ભાગઃ 4 | ડૉક્ટર થઈ, પણ સ્વયંને જ ન બચાવી શકી!

નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશી
સ્થળઃ કોલ્હાપુર
સમયઃ 1886
ઉંમરઃ 21 વર્ષ

ક્યારેક વિચારું તો મને સમજાય છે કે, મારી આસપાસની બધી સ્ત્રીઓની જિંદગી અત્યંત
પીડાદાયક હતી. રસોડા અને સુવાવડના ખાટલા વચ્ચે એમની જિંદગી પૂરી થઈ જતી જ્યારે હું
સ્ટીમરમાં બેસીને અમેરિકા જઈ રહી હતી! મારી જિંદગીના આ મહત્વના બદલાવ માટે હું
ગોપાળરાવ સિવાય કોનો આભાર માનું? પરંતુ, હું એમના પર ગુસ્સે હતી, મને મોકલી એ માટે
નહીં… એ સાથે ન આવ્યા એ માટે.

આમ તો કલકત્તામાં જ મારી તબિયત ખરાબ હતી. મને વારંવાર નબળાઈ, માથાનો દુઃખાવો
અને ક્યારેક તાવની ફરિયાદ રહેતી. અમેરિકાથી મારી દવાઓ મંગાવી, પરંતુ કોઈ ફરક ન પડ્યો.
દરમિયાનમાં ગોપાળરાવની બદલી સેરામપુર (પશ્ચિમ બંગાળ)માં થઈ. અમે બંને જણાં શેરામપુર
ગયા. ત્યાં મારી તબિયત થોડી સારી રહેવા લાગી, પરંતુ હું અમેરિકા જવા માટે તૈયાર નહોતી. મને
લાગતું હતું કે, આ તબિયતે હું એકલી અમેરિકા રહીને ભણી નહીં શકું, પરંતુ ગોપાળરાવની જીદ સામે
મારું કંઈ ન ચાલ્યું. સેરામપુરમાં વસતાં થોબોર્મ નામના એક યુગલે પેન્સ્લિવેનિયાની કોલેજમાં મારા
મેટ્રિકના પરિણામ સાથે એડમિશન અને સ્કોલરશિપની અરજી કરવામાં અમારી મદદ કરી.

એક તરફથી ગોપાળરાવ મને કોઈપણ રીતે અમેરિકા મોકલવાના સ્વપ્ન જોતા હતા તો બીજી
તરફ બ્રાહ્મણ સમાજમાં આ વાત ફેલાઈ ગઈ. બ્રાહ્મણો મારા અમેરિકા જવાનો અને મેડિકલના
શિક્ષણનો વિરોધ કરવા લાગ્યા. એ દિવસોમાં સેરામપુરના એક હોલમાં મને આમંત્રિત કરવામાં
આવી. મેં સ્ત્રી શિક્ષણ વિશે ભાષણ આપ્યું. એ ઓડિયન્સમાં ગોપાળરાવ પણ બેઠા હતા. બ્રાહ્મણ
સમાજના કેટલાક સમજદાર આગેવાનો આગળ આવ્યા અને એમણે પાછા ફરીને શુધ્ધિકરણ કરવાની
શર્તે મને અમેરિકા જવાની રજા આપી.

કલકત્તાથી સ્ટીમરમાં બેસીને હું પેન્સ્લિવેનિયા આવી. પહેલાં ન્યૂયોર્ક અને ન્યૂયોર્કના
થિયોડિસિયા કારપેન્ટર નામના સજ્જન સાથે પેન્સ્લિવેનિયાની વુમન મેડિકલ કોલેજમાં મને
એડમિશન મળ્યું. પેન્સ્લિવેનિયા આવ્યા પછી મને સમજાયું છે કે, એ મારી સાથે ન આવ્યા તે સારું
જ થયું, ત્યાં કૃષ્ણા અને આઈનું ધ્યાન કોણ રાખત? ને સૌથી મહત્વની વાત કે, અહીંયા તો મને એક
પળનો ય સમય રહેતો નથી. અડધો ટાઈમ અંગ્રેજી પુસ્તકો વાંચવામાં નીકળી જાય છે અને અડધો
સમય મારે હોસ્પિટલમાં જવું પડે છે. મેં આજે જ ગોપાળરાવને એક પત્ર લખ્યો છે એમાં મેં એમને
લખ્યું છે, ”પ્રિય ગોપાળરાવ, આજે શસ્ત્રક્રિયાનો પહેલો ક્લાસ થયો. એક વિદ્યાર્થિની અમારી સાથે
હતી એ બેભાન થઈને પડી ગઈ. શબ ચીરવું સહેલું નથી, પરંતુ હું તો સતત તમારું નામ લેતી હતી.
તમે જ મારા ઈશ્વર છો એવું મને હંમેશાં લાગે છે અને આજે મને સમજાયું કે, તમે મને અહીં મોકલી
છે એ પછી મારી પાસેથી તમારી શું અપેક્ષા છે. અહીંનું કામ સહેલું નથી, પણ હું તમને વચન આપું
છું કે, હું દાક્તરીની ડિગ્રી લીધા વિના પાછી નહીં ફરું. ચરણમાં વંદન. આનંદી. ”

