ભાગઃ 3 | એ રાજા હતા, પણ મનથી કોઈ વૈરાગી-સંત જેવા!

નામઃ રાજબા રોહાવાળા (રમા)
સ્થળઃ લાઠી, અમરેલી
સમયઃ 1910
ઉંમરઃ 44 વર્ષ

એક રાજરાણીનો ગર્વ શું હોય છે, એની એક સામાન્ય સ્ત્રીને સમજણ ન પડે… સ્વાભાવિક
છે! હું રોહાની રાજકુમારી. મારા લગ્ન માટે યોગ્ય મૂરતિયો મળતો નહોતો. એ એવો સમય હતો
જ્યારે કન્યા કે વરની ઉંમર ન જોવાતી, પરંતુ પારિવારિક સરખાઈ વધુ મહત્વની હતી. રોહાથી લાઠી
હું લગ્ન કરીને આવી ત્યારે મારી સાથે બીજી પત્ની પણ આવી. આનંદીને તો મેં ગમે તેમ કરીને
એમનાથી દૂર રાખી, પણ શોભના (મોંઘી)ને એમનાથી દૂર ન રાખી શકી.

એમના પિતાનું અવસાન તો સાવ બાલ્યકાળમાં થયું અને પછી માતાનું પણ અવસાન થયું.
એમનામાં એક વિચિત્ર વૈરાગ્ય અને એકલા રહેવાની વૃત્તિ હતી. એ સમયના રાજાઓ અને દરબારો
જેવા વિલાસી અને ઉચ્છૃંખલ તો જરાય નહીં. કોઈ મોટા ભાઈ કે બહેન પણ નહીં જે એનું ધ્યાન
રાખે, એટલે પુસ્તક જ એમના મિત્ર બન્યા. સાવ નાની ઉંમરે એમણે પુષ્કળ વાંચવાનું શરૂ કર્યું.

એ જ વખતે આંખની નબળાઈ એમની દુશ્મન બની. વિદેશી દાક્તરોને બતાવ્યું, પરંતુ આંખો
તદ્દન સારી થઈ જશે એવું કોઈ કહી શક્યું નહીં. એથી ઉલ્ટું એમને 1887થી આંખની નબળાઈને
કારણે તેમને વાંચવાની અને તડકો ખાવાની મના હતી. આંખ તપાસાવવા અવારનવાર તેઓ મુંબઈ
આવતા. આ રોગ જુવાની જામતાં નરમ પડ્યો, પરંતુ આખર સુધી તેમને આંખની સંભાળ રાખવી
પડતી તેમ દવા નાખવી પડતી. તેઓ ભરાઉ કાઠીના, સશક્ત અને કસરતી હતા. વ્યાયામ નિયમિત
કરતા છતાં લશ્કરી, શિકારી, ક્રિકેટર આદિ ન બનતાં બેઠાડુ પ્રકૃતિના બની ગયા તે આ નેત્રવ્યાધિથી.
તેઓ જન્મથી ઊર્મિલ હતા, તે આવા અકસ્માતથી મનનશીલ બન્યા.

શિક્ષક ત્રિભુવન જાની તેઓને રોજના પાઠ કરાવે. પછી બીજું વાંચે. સુરસિંહજી તે સમજી
યાદ કરી લે. ઉપરાંત મુસાહેબ રાણા રવાભાઈ, સરદારસિંહજી તેમના સહાધ્યાયી તેમને સમજાય તેવી
ચોપડી વાંચે. આમ વંચાતું સઘળું તેઓ વિચારે-વાગોળે. આ રીતે ઘણી ગુજરાતી ઉપરાંત અંગ્રેજી
ચોપડીઓથી તેઓ વાકેફ થયા. તેમની ગ્રહણશક્તિ વધી, ઝટ સારી થઈ. તેમના એક વાચક પંડ્યા
હરિશંકર કોલેજના પાઠ તૈયાર કરાવતા અને નવરાશના સમયે ‘ગુલાબસિંહ’ – તેનું મૂળ લિટનની
‘ઝેનોની’ નોવેલ અને ‘સુદર્શન’, ‘ચન્દ્ર’ વગેરે માસિકો વાંચતા.

મુંબઈ આવતા તો તે દરમ્યાન સુરસિંહજી મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવાની ઓળખાણ
શોધતા. એ પ્રમાણે તેમણે મણિલાલ નભુભાઈ, હરિ હર્ષદરાય ધ્રુવ, હરિપ્રસાદ દેસાઈ, શેઠ
આદમજીના પુત્રો વગેરેનો પરિચય સાધ્યો, તેમ પોતે નિખાલસ, હોંશીલા, જિજ્ઞાસુ, પરગજુ,
મોટાઈના અંશથી પર સ્વભાવવાળા હોઈને તેમણે એ સહુને પોતાની તરફ આકર્ષ્યા. આમ મનન,
વાર્તાલાપ, પ્રસંગપરંપરા, વાચનશોખ એ સહુ કારણે તેમનું મનનક્ષેત્ર અને ‘રસવર્તુળો’ વિકસ્યાં. આમ
બુધ્ધિવિકાસ થતાં અને મનનશક્તિ વૃધ્ધિ પામતાં તેમની દ્રષ્ટિ સમાલોચક અને પર્યેષક બની. તેમ
રાજકુમાર કોલેજનાં વર્ષોના અંતભાગમાં સુરસિંહજીને અંગ્રેજી-સંસ્કૃત કવિઓના અને
પ્રવાસપુસ્તકોના રસિયા નરહરિ રામકૃષ્ણ જોશી ટ્યૂટર મળી ગયા.

રાજકુમાર કોલેજમાં ભણતી વખતે એ મને થોડોક વખત પોતાની સાથે રહેવા પણ લઈ ગયા,
પરંતુ પછી તો મને પાછી મોકલી આપી. સાચું કહું તો મને લાઠીમાં જ વધુ ગમતું. અહીં મારી
રાજવટ અને ઠઠારો સચવાતો. મારી આસપાસ દાસીઓનું ટોળું રહેતું અને એની સાથે મને ઘણું
ગમતું ય ખરું. જોકે, એમને દાસ-દાસી કે ખવાસોનું બહુ શોખ નહીં. ઉલ્ટાના એ તો કહેતા કે, ‘હું તો
બાવો છું.’ કોલેજમાં એમણે પોતાના વિશે સાંભળેલી વાતો પરથી માની લીધેલું કે પોતે પોતાના
કાયદેસર માતા-પિતા લાઠીના પુત્ર નહોતા અને પોતાને કોઈકની પાસેથી લઈને ગાદીવારસ તરીકે
ગોઠવી દેવામાં આવ્યા હતા જોકે, આનો કોઈ પુરાવો કે દાખલો નથી તેમ છતાં એમના મનમાં ઘૂસી
ગયેલી આ વાતને હું ક્યારેય કાઢી શકી નહીં.

એમણે ભારતની મુસાફરી શરૂ કરી અને એ પછી એમના 18 વર્ષ પૂરાં થયા. ત્યાં સુધીમાં
લાઠીમાં પોલિટિકલ એજન્ટ નિમાઈ ચૂક્યો હતો. મેં બહુ પ્રયાસ કર્યો કે એમનો રાજ્યાભિષેક થાય,
પરંતુ એમણે ગાદી કે સત્તા મેળવવા માટે કોઈ દિવસ મહેનત કરી નહીં. બલ્કે એ તો કહેતા, ‘મારા
પ્રિય વાચન-લેખન વચ્ચે મારું નિત્ય જીવન ચાલે છે, રૈયતને કશું દુઃખ નથી. મારા હાથમાં સુકાન
મૂકાશે તો પણ હું આવું સારી રીતે સમાલી શકીશ એની મને ખાતરી નથી. ઉલ્ટાની રાજગાદીની
જવાબદારીઓ આવશે ત્યારે મારી કવિતા શક્તિની ખિલવણીમાં વિક્ષેપ આવશે…’ એજન્સીએ
જ્યારે એમને ગાદી સોંપી ત્યારે એજન્સીએ નિમેલા પારસી એદલજી કડાકાને એમણે કામદાર તરીકે
ચાલુ રાખ્યા. મને એ ન ગમ્યું. મારે તો એવો માણસ જોઈતો હતો જે મારું કહ્યું માને. રાજા તરીકે
ભલે એમને રસ ન હોય, પરંતુ મને તો રાણી તરીકે પૂરેપૂરો રસ હતો અને રાજખટપટની જવાબદારી
એ લે કે ન લે, હું તો રાજ અને રૈયતમાં પૂરેપૂરો રસ લેતી હતી. સાડા સાત મહિનામાં મેં રાજકાજમાં
એટલો બધો રસ લેવા માંડ્યો કે એદલજી કંટાળીને પાછા એજન્સીમાં જોડાઈ ગયા, જ્યારે મેં
ભાઈશ્રી તાત્યા સાહેબ ગિરધરદાસ મંગળદાસ દેસાઈ જેવા વ્યક્તિને કામદાર તરીકે નીમ્યા ત્યારે
એમણે કોઈ વિરોધ નહીં કરેલો.

એ વખતે મોંઘી 13 વર્ષની થઈ ગયેલી. મોંઘી સાથે પહેલાં તો પિતાતુલ્ય વર્તન હતું. નાની
નાની વસ્તુમાં એ મોંઘી પર આધારિત રહેતા. હાથ ધોવડાવ, ટુવાલ લાવ, ખાવાનું બનાવ કે બીજી
નાની-મોટી વસ્તુઓમાં એ વારેવારે મોંઘીને બોલાવતા, પરંતુ મને ક્યારેય એ વિશે વિચાર સુધ્ધાં ન
આવતો. શરૂઆતમાં વહેલા ઊઠીને ઘોડા પર ફરવા જતા. હું ન ઊઠી શકતી એટલે એકલા જ જતા.
મેં કોઈ દિવસ એ વિશે પ્રશ્નોત્તરી કરી નથી, પરંતુ મોંઘી એમની સાથે કે એમનાથી વહેલી ઊઠતી.
એમને માટે સવારના પહોરમાં ગરમ પાણી અને ચા તૈયાર કરતી. એ ઘોડેથી ફરીને આવે કે મોંઘી
દરવાજે આગળ ઊભી રહેતી. મને લાગતું કે એ દાસી ધર્મ નિભાવે છે, પરંતુ સમય સાથે સમજાયું કે
એ બંનેના સંબંધમાંથી પિતા-પુત્રી તો ક્યારના અદ્રશ્ય થઈ ગયા હતા. એ અને મોંઘી, ધીમે ધીમે
એકબીજા સાથે વાતો કરતાં થયા. ભણેલી મોંઘી એમની કવિતાઓ સાંભળતી થઈ, એમના પત્રો
આવતા થયા અને ક્યારે મોંઘી સામે પત્રો લખતી થઈ ગઈ એ વાતની મને તો ખબર જ ન રહી. અમે
રાજકોટ, મુંબઈ, માથેરાન, મહાબળેશ્વર કે ગોપનાથના પ્રવાસે સાથે જતાં. રાજા હોવાને કારણે
એમને જુદું રસોડું રાખવું જોઈએ, પણ એમણે કોઈ દિવસ પોતાનું જુદું રસોડું રાખેલું જ નહીં. મારું
રસોડું એ જ એમનું. હું રંધાવું એ જ એમનું ભોજન. જોકે, મારામાં એક રાજપૂતાણીની દ્રઢતા અને
એક મજબૂત વ્યક્તિત્વ હતું. હું કોઈ દિવસ એમની સાથે પ્રેમિકા કે પ્રિયતમા બની શકી નહીં, સાચું
પૂછો તો બનવા માગતી હતી, પરંતુ એમનાથી ઉંમરમાં મોટી હોવાને કારણે કે પછી મારા ઉછેર અને
રાજવી સ્વભાવ, જીવનશૈલીને કારણે હું એમને અનુકૂળ થઈ શકી નહીં, એ વાત મારે સ્વીકારવી
જોઈએ.

એની સામે એમણે મોંઘીને ભણાવવા માંડી. સ્વભાવે અતિ નરમ, સ્નેહાળ અને પ્રમાણમાં
રોતલ. મેં જાતે જ એને સુરસિંહજીની સેવામાં મૂકી. એ ફૂટતી જુવાનીમાં અને સુરસિંહજી કવિતાના
મદમાં. આજે વિચારું છું તો મને સમજાય છે કે, એ માત્ર શારીરિક આકર્ષણ નહીં હોય કારણ કે,
સુરસિંહજી શરીરથી કોઈ સ્ત્રી તરફ આકર્ષાય એવા તામસી કે કામી પુરુષ નહોતા. પહેલાં તો એમને
માત્ર દયા અને કાળજી હતા, પરંતુ મોટી થઈ રહેલી મોંઘીના લાવણ્યમાંથી, એના સૌંદર્યમાંથી ટપકતી
નિરંતર સમર્પણની ભાવનાથી એ હારી ગયા હશે એવું મને લાગે છે. એમને કદાચ શુધ્ધ પ્રેમ પ્રગટ્યો
હશે એ વાત હું નકારી નથી શકતી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *