નામઃ આશા પારેખ
સ્થળઃ જુહુ, મુંબઈ
સમયઃ 2024
ઉંમરઃ 81 વર્ષ
એક અભિનેત્રીના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવે છે. સફળતા-નિષ્ફળતા એના જીવનનો
હિસ્સો હોય છે અને એ સ્વીકાર્યા વગર કોઈ પાસે છુટકો નથી હોતો. જાહેરજીવન એક એવી
પરિસ્થિતિ છે જેમાં લોકો અનેક પ્રકારની વાતો કરે, આપણા વિશે કેટલીક ધારણાઓ બાંધી લે-જેને
આપણે બદલી શકતા નથી ને એમાંય 1960-70નો દાયકો ટેલિવિઝન કે સોશિયલ મીડિયાનો નહોતો
એટલે ફિલ્મી મેગેઝિનો જ હતા, જેમાં લોકો ફિલ્મસ્ટાર વિશે વાંચવાનું કે જાણવાનું પસંદ કરતા.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો રિવ્યૂ આખરી અભિપ્રાય ગણાતો. લોકો રિવ્યૂ વાંચીને ફિલ્મ જોવા જતા.
‘દિલ દે કે દેખો’ પછી મને ‘હમ હિન્દુસ્તાની’ની ઓફર આવી. સુનીલ દત્ત સાથેની એ ફિલ્મ
આઉટડોરમાં શૂટ કરવાની હતી. ઈગતપુરીના જંગલોમાં અમે ખૂબ મજા કરતાં, પણ ખાવાનું બિલકુલ
સારું નહોતું. એક દિવસ અમે ગાડી લઈને જંગલમાં ખાવાનું શોધવા નીકળ્યા. આખું યુનિટ ચિંતા
કરવા લાગ્યું અને સુનીલ દત્ત પોતે અમને શોધવા નીકળ્યા. દત્ત સાહેબ એકદમ ઓછું બોલનારા, ખૂબ
કાળજી કરનારા અને શરમાળ વ્યક્તિ હતા. એક દિવસ એમણે મને ધીમેથી કહ્યું, ‘તમારી મમ્મીની
હાજરીમાં તમને ભેટવું જરા ઓડ લાગે છે!’ એ પછી મેં અનેક ફિલ્મો કરી. ‘હમ હિન્દુસ્તાની’
દરમિયાન હું મદ્રાસ અને મુંબઈની વચ્ચે લગભગ અપડાઉન કરતી. ‘ઘૂંઘટ’, ‘ઘરાના’ જેવી ફિલ્મો મેં
સાઉથના પ્રોડક્શન માટે કરી. ભારત ભૂષણજી સાથે કામ કરતી વખતે એમણે મને કહ્યું કે, મારે
વાંચવાની ટેવ પાડવી જોઈએ. મેં સ્કૂલ અધૂરી છોડી અને કોલેજ તો કરી જ નહીં, એટલે ભારત
ભૂષણજીનો એવો આગ્રહ હતો કે મારે વાંચવાથી મારા અભિનય અને ભાષામાં સુધાર કરવો જોઈએ.
એમણે જે પુસ્તકો સજેસ્ટ કર્યા એ એટલા અઘરા અને મુશ્કેલ હતા કે મને કોઈ બહુ રસ પડ્યો નહીં!
