વાત ફેલાવવા માંડી કે, ઝિયાન ક્વિંગ માઓના સૌથી
નિકટની વ્યક્તિ હતી, એને માઓના વિચાર અને વિઝનની બરાબર ખબર છે. કેટલાક લોકોએ
હુઆના મગજમાં નાખવા માંડ્યું કે એ ફસાય, ગૂંચવાય કે પરિસ્થિતિ ન સંભાળી શકે તો એણે મારી
સલાહ લેવી જોઈએ. જોકે, આ મારા જ માણસો હતા.

એ દિવસોમાં અમારી ગેંગ ઓફ ફોર ખૂબ પાવરફૂલ થઈ ગઈ. અમે ચાર જણાંએ મળીને
કમ્યુનિસ્ટ પાર્ટીને કંટ્રોલ કરવા માંડી. ઝેંગ ચૂનક્વિઆઓ, યાઓ વેનયુઆન, અને વાંગ હોંગવેન અને
હું… થોડો વખત તો આ જબરજસ્ત ચાલ્યું, પરંતુ 1976માં એક સાંજે અમને ચારેય જણાંને અલગ
અલગ સમયે કોઈ નોટિસ આપ્યા વગર અરેસ્ટ કરવામાં આવ્યા. આમ જુઓ તો મારા સુધી આ
અરેસ્ટની વાત આવી ગઈ હતી કારણ કે, હુઆ હવે મારું સાંભળતો નહોતો. એણે પોતાના વિચારો
બદલીને ફ્રી માર્કેટિયર્સની સાથે હાથ મિલાવી લીધો હતો અને નવા વિચારોના લોકો ચીનને નવી રીતે
ગોઠવવા માગતા હતા. એમને એમની સત્તા જોઈતી હતી, જેમાં સૌથી મોટો કાંટો હું હતી. હવે હુઆ
ગુઓફેન્ગે સ્વેચ્છાએ ચેરમેન પદ છોડીને ડેન્ગ ઝિયો પિંગને ચેરમેન બનાવ્યો. એને મારી સામે બહુ
જ મોટો વિરોધ હતો. અંદરખાનેથી એ માઓને પણ ધિક્કારતો હતો, પરંતુ માઓનું તો કંઈ કરી શક્યો
નહીં એટલે એણે મારી પર નિશાન તાક્યું.

1980માં અમારી ટ્રાયલ ચલાવવામાં આવી. જે આખા દેશમાં ટેલિવિઝન પર લાઈવ
ટેલિકાસ્ટ થઈ. ડેન્ગ ઝિયો પિંગ-આખા દેશને બતાવવા માગતો હતો કે, એ કેટલો શક્તિશાળી છે અને
એની સામે અવાજ ઉઠાવવાથી શું થશે? બે જણાંને ફાંસી આપવામાં આવી, જેમાંથી એક હું હતી.
બાકીના બે જણાંને આજીવન કારાવાસ થયો. મારી ફાંસીની સજાનો અમલ બે વર્ષ પછી કરવાનો
હતો કારણ કે, મારી પાસે ડેન્ગને ઘણી માહિતી કઢાવવાની હતી. 1981માં ફાંસીની સજા
સંભળાવવામાં આવી, પરંતુ માઓના વફાદાર જે થોડા ઘણા હજી મારી સાથે હતા, એમણે ડેન્ગ
ઝિયો પિંગને મારી ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવવા વિનંતી કરી.

આજીવન કારાવાસની સજા દરમિયાન 1990માં મને ગળાનું કેન્સર થયું અને 91માં મને
મેડિકલ ગ્રાઉન્ડ પર છોડી દેવામાં આવી. હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવી, પરંતુ 77 વર્ષની
ઉંમરે 14મી મેના દિવસે હોસ્પિટલના બાથરૂમમાં મારી લાશ મળી. હું છત પર લટકાવેલા દોરડા પર
ઝૂલતી હતી. સાથે એક સ્યુસાઈડ નોટ હતી જેમાં લખ્યું હતું, “આજે ક્રાંતિને ડેન્ગ જેવા વ્યક્તિ
દ્વારા ઝૂંટવી લેવામાં આવી છે, પરંતુ ક્રાંતિ ક્યારેય કોઈની થઈ નથી અને એને કોઈ પોતાની મુઠ્ઠીમાં
પકડી શકતું નથી. એ જલતી મશાલ છે, તું ભલે ચેરમેન બની જાય, પરંતુ પ્રતીક્ષા કરજે,
વિદ્યાર્થીઓની નવી પેઢી, નવા ક્રાંતિકારીઓને તૈયાર કરશે અને એ તને ખતમ કરવા ફરી ક્રાંતિ કરશે.”

મારા આ મૃત્યુને આત્મહત્યાનું નામ આપવામાં આવ્યું, પરંતુ હું જ જાણું છું કે, આમાં સત્ય
શું હતું? મૃત્યુ પછી પણ મને શાંતિથી દફનાવવાને બદલે પહેલાં શાંતુંગના મારા વિસ્તારમાં મને
દફનાવવામાં આવી, પરંતુ ભવિષ્યમાં કોઈ આ કબરને નુકસાન પહોંચાડશે એવા બહાના નીચે મારી
એ કબરને તોડીને એમાંથી મારા અસ્થિ બહાર કાઢીને બેઈજિંગની એક કોમન સેમેટ્રી (કબ્રસ્તાન)માં
દફનાવી દેવામાં આવ્યા.

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *