નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવી
સ્થળઃ મુંબઈ
સમયઃ ઓક્ટોબર, 2014
ઉંમરઃ 94 વર્ષ
રવીન્દ્રનાથ ટાગોરે મને ‘સિતારા’નું બિરુદ આપ્યું એ પછી મારા પિતા સિવાય ભાગ્યે
જ કોઈએ મને ‘ધનલક્ષ્મી’ કહીને બોલાવી હશે. આઠ વર્ષની ઉંમરે પહેલીવાર બનારસના કમછાગઢ
હાઇસ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેં નૃત્ય નાટિકા નિર્દેશિત કરી અને ડાન્સ પણ કર્યો જેનો સ્થાનિક
અખબારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. મારા નૃત્યના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. મારા પિતાને
ખૂબ આનંદ થયો, પરંતુ હજી એમને લાગતું હતું કે મારે ઘણું કામ કરવાનું છે…
એ જ ગાળામાં મને ફિલ્મની ઓફર આવી અને મેં ‘ઉષાહરણ’ ફિલ્મ માટે નિરંજન
શર્મા સાથે કામ કર્યું. સાચું પૂછો તો એ પછી જ મારી કારકિર્દીની શરૂઆત થઈ. 1930ના સમયમાં
સિનેમાના બે ભાગની વચ્ચે પંદર મિનિટનો ઈન્ટરવલ રહેતો. એ સમયે અખબારો કે ટેલિવિઝન
નહોતા, ફિલ્મના ઈન્ટરવલની વચ્ચેની પંદર મિનિટમાં નૃત્યકાર, કોમેડિયન કે બીજા અભિનેતાઓ
પોતાનો હુન્નર બતાવીને પ્રેક્ષકોની તાલીઓ ઉઘરાવતા. અમે મુંબઈ શિફ્ટ થયા પછી એક રીતે
પરિવારની આર્થિક જવાબદારી મારા ખભે આવી ગઈ એમ કહું તો ખોટું નથી. સિનેમાથી આવક
થતી, પરંતુ એ ત્રણ બહેનો, માતા-પિતાની સાથે સાથે અમારા કથક શિક્ષણ અને મુંબઈની
મોંઘવારીમાં સારી રીતે જીવવા માટે પૂરતું નહોતું. અગિયાર વર્ષની ઉંમરે મેં ઈન્ટરવલના સમયમાં
કથકના પરફોર્મન્સ આપવાની શરૂઆત કરી. મુંબઈમાં ધીરે ધીરે મારું નામ થવા લાગ્યું. એ એવો
સમય હતો જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે મોટેભાગે તવાયફ કે એવા પ્રકારના વ્યવસાય
સાથે જોડાયેલી સ્ત્રીઓને લાવવામાં આવતી. બનારસની પ્રસિધ્ધ ગાયિકા, જે પોતે પણ તવાયફ
ઘરાનામાંથી હતા. એમણે ધીમે ધીમે અનેક લોકોને સિનેમા માટે મારું નામ સૂચવવા માંડ્યું.
1940માં મારી પહેલી ફિલ્મ રિલિઝ થઈ એ પછી મેં લગભગ 23 ફિલ્મોમાં કામ કર્યું.
સિધ્ધેશ્વરી દેવી જેવી પ્રસિધ્ધ અને સન્માનનીય વ્યક્તિ મારું નામ સૂચવે એ મારે માટે
ગૌરવની વાત હતી, પરંતુ એમની સાથે સાથે સિનેમાની દુનિયાના અનેક લોકોએ મારા રાહબર કે
ગોડફાધર બનવાનો પ્રયાસ કર્યો. હું 16 વર્ષની હતી ત્યારે સઆદત હસન મન્ટો નામના એક પ્રસિધ્ધ
લેખક મારા નૃત્યના એવા તો આશિક થઈ ગયા કે રોજ અમારે ઘરે આવવા લાગ્યા. મેં મારા પિતાને
એ વિશે ફરિયાદ કરી, પરંતુ મારા પિતાએ એવું કહીને ટાળી દીધું કે, ‘ઘરે આવે તો શું વાંધો છે? બહુ
મોટા પત્રકાર છે. તારે વિશે લખશે તો તને પ્રસિધ્ધિ મળશે’. મને એમનું રોજરોજ આવવું પસંદ
નહોતું. ક્યારેક ફૂલ લાવતા તો ક્યારેક મિઠાઈ… મેં એ દિવસે એમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
અમારા ઘરમાં રહેલી જૂની તલવાર લઈ અને મેં કથકની પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું. મન્ટોની
આજુબાજુ એવી રીતે તલવાર ઘૂમાવી કે એ ડરી ગયા. એ પછી ક્યારેય એમણે અમારા ઘરે આવવાની
હિંમત નથી કરી.