એ દિવસોમાં મને ગુરૂ દત્ત સાથે ફિલ્મ કરવાનું આમંત્રણ મળ્યું. ફિલ્મ હતી ‘ભરોસા’. એમની
સાથે કામ કરવું એ મારું સપનું હતું, પણ જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે સમજાયું કે, એ ખૂબ ઓછું
બોલતા. એમની શૂટ પહેલાંની એક પ્રોસેસ હતી અને દરેક વખતે નાનામાં નાની ચીજમાં અત્યંત
પરફેક્શનિષ્ટ હતા. ઉદય શંકરના હાથ નીચે એમણે નૃત્યની તાલીમ લીધેલી. ખૂબ સારા ડાન્સર હતા
એ વાતની જાણ તો મને પછીથી થયેલી. એ ફિલ્મમાં એક ગીત હતું ‘યે ઝૂકે ઝૂકે નૈના’ જેના ડાન્સ
માટે અમે 12 દિવસ રિહર્સલ કરેલા. ગુરૂ દત્ત સાહેબને એટલી બધી સમજ હતી કે, એ ડિરેક્ટરને પણ
ક્યારેક કેમેરા કેવી રીતે મૂકવો એની સલાહ આપતા. જ્યારે અમે ‘ભરોસા’ શૂટ કરતા હતા ત્યારે
એમણે મને એક ફિલ્મની ઓફર આપેલી, પરંતુ મારી મમ્મીને લાગ્યું કે, એ રોલમાં થોડો
ખલનાયિકાનો પણ રંગ હતો. ફિલ્મની ના પાડવાને બદલે મમ્મીએ બે લાખ રૂપિયા માંગ્યા. ગુરૂ દત્ત
સાહેબે જાતે જ ના પાડી દીધી. એ પછી એમણે એક-બે હીરોઈનને પણ પૂછ્યું, પરંતુ સૌને લાગ્યું કે
એમાં વેમ્પનો શેડ હતો જેથી બધાએ જ ના પાડી અને ફિલ્મ ન બની શકી.
જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જે આપણને સપનાં જેવી લાગે. કદી ધાર્યું ન હોય
એવી કોઈ તક આપણા ખોળામાં આવીને પડે તો! એક દિવસ અમારા ઘરની લેન્ડલાઈન પર ફોન
આવ્યો. ઘેરા-ઘૂંટાયેલા અવાજમાં સામેથી સંભળાયું, ‘હું સત્યજીત રાય બોલું છું. તમને મારી એક
ફિલ્મમાં રોલ કરવો ગમે?’ મારે કશું કહેવાનું જ નહોતું, ‘હા’ પાડવા સિવાય. એમણે કહ્યું, ‘હું મુંબઈ
આવીશ ત્યારે તમને મળીશ.’ હું આતુરતાથી રાહ જોવા લાગી, પછી એક દિવસ એમનો ફોન આવ્યો,
‘હું મુંબઈમાં છું. સમય ઓછો છે, પણ મળી શકાય?’ હું એમને એક ફાઈવસ્ટાર હોટેલમાં મળવા
ગઈ. ત્યાં સુધી પહોંચતાંમાં તો મારા હૃદયની ધડકન અત્યંત તેજ થઈ ગઈ હતી. એમણે મને સ્ટોરી
સંભળાવી. મેં તરત જ હા પાડી, પરંતુ સત્યજીત રાયની એક રીત હતી. કામ કરવાની એક પધ્ધતિ
હતી. એમને એક મહિના માટે સળંગ તારીખો જોઈતી હતી જે મારે માટે એ સમયે શક્ય નહોતું.
મારા બાકીના નિર્માતાઓને હું શું જવાબ આપું? કેટલાકના સેટ લાગી ચૂક્યા હતા, કેટલાકનું કામ શરૂ
થઈ ચૂક્યું હતું. એ બધું રખડાવીને કલકત્તા જવાની મારી તૈયારી નહોતી. મેં ભારે હૃદયે એમને આ
વાત સમજાવી. એ પણ સમજ્યા. મારી આંખોમાં પાણી આવી ગયાં. એ વખતે એમની સાથે
પડાવેલો ફોટો હજી મારી પાસે છે, જે મારી ખૂબ પ્રિય સ્મૃતિ છે. બંગાળી દિગ્દર્શકો પ્રત્યે મને એક
આકર્ષણ રહ્યું છે, બંગાળી અભિનેતાઓ પણ મને ખૂબ ઈમ્પ્રેસ કરે છે. એમની અને મારી અભિનયની
સ્કૂલ અલગ છે, પણ મને હંમેશાં લાગ્યું છે કે, એમની પાસે એક અલગ સેન્સિટિવિટી-સંવેદના છે.
ઉત્તમ કુમાર સાથેની ફિલ્મ દરમિયાન મને એ જ અનુભવ થયો. એમની સાથે ફિલ્મ કરવાની ખૂબ
મજા પડી, પરંતુ ચાર-પાંચ દિવસના શૂટિંગ પછી બે પ્રોડ્યુસર્સ વચ્ચે ઝઘડો થયો. ફિલ્મ નહીં બને
એવું નક્કી થઈ ગયું. ભારે હૃદયે કલકત્તા પાછાં ફરતાં પહેલાં એમણે મને ફોન કરીને કહ્યું, ‘હું મુંબઈની
ફિલ્મી દુનિયાની સૌથી લકી હીરોઈન સાથે કામ ન કરી શક્યો! ફરી કોઈવાર પાછો ફરીશ!
એ પછી નાસિર હુસૈનની ફિલ્મ ‘જબરદસ્ત’ (1979)માં મને દિલીપ સાહેબની પત્નીનો
રોલ ઓફર કરવામાં આવ્યો. મેં તરત જ હા પાડી કારણ કે, દિલીપ સાહેબ સાથે કામ કરવું એ પણ
મારું સ્વપ્ન હતું જોકે, પછી મને ડ્રોપ કરવામાં આવી. મેં મુહૂર્ત શોર્ટનો ક્લેપ આપ્યો, પણ હું
ફિલ્મમાં નહોતી. નવાઈની વાત એ થઈ કે, પછી એ ફિલ્મ બની જ નહીં. દિલીપકુમાર સાથેની ફિલ્મ
1972માં ‘દાસ્તાન’માં પણ મને કાસ્ટ કરવાની વાત હતી, પરંતુ પછીથી એ રોલ બિંદુજી પાસે ચાલી
ગયો.
થોડા વખત પછી એક ઈન્ટરવ્યૂમાં પીટીઆઈના રિપોર્ટરે એક સ્ટોરી છાપી. જેમાં મેં નહોતું
કહ્યું તેમ છતાં, એમણે લખ્યું, ‘જે લોકો મને નથી ગમતા એમની સાથે હું કામ નથી કરતી.’ આ સ્ટોરી
ખૂબ ચગી કારણ કે, આ સ્ટેટમેન્ટ દિલીપ સાહેબ વિશે કરવામાં આવ્યું હતું એવું એમણે પ્રસ્થાપિત
કર્યું. સાયરાજી અને દિલીપ સા’બ બંને જણાંએ મને કહ્યું કે, એ આવા બધા સ્ટેટમેન્ટ પર ભરોસો
નથી કરતાં.
એવું જ રાજ કપૂરની બાબતમાં પણ થયું. એમની સાથે એક ફિલ્મ ‘ચોર મંડલી’ (1983)માં
મને કાસ્ટ કરવામાં આવી, પણ ફિલ્મ કદી રીલિઝ જ ન થઈ. ફિલ્મ બનવામાં એટલો બધો સમય
લાગ્યો કે, એ દિવસોમાં રાજ સા’બનો લૂક જ બદલાઈ ગયો. અડધી ફિલ્મમાં રાજ સા’બ જુદા
દેખાતા હતા અને અડધી ફિલ્મમાં એ જુદા દેખાતા હતા. ફિલ્મને ડબ્બામાં બંધ કરી દેવામાં આવી.
એ પછી આશા ભોંસલેના સેક્રેટરી બાબુભાઈએ અમિતાભ બચ્ચન સામે મને કાસ્ટ કરવાની ઓફર
આપી. મેં હા પાડી. એમણે ટોકનનો ચેક પણ આપી દીધો, પરંતુ ફોર્મલ કોન્ટ્રાક્ટ ઘણા દિવસો સુધી
આવ્યો નહીં. થોડા દિવસ પછી મારા આશ્ચર્ય વચ્ચે મેં ટ્રેડ પેપરમાં વાંચ્યું કે, એ ફિલ્મ અમિતજી,
શત્રુઘ્ન સિંહા અને વહીદા રહેમાન કરી રહ્યાં હતા. મને નવાઈ લાગી કે, બાબુભાઈએ કોઈ કારણસર
સૌને એવું કહ્યું કે, એ જ્યારે મને કાસ્ટ કરવા આવ્યા ત્યારે મેં ‘એટિટ્યૂડ’ બતાવ્યો! એકવાર વિચાર
આવ્યો કે, અમિતજીને ફોન કરીને સત્ય જણાવું, પણ પછી થયું કે એનો કોઈ અર્થ નથી. નવાઈની
વાત એ છે કે, એ ફિલ્મ પણ બની નહીં. મોગલ-એ-આઝમના દિગ્દર્શક કે. આસિફ પણ મારી પાસે
એક ફિલ્મની ઓફર લઈને આવ્યા. ફિલ્મનું નામ હતું, ‘સસ્તા ખૂન, મહેંગા પાની’. રાજેન્દ્ર કુમારને
એમણે સાઈન કરી લીધા હતા. એ જ્યારે મને કથા સંભળાવવા અને સાઈન કરાવવા આવ્યા ત્યારે
એમની અને મારી મમ્મી વચ્ચે નાનકડી દલીલ થઈ. એ દલીલ દરમિયાન મારી મમ્મીએ અચાનક
બોલી નાખ્યું, ‘પરવડેગા તો આશા યે પિક્ચર કરેગી.’
હું જાણું છું કે, મારી મમ્મી કે. આસિફનું અપમાન કરવા નહોતી માંગતી, પરંતુ એનાથી
બોલતા બોલાઈ ગયું અને આસિફ સાહેબે વાતને જરા વધુ ગંભીરતાથી લઈ લીધી. એમણે મારી
મમ્મીને કહ્યું, ‘હું ગુજરાતીઓ વચ્ચે મોટો થયો છું અને પરવડેગાનો અર્થ જાણું છું.’ એ ગુસ્સામાં
ત્યાંથી નીકળી ગયા. મારી માએ હંમેશાં મારા માટે સારું જ વિચાર્યું છે એટલે હું કોઈ દિવસ એને ન
ગમે એવું ન વર્તું. કદાચ, એણે જે કહ્યું એ બરોબર નહોતું તેમ છતાં એક ફિલ્મ માટે થઈને હું મારી
મમ્મીને ખોટું લાગે એવું ન જ વર્તું. એ પછી યશરાજની ઓફર આવી. એમના મોટાભાઈ બી.આર.
ચોપરા ‘વક્ત’ નામની ફિલ્મ બનાવતા હતા. જેમાં અનેક સ્ટાર્સ હતા. સ્વાભાવિક રીતે જ સાધનાજી
હીરોઈનના રોલમાં હતા. મને શશી કપૂરની સામે સેકન્ડ લીડનો રોલ ઓફર કરવામાં આવ્યો. લાંબુ
વિચારતાં મને સમજાયું કે, એ ફિલ્મમાં મારે કંઈ ખાસ કરવાનું નહોતું. મેં એ ફિલ્મ કરવાની ના પાડી.
પછી એ ફિલ્મ શર્મિલાજીએ કરી. એ પછી યશજી જ્યારે મને મળતા ત્યારે હંમેશાં મજાક કરતા, ‘તમે
તો મને ઠુકરાવી દીધો છે’ ને હું પણ સામે મજાક કરતી, ‘હજી ક્યાં મોડું થયું છે?’
સિનેમાની દુનિયા સતત ચઢાવ-ઉતારની દુનિયા છે. કોઈને હા પાડવી, કોઈને ના પાડવી,
ફિલ્મ સ્વીકારવી, ફિલ્મ નકારવી, ફિલ્મ સફળ થાય કે નિષ્ફળ જાય, આમાંથી કશુંય આપણા હાથમાં
નથી હોતું એવું હવે મને લાગે છે. દરેક સ્ક્રીપ્ટનું અને દરેક અભિનેતાનું એક ભાવિ હોય છે અને બધું
એ પ્રમાણે જ બનતું હોય છે.
(ક્રમશઃ)