નામઃ મૃદુલા સારાભાઈ
સ્થળઃ 31 રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-21
સમયઃ 1974
ઉંમરઃ 62 વર્ષ
અંગ્રેજી ગવર્નેસ, ઈંગ્લેન્ડ અને મુંબઈનો નિવાસ, રિટ્રીટની મોન્ટેસોરી પધ્ધતિની સ્કૂલ વગેરેને
કારણે મારામાં એક જુદા જ પ્રકારની સમજ ઉમેરાઈ હતી. નાની ઉંમરે મેં ઘણી દુનિયા જોઈ લીધી.
1914માં પ્રથમ વિશ્વ યુધ્ધ શરૂ થયું અને 1915માં ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા
ત્યારે એમણે અમદાવાદને પોતાના નિવાસ તરીકે પસંદ કર્યું. પોતાની ભાષા બોલતા લોકો અને છતાં
વિશ્વ સાથેનો સંપર્ક જાળવી શકાય એ માટે અમદાવાદ સૌથી યોગ્ય સ્થળ હતું. 1915માં કોચરબ
આશ્રમની સ્થાપના થઈ અને અસ્પૃશ્યતા નિવારણના ભાગરૂપે ગાંધીજીએ કેટલાક હરિજન કુટુંબોને
ત્યાં વસાવવાનો નિર્ણય કર્યો. એ વખતે શેઠ મગનલાલે પોતાનો આર્થિક સહયોગ પાછો ખેંચવાની
ધમકી આપી. અંબાલાલ સારાભાઈ, એટલે મારા પિતા એ વખતે ગાંધીજીને મળવા પહોંચ્યા. એમને
જ્યારે આ માહિતી મળી ત્યારે એમણે 13 હજાર રૂપિયાની કરન્સી નોટો ગાંધીજીના હાથમાં આપી
અને આશ્રમ ચાલુ રાખવાની હિમાયત કરી. એમણે નિયમિત આશ્રમની મુલાકાત લેવાની શરૂ કરી
અને સાથે અમે સૌ પણ વારંવાર આશ્રમ જવા લાગ્યા. એ વખતે આશ્રમમાં મારી મુલાકાત ગાંધીજી
સહિત દેશના અનેક મોટા નેતાઓ સાથે થઈ, પરંતુ ગાંધીજીની સાદગી અને એમનું સત્ય, નિર્ભિકતા,
પ્રામાણિકતાએ મને ખૂબ આકર્ષી. મેં ગાંધીજીને સાથે સત્યાગ્રહમાં જોડાવવાનું નક્કી કર્યું.
એ પછીનો તમામ સમય આશ્રમમાં પસાર થવા લાગ્યો. ગાંધીજી સાથે કામ કરતાં કરતાં ડૉ.
રામકૃષ્ણ, વિવેકાનંદ, શ્રી અરવિંદો જેવા લોકોની મુલાકાત થઈ. 1942માં સુહૃદનું અવસાન થયું.
મારા પિતાએ જાણે જીવનથી સંન્યાસ લઈ લીધો. એ પોતાનું કામ કરતા, પરંતુ ધીરે ધીરે એમનો વધુને
વધુ રસ ફિલોસોફી અને રહસ્યવાદ તરફ વધવા લાગ્યો. એમનું વાંચન વિશાળ હતું. રિટ્રીટની
લાયબ્રેરીમાં ધીમે ધીમે એકત્ર કરેલા 50 હજાર જેટલા પુસ્તકો હતા. જવાહરલાલ નહેરુ, ગાંધીજી,
સી.આર. દાસ, સરોજિની નાયડુ, મહોમદ અલી, જિન્નાહ, અબ્દુલ કલામ આઝાદ, રવિન્દ્રનાથ
ટાગોર જેવા લોકોનો ઉતારો રિટ્રીટમાં રહેતો. ડૉ. રાધાકૃષ્ણનન, સી.વી. રમન, ભૂલાભાઈ દેસાઈ
અને જે. કૃષ્ણમૂર્તિ સહિત સ્વયં મેડમ મોન્ટેસોરી પણ અમારે ત્યાં પધાર્યા હતા. રિટ્રીટના નાનકડા
ઓડિટોરિયમમાં અનેક નાટકો અને સંગીતના કાર્યક્રમો થતા. દિલીપકુમાર રૉય, ઉદયશંકર, પૃથ્વીરાજ
કપૂર, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવા કલાકારોને અમે રિટ્રીટના ઓડિટોરિયમમાં માણ્યા છે.
આ બધાની સાથે સાથે ગાંધીવિચાર અમારા ઘરમાં સૌથી વધુ મારા પર અસર કરી રહ્યો હતો.
મારાં ત્રણેય ફોઈ અનસૂયા, નિર્મળા અને ઈન્દુમતીની મારા પર ઊંડી અસર હતી. મેં જે દિવસે મારા
પિતાને જણાવ્યું કે, હું સંપૂર્ણપણે ગાંધીજી સાથે કામ કરવા માગું છું અને સત્યાગ્રહની લડતમાં પૂરો
સમય આપવા માગું છું ત્યારે મારા પિતાએ કોઈ વિરોધ કર્યા વગર મને કહ્યું, ‘જે કરે તે પૂરો વિચાર કરીને
કરજે. સત્યાગ્રહના માર્ગ પર નીકળી પડ્યા પછી પાછા ફરવાનો વિચાર નહીં કરતી.’
1921માં જ્યારે પ્રિન્સ ઓફ વેલ ભારત આવ્યા ત્યારે કોંગ્રેસે એનો વિરોધ કરવાનું નક્કી કર્યું.
અમે સહુ સારાભાઈ બાળકોએ એ વિરોધના પ્રદર્શન રૂપે શેરી નાટકો કર્યા. એ નાટકનું લેખન અને
દિગ્દર્શન મેં કર્યું. બાપુએ એ નાટક જોયા પછી મારી પીઠ થાબડીને કહ્યું, ‘મુદી! તું તો સંતાયેલો હીરો
છે.’ 1921થી મેં ખાદી પહેરવાની શરૂઆત કરી ત્યારે હું 10 વર્ષની હતી. એ પછી આખી જિંદગી
ખાદીએ મને અને મેં ખાદીને છોડ્યાં નહીં.
1929માં જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે લાહોરની કોંગ્રેસ સભા થઈ ત્યારે ‘પૂર્ણ
સ્વરાજ’નો વિચાર મૂકવામાં આવ્યો. એમાં સિવિલ ડિસઓબિડિયન્સ-એટલે કે, નાગરિકો દ્વારા
અસહકારના આંદોલનની શરૂઆત કરવામાં આવી જેમાં વિદેશી વસ્ત્રોની હોળી, દારૂના પીઠા પર
પિકેટિંગની સાથે સાથે અંગ્રેજી કાયદાઓનો વિરોધ અને સત્યાગ્રહીઓને આશ્રય અને સહકાર
આપવાની એક જબરજસ્ત ચળવળ શરૂ થઈ. હું એમાં અગ્રેસર હતી. બાપુ મને વારંવાર કહેતા, ‘મુદી
તારું કામ બહેનોને જગાડવાનું છે.’ હું પણ મારી ઉંમરની અને મારાથી મોટી ઉંમરની સ્ત્રીઓને સત્યાગ્રહ
અને સ્વરાજના વિચારો સાથે જોડવાનો પ્રયાસ કરતી રહી. એ સમય એવો હતો જ્યારે સ્ત્રીઓ
પોતાનું ઘર છોડીને બહાર નીકળવામાં સંકોચ અનુભવતી. કેટલાક પરિવારોમાં સ્ત્રીઓને આવી કોઈ
છૂટ મળતી નહીં, જ્યારે હું અંબાલાલ સારાભાઈની દીકરી હતી. અમારા ઉછેરમાં દીકરા-દીકરીનો
ભેદ નહોતો. એટલે મને ભાગ્યે જ પુરુષો સાથે કામ કરતાં સંકોચ થતો. મોડી રાત સુધીની મિટિંગો કે
માત્ર પુરુષો સાથે પ્રવાસ કરવામાં મને કદીએ છોછ લાગતો નહીં. મારી સાથે કામ કરતી બીજી
સ્ત્રીઓને આ વાતની ખાસી નવાઈ લાગતી.
એકવાર અમે ગુજરાત કોલેજ પર પિકેટીંગ કરતા હતા. 1929માં, અમદાવાદની ગુજરાત
કોલેજના વિદ્યાર્થીઓએ ભારતમાં સાયમન કમિશનના આગમનના વિરોધમાં હડતાળનું આયોજન
કર્યું હતું. વિદ્યાર્થીઓએ કમિશનને ભારતીય બાબતોમાં બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર દ્વારા અન્યાયી
હસ્તક્ષેપ તરીકે જોયું. હડતાળમાં તેમની ભાગીદારીના પરિણામે, કેટલાક વિદ્યાર્થીઓ તેમની
પરીક્ષાઓમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા દંડ લાદવામાં આવ્યો
હતો.
મહાત્મા ગાંધીએ વિદ્યાર્થીઓને તેમની સફળ હડતાળ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે
બ્રિટિશ વહીવટની આકરી ટીકા કરી, તેને શેતાનના શાસન સાથે સરખાવી, અને સંસ્થાનવાદી
વહીવટને નાબૂદ કરવાની હિમાયત કરી. ગાંધીએ વિદ્યાર્થીઓની ક્રિયાઓને ટેકો આપ્યો અને વસાહતી
સરકારને તેમની હડતાળમાં દખલ કરવાથી દૂર રહેવા હાકલ કરી. જો કે, જેમ જેમ હડતાળ આગળ
વધતી ગઈ તેમ તેમ તેણે નકારાત્મક વળાંક લીધો જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ધરણાંમાં રોકાયા અને
અન્ય વિદ્યાર્થીઓને કોલેજ પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા. વહીવટીતંત્રએ નોટિસ આપી કે જે લોકો
હડતાલમાં જોડાશે એમને ચાલુ વર્ષે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. અમુક વિદ્યાર્થીઓ ડરીને
કોલેજમાં જવા માગતા હતા જ્યારે અમે સૌ એમને આંદોલનમાં જોડાવા માટે વિનંતી કરતા હતા.