ફિલ્મોનું કામ ચાલું હતું, પરંતુ મને એવું સમજાતું હતું કે, પૈસા કમાવા માટે હું મારા
શાસ્ત્રીય નૃત્યની અવગણના કરી રહી હતી. મારો મુખ્ય ઉદ્દેશ તો કથક જેવા નૃત્યને દેશ-વિદેશના
પ્લેટફોર્મ પર સન્માન અપાવવાનો હતો, પરંતુ હું એ નહોતી કરી રહી. મને લાગ્યું કે, ફિલ્મો મને
ક્યારેય મારા ઉદ્દેશ સુધી નહીં પહોંચવા દે. 1956માં મહેબૂબ ખાન ‘મધર ઈન્ડિયા’ બનાવી રહ્યા
હતા. હોલી નૃત્યનું શુટિંગ કર્યા પછી મેં નિર્ણય કર્યો કે, હવે હું ફિલ્મોમાં કામ નહીં કરું. મેં એક
મેનેજર રાખ્યા, જેમણે દેશ-વિદેશમાં મારા નૃત્યના કાર્યક્રમની પ્રસ્તુતિ માટે પ્રચાર કર્યો અને મને મારા
ઉદ્દેશ સુધી પહોંચવામાં મદદ કરી. રોયલ આલ્બર્ટ હોલ, ન્યૂયોર્કના કાર્નેજી હોલ અને એ સિવાય પણ
વિશ્વભરના ખ્યાતનામ ઓડિટોરિયમ અને સ્ટેડિયમમાં મેં નૃત્યની પ્રસ્તુતિ કરીને કથકને આંતરરાષ્ટ્રીય
ખ્યાતિ અપાવવાના મારા મૂળ હેતુ તરફ કાર્ય કરવા માંડ્યું.
કહેવાય છે કે, સફળ સ્ત્રીઓની અંગત જિંદગી ભાગ્યે જ સંતુષ્ટ અને સુખી હોય છે. હું
પણ એવી જ એક પ્રસિધ્ધ અને સફળ સ્ત્રી છું. ચાર-ચાર લગ્નો કર્યાં પછી પણ આજે એકલી છું.
ક્યારેક નવાઈ લાગે, કે મારા જીવનમાં મને સમજી અને સ્વીકારી શકે એવો કોઈ પુરુષ કેમ ન આવ્યો!
પુરુષો ઘણા આવ્યા, સંબંધો પણ બંધાયા અને તૂટ્યા, મને ચાહતા, મને પામવા માગતા પુરુષોની
ખોટ નહોતી, સામે પક્ષે મને પણ ગમી ગયા હોય, આકર્ષણ થયું હોય એવા પુરુષોની સંખ્યા ઓછી
નહીં, તેમ છતાં આજે વૃધ્ધાવસ્થાના સમયમાં હું એકલી છું.
મારા પહેલાં લગ્ન આઠ વર્ષની ઉંમરે કર્યાં, જે મેં જ તોડી નાખ્યા કારણ કે, હું ભણવા
માગતી હતી, જીવનમાં કશું બનવા માગતી હતી. રસોડા અને બાળકો જણવાની પ્રવૃત્તિ સિવાય પણ
મને મારી ઓળખ ઊભી કરવી હતી. 1956માં જ્યારે ‘મધર ઈન્ડિયા’ બનતી હતી ત્યારે હું
અભિનેતા નઝીર અહેમદ ખાનના પરિચયમાં આવી. અમારી દોસ્તી પાર્ટનરશિપમાંથી શરૂ થઈ.
નઝીર અહેમદ ખાન પાસે પોતાની ‘હિંદ પિક્ચર્સ પ્રોડક્શન’ નામની કંપની હતી. હું પણ સારી ફિલ્મો
બનાવા માગતી હતી. મેં એમની સાથે પાર્ટનરશિપ કરી. એ દોસ્તી એટલી બધી ગાઢ થઈ ગઈ કે,
પરિણિત હોવા છતાં નઝીર અહેમદ ખાને મારી સાથે લગ્ન કર્યા. એમના ધર્મમાં લગ્નની છૂટ હતી,
પરંતુ હું હિન્દુ હતી એ વાતે અનેક લોકોએ વિરોધ કર્યો એટલું જ નહીં, અખબારોમાં અને ફિલ્મ
જગતમાં પણ આ લગ્ન વિશે ખૂબ વિવાદ થયા. અંતે, નઝીરની શાંતિ અને પરિસ્થિતિને થાળે પાડવા
મેં ઈસ્લામ કબૂલ કરી લીધો. નઝીર સાથે લગ્ન કરવા માટે હું મુસ્લિમ તો બની ગઈ, પરંતુ થોડા જ
મહિનામાં અમને સમજાયું કે બિઝનેસની પાર્ટનરશિપ કદાચ સફળ થઈ શકે, પરંતુ અમે બંને
લગ્નજીવનમાં એકમેકની સાથે સારી પાર્ટનરશિપ નિભાવી શકીએ એમ નથી. હું ફરી પાછી મારા
માતા-પિતાને ત્યાં રહેવા ચાલી ગઈ. એ દરમિયાનમાં નઝીર અહેમદ ખાનના ભાણેજ કે. આસિફ
એક જબરજસ્ત મંજાયેલા ડિરેક્ટર તરીકે બહાર આવી રહ્યા હતા. નઝીર અહેમદ મારાથી 18 વર્ષ
મોટા હતા જ્યારે કરીમ (કે. આસિફ) મારી ઉંમરના હતા. એના મામા સાથેના મતભેદોની ચર્ચા હું
ક્યારેક કરીમ સાથે કરતી. ધીમે ધીમે અમે એકમેકના મિત્રો બન્યા. મને સ્ટુડિયોમાં કામ કરવાના પૈસા
મળતા નહીં કારણ કે, હવે તો હું પત્ની હતી! બીજી તરફ કરીમ પણ એના મામાની દાદાગીરી અને મા
સાથેના અપમાનજનક રવૈયાથી કંટાળ્યા હતા. અમારી દોસ્તીને કારણે નઝીર અહેમદ એટલા બધા
નારાજ થયા કે, એમણે કે. આસિફને ફિલ્મોથી, સ્ટુડિયોથી અને મારાથી દૂર રહેવાની ચેતવણી આપી.
એમણે દાદરમાં કે. આસિફને દરજીની દુકાન ખોલી આપી જેથી એ સ્ટુડિયોથી દૂર રહે, પરંતુ આ
જગતનો નિયમ છે કે જે કામની મનાઈ કરવામાં આવે, એ જ કામ કરવા માટે માણસનું મન એને
ઉશ્કેરે છે. કરીમ આસિફ સ્ટુડિયો આવતા બંધ થયા, પણ હું તો બહાર જઈ શકતી હતી ને! અમારી
દોસ્તી પ્રણયમાં અને અંતે લગ્નમાં પરિણમી. 1944માં નઝીર અહેમદ સાથે તલાક લઈને મેં કરીમ
આસિફ (કે. આસિફ) સાથે લગ્ન કરી લીધા હતા.
જોકે, આ લગ્ન બે જ વર્ષ ટક્યા. કરીમ અત્યંત લાગણીશીલ, પ્રેમાળ, બેહદ ઝહીન
(બુધ્ધિશાળી) અને એક સારા પતિ હતા, પરંતુ એમનો ઈશ્કિયા સ્વભાવ અને રંગીનમિજાજી મારાથી
સહન થતી નહીં. દર અઠવાડિયે દસ દિવસે હિરોઈન બનવા માગતી કોઈક છોકરી કે તવાયફ સાથે એ
મોડી રાત્રે એમની ઓફિસમાં કે કોઈ હોટેલના રૂમમાં મુલાકાત ગોઠવતા. નવાઈની વાત એ હતી કે,
આ બધી ખબર મને એના મામા નઝીર અહેમદ જ આપતા. મેં કે. આસિફ માટે નઝીર અહેમદને
છોડ્યા એ વાતનો એમને એટલો વસવસો હતો કે, એમણે મારા અને કે. આસિફના લગ્નને ટકવા
દીધા નહીં.
(ક્રમશઃ)