સાચું પૂછો તો મને સહેજ પણ ફાવતું નહોતું. અહીંની આબોહવા મને જરાક પણ અનુકૂળ
નહોતી. સવારે 9થી 9 સતત ભણવાનું. એની વચ્ચે રાત્રે પાછા જઈને અમને જે ભણાવ્યું હોય તે ફરી
પાછું યાદ કરવાનું… વરસાદ, બરફ અને ઠંડીની ઋતુમાં પણ કોલેજ જવાનું. મારા અનેક પ્રોફેસર્સ
અને મારી સહઅધ્યાયોએ મને કહ્યું કે, મારે સાડી પહેરવાનું છોડી દેવું જોઈએ, પરંતુ કોણ જાણે કેમ
મારાથી સાડી છૂટતી નથી, એટલે હવે સાડી ઉપર ઓવરકોટ અને બૂટ મોજાં પહેરવાના શરૂ કર્યા છે
એનાથી ઠંડી શરીરમાં પ્રવેશતી અટકે છે. તકલીફ ઓછી પડે છે તેમ છતાં અહીંની આબોહવાએ મારી
તબિયત બગાડી નાખી છે. સતત ઉધરસ રહે છે. છાતીમાં કફ ભરાઈ ગયો છે. કેટલાક લોકો બ્રાન્ડી
પીવાની અને ચિકનનો સૂપ પીવાની સલાહ આપે છે, પરંતુ મારા બ્રાહ્મણત્વના સંસ્કાર મને એની
છૂટ નથી આપતા. હું મારી રીતે મારી દવાઓ કરું છું, પોતાનું ધ્યાન રાખવાનું પ્રયત્ન કરું છું, પરંતુ
કામ અને ખરાબ આબોહવાને કારણે તબિયતમાં સુધારો દેખાતો નથી. બીજી એક તકલીફ એ છે કે,
અહીં શાકાહારી ભોજનમાં બે-ત્રણ જ વસ્તુ મળે છે. બાફેલા શાકભાજી, ફ્રૂટ, દૂધ અને ક્યારેક ભાત
રાંધીને ખાઉં છું. મારા પ્રોફેસર કહે છે કે, અપૂરતા પોષણના કારણે મારી તબિયત બગડી છે, પરંતુ
પોષણના નામે ઈંડાં કે બ્રેડ ખાવાનું મને અનુકૂળ નથી આવતું. હું ભણવા આવી છું, મારું એક માત્ર
ધ્યેય ડૉક્ટર બનીને દેશ પાછા ફરવાનું છે…

મેં મહામહેનતે દોઢ વર્ષ પૂરું કર્યું. 11 માર્ચ, 1885ના દિવસે મને ડિગ્રી મળી. મારી
થિસિસનો વિષય હતો, ‘આર્યન હિન્દુઓ વચ્ચે પ્રસૂતિની પ્રક્રિયા’. મને ડિગ્રી મળ્યા પછી મહારાણી
વિક્ટોરિયાએ મને સંદેશો મોકલ્યો હતો જેમાં, એમણે લખ્યું હતું, ‘રિસ્પેક્ટેડ ડૉ. આનંદી જોશી.
તમારા આ પ્રથમ પગલાથી ભારતની અનેક સ્ત્રીઓને પ્રેરણા મળશે. તમે તમારા દેશ પાછા ફરીને
ભારતીય લોકોમાં શિક્ષણ, જ્ઞાન, સ્વચ્છતા અને સ્વસ્થતાનો સંદેશ ફેલાવશો એવો મને વિશ્વાસ છે.’

85થી 86 સુધી મેડિકલ કોલેજમાં ટ્રેનિંગ લઈને હું ભારત આવી. જે ભારતીય બ્રાહ્મણોએ
મારો બહિષ્કાર કર્યો હતો એમણે જ મારું સ્વાગત કર્યું, મારું સન્માન કરવામાં આવ્યું અને સૌએ મારા
મેડિકલના શિક્ષણ માટે મને અભિનંદન આપ્યા. કૃષ્ણા મોટો થઈ ગયો હતો. ગોપાળરાવ પણ હવે
પોતાની નોકરીમાં ખુશ હતા. બધું ગોઠવાયેલું અને શાંત હતું. કોલ્હાપુરની રિયાસત (રજવાડાં) દ્વારા
મને આલ્બર્ટ એડવર્ટ હોસ્પિટલમાં મહિલા વોર્ડમાં કામ મળી ગયું.