વિદ્યાર્થીઓમાં ભંગાણ ન પડે અને સૌ સહકારથી આ આંદોલનમાં સાથે રહે એ માટે અમે પ્રયત્નશીલ
હતા. પ્રવેશ દ્વાર પર મોટું ટોળું જમા થયું હતું. પ્રાણજીવન પાઠક અમારા નેતા હતા. એ વખતે
ત્યાં પોલીસ ટુકડી આવી પહોંચી. વિદ્યાર્થીઓને અંદર પ્રવેશતા અટકાવનાર દરેક વ્યક્તિ માટે દંડા
તૈયાર હતા. થોડાક વિદ્યાર્થી ભાઈઓ અને થોડીક બહેનો હતી. એ વખતે સ્ત્રીઓ સંકોચ અને શરમનો
શિકાર હતી, પરંતુ અમારા પરિવારમાં તો આવું કંઈ થતું જ નહીં એટલે બિલકુલ નિઃસંકોચ મેં
બાજુમાં ઊભેલા વિદ્યાર્થી ભાઈનો હાથ પકડ્યો અને મારા પછી ત્રણ બહેનો છોડીને ઊભેલી
છોકરીને કહ્યું, ‘એનો હાથ પકડ…’ સૌને નવાઈ લાગી, પરંતુ મને નહીં કારણ કે અમારા ઘરમાં સ્ત્રી
અને પુરુષના ભેદ અમને કદી શીખવવામાં આવ્યા જ નહીં. સૌને સમાન તક, સમાન હક અને
સમાન સ્વતંત્રતા મળતી રહી, કદાચ એટલે જ હું આજે પૂર્ણ સંતોષ અને આત્મનિર્ભરતાનું જીવન
જીવી રહી છું.
દિલ્હીના આ ઘરમાં નજરકેદ છું તેમ છતાં, મને કોઈ ભય કે અફસોસ નથી. જે કોંગ્રેસ માટે
મેં મારું જીવન સમર્પી દીધું એ જ કોંગ્રેસના રાજકારણીઓ મારી આજે આ સ્થિતિ કરી છે. મને
એમને માટે કોઈ અણગમો કે તિરસ્કાર નથી, એટલું નક્કી છે કે, મહાત્મા ગાંધીએ આ દેશને સ્વતંત્રતા
તો અપાવી, પરંતુ એ સ્વતંત્રતાને પચાવી શકે એવા નેતા ‘બાપુ’ આ દેશને ન આપી શક્યા.
1930માં શરૂ થયેલું અસહકારનું આંદોલન પૂરું જોર પકડે તે પહેલાં 1933માં લડત બંધ
પડી. મહાત્મા ગાંધીની ધરપકડ સાથે દેશ થોડો ભયમાં મૂકાયો. હું પણ 30થી 40 દરમિયાન
અનેકવાર જેલમાં ગઈ. મારા પિતા દ્વારા સૂચના મળી, એથી જેલમાં મને એ ક્લાસનું ભોજન
આપવામાં આવ્યું, પરંતુ મેં જાતે જ સી ક્લાસનું ભોજન પસંદ કર્યું. જે ભયાનક ખરાબ અને અસહ્ય
હતું. તેમ છતાં, મારા સાથીદારો જે ખાય એ જ મારે ખાવું જોઈએ એવી મારી દ્રઢ માન્યતા હતી.
આવું ભોજન મેં કદી ખાધું નહોતું, એને કારણે હું જ્યારે માંદી પડી ત્યારે મને દૂધ પીવાની સ્લીપ
મળી. એ દિવસોમાં સરદાર પટેલના પુત્રી મણિબેન પણ અમારી સાથે હતા. મારી અને મણિબેનની
મિત્રતા ખૂબ ગાઢ બની અને લાંબી ચાલી.
સુહૃદના મૃત્યુ તિથિના પહેલા વર્ષે મેં મારા માતા-પિતાને એક પત્ર લખ્યો. જેમાં મેં એમને
લખ્યું હતું, ‘સુહૃદના મૃત્યુને સ્વીકારવાનો પ્રયાસ જ એના આત્માને શાંતિ આપી શકશે.’ આ પત્ર
જ્યારે મારા પિતાએ ગાંધીજીને વંચાવ્યો ત્યારે એમણે કહેલું, ‘આ છોકરી જુદી જ માટીની છે. દેશ
આઝાદ થયા પછી પણ એના માથે મોટી જવાબદારી આપતાં મને આનંદ થશે.’
(ક્રમશઃ)