એકવાર મેડિકલમાં ભણ્યા પછી મને સમજાયું હતું કે, ભારતીય સ્ત્રીઓને કયા પ્રકારના પ્રશ્નો
હોય છે. પુરુષ દાક્તરને પોતાનું શરીર બતાવતા શરમાતી સ્ત્રીઓ કેટલીયે બિમારીનો ભોગ બનતી
હોય છે-એ બિમારી ધીમે ધીમે એમના શરીરને ખલાસ કરી નાખે તો પણ આ સ્ત્રીઓ ડૉક્ટર પાસેથી
ટ્રીટમેન્ટ લેવાનું ટાળે છે… મેં ડૉક્ટર તરીકે સૌથી પહેલા નાનાં નાનાં ગામોમાં જઈને મેડિકલ
અવેરનેસના કેમ્પ શરૂ કર્યા. માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા, પ્રસૂતિ દરમિયાનની કાળજી,
હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાનો આગ્રહ અને ધાત્રિ માતાને મળવા જોઈતા પોષણ વિશે સ્ત્રીઓને
જાગૃત કરવાનું શરૂ કર્યું. જોકે, આ બધા સમય દરમિયાન મારી તબિયત વધુ ને વધુ ખરાબ થતી હતી.

1886ના ડિસેમ્બરમાં મને ટીબીની બિમારી છે એવી જાણ થઈ. સંપૂર્ણ આરામ અને
ખોરાકમાં ખૂબ કાળજી લેવા છતાં પણ ટીબીની ગાંઠ મોટી થતી જતી હતી. અમેરિકાથી દવાઓ
મંગાવવામાં આવી, પરંતુ વિદેશી હોસ્પિટલમાં કઢાવેલા રિપોર્ટ જોઈને મારી પોતાની
હોસ્પિટલમાંથી મારા પોતાના પ્રોફેસર બ્રેમન મને સંદેશો મોકલ્યો, ”આનંદી તું પોતે એક ડૉક્ટર છે.
તારા રિપોર્ટ જોઈને તને સમજાયું જ હશે કે, પરિસ્થિતિ શું છે! તું એક એવા પડાવ પર પહોંચી છે
જ્યાંથી માત્ર ખૂબ ભાગ્યશાળી લોકો જ પાછા ફરી શકે છે. તેં તારું જીવન શિક્ષણ માટે ખર્ચી નાખ્યું,
પરંતુ એ જ શિક્ષણનો ઉપયોગ તું તારા દેશ અને દેશબાંધવો માટે કરી શકે એવી સ્થિતિ દેખાતી નથી.
તું હિંમતવાળી છે, ઈશ્વરનો નિર્ણય આખરી હોય છે એવું હું માનું છું. કોઈ ચમત્કાર થશે એવી આશા
સાથે મારા આશીર્વાદ.”

આનંદીના પ્રોફેસર બ્રેમનનો આ પત્ર અત્યંત સાચો અને વાસ્તવિક પૂરવાર થયો. મારી
તબિયત વધુ ને વધુ બગડવા લાગી, જ્યારે સુધારાની કોઈ આશા ન રહી ત્યારે મેં ગોપાળરાવને
બોલાવીને કહ્યું, ‘હું કદાચ નહીં બચું, પરંતુ તમે લગ્ન જરૂર કરી લેજો. બસ, તમારી પત્નીને આટલું
બધું ભણાવવાનો આગ્રહ નહીં રાખતા.’ ગોપાળરાવ મારો હાથ પકડીને રડી પડ્યા. એમણે કહ્યું, ‘હું
જીવનભર એવો ગર્વ રાખીશ કે, મારી પત્ની ભારતની પહેલી લેડી ડૉક્ટર હતી. તારું સ્થાન મારા
જીવનમાં અને આ દેશના ઈતિહાસમાં અમર થઈ ગયું છે.’

નોંધ 1: 26 ફેબ્રુઆરી, 1887ના દિવસે 22 વર્ષની ઉંમરે ડૉ. આનંદી જોશીનું મૃત્યુ થયું.
એમના અસ્થિને થિયોડિસિયા કારપેન્ટર પાસે મોકલવામાં આવ્યા, જ્યાં એમના પારિવારિક
કબ્રસ્તાનમાં એને મૂકવામાં આવ્યા અને એક શિલાલેખ લખવામાં આવ્યો, જેમાં લખ્યું હતું, ‘ડૉ.
આનંદી જોશી એક હિન્દુ બ્રાહ્મણ છોકરી હતી જે વિદેશમાં મેડિકલ શિક્ષણ પ્રાપ્ત કરનારી પહેલી
ભારતીય મહિલા હતી.’

નોંધ 2: 1887માં અમેરિકી નારીવાદી લેખક કેરોલિનવેલ્સ હિલિ ડેલે આનંદીબાઈનું
જીવનચરિત્ર લખ્યું. એ આનંદીબાઈની મિત્ર હતી, કંઈક અંશે પ્રશંસક પણ હતી. એણે લખેલા
પુસ્તકમાં ગોપાળરાવના કઠોર વ્યવહાર અને આનંદીબાઈ ઉપર એમણે કરેલા દુરાગ્રહના અત્યાચાર
વિશે પણ લખ્યું હતું, જેને કારણે ભારતમાં મોટો વિવાદ સર્જાયો.

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *